You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી પોતાનાં બાળકોને લઈને રિક્શામાં નીકળી પડ્યાં
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વર્ષ 1988. ઇંદિરા ગાંધીની હત્યાને ચાર વર્ષ થઈ ગયાં હતાં. એ સમયે પ્રથમ વખત જનતાએ પ્રિયંકા ગાંધીને પ્રથમ વખત મંચ પર જોયાં.
એ સમય પ્રિયંકા માત્ર 16 વર્ષનાં હતાં અને એ તેમનું પ્રથમ સાર્વજનિક ભાષણ હતું.
એ ભાષણના 31 વર્ષ બાદ કૉંગ્રેસ સમર્થક વારંવાર માગ કરતા રહ્યા કે 'પ્રિયંકાજીને સક્રિય રાજકારણ'માં લાવો.
આ લોકસભા ચૂંટણીમાં તેમની માગનો પડઘો ઝીલાયો છે. પ્રિયંકાને મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પૂર્વે એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી વારાણસીની બેઠક ઉપરથી ચૂંટણી લડશે.
પરંતુ ભાજપના વડા પ્રધાનપદના તત્કાલીન ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવાની હોવાથી તેમના નામ ઉપર મંજૂરીની મહોર લાગી ન હતી.
ગત વર્ષે જ્યારે સોનિયા ગાંધીને પૂછવામાં આવ્યું કે પ્રિયંકા ગાંધી ક્યારે રાજકારણમાં આવશે?
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકાને ભૈયાજી કહેવામાં આવે છે
પ્રિયંકા ગાંધી નાની વયમાં જ પિતા રાજીવ અને માતા સોનિયા સાથે રાયબરેલી આવતાં. તેમના વાળ હંમેશાં નાના જ હતા.
અમેઠી અને રાયબરેલીની મુલાકાતમાં ગામના લોકો રાહુલની જેમ પ્રિયંકાને પણ ભૈયા કહીને બોલાવતા. પછીના કેટલાક દિવસોમાં એ બદલાઈને ભૈયાજી થઈ ગયું.
યૂપીમાં તમે પ્રિયંકાની લોકપ્રિયતાનો આ રીતે અંદાજ લગાવી શકો છો. લોકોને તેઓ ગમે છે.
તેનું એક કારણ એ પણ છે કે પ્રિયંકાની હૅર-સ્ટાઇલ, કપડાંની પસંદગી અને વાત કરવાની અદામાં ઇંદિરા ગાંધીની ઝલક સ્પષ્ટ દેખાય છે.
પ્રિયંકા જ્યારે યૂપીની મુલાકાતે હોય, ત્યારે તેમનો દિવસ સવારે 6 વાગ્યે શરૂ થાય છે. ટ્રેડમીલ પર થોડી મહેનત કર્યા બાદ પ્રિયંકા યોગા કરે છે.
એવું કહેવાય છે કે જ્યારે પ્રિયંકા યૂપીની મુલાકાતે હોય ત્યારે રોટલી કે પરોઠા સાથે દાલ કે શાક ખાવાનું પસંદ કરે છે, સાથે કેરી કે લીંબુંનું અથાણું પણ.
જોકે, પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ વાડ્રાને મુગલી ભોજન પણ પસંદ છે.
રિક્શાની સફર
પ્રિયંકાએ ચૂંટણી પ્રચાર વર્ષ 2004થી શરૂ કર્યો હતો.
ત્યારે પ્રિયંકા મહેમાન તરીકે રાબયબરેલીના સ્થાનિક રમેશ બહાદુર સિંહના ઘરે એક મહીના સુધી રોકાયાં હતાં.
રમેશે બીબીસીને આ અંગે 2016માં કહ્યું હતું, "પ્રિયંકા એકલાંજ પ્રચારમા નીકળી જતાં અને મોડી રાત્રે પાછા આવતાં. બંને બાળકો ઘરમાં આયા સાથે રહેતાં. "
"એક દિવસ તેઓ વહેલા આવી ગયાં અને મને કહ્યું કે બંને બાળકોને રિક્શામાં ફરવા લઈ જવા છે. બે રિક્શા મળી શકશે?"
"જેવી રિક્શાઓ આવી તેવા તેઓ એક રિક્શામાં બેસી ગયા અને ગભરાયેલા એસપીજી વાળાઓ તેમની પાછળ ભાગ્યા. અડધી કલાક પછી તેઓ પરત આવ્યા અને રિક્શાવાળાને હસીને 50ની નોટ આપીને તેઓ ઘરમાં આવ્યા."
2004માં પ્રિયંકાને કેમ મેદાનમાં ઊતારવામાં આવ્યાં?
'24 અકબર રોડ' પુસ્તક લખનારા રશીદ કિદવઈએ પ્રિયંકાની કૉંગ્રેસમાં જરૂરિયાતની રસપ્રદ કહાની લખી છે.
વર્ષ 2004માં સામાન્ય ચૂંટણી સમયે એ અનુભવ્યું કે કૉંગ્રેસની હાલત ખરાબ છે. પાર્ટીએ એક પ્રૉફેશનલ ઍજન્સીની મદદ લીધી.
તેમણે ત્યારના કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને સમજાવ્યું કે તેઓ એકલા ભાજપના નેતા અને ત્યારના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને ટક્કર આપી શકશે નહીં.
ત્યારબાદ રાહુલ ગાંધી બ્રિટનમાં પોતાની નોકરી મૂકીને ભારત પરત ફર્યા અને રાજકારણમાં સક્રીય થયા.
આ ચૂંટણી બાદ જ્યારે પરિણામો આવવાનાં શરૂ થયાં તો અમેઠીમાં ટીવી જોઈ રહેલાં પ્રિયંકાના ચહેરા પરનું સ્મિત દર દસ મિનિટે વધતુ જતું હતું.
એકાએક પ્રિયંકા બોલી ઊઠી, મમ્મી હૅઝ ડન ઇટ...
રશીદ જણાવે છે કે આ જ ઍજન્સીની સોનિયાએ ફરી મદદ લીધી. ત્યારે જે સલાહ મળી એ હતી કે જોરદાર વાપસી માટે પ્રિયંકા અને રાહુલની જોડીની જરૂર પડશે.
જ્યારે પ્રિયંકાએ 10 મિનિટ સુધી નેતાની ઝાટકણી કાઢી
વર્ષ 2012. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. પ્રિયંકા રાયબરેલીની બછરાંવા બેઠક પર પ્રચાર કરી રહ્યા હતા.
એક ગામમાં તેમના સ્વાગત માટે ત્યાંના સૌથી મોટા કૉંગ્રેસી નેતા અને પૂર્વ સાંસદ ઊભેલા દેખાયા.
પ્રિયંકાના ચહેરાના ભાવ બદલાયા. તેમણે પોતાની સાથે ગાડીમાં બેઠેલા લોકોને ઇશારાથી ઊતરવા કહ્યું અને એ વરિષ્ઠ નેતાને ગાડીમાં બેસાડ્યા.
પોતાની આગળની સીટમાંથી પાછળ ફરીને ગુસ્સામાં લાલઘૂમ પ્રિયંકાએ એ નેતાને દસ મિનિટ સુધી ખખડાવ્યા અને કહ્યું, "આગળથી હવે મને આવું કંઈ જ સાંભળવા ન મળવું જોઈએ. મને બધું જ ખબર છે. હવે ગાડીમાંથી હસતાં-હસતાં ઊતરજો."
ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક થઈ. વચ્ચે મિટિંગ રોકીને સ્થાનિક નેતાને બોલાવીને પ્રિયંકા પાછળ રૂમમાં લઈ ગયાં અને પાંચ મિનિટ બાદ તેઓ રૂમમાંથી પાછા આવ્યા તો એમની આંખમાંથી આંસૂ આવતાં હતાં.
થોડા મહીના બાદ પ્રિયંકા ગાંધીએ ટિકિટ વહેંચતી વખતે થયેલી કોર બેઠકમાં આ નેતાની સલાહ ધ્યાનથી સાંભળી હતી.
પ્રિયંકાની સફર પર નજર
- 12 જાન્યુઆરી 1972માં જન્મ
- મૉર્ડન સ્કૂલમાં અભ્યાસ
- દિલ્હી યુનિવર્સિટીની જિસસ ઍન્ડ મેરી કૉલેજમાંથી મનોવિજ્ઞાનનો અભ્યાસ
- 1997માં વ્યાપાર રૉબર્ટ વાડ્રા સાથે લગ્ન
- 2004માં સોનિયા ગાંધી માટે પ્રચાર કર્યો
- પ્રિયંકાના પુત્રનું નામ રેહાન તથા પુત્રીનું નામ મિરાયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો