Surat Fire : સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ ફાયરસેફટીનાં સાધનો ન હોવાને લીધે લાગી?

સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે. આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 18થી 19 બંબા કામે લાગ્યા હતા.

આ ઘટનામાં 18 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્મીમેર હૉસ્પિટલના CMO જયેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

જયેશ પટેલે જણાવ્યું હતું કે આગમાં દાઝી જવાથી 16નાં મૃત્યુ થયાં છે, જ્યારે 2નાં મૃત્યુ ઇમારત પરથી કૂદીને પડવાથી થયાં હતાં. મૃતકો પૈકી 3 પુરુષ અને 15 મહિલાઓ હોવાનું જાણવા મળે છે. આગમાં દાઝેલા લોકોને અને મૃતકોને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ સિવાય પી. પી. સવાણી તથા સ્પાર્કલ અને કિરણ હૉસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના કલેક્ટર ધવલ પટેલ પણ હૉસ્પિટલે પહોંચ્યા છે. આગ પર હાલમાં કાબૂ મેળવી લેવાયો છે.

સુરતનાં સાંસદ દર્શનાબહેન જરદોશે જણાવ્યું, "હું, મેયર, કમિશનર તથા તંત્રના અન્ય જવાબદાર અધિકારીઓ તથા લોકપ્રતિનિધિઓ ઘટનાસ્થળે છીએ અને તંત્ર દ્વારા રાહત અને બચાવ માટે શક્ય તમામ પ્રયાસ હાથ ધરવામાં આવશે."

સ્પાર્કલ હૉસ્પિટલનાં અધિકારી વિશ્વા દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્પાર્કલ હૉસ્પિટલમાં આઠ પીડિતોને લવાયા હતા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયાં છે.

સુરતના ચીફ ફાયર ઑફિસર બસંત પરીકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગ લાગી ત્યાં ગેરકાયેદસર ક્લાસ ચાલતા હતા.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે ત્યાં ફાયરસેફ્ટીનાં કોઈ જ સાધનો ન હોવાથી આ ઘટના સર્જાઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને વેદના પ્રગટ કરી છે. તેમણે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને કામગીરીમાં મદદ કરવા કહ્યું હતું.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

મુખ્ય મંત્રીએ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને મૃતકોને અંજલિ અર્પી.

આ ઉપરાંત ટ્વીટ દ્વારા અમિત શાહે સુરત ભાજપના કાર્યકર્તાઓને પીડિતોની મદદ કરવા અપીલ પણ કરી.

ઘટના અંગે કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું.

હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટમાં સુરતના કૉંગ્રેસના કાર્યકરો તથા સામાજિક સંગઠનના લોકોને ઘાયલ તથા તેમના પરિવારજનોની મદદ કરવા અપીલ કરી.

ઘટના અંગે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી.

'છોકરીઓ કૂદી રહી હતી'

ઘટનાને નજરે જોનારા વિજય મંગુકિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે સાંજે 4.30 આજુબાજુ આ ઘટના ઘટી હતી.

મંગુકિયા કહે છે, "પહેલાં ધુમાડો નીકળતો દેખાયો અને ઝડપથી આગ ફેલાવવા લાગી. આ ઇમારતમાં ટ્યૂશન-ક્લાસિસ ચાલતા હતા."

મંગુકિયાએ એવું પણ જણાવ્યું કે કેટલીક છોકરીઓ ત્રીજા માળેથી કૂદી રહી હતી.

તેઓ કહે છે કે ઘટના બાદ શરૂઆતમાં ફાયર-બ્રિગેડના ચાર બંબાઓ પહોંચ્યા હતા. થોડી વારમાં વધારે બંબાઓ બોલાવાયા હતા.

પ્રત્યક્ષદર્શી શું કહે છે?

સુરતના સરથાણા વિસ્તારમાં દુકાન ધરાવતા દર્શન પાંધી કહે છે, "તક્ષશિલા કૉમ્પલેક્સ અને મારી દુકાનની દીવાલ એક છે. સાંજે પોણા ચાર વાગ્યે મેં દુકાન ખોલી હતી. 10-15 મિનિટ થઈ હશે કે મને વાયરિંગ બળવાની વાસ આવવા લાગી."

"મારી દુકાનની ઉપરનું એસી સળગવા લાગ્યું હતું એટલે મેં મારી દુકાન બંધ કરી દીધી."

"ચાર વાગ્યા અને આઠ મિનિટે મેં 101 નંબર ઉપર ફોન કર્યો, તેમને ફોન ન લાગ્યો એટલે 100 નંબર ઉપર ફોન કર્યો. એસીની આગને કારણે હોર્ડિંગ સળગી ગયું અને આગ ફેલાઈ."

આગ જોવા માટે ઊભા રહી ગયેલા વાહનચાલકોને કારણે રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલાં વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો હતો. સુરતમાં આગની ઘટનામાં ઈજા પામેલા ઋષિત વેકરિયાની પી. પી. સવાણી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તેમના પિતા અરવિંદભાઈ વેકરિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "ઋષિતને માથાના ભાગે ઈજા થઈ છે. ટ્યૂશન-ક્લાસિસના દાદરાની પાસે જ ભયાનક આગ લાગતા તે ક્લાસિસના છેલ્લા રૂમમાં જતો રહ્યો હતો."

"ધુમાડો વધી જવાથી ઋષિત અને અન્ય વિદ્યર્થીઓ બારી તોડીને નીચે કૂદી ગયા હતા."

અમદાવાદમાં ટ્યૂશન ક્લાસ બંધ કરાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ફાયર-સેફ્ટી ન હોય તેવા તમામ ટ્યૂશન ક્લાસ બંધ કરાવવાના આદેશ આપ્યા છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે શહેરના તમામ ટ્યૂશન-ક્લાસિસમાં તપાસ પણ હાથ ધરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરત ફાયરબ્રિગેડના અધિકારીઓના કહેવા પ્રમાણે, ફાયરના 19 બંબાને કામે લગાડવામાં આવ્યા હતા.

આ સિવાય બે હાઇડ્રૉલિક પ્લૅટફૉર્મની મદદથી બચાવ અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, આગે તક્ષશિલા કૉમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળને ઝપેટમાં લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો