You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતની આગમાંથી જીવતા બચી ગયેલા વિદ્યાર્થીની આપવીતી
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મોતથી બચ્યા બાદ બે દિવસથી હું ઘરે બેસીને વિચાર કરું છું કે સરકાર દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી શકે, તો શું ચાર માળ સુધી પહોંચી શકે તેવી સીડી વસાવી ન શકે, જેથી કરીને લોકોના જીવ બચી શકે." આ શબ્દો છે ટીનેજર રામ વાઘાણીના.
સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ ખાતે આગ લાગી ત્યારે વાઘાણી ત્યાં ત્રીજા માળે હતા અને આગમાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ માટે તંત્ર કરતાં સ્થાનિકોના પ્રયાસ વધુ જવાબદાર હતા.
સ્થાનિકોનું કહેવું છે કે આગ બાદ હાથ ધરવામાં આવેલા રાહત અને બચાવકાર્ય માટે સ્થાનિક તંત્ર સજ્જ ન હતું.
શુક્રવારે લાગેલી આગમાં 22 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 15 અન્યને સારવાર માટે અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
સોમવારે મુખ્ય સચિવ (શહેરી વિકાસ ) મુકેશ પુરી
'હું ત્રીજામાળે હતો'
રામ વાઘાણી કહે છે, "હું ક્લાસમાં હતો ત્યારે અચાનક જ ધુમાડો દેખાયો. એક મેડમ દોડીને ત્રીજા માળે પહોંચ્યાં ત્યારે હું પણ તેમની પાછળ ગયો. ત્યાં સુધીમાં આગ ફેલાઈ ગઈ હતી અને કંઈ સમજ પડતી ન હતી."
"ખાસ્સા સમય સુધી ફાયરબ્રિગેડની ગાડી આવી ન હતી અને નીચે લોકો એકઠા થઈ ગયા હતા. તેમની પાસે ચાદર જેવું કંઈ ન હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ફાયરબ્રિગેડના લોકો બીજા માળ સુધી પહોંચી શકે તેમ નહોતા અને વધુમાં નીચે ઊતરી શકાય તેમ ન હતું."
"ધુમાડાને કારણે અંદર ગૂંગળામણ વધી રહી હતી. હું અને મેડમ બારીમાંથી ડોકું બહાર કાઢીને શ્વાસ લઈ રહ્યાં હતાં."
"નીચેથી ઊભેલા લોકો બૂમાબૂમ કરીને અમને નીચે કૂદી જવા કહી રહ્યા હતા, પરંતુ મારી હિંમત થતી ન હતી."
"મેં ઉપરથી દફતર ફેંક્યું, જે નીચે ઊભેલા લોકોએ ઝીલી લીધું, એટલે અચાનક જ મારામાં હિંમત આવી અને મેં પણ ભૂસકો મારી દીધો."
નીચે ઊભેલા લોકોએ રામ વાઘાણીને ઝીલી લેતાં તેમનો જીવ બચી ગયો. તેમને નાની અમથી પણ ઈજા ન થઈ.
17 વર્ષીય રામ વાઘાણી આર્કિટેક્ટ બનવા માગે છે અને ઍન્ટ્રેન્સ પરીક્ષાના ટ્યૂશન લેવા માટે જ તક્ષશિલા આર્કેડ ગયા હતા.
'સજ્જ નહોતું ફાયરબ્રિગેડ'
સ્થાનિક સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા દેવ પટેલના કહેવા પ્રમાણે, "અમારી સંસ્થાના યુવાનો સીડી લઈને બીજા માળે પહોંચ્યા અને લોકોને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો."
"જે બાળકો ઉપરથી કૂદ્યાં તેમને ઝીલવાનો પ્રયાસ કર્યો. જો ફાયરબ્રિગેડ પાસે મોટી જાળી કે જાડી ચાદર હોત તો વધુ કેટલાક લોકોને બચાવી શકાયા હોત."
નાના વરાછા રોડ ઉપર રહેતા હેમંત ચોરવાડિયા કહે છે, "ઘટનાસ્થળેથી ફાયરબ્રિગેડની ગાડીઓ માંડ દોઢ કિલોમિટરના અંતરે હોવા છતાંય તેને પહોંચતા 45 મિનિટ ગઈ હતી."
"પાણીના બંબામાં પાણીનું પ્રેશર ન હતું. સીડીની લંબાઈ અપૂરતી હતી."
ચોરવાડિયા અને પટેલે સરકાર અને મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે અવાજ ઉઠાવવાની વાત કહી હતી.
અગાઉ કાર્યવાહી તો થઈ, પણ...
નવેમ્બર-2018માં ફાયરસેફ્ટીના અભાવે સુરતની એક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં એક ટીચર તથા સ્ટુડન્ટનું મૃત્યુ થયું હતું.
એ ઘટનાને પગલે ફાયરસેફ્ટી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલીક ઇમારતોને સીલ કરાઈ હતી. બાદમાં એ અભિયાન ઢીલું પડી ગયું હતું.
આ અંગે સુરત મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અશોક ગોસલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "નિયમ પ્રમાણે, દર એક લાખની વસતિએ એક ફાયર ફાઇટર હોવું જોઈએ. તે મુજબ સુરતમાં 62 ફાયર ફાઇટર છે, પરંતુ આગ વખતે ટ્રાફિકજામ થઈ જાય છે."
"આ સમસ્યાને પહોંચી વળવા માટે અમે અમદાવાદની જેમ ટૂ-વ્હિલર ફાયર ફાઇટર વસાવીશું, જેથી કરીને ફાયર કર્મચારીઓ ઝડપભેર પહોંચી શકે અને શરૂઆતનો કિંમતી વેડફાય નહીં."
સુરતમાં વેપાર કરતા ભરતભાઈ કથીરિયાએ કહ્યું, "ઉઘરાણીના કામ માટે આવ્યો હતો. ફાયરબ્રિગેડ પહોંચ્યું તે પહેલાં બે બાળકો ઉપરથી કૂદ્યાં હતાં, જેમને અમે ઝીલી લીધાં હતાં."
"ગેરકાદેસર બાંધકામોને 'ઇમ્પેક્ટ ફી' લઈને કાયેદસર કરી દેવામાં આવે છે."
ગોસલાએ સલામતી માટે જોખમરૂપ હોય તેવા ટ્યૂશન ક્લાસિસ, સ્કૂલ, કૉલેજ, રેસ્ટોરાં, મોલ અને મકાનને કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વગર સીલ કરવાની વાત કહી હતી.
સુરતના વેપારી મુકેશ કાનાણીએ કહ્યું, "જો અધિકારીઓ અને નેતાએ અમારા ટૅક્સના પૈસે જલસા કરવાના હોય અને અમારે સલામત જ રહેવાનું હોય તો અમે ટૅક્સ ભરવાનું બંધ કરી દઈશું."
સરકાર દ્વારા કાર્યવાહી
ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંઘે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "સુરતની ઘટના બાદ 2055 અધિકારીઓની 713 ટીમોએ ગુજરાતભરના મહાનગરોમાં સર્વેની કામગીરી હાથ ધરી છે."
"આ કાર્યવાહી દરમિયાનની 9,395 ઇમારતોમાં ફાયરસેફટીના નિયમોનું પાલન થતું ન હોવાનું માલૂમ પડ્યું હોઈ તેમને ફાયરસેફ્ટીની નોટિસ આપવામાં આવી હતી."
"સુરતમાં 1,524 ઇમારતોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને 123 ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી."
સોમવારે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક મળશે, જેમાં સુરત જેવી ઘટનાઓને ભવિષ્યમાં કઈ રીતે અટકાવી શકાય તે અંગે ચર્ચા થશે અને કેટલાક નીતિવિષયક નિર્ણયો લેવાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો