નરેન્દ્ર મોદી- અમિત શાહની નજીકના ગણાતા જે. પી. નડ્ડાને કેમ કાર્યકારી અધ્યક્ષ બનવાયા?

ભારતીય જનતા પક્ષે તેમના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાની પક્ષના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે.

ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રી બનાવ્યા બાદ એ વાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી કે પક્ષના અધ્યક્ષની જવાબદારી કોને આપવામાં આવશે.

જે. પી. નડ્ડા નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં મંત્રીમંડળમાં સામેલ હતા. જોકે, બીજી વખત બનેલી સરકારમાં તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી ન હતી.

ત્યારથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સંગઠનની જવાબદારી તેમને મળી શકે છે.

17 જૂનના રોજ ભાજપના સંસદીય બોર્ડમાં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

નડ્ડાને શા માટે પસંદ કરવામાં આવ્યા?

58 વર્ષના નડ્ડા વિશે કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી-અમિત શાહની પસંદની સાથેસાથે તેમને સંઘનું પણ સમર્થન છે. તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ ખૂબ જ લો-પ્રોફાઇલ રહે છે.

ગયા પાંચ વર્ષમાં નડ્ડાએ ભાજપની અંદર અનેક જવાબદારીઓ નિભાવી હતી. 2014ની ચૂંટણી દરમિયાન તેમણે ભાજપની ઑફિસથી સમગ્ર ભારતમાં પક્ષના અભિયાનનું નિરીક્ષણ કર્યું હતું.

2019માં તેમના પાસે ઉત્તર પ્રદેશની જવાબદારી હતી, નડ્ડા સપા-બસપા ગઠબંધન બાદ પણ પક્ષને યુપીમાં 62 બેઠકો જીતાડવામાં સફળ રહ્યા હતા.

નડ્ડાને લગભગ અમિત શાહની જેમ જ ચૂંટણીની રણનીતિમાં માહેર માનવામાં આવે છે.

અમિત શાહે 2019માં પક્ષ માટે દરેક બેઠક પર 50 ટકા મતો હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. નડ્ડાએ યુપીમાં પક્ષને 49.6 ટકા મત અપાવીને જાણે ચમત્કાર કરી બતાવ્યો.

હાલ અમિત શાહ પક્ષના અધ્યક્ષ પદે બન્યા રહેશે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં થનારી ચૂંટણી સુધી અમિત શાહ અધ્યક્ષ પદની જવાબદારી સંભાળશે.

ભાજપ વર્તમાન સમયમાં વિશ્વનો સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરે છે.

1993માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

હિમાચલના વિલાસપુરમાં રહેનારા જય પ્રકાશ નડ્ડાએ પટનાથી એલએલબીનો અભ્યાસ કર્યો છે.

શરૂઆતથી અખિત ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય રહેલા નડ્ડા પ્રથમ વખત 1993માં હિમાચલ પ્રદેશમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં ભાજપના નેતા પણ રહ્યા છે.

2007માં નડ્ડા પ્રેમ કુમાર ધૂમલની સરકારમાં વન-પર્યાવરણ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગના મંત્રી બન્યા હતા.

ભાજપે 2012માં નડ્ડાને રાજ્યસભાના સાંસદ બનાવ્યા અને 2014માં મોદી સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવીને તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી હતી.

મોદીની મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતની સફળતાનો શ્રેય નડ્ડાને આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો