You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં વરસાદ : રત્નાગિરિમાં ભારે વરસાદને કારણે ડૅમ તૂટ્યો, સાત લોકોનાં મૃત્યુ, 20 લાપતા
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બુધવારે રત્નાગિરિમાં તિવારે ડેમની દીવાલ તૂટી હતી, જેનાં કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 20 લાપતા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સાંજે સાડા આઠ વાગ્યા આજુબાજુ ડૅમ ઑવરફ્લો થયો હતો અને મોડી રાત્રે તેની દીવાલો તૂટી હતી.
સ્થાનિક પોલીસદળ તથા વહીવટીતંત્ર બચાવકાર્યમાં લાગી ગયું છે.
ભારે જળપ્રવાહને કારણે લગભગ 12 ઘર ગરકાવ થઈ ગયાં છે, એટલે રાજ્ય સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની મદદ માગી છે.
વરસાદને કારણે મુંબઈમાં રહેતા એક કરોડ 80 લાખ લોકોને પ્રત્યક્ષ રીતે અસર પહોંચી છે.
રાજ્યમાં અલગઅલગ સ્થળોએ દીવાલ ધસી પડવાને કારણે 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
મલાડમાં મરણાંક 23
મંગળવારે સવારે જ મુંબઈના મલાડ વિસ્તારમાં દીવાલ ધસી પડવાને કારણે 23 લોકોનાં મૃત્યુ અને 75 લોકો ઘાયલ થયાં હતાં.
આ સિવાય મુંબઈ નજીક કલ્યાણમાં પણ દીવાલ પડવાની ઘટનાને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘાયલોની મુલાકાત લીધી અને મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે, ભારે વરસાદને કારણે મલ્લાડ-ઇસ્ટમાં આવેલી સ્કૂલ પાસેથી દીવાલ તૂટી પડી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની (NDRF) ટુકડીને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે અને કાટમાળમાં જીવિત ફસાયેલી વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિક પોલીસ તથા ફાયર બ્રિગેડ NDRFને કામગીરીમાં મદદ કરી રહ્યા છે.
જોગેશ્વરી તથા કાંદિવલીના અલગઅલગ વિસ્તારમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.
ફાયર-બ્રિગેડ તથા પોલીસ પહોંચે તે પહેલાં દબાઈ ગયેલા કેટલાક લોકોને બહાર કાઢવામાં આડોશ-પાડોશના લોકોને સફળતા મળી હતી.
ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે મુંબઈ, નવી મુંબઈ, થાણે તથા આસપાસના પરા વિસ્તારમાં આવેલી જાહેર તથા ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે.
ભારે વરસાદને કારણે સોમવારે સાંજે સ્પાઇસ જેટનું એક વિમાન મુખ્ય રન-વેથી નીચે ઊતરી ગયું હતું, જેનાં કારણે વિમાન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
ઍરપૉર્ટના સત્તામંડળ દ્વારા વૈકલ્પિક રન-વેને શરૂ કરી દેવાયો છે અને આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી.
54 ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે 52ને રદ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી પાંચ ટ્રેન રદ કરી હોવાની માહિતી સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપી હતી.
પૂણેમાં છનાં મૃત્યુ
પૂણેમાં અંબેગાંવ પોલીસ સ્ટેશન નજીક ભારે વરસાદને કારણે એક દીવાલ તૂટી પડી હતી, જેથી છ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ત્રણ અન્યોને ઈજા પહોંચી છે.
શનિવારના રોજ પણ પૂણેના કોંડવામાં વરસાદને કારણે એક એપાર્ટમૅન્ટની દીવાલ તૂટી પડી હતી, જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
NDRFની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે તારીખ 29મી જૂને પૂણેના કોંધવા વિસ્તારમાં એક મસ્જિદ પાસે દીવાલ તૂટી પડી હતી, જેમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો