ગાંધીજીની બીયરની બૉટલ પર ટી-શર્ટમાં તસવીર દોરનાર કલાકાર કોણ છે અને શું છે વિવાદ?

    • લેેખક, મેહુલ મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં જ બ્લૅક ગૉગ્લ્સ અને ટી-શર્ટ પહેરેલા ગાંધીજીનું ચિત્ર બીયરની બૉટલ પર જોવા મળતા વિવાદ સર્જાયો છે.

દારૂબંધીના પ્રખર હિમાયતી ગાંધીજીનું ચિત્ર ઇઝરાયલની કંપનીની બીયરની બૉટલ પર જોવા મળતા ભારતમાં તે ચર્ચાનો વિષય બન્યું છે.

ભારતીય મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર કેરળ સ્થિત મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશનના ચૅરમૅન એબી જે. જોશે આ મામલે ફરિયાદ કરી છે.

તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને આ મામલે પગલાં લેવાની માગ કરી છે અને કહ્યું છે કે આ મહાત્મા ગાંધીનું અપમાન છે.

તેમનું કહેવું છે કે તેમના માટે ઇઝરાયલના તાફેન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી માકા બ્રેવરી કંપની સામે પગલાં લેવાવાં જોઈએ. આ ઉપરાંત તેમણે ચિત્રકાર અને એક વેબસાઇટ સામે પણ પગલાં લેવાની વાત કરી છે.

જોકે, બીયરની બૉટલ પર ગાંધીજીની તસવીરનો વિવાદ આવ્યો ક્યાંથી? કોણે આ ચિત્ર દોર્યું અને કેમ દોર્યું આ સવાલો ઊભા થયા છે.

ગાંધીજીની ટી-શર્ટમાં તસવીર દોરનાર કલાકાર કોણ છે?

અમિત શિમોની નામના કલાકારે ઇઝરાયલની કંપનીના બીયરની બૉટલ પર ગાંધીજીનું આવું ચિત્ર દોર્યું હતું.

અમિત શિમોની ઇઝરાયલના જ રહેવાસી છે અને દુનિયાભરની ખ્યાતનામ વ્યક્તિઓનાં ચિત્રો દોરવાનો એક હિપસ્ટોરી નામનો પ્રોજેક્ટ ચલાવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શિમોનીએ કહ્યું કે તેઓ વિશ્વના ઇતિહાસમાં નોંધપાત્ર કાર્ય કરી ગયેલી હસ્તીઓનાં ચિત્રો આજના સંદર્ભે કલ્પીને દોરે છે.

તેમણે કહ્યું, "આ હિપસ્ટોરી નામનો પ્રોજેક્ટ મારો છે અને આવું કરવા પાછળનો હેતુ આજની યુવા પેઢીને મહાન લોકો અને તેમની વિચારધારા પ્રત્યે આકર્ષિત કરવાનો છે."

અમિત શિમોની ત્રણ વખત ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે અને તેમના કહેવા મુજબ તેઓ ગાંધીજી પ્રત્યે માન ધરાવે છે.

શિમોનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ગાંધીજીનું ચિત્ર તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું.

તેમના માનવા પ્રમાણે ગાંધીજીને તેમણે માર્ટિન લ્યૂથર કિંગ અને આલ્બર્ટ આઇનસ્ટાઇનની હરોળમાં રજૂ કર્યા હતા.

બીયરની બૉટલ પર આ ચિત્ર કેવી રીતે આવ્યું?

અમિત શિમોનીનું હિપસ્ટોરી પ્રોજેક્ટને લઈને ઇઝરાયલની બીયર બનાવતી કંપની માકા બ્રેવરી સાથે જોડાણ થયું હતું.

મે મહિનાની 14મી તારીખ ઇઝરાયલનો સ્વતંત્રતા દિવસ છે. આ જ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીના સંદર્ભે શિમોનીએ ઇઝરાયલની આ કંપની માટે વિશ્વના મહાન નેતાઓનાં ચિત્રો દોર્યાં હતાં.

શિમોનીના કહેવા મુજબ માકા બ્રેવરી પાસે ભારતીય શૈલીનો એક બીયર હતો અને તેના માટે કંપનીએ ગાંધીજીના ચિત્રની વિનંતી કરી હતી.

તેમના કહેવા મુજબ આવું કરવું અપમાનજનક કે અપરાધપૂર્ણ હોઈ શકે તે વિચાર્યા વિના તેમણે આ ચિત્ર દોરી આપ્યું હતું.

જ્યારે શિમોનીને એવું પૂછવામાં આવ્યું કે તમે દારૂનિષેધના વિચારો વિશે જાણો છો? આ સવાલનો જવાબ તેમણે આપ્યો ન હતો.

જોકે, તેમણે કહ્યું કે તેઓ ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતની સંસ્કૃતિ અને ગાંધીજીની પરંપરા વિશે તેમને માન છે.

તેમણે કહ્યું કે મારી ભૂલને લીધે જો કોઈને દુખ થયું હોય તો હું એમની માફી માગુ છું.

અમિત શિમોનીના કહેવા મુજબ માકા બ્રેવરી કંપનીમાં ગાંધીજીના ચિત્રવાળો બીયર બનતો નથી.

ટિકટૉકના એક વીડિયોથી આ વાત બહાર આવી

ગાંધીજીનું ચિત્ર ધરાવતી બીયરની બૉટલની વાત ભારતમાં ટિકટૉકના માધ્યમથી આવી હતી.

કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશનના ચૅરમૅન એબી જે. જોસને તેમના મિત્રે ઇઝરાયલમાં રહેતા એક દક્ષિણ ભારતીયનો વીડિયો મોકલ્યો હતો.

બીયર શોપમાં બનેલા એ વીડિયોમાં એમણે ગાંધીજીના ચિત્રવાળી બૉટલ રજૂ કરી હતી.

વીડિયો બનાવનાર મનુસ્સોન નામની વ્યક્તિએ બીયર જોઈ આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને લોકોને આ મામલે અપીલ કરી હતી.

વીડિયોને આધારે એબી જે. જોસે ગૂગલ સર્ચ પરથી તસવીરનું મૂળ અને કલાકારને પણ શોધી કાઢ્યા હતા.

જે બાદ તેમણે આ અંગે પગલાં લેવા માટે નરેન્દ્ર મોદીથી લઈને ઇઝરાયલના વડા પ્રધાન, ઇઝરાયલ દુતાવાસ, ઇઝરાયલ સ્થિત ભારતીય દુતાવાસ એમ તમામ સ્તરે અરજીઓ કરી હતી.

બીયર પર ગાંધીજીનું આવું ચિત્ર છાપનારી માકા બ્રેવરી કંપની સાથે ઇમેલ અને ફોનથી સંપર્ક કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો છે પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી શું કહે છે?

બીબીસીએ બીયરની બૉટલ પર ગાંધીજીની આવી તસવીર અંગે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી સાથે વાત કરી હતી.

તુષારભાઈ કહે છે કે આ એક વિકૃત માર્કેટિંગ છે કેમ કે હવે કૃપ્રસિદ્ધિ પણ પ્રસિદ્ધિ ગણાય છે.

જોકે, વિવાદ ફક્ત બીયરની બોટલ જ નથી. બ્લૅક ગૉગલ્સ અને ટી-શર્ટવાળુ ગાંધીજીની ચિત્ર પણ છે.

આ ચિત્ર પાછળનો હેતુ યુવાનોને આકર્ષિત કરવાનો હોઈ શકે એ વાત સાથે તુષાર ગાંધી સહમત થતા નથી.

તેઓ કહે છે, "એ દલીલ માનીએ તો કાલે કોઈ યુવાનોને આકર્ષિત કરવા માટે ગાંધીજીને ડિસ્કોમાં ડાન્સ કરતા પણ બતાવી શકે. એ યોગ્ય ન ગણાય."

"ગાંધીજીને યુવાનો માટે આ રીતે રજૂ કરવાની જરૂર નથી. એમની વિચારધારાથી સાવ વિરુદ્ધ કેવી રીતે દર્શાવી શકાય?"

"આજે કોઈ બીયર બનાવે છે તો કાલે કોઈ બાપુના નામની બંદૂક પણ બનાવી શકે... બાપુના સંસ્કાર નહીં તો બાપુની બંદૂક લઈને ફરો. આ યોગ્ય નથી."

'ગાંધીનું આ ચિત્ર જોઈ કોઈ આશ્ચર્ય નથી થતું'

ગાંધીવિચારથી પ્રભાવિત જાણીતા રાજકીય વિશ્લેષક હેમંતકુમાર શાહ કહે છે કે ગાંધીજી પહેલાં બાળપણથી માતાની શિખામણને કારણે અને પછી પોતાની સમજણથી દારૂબંધીના હિમાયતી હતા.

દારૂબંધી અને પિકેટિંગ કેવી રીતે આઝાદીના આંદોલનનો હિસ્સો હતાં તે સમજાવી પ્રોફેસર શાહ ઉમેરે છે બીયરની બાટલી પર ગાંધીજીની તસવીર મુકાતી હોય તો ગુજરાત સરકારે અને ભારત સરકારે એનો સત્તાવાર આકરો વિરોધ કરવો જોઈએ.

બીયરની બૉટલ પર ગાંધીજીની તસવીરના વિવાદને લઈને કવિ ઉમેશ સોલંકી કહે છે કે આ જોઈને આશ્ચર્ય નથી થતું કેમ કે ગાંધીને બગાડવામાં કોઈએ પાછી પાની નથી કરી અને એને બગાડવાની શરૂઆત અહીંથી જ થઈ છે, ત્યારે કાલે ઊઠીને કોઈ ગાંધીને જૂદી રીતે પણ રજૂ કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો