વારાણસીથી કૉંગ્રેસના ઉમેદવાર અજય રાય કૉંગ્રેસની જ વિરુદ્ધ બોલ્યા?- ફૅક્ટ ચેક

    • લેેખક, ફેક્ટ ચૅક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા યૂઝર્સનો દાવો : 'ઉત્તર પ્રદેશના વારાણસી મતવિસ્તારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર અજય રાય હવે પાર્ટીની વિરુદ્ધ બોલી રહ્યા છે.'

આ દાવા સાથે ફેસબુક અને ટ્વિટર પર અઢી મિનિટનો એક વીડિયો વ્યાપક રીતે શૅર કરવામાં આવી રહ્યો છે.

ગત અઠવાડિયે ગુરુવારના રોજ કૉંગ્રેસ પાર્ટીએ વારાણસી સંસદીય ક્ષેત્રથી અજય રાયના નામની જાહેરાત કરી હતી, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો.

આ પહેલાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી શકે છે.

ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કરનાર લોકોએ વીડિયો સાથે લખ્યું છે, "આ છે વારાણસીમાં મોદી વિરુદ્ધ કૉંગ્રેસના ઉમેદવાર અજય રાય. શું કહી રહ્યા છે તે ચોક્કસથી સાંભળો."

સોશિયલ મીડિયા યૂઝર્સ વાઇરલ વીડિયોમાં દેખાઈ રહેલી જે વ્યક્તિને કૉંગ્રેસ નેતા અજય રાય જણાવી રહ્યા છે, તેમને વીડિયોમાં એ કહેતા સાંભળી શકાય છે કે 'મા અને દીકરાની જોડી'એ ખૂબ જ જૂની કૉંગ્રેસ પાર્ટીને બરબાદ કરી નાખી છે.

વીડિયોમાં આ વ્યક્તિ કહે છે, "પરિવારવાદનું રાજકારણ અમારી પાર્ટી માટે ઘાતક છે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે."

"પરંતુ કાલે જ્યારે તમે પાર્ટીની કોર કમિટીની મિટિંગમાં જાઓ તો એ સમજી વિચારીને ચાલજો કે ભારતની અંદર તેણે બૂમો પાડીપાડીને મા-દીકરાના રાજકારણનાં સૂપડાં સાફ કરવાની તૈયારી કરી લીધી છે."

ફૅક્ટ ચેક ટીમની તપાસમાં માલૂમ પડ્યું છે કે વીડિયોમાં મૂછના કારણે કૉંગ્રેસ નેતા અજય રાય જેવી દેખાતી વ્યક્તિ કૉંગ્રેસ પાર્ટી સાથે સંબંધ ધરાવતી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે આ વ્યક્તિ?

આ વીડિયો મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં રહેતા અનિલ બૂલચંદનીનો છે કે જેઓ વ્યવસાયે વેપારી છે. આ વીડિયો મુદ્દે અમે બૂલચંદની સાથે વાત કરી.

અનિલ બૂલચંદનીના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરી, 2019ના રોજ તેમણે આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.

વીડિયો સાથે તેમણે લખ્યું હતું, "મારા દ્વારા નાટકીય રૂપાંતરણ..."

આ વીડિયો વિશે બૂલચંદનીએ બીબીસીને જણાવ્યું, "મેં આ વીડિયો એક ફિલ્મના ઑડિશન માટે બનાવ્યો હતો. એ ફિલ્મમાં મને ધારાસભ્યના રોલ માટે કહેવામાં આવ્યું હતું."

બીબીસી સ્વતંત્ર રૂપે બૂલચંદનીના દાવાની પુષ્ટિ કરી શકતું નથી કે તેમણે ખરેખર આ વીડિયો કોઈ ફિલ્મના ઑડિશન માટે બનાવ્યો હતો કે નહીં.

'ભાજપના સક્રિય સમર્થક'

બૂલચંદનીનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, તેના વિશે તેમણે 12 એપ્રિલના રોજ એક તસવીર પણ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, "મારા કરતાં વધારે મારો વીડિયો ફેમસ થઈ ગયો છે."

તેમણે અમને જણાવ્યું કે, "ફિલ્મ ઑડિશન માટે તેમણે બે-ત્રણ વીડિયો પણ બનાવ્યા હતા, પરંતુ આ એક વીડિયો સૌથી વધારે ફરતો થયો છે."

અનિલ બૂલચંદનીએ બીબીસીને કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પસંદ કરે છે અને પાર્ટીના સક્રિય સમર્થક છે.

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત ઘણા અન્ય ભાજપ નેતાઓ સાથે અનિલ બૂલચંદનીની તસવીરો તેમની ફેસબુક ટાઇમલાઇન પર જોઈ શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો