બુકીઓનો વર્લ્ડ કપ : જ્યારે ધોની આઉટ થયા ત્યારે આ વ્યક્તિના હરખનો પાર નહોતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જો મિલ્લર
- પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી
વર્લ્ડ કપ 2019માં ભારતની વર્લ્ડ કપ જીતવાની આશા પર ત્યારે પાણી ઢોળાઈ ગયું જ્યારે મહેન્દ્ર સિંહ ધોની થોડા જ ઇંચના અંતરથી રન આઉટ થઈ ગયા.
ભારતના પૂર્વ કૅપ્ટન ધોની જ્યારે આઉટ થયા, ત્યારે આખા દેશમાં દુઃખથી મૌન છવાઈ ગયું હતું. પરંતુ તે વખતે એક વ્યક્તિના હર્ષનો પાર રહ્યો ન હતો.
તે વ્યક્તિ છે આર્યન. આર્યન પોતાની સાચી ઓળખ આપવા માગતા ન હોવાથી તેમનું નામ બદલવામાં આવ્યું છે. તેઓ ભારતના સૌથી વધારે વસતિ ધરાવતા રાજ્યમાં બુકી છે.
તેમના મોટા ભાગના ગ્રાહકોએ ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ ભારતની મૅચમાં ભારત પર દાવ લગાવ્યો હતો. દાવ લગાવનારા લોકોમાં મોટા ભાગના લોકો સ્થાનિક વેપારીઓ હતા.
પરંતુ ગ્રાહકો અને ભારતના દુર્ભાગ્યના કારણે આર્યનને આશરે 5 લાખ રૂપિયાનો ફાયદો થયો.
પોલીસ દ્વારા કેટલીક જગ્યાએ રેડ પડાયા બાદ બે બુકી બીબીસીને ઇન્ટરવ્યૂ આપી શક્યા નહીં.
જ્યારે આર્યન ઇન્ટરનેટ કૉલની મદદથી વાત કરવા માટે રાજી થયા હતા. તેમણે વાત કરતા પહેલાં અનામી વ્યક્તિ તરીકે પોતાનું એક અકાઉન્ટ બનાવ્યું હતું અને પછી વાત કરી હતી.
તેમણે વર્તેલી સાવધાની આશ્ચર્યમાં પાડે તેવી પણ નથી. ભલે આજે આ બિઝનેસ ભારતીય સોસાયટીના દરેક સેક્ટરમાં ખૂબ જ પ્રખ્યાત હોય, પણ તેમ છતાં આ બિઝનેસ ભારતના મોટા ભાગના વિસ્તારમાં ગેરકાયદેસર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે એ દૃષ્ટિએ આર્યન અહીં એક ગુનેગાર છે કે જેમણે 10 વર્ષ પહેલાં 20 વર્ષની ઉંમરે બુકી તરીકે કામ ચાલુ કર્યું હતું.
ભારતની પ્રિય રમત ક્રિકેટના વર્લ્ડ કપ માટે લોકો ખૂબ રાહ જુએ છે. બુકી માટે તો ક્રિકેટ વર્લ્ડ કપ એક તહેવાર સમાન છે.
તેઓ કહે છે, "ઘણી વખત મને પકડાઈ જવાનો ડર લાગે છે. પરંતુ તેમ છતાં અંદર એક આત્મવિશ્વાસ હોય છે કે જે થશે તે થશે."
"અમને હંમેશાં થોડા દિવસની અંદર જામીન મળી જાય છે. IPL દરમિયાન મારા કેટલાક મિત્રોની ધરપકડ થઈ હતી પરંતુ તેઓ 10-15 દિવસમાં બહાર આવી ગયા હતા અને તેમણે બમણા જોશથી ફરી બિઝનેસ શરૂ કર્યો હતો."

નેટવર્ક

ઇમેજ સ્રોત, Getty Images
આર્યને કરેલા દાવા પર ભારતના કાયદા મંત્રાલયે કે મુંબઈ પોલીસે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
આર્યન ગમે તે લોકો પર વિશ્વાસ કરવા મામલે કહે છે, "મને જ્યાં સુધી કોઈ વ્યક્તિ અંગે ખાતરી ન મળે, ત્યાં સુધી હું તેમની સાથે વેપાર કરતો નથી."
"આ વેપાર સારા સંબંધો પર ચાલે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વેપાર કરો છો અને તમારી પૈસાની લેવડદેવડમાં કોઈ પ્રકારની અપ્રામાણિકતા જોવા મળતી નથી, ત્યારે લોકો તમારા વિશે અન્ય લોકો સાથે વાત કરે જ છે."
"ધીરે-ધીરે વધારે લોકો તમારી સાથે જોડાય છે અને તમારું નેટવર્ક બને છે. પહેલા પાંચ લોકો જોડાય છે, પછી 10, પછી 15, અને આ રીતે કડી બને છે."
આજકાલ આર્યન મોટા ભાગે ઑનલાઇન જ કામ કરે છે જેમાં તેઓ મોબાઇલ ઍપ્સ અને રિડાયરેક્ટ થતી વેબસાઇટનો ઉપયોગ કરે છે.
જોકે, ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવાથી સરેરાશ બૅટિંગમાં ઘટાડો થયો છે.
પહેલા બિઝનેસ થતો ત્યારે કેટલાક લોકો પ્રતિ વ્યક્તિ 2 લાખ અમેરિકી ડૉલર (આશરે 1,37,12,060 રૂપિયા)નો સટ્ટો લગાવતા. પરંતુ આ રકમ હવે ધીરે-ધીરે ઓછી થવા લાગી છે.
ભારતનું સટ્ટાબજાર 45 બિલિયન ડૉલરથી માંડીને 150 બિલિયન ડૉલર સુધીનું છે.
નવા રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમ ઇન્ટરનેશનલ વન-ડે મૅચ રમતી હોય ત્યારે 190 મિલિયન ડૉલરનું બૅટિંગ થાય છે.

આકર્ષક ઇનામ

ઇમેજ સ્રોત, Getty Images
સાચો આંકડો ગમે તે હોય, કેટલાક લોકો એ વાત પર અસહમત રહે છે કે ભારતની સ્પોર્ટ્સ બૅટિંગ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી મોટી છે. કદાચ તે યૂકેના માર્કેટ કરતાં પણ વધારે મોટી છે કે જ્યાં બૅટિંગ કાયદેસર છે.
ભારતના બુકીની વાત કરીએ તો કદાચ થોડા જ એવા બુકી હશે કે જેઓ ભ્રષ્ટાચાર સાથે સંડોવાયેલા હશે.
આર્યન એ વાત પર કોઈ પ્રતિક્રિયા આપતા નથી કે કોઈ પ્રૉફેશનલ ખેલાડી કે એ ખેલાડીની નજીકની વ્યક્તિએ તેમની સાથે કોઈ સોદો કર્યો હોય.
વર્ષ 2013માં IPL ફિક્સિંગ મામલે ખૂબ વિવાદ થયો હતો. કેટલાક ખેલાડીઓની ફિક્સિંગમાં સંડોવણી હોવાની વાત સામે આવી હતી.
જ્યારે અન્ય એક કેસમાં મુંબઈ પોલીસે ઇન્ડિયન ક્રિકેટ બૉર્ડના એક કર્મચારીના સંબંધીની બૅટિંગમાં સંડોવણી હોવાના કારણે ધરપકડ કરી હતી.
વર્ષ 2016માં ભારતની સુપ્રીમ કોર્ટે દેશના કાયદાપંચને એ જણાવવા કહ્યું હતું કે જો દેશમાં બૅટિંગને કાયદેસર કરી દેવામાં આવે તો તેનાં ફાયદા અને નુકસાન શું હશે.
તેના પરિણામ સ્વરૂપે જાણવા મળ્યું હતું કે જો બૅટિંગ ઇન્ડસ્ટ્રીને કાયદેસર કરી દેવામાં આવે તો તેનાથી કાળા નાણાં પર અંકુશ લગાવવામાં મદદ મળશે.
એવી પણ દલીલ રજૂ કરવામાં આવી કે તેનાથી રોજગારીની તક ઊભી થશે. સમાજના કેટલાક વંચિતોને ફાયદો મળશે અને સાથે કેટલીક પોલીસ ફોર્સ પણ મુક્ત થઈ શકશે કે જેમને બુકીને પકડવા પાછળ લગાવવામાં આવી છે.

ટૅક્સ રેવેન્યૂ

સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના સભ્ય અને 'Stairs' નામના NGOના સંશોધક સિદ્ધાર્થ ઉપાધ્યાય કહે છે, "બૅટિંગને કાયદેસર કરવાથી પારદર્શિતા આવશે. દરેકને ખબર પડશે કે કોણ તેમાં ભાગ લે છે અને કોણ નથી લેતું. તેનાથી ગુનાહિત પ્રવૃત્તિને ઓછી કરવામાં ઘણી મદદ મળી રહેશે."
"હું માનું છું કે સરકારે તેના માટે ટૅક્સનું માળખું અને કાયદા ખૂબ મજબૂત બનાવવા પડશે. જોકે, આજના ટૅકનૉલૉજિકલ યુગમાં આ કોઈ મોટી સમસ્યા નથી."
સિદ્ધાર્થ ઉપાધ્યાયનું માનવું છે કે જો બૅટિંગ કાયદેસર થઈ જાય તો તેનાથી દર વર્ષે અબજો રૂપિયાની ટૅક્સ રેવેન્યૂ જનરેટ કરી શકાશે.
તેમનો દાવો છે, "આ વર્લ્ડ કપમાં આશરે 60 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમવામાં આવ્યો છે."
તેમનું માનવું છે કે જો બૅટિંગ કરતા લોકો પાસેથી ફરજિયાત પૈસાની ઉઘરાણી કરવામાં આવે તો તેનાથી ગામડાંમાં રમતગમત માટે ઘણું કામ કરી શકાય છે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી એટલે FICCIએ પ્રસ્તાવ મૂક્યો છે કે જો બૅટિંગ માટે એક રકમ નક્કી કરી લેવામાં આવે તો આદતથી ટેવાયેલા બુકીઓને બચાવી શકાશે.
સરકારને બીજો એક ફાયદો એ થશે કે કયા કાર્યક્રમ પર બૅટિંગ કરી શકાશે તે નક્કી કરવાની સત્તા તેમની પાસે હશે. તેનાથી દેશની સૌથી ઓછી પ્રચલિત રમતને પણ પ્રોત્સાહન આપી શકાય છે.

સામાજિક અવરોધો

ઇમેજ સ્રોત, Getty Images
આ તરફ જો રાજકીય અડચણોને પાર કરીને બૅટિંગને કાયદેસર કરી દેવામાં આવે તો પણ સામાજિક અવરોધો તો તેમના સ્થાને જ રહેશે.
સટ્ટાનો સંદર્ભ ભારતની પૌરાણિક કથાઓમાં પણ મળી રહે છે. મહાભારતમાં એક રાજા પોતાનું સામ્રાજ્ય, ભાઈઓ અને પત્નીને ગુમાવી દે છે.
સિદ્ધાર્થ ઉપાધ્યાય કહે છે કે એવી માન્યતા છે કે શીખ ધર્મમાં ધૂમ્રપાન પ્રતિબંધિત છે અને લગભગ બધા જ ધર્મો દારૂનો વિરોધ કરે છે. આમ છતાં સિગારેટ અને દારૂ ભારતનાં લગભગ બધાં જ રાજ્યોમાં મળે છે.
આજે આર્યન આશા કરે છે કે એક દિવસ બૅટિંગ કાયદેસર બનશે અને તેઓ વ્યસ્ત રસ્તા પર પોતાની બૅટિંગની દુકાન પણ ખોલશે.
જોકે, તેઓ એવું માને છે કે ટૅક્સથી બચવા માટે બૅટિંગ કરતા લોકો તેમની સાથે રોકડ રકમમાં જ લેવડદેવડ કરશે.
તો શું તેઓ રોકડ રકમનો સ્વીકાર કરશે? તેના જવાબમાં તેઓ કહે છે, "હા, મને પૈસા ગમે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












