અહીં બાળજન્મ કરતાં ગર્ભપાત વધારે થાય છે, પણ કેમ?

ઢીંગલીઓ

ઇમેજ સ્રોત, PAARISA

ઇમેજ કૅપ્શન, ગ્રીનલૅન્ડમાં દર વર્ષે 700 બાળકો જન્મે છે, જ્યારે 800 ગર્ભપાત થાય છે
    • લેેખક, મેરિયાના જોરેગિલોરા બેલ્ટ્રાન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ગ્રીનલૅન્ડનાં 19 વર્ષની યુવતી પીલા* બીબીસી સાથેની વાતચીતમાં જણાવી રહ્યાં છે, "મારે એ બાબતમાં બીજી વાર વિચારવાનું રહેતું નથી. અમે ગર્ભપાત વિશે ખૂલીને વાત કરીએ છીએ. મેં છેલ્લે ગર્ભપાત કરાવ્યો ત્યારે બધા મિત્રો અને પરિવારજનો સાથે વાત કરી હતી."

છેલ્લાં બે વર્ષમાં તેમણે પાંચ વખત ગર્ભપાત કરાવ્યા છે. ગ્રીનલૅન્ડની રાજધાની નૂકમાં રહેતી આ યુવતી કહે છે, "હું મોટા ભાગે ગર્ભનિરોધકો વાપરું છું, પણ ક્યારેક અમે ભૂલી જઈએ છીએ. હું સ્કૂલના છેલ્લા વર્ષમાં છું ત્યારે અત્યારે હું બાળકને જન્મ આપી શકું તેમ નથી."

આ યુવતીની જેમ વારંવાર ગર્ભપાત કરાવનારી અનેક યુવતીઓ ગ્રીનલૅન્ડમાં છે.

સરકારી આંકડાઓ અનુસાર 2013થી ગ્રીનલૅન્ડમાં દર વર્ષે 700 બાળકો જન્મે છે, જ્યારે 800 ગર્ભપાત થાય છે. સવાલ એ છે કે ગ્રીનલૅન્ડમાં ગર્ભપાતનો દર આટલો ઊંચો કેમ છે?

line

સંકોચ વિના ગર્ભપાત

બાળકો સાથે જતી મહિલા

ઇમેજ સ્રોત, CHRISTIAN KLINDT SOELBECK

ગ્રીનલૅન્ડ દુનિયાનો સૌથી મોટો ટાપુ છે, પણ અહીંની વસતિ બહુ ઓછી છે. સ્ટેટેસ્ટિક્સ ગ્રીનલૅન્ડના પહેલી જાન્યુઆરી 2019ના આંકડા અનુસાર માત્ર 55,992 લોકો આ ટાપુ પર વસે છે.

ગર્ભવતી બનતી અડધોઅડધ સ્ત્રીઓ ગર્ભપાત કરાવી નાખે છે. દર 1000 સ્ત્રીઓએ 30 ગર્ભપાત થાય છે.

સત્તાવાર આંકડા જણાવે છે કે ગ્રીનલૅન્ડની સરખામણીએ ડેનમાર્કમાં દરેક 1000 સ્ત્રીઓએ ગર્ભપાતનો દર 12નો છે.

સત્તાવાર રીતે ગ્રીનલૅન્ડ સ્વાયત્ત પ્રદેશ છે, પણ તે ડેનમાર્કના અધિકૃત વિસ્તારોમાં જ આવે છે.

આર્થિક સંકડામણ, રહેઠાણની અસુવિધા અને શિક્ષણનો અભાવ ઊંચા ગર્ભપાત દર માટે કારણભૂત છે.

જોકે આ પરિબળોથી એ વાત સમજવી મુશ્કેલ છે કે મફત અને મુક્ત રીતે મળતા ગર્ભનિરોધકો છતાં શા માટે આવી સ્થિતિ ઊભી થઈ છે.

ઘણા દેશોમાં ગર્ભપાત કાયદેસર અને મફત હોવા છતાં, તેની સાથે સામાજિક શરમ અને સંકોચ જોડાયેલા હોય છે.

પરંતુ ગ્રીનલૅન્ડમાં સ્ત્રીઓને આવો કોઈ સંકોચ હોતો નથી. આ સ્ત્રીઓ અનિચ્છાએ આવતી ગર્ભાવસ્થાને સંકોચ અનુભવવાનું કારણ સમજતી નથી.

line

ગર્ભપાત દિન

ગ્રીનલૅન્ડના ઝંડા સાથે લોકો

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ આટલા મોટા પ્રમાણમાં ગર્ભધારણ કેમ થાય છે?

પીલા કહે છે, "મારી મોટા ભાગની બહેનપણીઓએ ગર્ભપાત કરાવ્યો છે. મારો અને મારા ભાઈનો જન્મ થયો તે પહેલાં મારી માતાએ પણ ત્રણ વખત ગર્ભપાત કરાવ્યો હતો. જોકે, તેના વિશે વાત કરવાનું મારી માતા પસંદ કરતાં નથી."

ડેન્માર્કની રોસ્કિલ્ડે યુનિવર્સિટીમાં ભણતા પીએચડી સંશોધક ટ્યુરી હેમન્સોટીર કહે છે, "નૂકના વિદ્યાર્થીઓ દર બુધવારે જાતીય સ્વાસ્થ્ય અંગેની ક્લિનિકમાં જઈ શકે છે. આ દિવસને તે લોકો 'ગર્ભપાત દિન' તરીકે ઓળખાવે છે."

"ગ્રીનલૅન્ડમાં ગર્ભપાત અંગેની ચર્ચા કરવી નિષેધાત્મક ગણાતી નથી. નૈતિક રીતે તે ટીકાને પાત્ર પણ નથી. એ જ રીતે લગ્ન પહેલાં સેક્સ કે અજાણતાં ગર્ભવતી બનવાની વાત પણ અનુચિત ગણાતી નથી."

line

મફત ગર્ભનિરોધકો

બર્થ કન્ટ્રોલ પીલ

ઇમેજ સ્રોત, Media for Medical

પીલા કહે છે, "ગર્ભનિરોધકો મફત અને મુક્ત રીતે મળે છે, પણ મારા ઘણા મિત્રો તે વાપરતા નથી."

ગ્રીનલૅન્ડમાં ગાયનૉકોલૉજી નર્સ તરીકે કામ કરતાં સ્ટાઇન બ્રોએન છેલ્લાં ઘણાં વર્ષોથી ગર્ભપાતના વિષય પર સંશોધન કરી રહ્યાં છે.

તેમણે બીબીસીને જણાવ્યું હતું , "મેં સર્વે કર્યો તેમાંથી 50% જેટલી સ્ત્રીઓએ કહ્યું કે તેમને ગર્ભનિરોધકો વિશે ખ્યાલ હતો, પણ તેમાંથી 85 ટકાએ તેનો ઉપયોગ કર્યો નહોતો અથવા તો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો."

line

નશાની અસર

હેમન્સોટીરે કરેલા સંશોધન અનુસાર ત્રણ કારણોસર સ્ત્રીઓ ગ્રીનલૅન્ડમાં ગર્ભનિરોધકો વાપરતી નથી.

"[પ્રથમ] સંતાન ઇચ્છતી હોય તેવી સ્ત્રી, [બીજું] વિચલિત જીવન જીવી રહેલી અને હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓ, જે શરાબના નશામાં ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું ભૂલી જાય છે અને છેલ્લું કારણ એ કે પુરુષ સાથી ઘણીવાર કૉન્ડોમ પહેરવાનો ઇનકાર કરે છે."

દારૂના સેવનના કારણે પણ અજાણપણે ગર્ભ રહી જતો હોવાની શક્યતા છેઃ "પુરુષ અને સ્ત્રી બંને નશામાં હોય ત્યારે ગર્ભનિરોધકો વાપરવાનું ભૂલી જતા હોય છે," એમ તેઓએ જણાવ્યું હતું.

line

હિંસા અને છેડતી

ગર્ભપાતના સાધનો

ઇમેજ સ્રોત, Sean Gallup

બળાત્કારને કારણે ગર્ભ રહી ગયો હોય ત્યારે સ્ત્રી ગર્ભપાત કરાવી લેવા માગતી હોય છે. ઘણી વાર કૌટુંબિક કલેશને કારણે પણ સ્ત્રીઓ સંતાન ઇચ્છતી હોતી નથી.

દક્ષિણ ગ્રીનલૅન્ડના એક નાના નગરના જિલ્લા તબીબ લાર્સ મોસગાર્ડે કહે છે, "અનિચ્છનીય અને અણધાર્યાં બાળકો જન્મે એ કરતાં ગર્ભપાત કરાવી લેવો સારો."

નોર્ડિક સેન્ટર ફૉર વેલફેર એન્ડ સોશિયલ ઇશ્યૂઝના જણાવ્યા પ્રમાણે ગ્રીનલૅન્ડમાં હિંસાના કારણે ઊભી થતી આરોગ્યની સમસ્યા સામાન્ય બાબત છે.

દર 10માંથી એક કિશોર વિદ્યાર્થીએ તેની માતા હિંસાનો ભોગ બની હોવાનું કબૂલ્યું હતું. હિંસાના સાક્ષી બનવા ઉપરાંત બાળકો પોતે પણ ઘણી વાર હિંસાનો ભોગ બનતાં હોય છે.

જાતીય સતામણીનો સામનો કરવા માટેનો સરકારી કાર્યક્રમ ચલાવતા ડિટ્ટે સોલબેકે ડેનિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનને જણાવ્યું, "ગ્રીનલૅન્ડના પુખ્તવયના લોકોમાંથી ત્રીજા ભાગના લોકોએ તેમના નાનપણમાં હિંસાનો સામનો કર્યો હતો."

line

ગર્ભનિરોધકો વિશે અપૂરતું જ્ઞાન

ગ્રીનલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ગર્ભનિરોધકો મફત અને મુક્ત રીતે મળતા હશે, પણ તેનો અર્થ એ નથી કે તેનો છૂટથી ઉપયોગ થતો હોય.

પીલાએ બીબીસીને જણાવ્યું, "મને એકાદ મહિના પહેલાં જ મોર્નિંગ પીલ વિશે ખબર પડી. મને નથી લાગતું કે કોઈને ખબર હોય કે આ પણ એક વિકલ્પ છે."

"મારી માતાએ ક્યારેય મારી સાથે જાતીય સ્વાસ્થ્ય અંગ ચર્ચા કરી નહોતી. કેટલીક બાબતોની માહિતી મને શાળામાં મળી હતી, પણ વધુ તો બહેનપણીઓ પાસેથી જ જાણવા મળ્યું હતું."

ગ્રીનલૅન્ડના પરિવારોમાં જાતીય સ્વાસ્થ્ય અંગે વાત કરવાનું ટાળવામાં આવે છે, કેમ કે તે વિચિત્ર અને મુશ્કેલ બાબત લાગે છે, એમ ઇન્ટરનેશનલ જર્નલ ઑફ સર્કમપોલર હેલ્થના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

line

દુનિયાનો સૌથી ઊંચો આત્મહત્યા દર

બારમાં એક મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઊંચા ગર્ભપાતના દર ઉપરાંત ગ્રીનલૅન્ડ દુનિયામાં સૌથી ઊંચો આત્મહત્યાનો દર પણ ધરાવે છે : દર વર્ષે એક લાખની વસતિ સામે 83 આપઘાતના બનાવો બનતા હોવાનું ઇન્ટરનેશનલ જર્નલ ઑફ સર્કમપોલર હેલ્થના આંકડામાં જણાવાયું હતું.

ગ્રીનલૅન્ડમાં કિશોરાવસ્થા અને યુવાની જીવનનો મુશ્કેલ તબક્કો ગણાય છે. આંકડાંઓમાં આ જ વય જૂથ દેખાતું રહે છે. અડધોઅડધ આત્મહત્યા આ વયજૂથમાં જ થાય છે.

ગ્રીનલૅન્ડમાં ઘણાં વર્ષોથી કામ કરી રહેલા માનસશાસ્ત્રી લાર્સ પેડરસન કહે છે, "મોટા ભાગના કેસમાં અત્યાચાર અને હિંસક વાતાવરણમાં ઉછરેલા લોકો આત્મહત્યા કરવા વધારે પ્રેરાય છે."

1953માં ગ્રીનલૅન્ડ ડેનિશ કિંગડમનો હિસ્સો બન્યું હતું. ડેનિશ ભાષાને સત્તાવાર ભાષા તરીકે પ્રોત્સાહિત કરાઈ હતી અને તે પછી સમાજ અને અર્થતંત્રમાં મોટા પાયે ફેરફારો થયા હતા.

ગ્રીનલૅન્ડના મૂળ રહેવાસીઓની સંખ્યા ઇન્યૂટની કુલ વસતિના 88% ટકા જેટલી છે. પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને મુખ્યધારામાં ભળવા માટે મૂળ નિવાસીઓએ સંઘર્ષ કરવો પડે છે.

"ગ્રીનલૅન્ડનો સમાજ ઇન્યૂટ સમાજમાંથી આધુનિક સમાજમાં પરિવર્તન પામ્યો છે. શરાબસેવન વધ્યું તેના કારણે હિંસાના અને જાતીય સતામણીના બનાવો પણ વધવા લાગ્યા."

"મોટા ભાગના લોકોના કોઈ ને કોઈ એવી વ્યક્તિને જાણે છે, જેણે આત્મહત્યા કરી લીધી હોય," એમ પેડરસન કહે છે.

line

મફત ગર્ભપાત

ફૂટબૉલ રમતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાકનું સૂચન છે કે ગ્રીનલૅન્ડમાં ગર્ભપાતનો દર ઘટાડવા તેના માટે પૈસા લેવાનું શરૂ કરવું જોઈએ.

જોકે ઘણા એવી દલીલ કરે છે કે ગર્ભપાત મફત અને સરળ છે તેના કારણે જ સ્ત્રીઓ વધારે ગર્ભપાત કરાવે છે તેવી કોઈ વાત નથી.

ડેનમાર્કમાં પણ ગર્ભપાત કરાવવો સરળ અને સસ્તો છે, આમ છતાં ત્યાં (1000 સ્ત્રીઓએ 12નો) દર ઘણો ઓછો છે.

નોર્વેના ડૉક્ટર અને પ્રોફેસર જોહાન સન્ડબાય અગાઉ ગ્રીનલૅન્ડમાં હિંસા અને અત્યાચારનો ભોગ બનેલી મહિલા અને બાળકો સાથે કામ કરી ચૂક્યા છે.

તેઓ કહે છે કે દર્દીઓએ તેના માટે પૈસા ચૂકવવા પડે તેવું ના હોવું જોઈએઃ "હું તે બાબતની બિલકુલ વિરુદ્ધ છે. તેના કારણે સસ્તામાં જોખમી રીતે થતા ગર્ભપાતનું અનિયંત્રિત માર્કેટ ઊભું થઈ જશે."

line

ઢિંગલી પ્રોજેક્ટ

ઢીંગલીઓ

ઇમેજ સ્રોત, PAARISA

ગ્રીનલૅન્ડના કિશોરો 14-15 વર્ષની ઉંમરે જ સેક્સનો અનુભવ કરતાં થઈ જાય છે. રાષ્ટ્રીય આંકડાંઓ અનુસાર 15 વર્ષના 63% ટકા કિશોરો નિયમિત સેક્સ માણતા થઈ જાય છે.

સરકારે શાળાઓના માધ્યમથી 'ઢિંગલી પ્રોજેક્ટ' શરૂ કર્યો હતો. તેની પાછળનો ઉદ્દેશ શાળામાં ભણતા બાળકોને નાની ઉંમરે સંતાનો થવાને કારણે શું થઈ શકે તેના જોખમોથી સાવધાન કરવાનો છે.

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કિશોરાવસ્થામાં આવતી ગર્ભાવસ્થાને રોકવાનો છે. સાથે જ જાતીય સંક્રામક રોગોનો ફેલાવો અટકાવવાનો તથા ગર્ભનિરોધકોનો ઉપયોગ વધારવાનો છે.

છોકરા અને છોકરીઓને અસલ જેવી જ ઢિંગલીઓ આપવામાં આવે છે, જે શીશુ જેવી લાગે અને તેના જેમ વર્તે.

આ ઢિંગલીને અસલ બાળક સમજીને તેની સંભાળ લેવાની હોય છે. તેના કપડાં બદલવા, ગંદું થયું હોય તે સાફ કરવું, તેને છાના રાખવા વગેરે કામ કરવાના હોય છે. 13થી 18 વર્ષના વિદ્યાર્થીઓને આ રીતે એવું સમજાવાય છે કે કઈ રીતે બાળકની સંભાળ લેવી એ મુશ્કેલ કામ છે.

line

"સાંસ્કૃતિક અવરોધો"

સ્ત્રીઓની ઉંમર ગમે તેટલી હોય, ગર્ભપાતની બાબતને ગ્રીનલૅન્ડના સમાજમાં હળવાશથી લેવાય છે તે વાતને સ્વીકારવા સ્ટાઈન બ્રોએન તૈયાર નથી.

"મોટા ભાગની સ્ત્રીઓ માટે ગર્ભપાત એ મુશ્કેલ નિર્ણય હોય છે. તેઓ લાંબો વિચાર કરીને પછી જ તેના વિશે નિર્ણય લે છે. તેમને લાગે કે ગર્ભપાત કરાવ્યા વિના છુટકો નથી, તે પછી કદાચ તેમને બહુ અફસોસ થતો નહિ હોય," એમ તેઓ કહે છે.

"મને આજ સુધી એવી સ્ત્રી નથી મળી જે ગર્ભપાત વિશે ગંભીર ના હોય. મારો અનુભવ છે કે કેટલીક મહિલાઓ પોતાની સ્થિતિના બચાવ માટે કશું બોલતી નથી. આ બાબતને હેલ્થ વર્કર્સ તેને પરવા નથી એમ સમજી લે છે."

સંવાદમાં ખામીને કારણે પણ સ્ત્રીઓની લાગણી સમજવામાં મુશ્કેલી થતી હશે એમ પેડરસન માને છે. ડેનિશ સત્તાવાર ભાષાઓમાંની એક છે, પણ રાજધાની સિવાયના વિસ્તારમાં બધા લોકો તેને બહુ સારી રીતે બોલી શકતા નથી.

"મારા ઘણા બધા મિત્રો સારી રીતે ડેનિશ બોલી શકતા નથી. એ જ રીતે હૉસ્પિટલનો ઘણો બધો સ્ટાફ ગ્રીનલેન્ડિક ભાષા સારી રીતે બોલી શકતો નથી," એમ લાર્સ પેડરસન કહે છે.

તેઓ એવું પણ માને છે કે ગ્રીનલૅન્ડની સમસ્યાનો ઉકેલ ડેન્માર્કની રીતે આવી જશે તેમ માનવું યોગ્ય નથી.

"આપણે આપણા ફોકસ વિશે ફરીથી વિચાર કરવો પડશે. આપણે હિંસા, અત્યાચાર અને શરાબસેવનની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આ બધા પરિબળોને કારણે અનિચ્છાએ ગર્ભધારણ થઈ રહ્યા છે."

*ઓળખ છુપાવવા માટે નામ બદલવામાં આવ્યું છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો