You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Pak Vs AFG : પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મૅચમાં પ્રેક્ષકો કેમ બાખડ્યા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શનિવારે લિડ્સના મેદાન ખાતે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન વચ્ચે આયોજિત મૅચમાં બંને દેશના ક્રિકેટ ફેન્સની વચ્ચે અથડામણ થઈ હતી.
જે રીતે ભારત સામેની પાકિસ્તાનની મૅચમાં ફેન્સ હાઈ-વૉલ્ટેજ હોય છે, તેવી જ રીતે અફઘાનિસ્તાન સામેની મૅચને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે.
અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરને અંતે નવ વિકેટે 227 રનનો જુમલો ખડક્યો હતો, જે વર્લ્ડ કપમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો જુમલો છે.
આ પહેલાં આ મેદાન ઉપર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ મુકાબલો થયો હતો, જેમાં ભારતે 224 રન ફટાકર્યા હતા અને છેક છેલ્લી ઓવર સુધી ભારતે વિજય માટે પરસેવો પાડવો પડ્યો હતો.
'શા માટે મારામારી?'
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, કેટલાક પ્રેક્ષકોએ 'જસ્ટિસ ફૉર બલૂચિસ્તાન'ના બેનર સાથેનું વિમાન જોયું હતું, જેના કારણે બંને દેશના ફેન્સ વચ્ચે અથડામણ થઈ હતી.
આઈસીસીના નિયમો પ્રમાણે, ક્રિકેટ મૅચ દરમિયાન રાજકીય સંદેશને ફેલાવી ન શકાય, એટલે આ કૃત્ય ગેરકાયદેસર હતું અને તેના વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.
ક્રિકેટના સમાચાર માટેની વેબસાઇટ espncricinfo.comના અહેવાલ પ્રમાણે કેટલાક પ્રેક્ષકોને મેદાનમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતા.
મેદાન પરથી બીબીસીની ટીમના જણાવ્યા પ્રમાણે, વાતાવરણમાં શાંતિ પ્રવર્તમાન છે. સામાન્ય રીતે પાકિસ્તાનની ટીમ મેદાન ઉપર આ પ્રકારનો નજારો અસામાન્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડ્રમ તથા અન્ય પ્રકારના અવાજ વધારે સંભળાઈ રહ્યા નથી. મૅચની શરૂઆત સમયે આ નજારો અલગ જ હતો અને દરેક દડે તથા અપીલ ઉપર અવાજ સાંભળવા માગતો હતો, પરંતુ અફઘાનિસ્તાનની મક્કમ બેટિંગને કારણે આ જોશમાં ઓટ આવી હતી.
વેસ્ટ ઇન્ડીઝના કૉમેન્ટેટર ફૈઝર મોહમ્મદના કહેવા પ્રમાણે, "બંને દેશો પુષ્કળ સિક્યૉરિટી ગોઠવવામાં આવે તો પણ તેમના દેશમાં ક્રિકેટ રમી શકે તેમ નથી."
"ત્યારે આ પ્રકારની અથડામણ અંગે જાણીને દુખ થાય છે."
'અમને ખબર છે'
પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના ક્રિકેટ ફેન્સ વચ્ચેની જૂથ અથડામણ અંગે આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના પ્રવક્તાએ બીબીસીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું :
"અમુક દર્શકો વચ્ચે સામાન્ય અથડામણ થઈ હોવાનું અમારી જાણમાં આવ્યું છે. અમે સ્ટેડિયમની સિક્યૉરિટી ટીમ સાથે મળીને આ દિશામાં કામ કરી રહ્યા છીએ."
"પશ્ચિમ યૉર્કશાયરની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ છે, જેથી કરીને અથડામણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે."
"અમે આ પ્રકારની વર્તણૂકને વખોડીએ છીએ. મોટાભાગના પ્રેક્ષકોનાં રંગમાં ભંગ પાડે તેવા અસામાજિક વર્તન સામે અમે યોગ્ય કાર્યવાહી કરીશું, જેથી કરીને ખેલની મજા બગડે નહીં."
પાકિસ્તાન સામે માનવાધિકારનો મુદ્દો
પાકિસ્તાનમાં માનવાધિકારના મુદ્દાને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે વર્લ્ડ બલૂચ ઑર્ગેનાઇઝેશન તથા બલૂચ રિપબ્લિકન પાર્ટીના માનવાધિકાર કાર્યકર્તાઓએ અભિયાન હાથ ધર્યું હતું.
બર્મિંગહામ તથા તેની આજુબાજુના અનેક બિલબૉર્ડ્સ લાગી ગયા છે, જેમાં 'પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અપહરણોનો અંત આણવામાં અમને મદદ કરો'નો સંદેશ મૂકવામાં આવ્યો છે.
અગાઉ પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ દરમિયાન પણ બલૂચોએ તેમની ઉપર થઈ રહેલા અત્યાચારો તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાન અને તેની સેનાએ બલૂચિસ્તાનમાં માનવાધિકારભંગ તથા અત્યાચારના અહેવાલોને હંમેશા નકાર્યા છે અને બલૂચ આંદોલન પાછળ ભારતનો હાથ હોવાનો દાવો કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો