નરેન્દ્ર મોદી આંકડાના સમીકરણમાં કેટલા મજબૂત છે? - દૃષ્ટિકોણ

    • લેેખક, સંજય કુમાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

થોડા મહિનાઓ સુધી એવું લાગતું હતું કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને કૉંગ્રેસ પડકાર આપી શકશે. તેનું એક કારણ એ પણ છે કે ગત વર્ષની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ત્રણ રાજ્યો પર જીત મેળવી હતી. આ પરથી લાગી રહ્યું હતું કે કૉંગ્રેસ મજબૂત બની રહી છે.

જોકે, પુલવામા હુમલા બાદ 2019નાં સમીકરણ બદલાયેલાં નજરે પડી રહ્યાં છે. રાષ્ટ્રવાદના ઘોડા પર સવાર ભાજપે પુલવામા હુમલા બાદ ચૂંટણીનાં સમીકરણો પોતાના પક્ષે કરી લીધાં છે.

હિંદી રાજ્યોમાં તેણે સંભવિત નુકસાન ઓછું કરી જ લીધું છે અને કૉંગ્રેસ સહિત અન્ય પક્ષોને પોતાની રણનીતિ પર પુનઃવિચારણા કરવા મજબૂર કર્યા છે.

પહેલાં સવાલ એ હતો કે શું ભાજપ 2019માં ફરી સત્તામાં આવશે? પુલવામા હુમલા બાદ હવે સવાલ એ છે કે ભાજપ 2019માં કેટલી બેઠકો જીતી શકશે?

શું ભાજપ 2014 જેટલી બેઠકો જીતી શકશે?

પુલવામા હુમલા પહેલાં પણ ભાજપ 2019ની ચૂંટણીની રેસમાં આગળ હતો પરંતુ પુલવામા બાદ ભાજપ હિંદી રાજ્યોમાં કૉંગ્રેસ અને ક્ષેત્રીય પક્ષો કરતાં થોડો આગળ નીકળી ગયો છે.

બાલાકોટ ઍરસ્ટ્રાઇક બાદ ભાજપ સરકારની એવી છબી બની છે કે તેઓ પાકિસ્તાનને જવાબ આપી શકે છે.

આ સાથે ભાજપને એ વાતનો પણ ફાયદો થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ લોકોને નજરે પડતો નથી.

પુલવામા હુમલા બાદ મોદી વધુ મજબૂત દેખાઈ રહ્યા છે અને તેમની ઘટી રહેલી લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો છે.

એક અલગ મત એવો પણ છે કે અટલબિહારી વાજપેયી જેવા લોકપ્રિય નેતાને 2004માં નબળો કૉંગ્રેસ પક્ષ અને વિખરાયેલા વિપક્ષ પણ હરાવી શકે તો શું લોકપ્રિય નરેન્દ્ર મોદીને 2019માં હરાવી ન શકાય?

1999ની લોકસભા ચૂંટણી પણ કારગિલ યુદ્ધ બાદ થઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

અટલની જેમ મોદીની હાર થઈ શકે?

કોઈ પક્ષ એવો દાવો ન કરી શકે કે તેઓ અજય છે અને આ વાત ભાજપ પર પણ લાગુ પડે છે પરંતુ 2019ની તુલના 2004 સાથે ન કરી શકાય કારણ કે આ બન્ને ચૂંટણીમાં કૉંગ્રેસના મતની પૃષ્ઠભૂમિ અલગ હતી.

જ્યારે 2004માં કૉંગ્રેસ ચૂંટણી લડી, ત્યારે તેમની પાસે 28% મત હતા અને હાલમાં 19.6% છે.

કૉંગ્રેસના મતમાં 6-7 ટકાનો વધારો થઈ જાય, તો પણ 100થી વધુ બેઠકો નહીં મળે.

ભાજપ જેવી લોકપ્રિય સરકારને હરાવવી હોય તો વિપક્ષને સત્તાધારી પાર્ટી કરતાં વધુ મજબૂત દેખાવું પડશે અને જો કોઈ એક વિરોધી પક્ષ મજબૂત નથી તો સત્તાધારી પક્ષને હેરાન કરવા માટે વિપક્ષોએ એક સાથે આવવું પડશે.

હાલની પરિસ્થિતિ મુજબ આ બન્ને જેવું કંઈ દેખાતું નથી. યૂપીમાં કૉંગ્રેસ ગઠબંધન ન કરી શકી અને ઘણા પ્રયત્નો બાદ આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન ન થયું.

કૉંગ્રેસ અત્યારે એકલા હાથે ભાજપને હરાવી શકે એમ નથી. વિરોધી પક્ષો સાથે આવ્યા હોત તો મોદી માટે પડકાર ઊભો થયો હોત અને ભાજપને 200 બેઠકોથી નીચે લઈ આવવાનું શક્ય ન બન્યું હોત.

જીતનો તફાવત

પહેલાં રાષ્ટ્રીય સ્થિતિની વાત કરીએ ત્યારબાદ રાજ્યોની. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘણાં ક્ષેત્રોમાં મોટા તફાવતથી જીત મળી હતી.

ભાજપને અહીંથી ત્યારે જ હરાવી શકાશે, જ્યારે મોટી સંખ્યામાં નકારાત્મક મત વિપક્ષના ફાળે રહેશે.

ભાજપને 42 લોકસભા બેઠકો પર 3 લાખ મતોથી વધુ અને 75 લોકસભા બેઠકો પર 2 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મળી હતી.

જ્યારે 38 લોકસભા બેઠકો પર દોઢ લાખ મત અને 52 લોકસભા બેઠકો પર 1 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મળી હતી.

વર્ષ 2019માં વિરોધી પક્ષો માટે આટલા તફાવતને પહોંચી વળવું સરળ નહીં હોય. આ ત્યારે જ સંભવ છે, જ્યારે ભાજપ વિરુદ્ધ લોકોમાં ગુસ્સો હોય.

શરૂઆતમાં લોકો ભાજપથી ગુસ્સે હતા પરંતુ પુલવામા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. વિરોધી પક્ષો માટે આ મતોને પોતાની તરફ આકર્ષવા મુશ્કેલ બની શકે છે.

વિધાનસભા ચૂંટણીની જીતનો ફાયદો કૉંગ્રેસને મળશે?

અલગ-અલગ રીતે વર્ષ 2019ની ચૂંટણી પર નજર કરીએ અને જોઈએ કે ભાજપ કેવું પ્રદર્શન કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં મુકાબલો બન્ને તરફી છે એવાં હિંદીભાષી રાજ્યોમાં ભાજપને નુકસાન થઈ શકે છે.

એ સાચું છે કે બન્ને તરફી મુકાબલો હોય તેવાં હિંદીભાષી રાજ્યોમાં ભાજપ 2014 જેવું પ્રદર્શન નહીં કરી શકે. જો કોઈ નાટકીય વળાંક ના આવે તો એ પણ સાચું છે કે ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને નુકસાન નહીં થાય.

બેશક મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસ કરતાં વધારે ફાયદામાં છે.

જો આપણે આ વિધાનસભાના મતને લોકસભામાં પરિવર્તિત કરીને જોઈએ તો ભાજપ મધ્ય પ્રદેશમાં 18 લોકસભા બેઠકો પર અને કૉંગ્રેસ 11 બેઠકો પર આગળ છે.

રાજસ્થાનમાં પણ આ રીતે જોઈએ તો ભાજપ 13 બેઠકો અને કૉંગ્રેસ 12 બેઠકો આગળ છે.

માત્ર છત્તીસગઢમાં કૉંગ્રેસ નિર્ણાયક સ્થિતિમાં છે. જોકે, અહીં પણ પુલવામા હુમલા બાદ ભાજપના મત વધવાની સંભાવના છે.

જો આપણે વિચારીએ કે કૉંગ્રેસના મત 2014ની તુલનામાં 2019માં વધશે તો કૉંગ્રેસે વધુ મત સ્વિંગ કરાવવા પડશે.

ભાજપના માત્ર 5-6 ટકા મત કૉંગ્રેસમાં આવવાથી ભાજપને ઝાઝો ફરક નહીં પડે. બીજી તરફ કૉંગ્રેસ માટે પણ આ મત સ્વિંગ કરાવવા સહેલા નથી.

હિંદી ભાષી રાજ્યોમાં ભાજપ અને કૉંગ્રેસના મતની ટકાવારીમાં તફાવત છે. મતલબ કે કૉંગ્રેસ એકલાહાથે જીતી શકે તેમ નથી.

ગઠબંધનથી ભાજપને કેટલું નુકસાન?

ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી જેવાં રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે.

ભાજપે આ રાજ્યોમાં ક્ષેત્રીય પક્ષો સાથે ગઠબંધન કર્યું અને જ્યાં ક્ષેત્રીય પક્ષો વહેંચાયેલા હતા, ત્યાં મત પણ વહેંચાઈ ગયા અને ભાજપને તેનો ફાયદો થયો.

એ પણ સાચું છે કે વિરોધી પક્ષો સાથેનું ગઠબંધન ભાજપને પાછળ ધકેલી શકે છે, જેમ કે યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર.

બિહારમાં વિપક્ષનું ગઠબંધન એનડીએને નુકસાન પહોંચાડી નહીં શકે.

કૉંગ્રેસે કર્ણાટક, તામિલનાડુ, ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહારમાં ગઠબંધન કર્યું છે પરંતુ ભાજપને પડકારવા માટે પર્યાપ્ત નથી.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સારું નહોતું. જો વિરોધી પક્ષો વિખરાયેલા રહે, તો 2019માં ભાજપ પાસે અહીં મજબૂત થવાની તક છે.

સર્વે કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાજપ આ રાજ્યોમાં મજબૂત થયો છે. જો વિપક્ષ ગઠબંધન નહીં કરે તો ભાજપ માટે રસ્તો સરળ રહેશે.

દક્ષિણમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ભાજપની સ્થિતિ 2014 જેવી જ છે. માત્ર કેરળમાં સમર્થન વધ્યું છે પરંતુ લોકસભા બેઠકો જીતવા માટે પૂરતું નથી.

આ બધી પરિસ્થિતિઓ અને આંકડાઓ ઇશારો કરે છે કે 2019માં મોદીને હરાવવા લગભગ અશક્ય છે.

(પ્રોફેસર સંજય કુમાર સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસના નિદેશક છે. આ લેખમાં વ્યક્ત કરેલાં વિચારો તથા તથ્યો લેખકનાં અંગત છે જેને બીબીસી સાથે કોઈ લેવાદેવા નથી અને બીબીસી તેની જવાબદારી પણ લેતું નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો