થાનગઢમાં દલિતની હત્યા, 'મારા ભત્રીજાને ઘરમાંથી કાઢીને મારી નાખ્યો,'

ઇમેજ સ્રોત, Babu parmar
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક દલિત યુવકની હત્યા કરી નાખવામાં આવી છે.
થાનગઢમાં રહેતા પ્રકાશ કાન્તિભાઈ પર 12 જૂનના રોજ મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.
થાનગઢમાં જ રહેતા ત્રણ લોકોએ દલિતોના ઘરે જઈને કરેલા આ હુમલામાં દલિત યુવકનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.
આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અત્યાર સુધી પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે.
જે બાદ પરિસ્થિતિ વણસી હતી અને દલિતોએ થાનગઢ પોલીસ સ્ટેશન સમક્ષ ધરણાં કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

'ઘરે આવીને મારા ભત્રીજાની હત્યા કરી નાખી'

ઇમેજ સ્રોત, AFP
બુધવારની મોડી રાત્રે થાનગઢના મફતિયા પરા વિસ્તારમાં હત્યાની આ ઘટના બની હતી.
આ ઘટનામાં મૃતક પ્રકાશને ગંભીર ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
મૃતકના કાકા બાબુભાઈ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "પ્રકાશ અને તેમના ઘરના સભ્યો ઘરે બેઠા હતા. ત્યારે આ લોકો ચોકમાં આવ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેઓ મને અપશબ્દો બોલવા લાગ્યા, એ લોકો મને મારવા માટે આવ્યા હતા. જ્ઞાતિ વિશે તેમણે કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી."
"એ લોકો મારા ભત્રીજાને મારા વિશે પૂછવા લાગ્યા એટલે આ છોકરાઓ ડરના માર્યા ઘરમાં જતા રહ્યા."
"મારવા આવનારા ત્રણ લોકોએ એમને ઘરમાંથી બહાર કાઢ્યા અને તેમને કહ્યું કે બાબુ પરમારનું ઘર બતાવ."
"તેમના હાથમાં રહેલાં હથિયારો જોઈને આ લોકો ડરી ગયા અને તેમને મારા ઘર વિશેની જાણ ન હોવાનું કહ્યું. જે બાદ પ્રકાશની હત્યા કરી નાખવામાં આવી."
"હું પણ તેમને ત્યાં બેસતો પણ એ દિવસે બહારગામથી આવ્યો હોવાથી ઊંઘી ગયો હતો. આ લોકોએ નિર્દોષનો ભોગ લઈ લીધો."

હત્યાનું કારણ

ઇમેજ સ્રોત, Gautam Makwana
થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ નરેશ દીનુભાઈ ધાધલ અને બે અજાણ્યા શખ્સોએ દલિત યુવકની હત્યા કરી છે.
આ પહેલાં નરેશ ધાધલ સામે દલિતોએ એટ્રોસિટીની ફરિયાદ કરી હોવાને કારણે મનદુઃખ રાખીને આ હત્યા કરી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
બાબુભાઈ પરમારના કહેવા પ્રમાણે મૃતક પ્રકાશના નાનાભાઈ સાથે આ લોકોને એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો.
તેમણે કહ્યું, "એ સમયે તેમણે દલિતો સામે અપશબ્દો બોલ્યા હતા અને પ્રકાશના ભાઈને માર માર્યો હતો. જેથી અમે તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી."
"આ મામલે તેમણે ગુસ્સે ભરાઈને મારા ભત્રીજાની હત્યા કરી નાખી છે."

શું કહે છે પોલીસ?

ઇમેજ સ્રોત, Gautam Makwana
આ કેસની તપાસ કરી રહેલા નાયબ પોલીસ અધિક્ષક ડી. વી. બસિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં કહ્યું કે 12 તારીખની રાત્રે આશરે 9-10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
તેમણે કહ્યું, "કાઠી દરબાર જ્ઞાતિના ત્રણ શખ્શોએ દલિત પર હુમલો કર્યો હતો અને તેમાં આ હત્યાની ઘટના બની છે."
"આ ઘટનામાં પ્રકાશભાઈ કાનજીભાઈનું મોત થયું છે અને સુરેશભાઈ દેવજીભાઈને ઈજા થઈ છે."
"આરોપી નરેશ દીનુભાઈ અને દેવરાજ દીલુભાઈએ અગાઉ તેમના વિરુદ્ધ થયેલી એટ્રોસિટીની ફરિયાદો મામલે હુમલો કર્યો હતો."
"હાલ આ મામલે અમે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓ કાઠી દરબાર સમાજના છે."
"હાલ થાનગઢમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે પૂરતો પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મૃતકના પરિવારને પણ સુરક્ષા આપવામાં આવી છે."
થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપીઓ રિવૉલ્વર, કુહાડી, પાઇપ અને લાકડી જેવાં હથિયારો લઈને દલિતોના ઘરે પહોંચ્યા હતા.
આરોપીઓ બાઇક પર દલિતોના ઘરે પહોંચ્યા હતા અને તેમને અપશબ્દો કહ્યા હતા.
અપશબ્દો બોલવાની ના પાડતા નરેશ ધાધલે પ્રકાશની હત્યા કરી નાખી હતી અને રિવૉલ્વોરમાંથી ફાયરિંગ કર્યું હતું.
જ્યાં આરોપીઓએ પ્રકાશને માથાના ભાગે કુહાડી મારીને તેમની હત્યા કરી નાખી હતી.

'રાજ્ય સરકાર સલામત જગ્યા શોધી આપે'

ઇમેજ સ્રોત, Gautam Makwana
થાનગઢમાં અગાઉ પણ પોલીસ ગોળીબારમાં દલિતોના મૃત્યુની ઘટના બનેલી છે.
આ ઘટના બાદ અને પ્રકાશના મોત બાદ દલિત સમાજે થાનગઢમાં મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
જે બાદ સ્થિતિ વણસી હતી અને દલિતોનું ટોળું થાનગઢ પોલીસ સ્ટેશન સામે એકઠું થયું હતું.
દલિતોએ પોલીસ સ્ટેશન સામે ધરણાં કર્યાં હતાં અને આરોપીને પકડવાની માગ કરી હતી.
આશરે 5થી 6 કલાક સુધી પોલીસ અને દલિત સમાજના આગેવાનો વચ્ચે વાતચીત ચાલ્યા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
બાબુભાઈ પરમારનું કહેવું છે કે તેમણે રક્ષણ માટે એસઆરપીની માગણી કરી છે.
તેઓ કહે છે, "આ લોકો અમારું વારંવાર નુકસાન કરતા હોવાથી અમે આ વિસ્તારમાં રહેવા માગતા નથી. અમે એવી રજૂઆત કરવાના છીએ કે સરકાર અમને રહેવા માટે સલામત જગ્યા આપે."
પ્રકાશભાઈના મૃત્યુ બાદ તેમના પરિવારમાં હવે તેમનાં પત્ની અને બે નાનાં બાળકો છે. પ્રકાશ થાનગઢમાં સિરામિકના કારખાનામાં મજૂરી કરતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














