સુરત આગ : ફાયરબ્રિગેડ 45 મિનિટ મોડું કેમ પહોંચ્યું?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરતની આગમાં બળેલાં પોતાનાં બાળકોના મૃતદેહો જોઈ વિલાપ કરનાર મોટા ભાગના વાલીઓનો એક જ સવાલ છે કે સ્માર્ટ સીટી તરફ બનવા જઈ રહેલા સુરતમાં હાઇડ્રૉલિક ફાયર ફાઇટર જેવું અદ્યતન વાહન તેમનાં બાળકોને બચાવવા માટે સમયસર કેમ ન પહોંચી શક્યું?

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે રહેલા બે હાઇડ્રૉલિક ફાયર ફાઇટર(HFF) પૈકીનું એક જો ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી ગયું હોત, તો મરણાંક ઓછો હોત તેવું ઘણા વાલી માને છે.

જોકે, વાલીઓના આ આરોપોનું સમર્થન અર્બન પ્લાનિંગ અને અર્બન ડેવલપમૅન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ પુરીએ પણ કર્યું છે.

ઘટના બન્યાના ત્રણ દિવસમાં તેમણે સ્થળની અનેકવાર મુલાકાત લઈને ત્યાંના અધિકારીઓ અને બચી ગયેલા વિદ્યાર્થીઓને મળીને પોતાનો એક રિપોર્ટ તૈયાર કરી રાજય સરકારને સુપરત કર્યો છે.

મુકેશ પુરીએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે બે હાઇડ્રૉલિક ફાયર ફાઇટર છે.

તેઓ કહે છે, "આ બે પૈકીનું એક ફાયર ફાઇટર આશરે 45 મિનિટ પછી સ્થળ પર પહોંચ્યું હતુ."

જોકે, તેમનો આ રિપોર્ટ ફાયર ફાઇટરના રિસ્પૉન્સ ટાઇમ એટલે કે ઘટનાસ્થળ પર પહોંચવામાં લાગેલા સમય વિશે કંઈ કહેતો નથી.

તંત્રની ચૂક ક્યાં થઈ?

ઘટના સ્થળ પર આશરે 4.07 મિનિટે પહોંચનારા મહેશ વેકરીયાને તેમની દીકરી જાન્હવી (17 વર્ષ)એ લગભગ 4.05 કલાકે ફોન કર્યો હતો.

તેઓ કહે છે કે ફાયર ફાઇટર પહોંચી ગયાં હતાં પરંતુ તેમનાથી કંઈ થઇ શક્યુ ન હતું. જ્યારે HFF તેની બાદ મોડા આવ્યાં હતાં.

અહીં સવાલ એ થાય છે કે આ ફાયર ફાઇટર કેમ મોડાં પડ્યાં?

તક્ષશિલા આર્કેડથી આશરે 8.6 કિમીના અંતરે કતારગામ ફાયર સ્ટેશન આવેલું છે.

ઘટના સમયે આ ફાયર સ્ટેશનમાં એક હાઇડ્રૉલિક ફાયર ફાઇટર પાર્ક હતું. આવી જ રીતે ઘટનાસ્થળથી આશરે 13.6 કિમીના અંતરે અડાજણ ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બીજુ હાઇડ્રૉલિક ફાયર ફાઇટર હાજર હતું.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે ચાલુ હાલતમાં ગણી શકાય તેવાં આ બે જ હાઇડ્રૉલિક ફાયર ફાઇટર છે.

આ અંગે જ્યારે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ડેન્‍ડિંગ કમિટીના ચૅરમૅન અનિલ ગોપલાણીથી વાત કરી તો તેમણે કહ્યું કે હાઇડ્રૉલિક ફાયર ફાઇટર મોડા પહોંચવાનું પહેલું કારણ ટ્રાફિક અને બીજું કારણ મોટા પ્રમાણમાં ભેગી થયેલી ભીડ હતું.

તેઓ કહે છે, "હજી સુધી તેનાં કારણોની ઝીણવટભરી તપાસ તો અમે કરી નથી, પરંતુ પ્રાથમિક તપાસથી લાગે છે કે આગ લાગ્યાનો પહેલો ફોન જ્યારે 4.03 કલાકે મળ્યો ત્યારે આગ પ્રસરી ચૂકી હતી. જ્યારે 4.06 કલાકે ફાયર ફાઇટર પહોંચ્યાં ત્યારે આગે મોટું સ્વરુપ ધારણ કરી લીધું હતું."

ફાયરબ્રિગેડ 45 મિનિટ મોડું

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર થેન્નારસન. એન તો એ વાત માનવા તૈયાર જ નથી કે HFF મોડાં પડ્યાં હતાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે મુકેશ પુરીના રિપોર્ટમાં HFF પહોંચવાં માટે દર્શાવવામાં આવેલો 45 મિનિટનો સમય સાચો નથી.

તેમણે કહ્યું, "તક્ષશિલામાં આગ લાગી છે તેવો ફોન ફાયરબ્રિગેડને 4.03 કલાકે મળ્યો હતો અને 4.28 કલાકની આસપાસ હાઇડ્રૉલિક ફાયર ફાઇટર પહોંચી ચૂક્યાં હતાં.

"એક ફાઇટર આશરે 25 મિનિટના સમયમાં સ્થળ પર પહોંચી ગયું હતું, પરંતુ આગનું સ્વરૂપ જ એટલું વિકરાળ હતું કે માત્ર 10 મિનિટમાં જ મોટું નુકસાન થઈ ગયું અને HFF કોઈ ખાસ ઉપયોગમાં આવી શક્યાં નહીં."

પરંતુ ઘણા વાલીઓ અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે HFF મોડાં પડ્યાં હતાં.

પરેશ પટેલનાં 13 વર્ષનાં દીકરી શ્રુતિ પટેલ આ ઘટનામાં બચી ગયાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પરેશભાઈ કહે છે, "મને જ્યારે ફોન આવ્યો ત્યારે હુ તુરંત જ તક્ષશિલા આર્કેડ પહોંચી ગયો હતો. પરંતુ આશરે 4.30 વાગ્યા સુધી ફાયરબ્રિગેડ પાસે લાંબી સીડીઓ જ ન હતી."

આવી જ રીતે મીના કાકડીયાનાં 17 વર્ષનાં ભાણી જ્હાન્વી વેકરીયાનું આ આગમાં મૃત્યું થયું છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે જો ફાયરબ્રિગેડની લાંબી સીડીઓ સમયસર પહોંચી ગઈ હોત, તો અમારી દીકરી અમારી પાસે હોત."

17 વર્ષના મીત સંઘાણી પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યાં છે. તેમના મામા રાજેશ વટાલીયા તો ફાયરના જવાનો સાથે રેસ્ક્યુ ઑપરેશનમાં જાડાયેલા હતા.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ફાયરબ્રિગેડની ગાડી આશરે 40 મિનિટ પછી પહોંચી હતી."

ઘણા વાલીઓ, પ્રત્યક્ષદર્શીઓ તેમજ તક્ષશિલા કૉમ્પલેક્ષની આસપાસના વેપારીઓને મળ્યું અને લગભગ દરેક વ્યક્તિ આ વાતને માની રહ્યું હતું કે HFF આશરે 40થી 45 મિનિટ મોડાં પહોંચ્યાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે પ્રોટોકૉલ?

ફાયર સેફ્ટીના એક ઉચ્ચ અધિકારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે પ્રથમ પ્રતિક્રિયા મળેલી માહિતી પ્રમાણે લેવામાં આવે છે.

તેઓ જણાવે છે, "સુરતની આ આગમાં પહેલા માત્ર ફાયર ફાઇટર જ મોકલવામાં આવ્યાં હતાં. ત્યાં લીડ કરી રહેલા ફાયરમૅને કૉલ લીધો કે HFFની જરૂર પડશે, ત્યારે ગાડીઓ બોલાવવામાં આવી હતી."

"આ ફાયર ફાઇટરમાં 35 ફૂટ લાંબી મૅન્યુઅલ સીડી જ હોય છે, જે સુરતની ઘટનામાં કોઈ કામ આવી ન હતી."

તેઓ વધુમાં કહે છે કે જ્યારે આ મૅન્યુઅલ સીડી કામ ન આવે ત્યારે HFFનો ઉપયોગ જરૂરી થઈ જાય છે.

તેમનું કહેવું છે કે આ જ પ્રોટોકૉલ છે અને ફાયરબ્રિગેડ આ જ પ્રમાણે કામ કરતું હોય છે.

તેમણે એ પણ જણાવ્યું કે સ્થળ ઉપર કયાં સાધનોની જરૂર પડશે તે માહિતી આપનાર વ્યક્તિની માહિતી પર નિર્ભર હોય છે.

તેઓ કહે છે, "ફોન કરનાર વ્યક્તિ જેટલી સચોટ માહિતી આપશે, તેટલી જ ઝડપી અને સારી પ્રતિક્રિયા ફાયર ટીમ આપી શકશે."

હવે શું થશે?

જોકે, રાજ્ય સરકાર પોતાના 'ગુજરાત ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ ઍક્ટ'માં પરિવર્તન ઇચ્છે છે.

આ વિશે વાત કરતા અમદાવાદ ફાયર ઍન્ડ ઇમર્જન્સી સર્વિસના મુખ્ય ફાયર અધિકારી એમ. એફ. દસ્તુર કહે છે, "હજી આ સમયે કંઈ પણ કહેવું મુશ્કેલ છે કે શું નવું થવાનું છે. મુકેશ પુરીના રિપોર્ટનામ સૂચનો તેમજ બીજી સંસ્થાઓનાં સૂચનો પ્રમાણે સરકાર નિયમોમાં ફેરબદલ કરશે."

ગુજરાત સરકારની હાઇ-લેવલની એક મિટિંગ ટૂંક સમયમાં થવાની છે જેમાં વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતોનાં સૂચનો મગાવી આ કાયદામાં ફેરબદલ કરવામાં આવશે.

જોકે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી (GSDMA)નાં ડિરેક્ટર અનુરાધા મલ માને છે કે સરકારનાં પગલાંની સાથેસાથે જ્યાં સુધી લોકોમાં આ વિશે જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી સારાં પરિણામો મેળવવાં મુશ્કેલ છે.

તેમનું કહેવું છે, "હવે જ્યારે નવા સત્રમાં શાળાઓ શરૂ થશે, ત્યારે અમે ગુજરાતભરની શાળાઓમાં આગ લાગવાની પરિસ્થિતિમાં શું કરવું અને પોતાને કેવી રીતે બચાવવું તેનાં વર્કશોપ બાળકો સાથે કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો