શું ખરેખર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી?

    • લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ઘણાં જમણેરી વિચારધારા ધરાવતા ફેસબુક પેજ પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે.

વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભાઈ-બહેને ચૂંટણી પ્રચાર પણ બંધ કરી દીધો છે, કેમ કે તેમનું માનવું છે કે દેશનું ભવિષ્ય વડા પ્રધાન મોદીના હાથમાં જ સુરક્ષિત છે.

વીડિયોના પહેલા ભાગમાં પ્રિયંકા ગાંધી એ કહેતાં સંભળાઈ રહ્યાં છે કે : "સોનિયા ગાંધી માટે નહીં, તમારા દેશ માટે મત આપો. તમારા બાળકોનાં ભવિષ્ય માટે મત આપો."

વીડિયોના બીજા ભાગમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, "તમારું ભવિષ્ય નરેન્દ્ર મોદીના હાથમાં છે... જો તમે ઉજ્જવળ ભવિષ્યની ઇચ્છા ધરાવો છો, તો તમારું વર્તમાન નરેન્દ્ર મોદીને આપો અને તેઓ તમને તમારું ભવિષ્ય આપશે."

આ વીડિયોને જુદા જુદા ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપ્સ પર હજારો વખત જોવામાં આવ્યો છે.

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો સાથે છેડછાડ થઈ છે અને નેતાઓની લાંબી સ્પીચને એડિટ કરવામાં આવ્યો છે.

11 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં ઔપચારિક રૂપે પ્રવેશ કર્યો, ત્યારથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમને પૂર્વ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો પ્રચાર કરવા માટે કમાન સોંપવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફેસબુક અને ટ્વિટર પર કૉંગ્રેસનાં નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી પર જમણેરી વિચારધારા ધરાવતા ગ્રૂપ્સ પરથી સતત નિશાન સાધવામાં આવે છે.

હાલ જ કેટલાંક જમણેરી વિચારધારા ધરાવતા પેજ પર એક વીડિયો પોસ્ટ કરાયો હતો, કે જેમાં તેમણે પર નશામાં મીડિયા સાથે ગેરવર્તણુંક કરવાનો દાવો કર્યો હતો.

પણ બીબીસીએ કરેલી તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો હતો અને જાણવા મળ્યું હતું કે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે.

ફેક ન્યૂઝ ફેલાવવાનો સિલસિલો જમણેરી વિચારધારા ધરાવતા પેજ સુધી જ સીમિત નથી.

હાલ જ કૉંગ્રેસના કેટલાક નેતાઓએ એવી તસવીર પોસ્ટ કરી હતી કે જેમાં લખનઉમાં થયેલા રોડ શો દરમિયાન લોકોનો ભારે જમાવડો થયો હોવાનો દાવો કરાયો હતો.

પ્રિયંકા ગાંધીનો વીડિયો

હાલ જે વીડિયો વાઇરલ થયો છે, તેની તપાસ જ્યારે અમે કરી તો જાણવા મળ્યું કે વીડિયોમાં વપરાયેલી ક્લિપ વર્ષ 2014ની છે.

તેનો ઑરિજિનલ વીડિયો 6 મિનિટનો હતો અને તે વીડિયો કૉંગ્રેસના ઑફિશિયલ યુટ્યૂબ પેજ પર 22 એપ્રિલ 2014ના રોજ પ્રકાશિત થયો હતો.

આ વીડિયોમાં તેઓ ખરેખર ભાજપની ટીકા કરી રહ્યાં હતાં.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રેલીને સંબોધન કર્યું હતું.

આ વીડિયોમાં તેઓ ભારતની વિવિઘતા અંગે તેમજ દેશના વિકાસ અને રોજગારી મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં સંભળાઈ રહ્યાં છે.

પ્રિયંકાએ કહ્યું હતું, "હું જાણું છું કે તમે સોનિયા ગાંધી માટે મત આપશો. મને તેમાં કોઈ શંકા નથી કેમ કે મને ખબર છે કે તમે કામ પ્રત્યે તેમજ તમારા વિકાસ માટે તેમનાં સમર્પણને જોયું છે."

તેઓ ઉમેરે છે, "તમારા દેશ માટે મત આપો, સોનિયા ગાંધી માટે નહીં. તમારા બાળકોના ભવિષ્ય માટે મત આપો. એ વ્યક્તિને મત આપો કે જેઓ તમને રોજગાર આપશે અને દેશના વિકાસમાં મદદ કરશે."

રાહુલ ગાંધીનો વીડિયો

રાહુલ ગાંધીનો વાઇરલ થયેલો વીડિયો પણ 12 જાન્યુઆરી 2017નો છે, જ્યારે તેમણે કૉંગ્રેસના એક કાર્યક્રમમાં એક લાંબી સ્પીચ આપી હતી.

40 મિનિટ લાંબો રાહુલ ગાંધીની સ્પીચનો ઑરિજિનલ વીડિયો કૉંગ્રેસની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ છે.

રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું હતું : "વડા પ્રધાન ન્યુ ઇન્ડિયા બનાવવાનો દાવો કરે છે અને હંમેશાં ભવિષ્ય અને ભૂતકાળની વાતો કરે છે. પણ વર્તમાન ભૂલી જાય છે. તેમનું માનવું છે કે તેઓ એકમાત્ર વ્યક્તિ છે કે જેઓ ન્યુ ઇન્ડિયા ઊભું કરી શકે છે. શું આપણો દેશ એટલો ખરાબ છે?"

આગળ તેઓ ઉમેરે છે, "તમારું ભવિષ્ય નરેન્દ્ર મોદીના હાથમાં છે, માત્ર તેમના જ હાથમાં. જો તમે ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છો છો, તો તમારું વર્તમાન નરેન્દ્ર મોદીને સોંપી દો. ત્યારે તેઓ તમને તમારું ભવિષ્ય આપશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો