એ રાજનેતા જે વડા પ્રધાન હોવા છતાં ખેતરમાં જતા હતા

ઇમેજ સ્રોત, chandrashekhar family
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
એક ડિસેમ્બર 1989નો દિવસ. સંસદના સૅન્ટ્રલ હૉલના મંચ પર બેઠેલા મધુ દંડવતે જનતા દળના સંસદીય દળના નેતાની ચૂંટણી કરાવી રહ્યા હતા.
ત્યારે હાજર લોકોને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે વડા પ્રધાનપદના દાવેદાર વિશ્વનાથ પ્રતાપ સિંહે દેવીલાલના નામનો પ્રસ્તાવ મૂક્યો.
પોતાની ખુશી છૂપાવી ન શકતા ચંદ્રશેખરે તુરંત પોતાનું સમર્થન આપ્યું. દંડવતેએ દેવી લાલને જનતા દળ સંસદીય દળના નેતા ઘોષિત કરી દીધા. આખો સૅન્ટ્રલ હૉલ સન્નાટામાં ડૂબી ગયો.
બહાર હોબાળો મચી ગયો. બધી સમાચાર એજન્સીઓએ દુનિયાના દરેક ખૂણામાં સમાચાર ફ્લૅશ કરી દીધા કે દેવી લાલ દુનિયાના સૌથી મોટા પ્રજાતંત્રના આગામી વડા પ્રધાન હશે.
પરંતુ ચાર મિનિટ બાદ સમાચાર એજન્સીઓ તરફથી વધુ એક સંદેશ ફ્લૅશ થયો, 'કિલ, કિલ, કિલ, અર્લિયર સ્ટોરી.'
બન્યું એ કે પોતાના છ ફીટના કદ સાથે દેવી લાલ ઊભા થયા.

દેવીલાલે અચાનક વી. પી. સિંહને સમર્થન આપ્યું

ઇમેજ સ્રોત, chandrashekhar family
તેમણે પોતાનું સમર્થન આપવા માટે વી. પી. સિંહનો આભાર માન્યો અને પછી બોલ્યા, "ચૂંટણીપરિણામ રાજીવ ગાંધીની સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈનું પરિણામ છે અને તેના સૌથી વધારે પેરવી કરનાર વી. પી. સિંહ છે. હરિયાણામાં જ્યાં લોકો મને 'તાઉ' કહીને બોલાવે છે, હું ત્યાં 'તાઉ' બનીને જ રહેવા માગું છું."
લોકો પોતાનો શ્વાસ રોકીને એ સાંભળી રહ્યા હતા કે તેમણે અચાનક ઘોષણા કરી કે તેઓ આ પદ માટે વી. પી. સિંહના નામનો પ્રસ્તાવ મૂકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજુ દેવીલાલે બોલવાનું બંધ પણ કર્યું ન હતું કે અજિત સિંહે બૂમ પાડીને તેમને સમર્થન આપી દીધું.
થોડી સેકન્ડ બાદ ઉપસ્થિત લોકોના ભારે ઘોંઘાટ વચ્ચે દંડવતેએ સિંહને નેતા ઘોષિત કરી દીધા.
એ બેઠકમાં ઇંદિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના પ્રમુખ અને જાણીતા પત્રકાર રામ બહાદુર રાય પણ હાજર હતા.
રામ બહાદુર રાય યાદ કરે છે, "સંયોગથી એ દિવસે હું પણ કુર્તો અને પાયજામો પહેરીને આવ્યો હતો."
"પત્રકારોને એ બેઠકમાં સામેલ થવાની પરવાનગી નહોતી પરંતુ વૉચ ઍન્ડ વર્ડવાળા લોકોએ મારો પોશાક જોઈને સમજ્યું કે હું પણ જનતા દળનો નવો ચૂંટાયેલો સાંસદ છું. માટે મને અંદર જવા દીધો."

વી. પી. સિંહના ચૂંટાવવાથી નારાજ હતા ચંદ્રશેખર

ઇમેજ સ્રોત, chandrashekhar family
રાયે જણાવ્યું, "સારી વ્યૂહરચના અરુણ નહેરુની હતી. જ્યારે વી. પી. સિંહના નામની ઘોષણા થઈ તો ચંદ્રશેખરનો ચહેરો પડી ગયો હતો. જ્યારે તેઓ બહાર નીકળ્યા તો તેમના ચહેરા પર ખૂબ ગુસ્સો હતો. તેમણે કહ્યું કે અમારી સાથે દગો થયો છે."
બાદ ચંદ્રશેખરે પોતાની આત્મકથા 'જિંદગી કા કારવાં'માં લખ્યું, "મેં તે જ સમયે કહ્યું કે આ ખોટું છે. હું તેને નથી માનતો."
"બાદમાં બીજુ પટનાયક અને દેવીલાલ બન્ને મારી પાસે આવ્યા અને બોલ્યા, તમે નાયબ વડા પ્રધાન બની જાઓ."
"મેં કહ્યું કે તમે મારા પર કૃપા કરો. મને આ મંજૂર નથી. મને એવો અનુભવ થયો કે આ સરકારનો પ્રારંભ જ કપટ રીતે થયો છે. મધુ દંડવતે આ પ્રકારની તિકડમના ભાગીદાર હશે, તેનો મને ક્યારેય વિશ્વાસ ન થયો."
આ સરકાર પણ એક વર્ષ પૂર્ણ ન કરી શકી. લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ બાદ ભાજપે વી. પી. સિંહ સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું.
એ સમયે નેતૃત્વનું પરિવર્તન કરીને સરકાર બચાવવાનો પણ વિકલ્પ હતો, પરંતુ તેના માટે વી. પી. સિંહ તૈયાર નહોતા. ત્યારે જ રાજીવ ગાંધીએ ચંદ્રશેખરનો સંપર્ક સાધ્યો.
ચંદ્રશેખર લખે છે, "એક દિવસ અચાનક રાત્રે 11 વાગ્યે મને રોમેશ ભંડારીનો ફોન આવ્યો કે તમે મારા ઘરે કૉફી પીવા માટે આવો. હું સમજી ગયો કે પહેલેથી નક્કી કર્યા વગર રાત્રે 11 વાગ્યે કૉફી પીવા માટે કોઈ શા માટે બોલાવે?"

રાજીવ ગાંધીએ ચંદ્રશેખરને આપ્યો પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, chandrashekhar family
ચંદ્રશેખરે આગળ લખ્યું છે, "હું જ્યારે પહોંચ્યો તો જોયું રાજીવ ગાંધી બેઠા હતા. અમારી તેમની વાત થઈ, પરંતુ સરકાર બનાવવા અંગે કોઈ ચર્ચા ન થઈ."
"પછી એક દિવસ અચાનક આર. કે. ધવન મારી પાસે આવીને બોલ્યા કે રાજીવ ગાંધી તમને મળવા માગે છે. જ્યારે હું ધવનને ત્યાં ગયો તો રાજીવ ગાંધીએ મને પૂછ્યું, શું તમે સરકાર બનાવશો?"
"મેં કહ્યું કે સરકાર બનાવવા માટે મારી પાસે કોઈ નૈતિક આધાર નથી. મારી પાસે સરકાર બનાવવા માટે પર્યાપ્ત સંખ્યા પણ નથી."
"આ વાત પર તેમણે કહ્યું કે તમે સરકાર બનાવો. અમે તમને બહારથી સમર્થન આપીશું. મેં કહ્યું કે જો કૉંગ્રેસના લોકો પણ સરકારમાં સામેલ થઈ જાય તો સારું થશે."
"જો મોટા નેતાઓના સામેલ થવામાં કોઈ સમસ્યા છે તો યુવાનોને તેની છૂટ આપી દો. રાજીવે કહ્યું, એક બે મહિના બાદ અમારા લોકો પણ સરકારમાં સામેલ થઈ જશે."

ચંદ્રશેખરે રાજીવ ગાંધી પર ભરોસો કેવી રીતે કર્યો?

ઇમેજ સ્રોત, chandrashekhar family
સવાલ ઊઠે છે કે ચંદ્રશેખર જેવી વ્યક્તિએ રાજીવ ગાંધીના આ આશ્વાસન પર વિશ્વાસ કેવી રીતે કરી લીધો?
રામ બહાદુર રાય જણાવે છે, "મેં આ સવાલ ચંદ્રશેખરને પૂછ્યો હતો. તેમનો જવાબ હતો કે હું સરકાર બનાવવા માટે દેશના હિતમાં તૈયાર થયો, કેમ કે તે સમયે દેશમાં ખરાબ માહોલ હતો."
"જે દિવસે મેં શપથ લીધા એ દિવસે 70-75 જગ્યાઓ પર કર્ફ્યુ હતો. યુવક આત્મદાહ કરી રહ્યા હતા."
"બીજી તરફ સાંપ્રદાયિક રમખાણો થઈ રહ્યાં હતાં. મને સરકાર બનાવવા અને ચલાવવાનો અનુભવ ન હતો. પરંતુ મારો વિશ્વાસ હતો કે જો દેશના લોકો સાથે સાચી વાત કરવામાં આવે તો દેશની જનતા બધું જ કરવા માટે તૈયાર રહેશે..."
સરકાર બનાવવાના ત્રીજા દિવસે ચંદ્રશેખરે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવી.
આ બેઠકમાં નાણાસચિવ વિમલ જાલાને તેમને એક નોટ આપી, જેમાં લખ્યું હતું કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આપણે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને વિશ્વ બૅન્ક પર નિર્ભર રહેવું પડશે.

વિમલ જાલાનને નાણાસચિવપદે ખસેડ્યા

ઇમેજ સ્રોત, chandrashekhar family
ચંદ્રશેખર લખે છે, "મેં વિમલ જાલાનને પૂછ્યું કે તમારી નોટનું જે અંતિમ વાક્ય છે, તે બાદ તમારું નાણાસચિવની ખુરશી પર રહેવું શું યોગ્ય છે?"
"આ સ્થિતિ એક દિવસમાં પેદા નહીં થઈ હોય, મહિનાઓ લાગ્યા હશે. હું જાણવા માગું છું કે તેના સમાધાન માટે ગત દિવસોમાં શું પગલાં ઉઠાવવામાં આવ્યાં?"
ચંદ્રશેખર આગળ કહે છે, "તેમણે કોઈ જવાબ ન આપ્યો. આગામી દિવસે મેં નાણાસચિવને હઠાવી દીધા."
"આ જ રીતે બે વડા પ્રધાનોના પ્રિયપાત્ર રહેલા બી. જી. દેશમુખ મને મળવા આવ્યા."
"આવતાં જ તેમણે અભિમાનવાળા અંદાજમાં ફરમાવ્યું, શું તમે સમજો છો કે હું નોકરી માટે આવ્યો છું? મને ટાટાને ત્યાંથી ઘણાં વર્ષો પહેલાંથી ઑફર મળી છે."
"મેં વિચાર્યું કે ભારત સરકારમાં સૌથી ઊંચા પદ પર બેઠેલી વ્યક્તિ ટાટાની નોકરીના બળે અહીં છે."
"જીવનમાં પહેલી વખત પોતાના ઘરમાં આવેલી કોઈ વ્યક્તિ સાથે વાત કરવાના બદલે હું ઊઠ્યો અને રૂમની બહાર જતો રહ્યો. મેં તેમને કહ્યું, તમે અહીંથી જઈ શકો છો."

ચંદ્રશેખરથી ખૂબ પ્રભાવિત હતા નવાઝ શરીફ

ઇમેજ સ્રોત, chandrashekhar family
કાર્યભાળ સંભાળવાના થોડા દિવસોની અંદર જ ચંદ્રશેખર પાંચમા સાર્ક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે માલદીવ ગયા.
ત્યાં તેમણે હિંદી ભાષામાં ક્ષેત્રીય સમસ્યાઓ પર જબરદસ્ત ભાષણ આપ્યું જેને ત્યાં હાજર નેતાઓએ ખૂબ પસંદ કર્યું.
ચંદ્રશેખરના પ્રધાનસચિવ રહી ચૂકેલા એસ. કે. મિશ્રાએ બીબીસીને જણાવ્યું, "નવાઝ શરીફ ચંદ્રશેખરના ભાષણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તે સમયે પોતાના કાર્યકાળમાં કામ કરી રહેલા રિયાઝ ખોખરને કહ્યું કે કાશ તમે પણ મારી માટે આટલું સારું ભાષણ લખતા."
"ખોખરે જવાબ આપ્યો કે ચંદ્રશેખર માટે એ ભાષણ કોઈએ લખ્યું ન હતું, પરંતુ તેમણે કોઈ તૈયારી વગર આપ્યું હતું."
"ત્યારબાદ ખોખર દિલ્હીમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત બન્યા. ત્યારે તેઓ મારી સાથે ઘણી વખત ગૉલ્ફ રમતા. તેમણે જાતે મને આ વાત જણાવી હતી."

ઇમેજ સ્રોત, chandrashekhar family
મિશ્રા વધુ એક રસપ્રદ કહાણી સંભળાવે છે કે કેવી રીતે ચંદ્રશેખરે નવાઝ શરીફને ફોન કરીને કેટલાક સ્વિડિશ એન્જિનિયરોનો જીવ બચાવ્યો હતો, જેમનું કાશ્મીરી અલગાવવાદીઓએ ગુલમર્ગમાં અપહરણ કર્યું હતું.
"સ્વિડિશ રાજદૂત મારી પાસે આવ્યા અને તેમણે એન્જિનિયરોને છોડાવવા માટે ભારતની મદદ માગી."
"તેમના ગયા બાદ ચંદ્રશેખરે હૉટલાઇન પર નવાઝ શરીફને ફોન લગાવ્યો. જ્યારે તેઓ લાઇન પર આવ્યા ત્યારે તેઓ બોલ્યા કે ભાઈજાન, તમે શું બદમાશી કરી રહ્યા છો?"
આશ્ચર્યચકિત નવાઝ શરીફે કહ્યું, "મેં શું ભૂલ કરી દીધી? ચંદ્રશેખરે કહ્યું, 'તમે માસૂમ સ્વિડિશ એન્જિનિયરોનું અપહરણ કરાવી દીધું છે.' નવાઝ શરીફે કહ્યું કે મેં તેના વિશે સાંભળ્યું છે. આ આતંકવાદીઓનું કામ છે. અમારો તેની સાથે કોઈ સંબંધ નથી."
ચંદ્રશેખરનો જવાબ હતો, 'ભાઈજાન, દુનિયાને બતાવવા માટે તમે ગમે તે કહો, પરંતુ અમે અને તમે બન્ને જાણીએ છીએ કે વાસ્તવિકતા શું છે. આપણે માનવતાની અવગણના ન કરવી જોઈએ.'
"થોડા દિવસોની અંદર તે સ્વિડિશ એન્જિનિયરોને છોડી દેવામાં આવ્યા. આ વિશે પ્રેસમાં એક શબ્દ પણ લખવામાં ન આવ્યો અને ન તો સ્વિડિશ રાજદૂતને જણાવવામાં આવ્યું કે આમ કેવી રીતે થયું. પછી જ્યારે મેં પાકિસ્તાની ઉચ્ચાયુક્તને આ કિસ્સો સંભળાવ્યો તો તેમણે મજાકમાં હસતાંહસતાં કહ્યું કે આ સંયોગ રહ્યો હશે."

ખૂબ ચાલતા હતા ચંદ્રશેખર

વડા પ્રધાનપદ સંભાળતા પણ ચંદ્રશેખર પોતાના સરકારી ઘર 7 રેસકોર્સ રોડ પર ક્યારેય ન રહ્યા. તેઓ 3 સાઉથ ઍવેન્યૂવાળા ઘરમાં ઊંઘતા અથવા તો ભોંડસીના ભારતયાત્રા આશ્રમમાં.
તેમના દીકરા નીરજ શેખર જણાવે છે, "તેમનો દિવસ સવારે સાડા ચાર વાગ્યો શરૂ થઈ જતો હતો. તેઓ પહેલાં યોગ કરતા હતા."
"કસરત કરતા હતા, વાંચતા હતા અને લખતા પણ હતા. જ્યારે તેઓ ભોંડસીમાં રહેતા હતા તો પહાડ પર જતાં રહેતા હતા."
"આખા જીવન દરમિયાન તેઓ આઠથી દસ કિલોમિટર દરરોજ ચાલતા હતા. તેઓ છ ફીટ લાંબા હતા, પરંતુ તેમનું વજન ક્યારેય 78 કિલોની ઉપર ગયું નથી."
નીરજે કહ્યું, "તેમના ચાલવાની ગતિ એટલી ઝડપી રહેતી કે અમે લોકો પાછળ રહી જતા. તેમનું ભોજન ખૂબ સાધારણ રહેતું હતું."
"શાકભાજી, રોટલી જે એક સાધારણ વ્યક્તિ ગામડામાં ખાતી હોય. માંસાહારી ભોજન તેમણે ઘણા સમય પહેલાં જ છોડી દીધું હતું."
"તેઓ વડા પ્રધાનપદ પર હતા તે દરમિયાન ત્યારે જ્યારે પણ તેઓ બલિયા જતા, એવા રૂમમાં રોકાતા જેની આજે કલ્પના પણ થઈ શકતી નથી."
નીરજ શેખરે કહ્યું, "કોઈ એસી નહીં, કોઈ કૂલર નહીં. મેં મહિનામાં 45-46 ડિગ્રીનું તાપમાન પણ તેમને હેરાન નહોતું કરી શકતું."
"તેઓ હંમેશાં કહેતા હતા કે મને ઠંડી વધારે લાગે છે, ગરમીથી મને વાંધો નથી. બલિયામાં તેઓ ઘણી વખત શૌચક્રિયા માટે ખેતરોમાં જતા હતા, કેમ કે ઘરમાં કોઈ શૌચાલય નહોતું."

ઇમેજ સ્રોત, chandrashekhar family
એક જમાનામાં ચંદ્રશેખરના સૂચના સલાહકાર રહી ચૂકેલા અને હાલ જનતા દળ (યૂ)ના સાંસદ હરિવંશ જણાવે છે, "સમય મળ્યો હોત તો તેઓ દેશના સૌથી પ્રભાવશાળી વડા પ્રધાન હોત. ચાર મહિનાના કાર્યકાળમાં અયોધ્યાવિવાદ, આસામ ચૂંટણી, પંજાબ સમસ્યા, કાશ્મીર સમસ્યા દરેકના સમાધાન તરફ તેમણે પગલું આગળ વધાર્યું અને ઘણી હદે એ મુદ્દાઓને આગળ લાવ્યા."
હરિવંશે કહ્યું, "તેઓ નિર્ણય લેવા અંગે જાણતા હતા. 1991નું આર્થિક સંકટ કૉંગ્રેસ અને વી. પી. સિંહ સરકારની દેણગી હતી. તે સમયે માત્ર ત્રણ અઠવાડિયાંની વિદેશીમુદ્રા ભારત પાસે રહી ગઈ હતી. તેમણે દેશને સંકટમાંથી બહાર કાઢવા માટે તુરંત નિર્ણય લીધો."
ચંદ્રશેખરે પોતાના નાના એવા કાર્યકાળમાં અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવા માટે પૂર્ણ પ્રયાસ કર્યો. ત્યારબાદ તેમણે લખ્યું પણ કે જો તેમને બે મહિનાનો વધારે સમય મળ્યો હોત તો બાબરી મસ્જિદ વિવાદનું સમાધાન થઈ ગયું હોત.

ઇમેજ સ્રોત, chandrashekhar family
ચંદ્રશેખર સાથે નજીકના સંબંધ ધરાવતા અને તે સમયે વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી રહી ચૂકેલા કમલ મોરારકા જણાવે છે, "મને લાગે છે કે બાબરી મસ્જિદ અંગે નિર્ણય લાવવા અંગે તેમણે જે પ્રયાસ કર્યા, તેના કારણે જ તેમની સરકાર ગઈ. તેમણે શરદ પવારને આ વાત જણાવી. તેમણે તેને રાજીવ ગાંધી સુધી પહોંચાડી દીધી."
"રાજીવે તેમને કહ્યું, બે દિવસ રોકાઈ જાઓ અને પછી તેમણે સમર્થન પરત ખેંચી લીધું."
"જ્યારે વિશ્વ હિંદુ પરિષદના લોકો તેમને મળવા આવ્યા તો તે બેઠકમાં હું પણ હતો. બાબરી ઍક્શન કમિટીના જાવેદ હબીબ પણ આવ્યા હતા."
"તેમણે હિંદુઓને કહ્યું કે હું કોઈ મુખ્ય મંત્રીના ખભા પર બંદૂક રાખીને ગોળી નહીં ચલાવું. હું પોતે ફાયરિંગનો ઑર્ડર આપીશ જો તમે લોકોએ બાબરી મસ્જિદને હાથ લગાડ્યો છે તો."
"તેમને લાગ્યું કે કોઈ વિચિત્ર વ્યક્તિ આવી ગઈ છે વડા પ્રધાનના રૂપમાં જે રૂમની અંદર ધમકી આપી રહી છે."
"તેમણે મુસ્લિમોને પણ કહ્યું કે રમખાણ કરવાથી દેશ કેવી રીતે ચાલશે. ચારપાંચ દિવસમાં બન્ને પક્ષ આવી ગયા કે અમે વાતચીત માટે તૈયાર છીએ. પંદરવીસ દિવસમાં તો તેઓ સમાધાન માટે પણ તૈયાર થઈ ગયા."
"મુસ્લિમો માની ગયા હતા કે તે જગ્યા તેઓ હિંદુઓને આપી દેશે. તેમની બે માગ હતી. એક તો મસ્જિદ બનાવવા માટે તેના બદલામાં જમીન મળી જાય અને બીજી એ કે એક કાયદો પાસ થઈ જાય કે કાશી અને મથુરા જેવી જગ્યાએ આ પ્રકારની માગ નહીં ઊઠે."

ઇમેજ સ્રોત, chandrashekhar family
"15 ઑગસ્ટ, 1947ના રોજ જે મંદિર હતું તે મંદિર રહેશે અને જે મસ્જિદ હતી તે મસ્જિદ રહેશે."
શરદ પવાર પોતાની આત્મકથા, 'ઑન માઈ ટર્મ્સ'માં લખે છે, "રાજીવ ગાંધીએ મને દિલ્હી બોલાવીને કહ્યું કે શું હું ચંદ્રશેખરને રાજીનામું પરત લેવા માટે મનાવી શકું? હું ચંદ્રશેખર પાસે ગયો. તેમણે મારા આવવાનું કારણ પૂછ્યું. મેં કહ્યું, 'હું તમારી સાથે વાત કરવા માગું છું.' તેમણે થોડા અલગ અંદાજમાં પૂછ્યું કે શું તમને રાજીવે મોકલ્યા છે?"
"મેં કહ્યું, 'કોઈ ગેરસમજ થઈ છે. કૉંગ્રેસ નથી ઇચ્છતી કે તમારી સરકાર તૂટી પડે. તમે તમારું રાજીનામું પરત લઈ લો. અમે ઇચ્છીએ છીએ કે તમે તમારા પદ પર રહો.' ચંદ્રશેખર ગુસ્સામાં ધ્રૂજતાધ્રૂજતા બોલ્યા કે તમે વડા પ્રધાનપદની આ રીતે મશ્કરી કેવી રીતે કરી શકો છો?"
"તમારી પાર્ટીના અધ્યક્ષ પણ આ પદ પર રહી ચૂક્યા છે. શું કૉંગ્રેસ ખરેખર માને છે કે હું રાજીવની જાસૂસી માટે પોલીસના સિપાહી મોકલીશ? પછી તેમણે છેલ્લું વાક્ય કહ્યું કે જાઓ તેમને કહી દો, ચંદ્રશેખર એક દિવસમાં પોતાના વિચાર ત્રણ વખત બદલતા નથી."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












