ગંગાની જૂની તસવીરો પર કૉંગ્રેસના નવા દાવાની હકીકત - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

કૉંગ્રેસ પાર્ટી સાથે સંબંધિત કેટલાંક ઔપચારિક ટ્વિટર અને ફેસબુક પેજ પર ગંગા નદીની બે તસવીરો શૅર કરવામાં આવી છે. જેના આધારે પાર્ટીએ ભાજપ સરકારની 'નમામી ગંગે યોજના' પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત પ્રદેશ યૂથ કૉંગ્રેસે પોતાના ઔપચારિક હૅન્ડલ પરથી #DeshKiBhoolKamalKaPhool સાથે ટ્વીટ કર્યું છે કે "25,000 કરોડ રૂપિયાના 'નમામી ગંગે પ્રોજેક્ટ' અંતર્ગત ગંગા સાફ હોવાના બદલે વધારે પ્રદૂષિત થઈ છે."

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ, મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સેવા દળ અને ગોવા પ્રદેશ કૉંગ્રેસ સહિત પાર્ટીના અન્ય ઔપચારિક હૅન્ડલ્સે પણ #JaayegaTohModiHi અને #NamamiGange સાથે આ બે તસવીરોને શૅર કરી છે.

સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવેલી આ તસવીરો પર લખ્યું છે, "જે ગંગા ભાજપ પોતાની જાહેરાતોમાં બતાવે છે અને જે ગંગાનું સત્ય ભાજપ બતાવવા માગતો નથી."

પરંતુ જ્યારે આ તસવીરોની અમે તપાસ કરી તો અમે જાણ્યું કે બન્ને તસવીરો ભારતીય જનતા પક્ષની સરકાર બન્યા (2014) પહેલાંની છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્વચ્છ ગંગા, પહેલી તસવીર

રિવર્સ ઇમેજ સર્ચથી ખબર પડે છે કે 'નિર્મલ ગંગા'ની આ તસવીર વર્ષ 2012ની છે જેને નદીના કિનારાથી દૂર જઈને લેવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ફોટો શૅરિંગ માટે ચર્ચિત વેબસાઇટ 'પિક્સાબે' પર આ તસવીર ઉપલબ્ધ છે.

'પિક્સાબે'ના અનુસાર 'Oreotikki' નામના યૂઝરે 1 ફેબ્રુઆરી 2012ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)ની ગંગા ઘાટની આ તસવીર લીધી હતી જેને જૂન 2017ના રોજ પિક્સાબે પર અપલૉડ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી 2012માં કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી અને ઉત્તર પ્રદેશમાં બસપાની સરકાર હતી.

મેલી ગંગા, બીજી તસવીર

કૉંગ્રેસ પાર્ટીએ જે બીજી તસવીરને ભાજપના 'નમામી ગંગા પ્રોજેક્ટ'ની નિષ્ફળતા તરીકે દર્શાવી છે, તે ખરેખર વર્ષ 2011ની છે.

આઉટલુક મેગેઝીનના ફોટો ઍડિટર જિતેન્દ્ર ગુપ્તાએ આ તસવીર લીધી હતી.

થોડા સમય પહેલાં જિતેન્દ્ર ગુપ્તાની આ તસવીરનો ઉપયોગ ભાજપના નેતાઓએ પણ કર્યો હતો.

તમિલનાડુના ભાજપ એકમમાં મહાસચિવ વનથી શ્રીનિવાસને આ તસવીરના આધારે લખ્યું હતું કે "કૉંગ્રેસ સરકારના સમયે (2014) અને હવે ભાજપ સરકાર દરમિયાન (2019) ગંગાની સ્થિતિમાં થયેલા ફેરફારને જુઓ."

ભાજપના નેતાઓના આ તસવીર સાથે જોડાયેલા દાવાની તપાસ કરતી વખતે અમે ફોટો ઍડિટર જિતેન્દ્ર ગુપ્તા સાથે વાત કરી હતી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે વર્ષ 2011ના મધ્યમાં તેઓ ગંગાની સ્થિતિ પર ફોટો સ્ટોરી કરવા વારાણસી ગયા હતા. આ તે જ સિરિઝની તસવીર છે જે બાદમાં ઘણી ન્યૂઝ સ્ટોરીઝમાં ફાઇલ તસવીર તરીકે વાપરવામાં આવી હતી.

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીની ઔપચારિક ટીમ તરીકે પોતાની ઓળખ ધરાવતાં ટ્વિટર યૂઝર 'પ્રિયંકા ગાંધી ટીમ'એ પણ આ તસવીર ટ્વીટ કરી છે.

એવું નથી કે કૉંગ્રેસ પાર્ટીએ પહેલી વખત આ 8 વર્ષ જૂની તસવીરનો ઉપયોગ કર્યો છે. ઓક્ટોબર 2018માં છત્તીસગઢ યૂથ કૉંગ્રેસે આ તસવીર ખોટા દાવા સાથે ટ્વીટ કરી હતી.

ગંગાની સફાઈનું રિયાલિટી ચેક

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા હતા ત્યારે તેમણે દેશના નાગરિકોને એક વચન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષ 2020 સુધી પ્રદૂષિત ગંગા નદીને સાફ કરવાનું કામ કરશે.

વર્ષ 2015માં સત્તારૂઢ ભાજપ સરકારે તેના માટે પાંચ વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી અને 300 કરોડ રૂપિયા પણ રાખ્યા.

ગત વર્ષે ડિસેમ્બરમાં મોદીએ પોતાના ચૂંટણીક્ષેત્ર વારાણસીમાં એક રેલીમાં કહ્યું કે ગંગામાં પ્રદૂષણ ઓછું કરવામાં સરકારને સફળતા મળી રહી છે.

પરંતુ વિપક્ષનો એ દાવો છે કે સરકાર આ મામલે પોતાનો વાયદો પૂર્ણ કરી શકી નથી.

બીબીસી રિયાલિટી ચેકની ટીમે આ દાવાની તપાસ કરી હતી. આ ટીમને જાણવા મળ્યું હતું કે ગંગાની સફાઈનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

જોકે, આ સમસ્યા પર પહેલાંથી ખૂબ વધારે પૈસાનો ખર્ચ થયો છે, પરંતુ એવું જરા પણ લાગતું નથી કે 1,568 માઇલ લાંબી આ નદીને 2020 સુધી સાફ કરી શકાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો