પુલવામા હુમલો હોય કે અભિનંદનની મુક્તિ, ભડકાઉ પત્રકારત્વથી કોનો ફાયદો?

    • લેેખક, મુકેશ કુમાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારત-પાકિસ્તાન વચ્ચે જે સંબંધ છે તેમાં મીડિયા કવરેજ ક્યારેય સંતુલિત કે ઑબ્જેક્ટિવ નથી રહ્યું. એ પણ સાચું છે કે યુદ્ધ કે લડાઈ જેવું કંઈ વેચાતું નથી.

આ મુદ્દા એવા છે જેનો ઉપયોગ સમગ્ર દુનિયાનું મીડિયા પોતાની લોકપ્રિયતા અને ફાયદા માટે કરતું આવ્યું છે. ભારત અને પાકિસ્તાનનું મીડિયા પણ આવું જ કરી રહ્યું છે.

આમ છતાં કહેવું જરૂરી છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના 40 જવાનોએ જીવ ગુમાવ્યા બાદનું મીડિયા કવરેજ પત્રકારત્વના ગર્ત સુધી પહોંચી જાય એવું રહ્યું છે.

મીડિયાએ પત્રકારત્વની તમામ નિયંત્રણ રેખાઓ ઓળંગીને ખૂબ જ બદનામી કમાઈ છે. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં હોય કે આ પત્રકારત્વ માટે સૌથી ખરાબ સમય છે.

એ જ કારણ છે કે આજે વધુ અને ભડકાઉ બોલનારા ઍન્કરોને ખલનાયકોની જેમ જોવામાં આવી રહ્યા છે અને તેમની નિંદા થઈ રહી છે.

તેમનાં કર્મોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મીડિયાની મજાક ઉડાવી છે, પરંતુ આ વાત પાકિસ્તાની મીડિયા માટે પણ લાગુ પડે છે.

ટીવી પર બૂમો પાડતા અને જનતાને ઉશ્કેરતા અને સરકાર પર દબાણ ઊભું કરતી ટીવી ચેનલો લોહીની તરસી બની ગઈ છે.

શાંતિની દરકે વાત તેમના માટે બિનજરૂરી બની ગઈ છે. તેઓ અંધરાષ્ટ્રવાદ અને યુદ્ધનો વિરોધ કરતા એ દરેક અવાજને દબાવવા તૈયાર બેઠા છે.

એકતરફી કવરેજ

છેલ્લા અમુક દિવસોમાં મીડિયાએ અસત્ય અને ઓછાપણાના નવા કીર્તિમાન રચ્યા છે. જોવા મળ્યું કે તેઓ કેટલા ગેરજવાબદાર હોઈ શકે છે અને એવું કરતા તેમને કોઈ પણ પ્રકારની શરમ નથી આવતી.

એકતરફી અને અસત્ય કવરેજની તેમણે નવી ટેક ઊભી કરી છે. તેમણે એ પત્રકારોને શરમમાં મૂક્યા છે જેઓ પત્રકારત્વને એક પવિત્ર કામ સમજે છે અને તેના માટે જીવે-મરે છે.

સત્ય તો એ છે કે આ કવરેજ સમયે તે મીડિયાની જેમ કામ જ નહોતા કરી રહ્યા.

તે એક પ્રૉપેગૅન્ડા મશીનમાં પરિવર્તિત થઈ ગયું હતું. તે સત્તા અને તેની વિચારધારા સાથે ઊભું હતું અને તેનો પ્રચાર-પ્રસાર કરી રહ્યું હતું.

કોઈ પણ ખચકાટ વિના તે દેશભક્તિના નામે યુદ્ધવાદ ફેલાવી રહ્યું હતું.

પત્રકારત્વના નિયમો નેવે મૂકી તેમણે મનગડંત અને અપુષ્ટ સમાચારને એવી રીતે પ્રસારિત કર્યા કે તે બ્રહ્મ સત્ય હોય.

પુલવામા હુમલા સાથે જોડાયેલા તેમના મોટાભાગના સમાચાર ખોટા સાબિત થયા.

ના તો ત્યાં સાડા ત્રણસો કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો કે ના તો એ વાહન જેનો ઉલ્લેખ ઢંઢેરો પીટીને કરવામાં આવ્યો હતો.

આ સાથે જ પાકિસ્તાની મીડિયા પણ પુલવામા હુમલાની નિંદા કરવા માટે તૈયાર ના દેખાયું.

જૈશ-એ-મોહમ્મદ દ્વારા હુમલાની જવાબદારી લીધા બાદ પણ આ લોહિયાળ જંગ કાશ્મીરીઓની આઝાદીની લડાઈ હતી.

એટલું જ નહીં તેમણે એવું પણ વાતાવરણ ઊભું કર્યું કે ભારતના સત્તાપક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે આ કાંડ કરવામાં આવ્યું હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

મીડિયા સવાલ કરવાનું ભૂલ્યું

પુલવામા હુમલા બાદ ભાવનાઓ વધારવાનો સિલસિલો શરૂ થયો. ભારતીય મીડિયાએ ખાસ કરીને જવાનોના મૃતદેહ અને અંતિમ સંસ્કારને વધારીને દર્શાવ્યા.

દેખીતું છે કે આનો લાભ સત્તાપક્ષને મળવાનો હતો કારણ કે તેમના નેતાઓ અંતિમ સંસ્કારમાં પહોંચી રહ્યા હતા. સૈનિકોના પરિવારો તરફથી તેઓ બદલો લેવાનાં નિવેદનો કરાવી રહ્યા હતા.

દુર્ભાગ્યની વાત છે કે મીડિયા સવાલ કરવાનું ભૂલી ગયું છે. તેને યાદ ન રહ્યું અથવા તેમને ગુપ્ત એજન્સીઓની નાકામિયાબી અંગે સવાલ કરવાનું ઠીક ના લાગ્યું.

સરકારને પૂછવું જોઈતું કે જવાનો અને સૈન્ય કેમ્પો પર એક પછી એક હુમલાઓ થઈ રહ્યા છે પરંતુ તેઓ કંઈ કરી કેમ નથી શકતી?

પરંતુ આવું કરવાને બદલે તેઓ એ લોકોને ધમકાવી રહ્યા છે જેઓ આ પ્રકારના સવાલો કરવાની હિમ્મત દાખવી રહ્યા છે. તેઓ તેમને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પાકિસ્તાન સમર્થક અને ગદ્દાર ઠેરવી રહ્યા છે.

ઘણા પત્રકારોના ફોન નંબર સાર્વજનિક કરી દેવામાં આવ્યા છે જેના પર તેમને ધમકીઓ મળી. સોશિયલ મીડિયામાં તેમને ભદ્દી ગાળો દેવામાં આવી.

માત્ર હિંદી જ નહીં, અંગ્રેજી ચેનલ પણ આ કૃત્યમાં સામેલ છે. રિપબ્લિક ટીવી આ બધામાં આગળ છે. ઝી ન્યૂઝ, ઇન્ડિયા ટીવી, ટાઇમ્સ નાઉ, દરેક ઉન્માદ ફેલાવવામાં લાગેલા છે.

પ્રિન્ટ મીડિયામાં થોડી સાવચેતી દેખાઈ રહી છે પરંતુ દૈનિક જાગરણ અને અન્ય ક્ષેત્રીય સમાચાર પણ આ યાદીમાં સામેલ છે.

સમાચારો અને ચેનલોની ભાષા એકદમ બલદી ગઈ છે. તે સનસનીખેજ, ઉત્તેજના અને ઉન્માદથી ભરેલી છે. અમૂક ઍન્કરોની ભાષા તો ગાળોની હદ સુધી પહોંચી રહી હતી. તેઓ પાકિસ્તાનને શેતાન જેવા શબ્દોથી સંબોધિત કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ ભારત માટે આવી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે.

ખોટા સમાચારનું વાતાવરણ

પુલવામા હુમલાના 12 દિવસ બાદ જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ પર હુમલો કર્યો તો યુદ્ધ ઉન્માદી પ્રવાહોનું નવું અધ્યાય શરૂ થયું.

ભારતીય મીડિયા જાણે ઉત્સાહમાં આવી ગયું. માનો કે તેમની પ્રાર્થના કબૂલ થઈ ગઈ હોય. ઍન્કર સ્ટુડિયોમાં બૂમો પાડવા લાગ્યા, હાથથી ગુસ્સો બતાવવા લાગ્યા. એટલે સુધી કે તેઓ યુદ્ધ-યુદ્ધની માગ કરવા લાગ્યા.

આ વખતે પણ મીડિયાએ તથ્યો અને તર્કોની પરવાહ ના કરી. સેનાએ મૃતક આંક જાહેર નહોતો કર્યો પરંતુ તેઓ '350 આતંકવાદીઓ'ને ઠાર કર્યાના સમાચારો ચલાવવા લાગ્યા.

હુમલાનો કોઈ વીડિયો તો નહોતો પરંતુ જૂના ફૂટેજનો ઉપયોગ કરીને વાઇરલ કરવામાં આવ્યો.

આ સમગ્ર ઘટનાક્રમ ત્યાં સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી વાસ્તવિકતા સામે ના આવી. હવે તો આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ અને મીડિયા સંસ્થાનોએ પુષ્ટિ કરી કે ના તો ત્યાં કોઈ ટ્રેનિંગ કૅન્પ હતો અને ના તો કોઈનાં મૃત્યુ થયાં છે. માત્ર એક કાગડાનાં મૃત્યુના સમાચાર છે.

જોકે, ભારતીય મીડિયાએ આ હુમલાની ઊજવણી કરી તો પાકિસ્તાની મીડિયા પણ પાકિસ્તાની હુમલા બાદ ઊજવણીના મૂડમાં આવી ગયું. ત્યાંના સ્ટુડિયોમાં પણ ઉન્માદની ભાષા બોલાવા લાગી. ઍન્કર ભારતને પાઠ ભણાવવા અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાતો કરવા લાગ્યા.

ભારતીય પાયલટ અભિનંદનની ધરપકડ અને ત્યારબાદ મુક્તિ આ સીરિયલની આગલી કળી હતી. આ ઘટનાને પણ ભારતીય મીડિયાએ ઉન્માદી અંદાજમાં રજૂ કરી.

અલબત્ત પાકિસ્તાની નેતાઓની બદલાયેલી નીતિને ત્યાંના મીડિયાએ ઘણી હદ સુધી શાંત રાખ્યું. આ અસર ઈમરાન ખાનના શાંતિના ભાષણની હતી. વાસ્તવિક રીતે આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનના નેતાઓ અને સેનાએ સંયમ રાખ્યો. માત્ર તેમને ભય હતો તેવું કહીને નકારી કાઢવું ખોટું હશે.

જોકે, ભારતીય મીડિયાના માથેથી યુદ્ધનું ભૂત ઊતર્યું નથી અને તેઓ એક રાજનીતિક એજન્ડા પર કામ કરી રહ્યા છે એટલા માટે ઈમરાન ખાનના નરમ વલણને તેમની કમજોરી અને ભારતની જીતના રૂપમાં રજૂ કર્યું.

બદલાયેલું રાજનીતિક વાતાવરણ

ભારત સરકારે જેવું વલણ અપનાવ્યું છે તેનાથી નથી લાગતું કે બન્ને દેશોના સંબંધ ચૂંટણી સુધી સુધરે. આ સાથે જ મીડિયાના સુધરવાના અણસાર પણ નથી.

સવાલ એ છે કે મીડિયા આ હદે કેમ ઊતરી ગયું? તેના ઘણાં કારણો હોઈ શકે છે.

બે કારણ તો ઉપર જણાવ્યા છે પરંતુ અમુક પરિબળોને નકારી ના શકાય જેમાં મહત્ત્વપૂર્ણ છે રાજનીતિક વાતાવરણ.

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનું રાજનીતિક વાતાવરણ જલદીથી બદલ્યું છે. ભાજપ અને તેમના સહયોગી દળોએ રાષ્ટ્રવાદના નામે ઉન્માદનું વાતાવરણ ઊભું કર્યું છે જેમાં સવાલ કરવો, તર્ક અથવા તથ્યની વાત કરવી મુશ્કેલ છે.

તેમણે સરકાર, દેશ, સેના અને દેશભક્તિને પરસ્પર એકઠી કરી દીધી છે. તેનો મતલબ છ કે જો તમે સરકારને સવાલ કરશો તો દેશ વિરોધી વાત કરો છો એવું માની લેવામાં આવશે.

તમારે સરકાર સાથે સહમત થવું જ પડશે નહીતર તમે પાકિસ્તાન તરફી હોવાનું જાહેર કરી દેવાશે.

આ નવા વાતાવરણમાં આતંક પણ સામેલ છે. તર્કસંગત ઢંગથી વાતો કરનારાઓમાં તો ડર ફેલાયેલો છે પરંતુ મીડિયાના કર્મચારીઓ પણ ડરેલા છે.

તેઓ એવા સવાલ પૂછવામાં ગભરાય છે જેમાં સત્તા પક્ષ નારાજ થાય અથવા તેમની દેશભક્તિ પર કોઈ આંગળી ચીંધાય.

સેનાને લગતા મુદ્દા તો વધુ સંવેદનશીલ બનાવી દીધા છે. તે અંગે નકારાત્મક ટીપ્પણી તો દૂર, કોઈ અવળો સવાલ કરવો પણ ઘાતક સાબિત થઈ શકે છે. તમે એ જ રિપોર્ટ કરી શકો છો જે સરકાર અથવા સેના કહે.

સોશિયલ મીડિયાની અસર

બીજું પરિબળ સોશિયલ મીડિયા છે જે જબર્દસ્ત રીતે મુખ્યધારાના મીડિયાને પ્રભાવિત કરી રહ્યું છે. મોટાભાગના અસત્ય સમચારો આ માધ્યમથી આવે છે ખાસ કરીને વ્હૉટ્સઍપ.

સોશિયલ મીડિયા ઉન્માદ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનાથી પત્રકારો પણ પ્રભાવિત થઈ રહ્યા છે અને તેની અસર તેના કામ પર પડી રહી છે.

ત્યારબાદ બજારમાં આગળ રહેવાની હોડ તો લાગેલી છે જ. મીડિયામાં બેતરફી હોડ ચાલે છે. એક તરફ તે સત્તાપક્ષને ખુશ રાખવાના પ્રયાશો કરી રહ્યું છે જેથી તેને લાભ થાય. જ્યારે બીજી તરફ પોતાની હેસિયત વધારવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

એક સવાલ પત્રકારત્વના પ્રશિક્ષણ અને વ્યવસાય સાથે જોડાયેલી પ્રતિબદ્ધતાનો પણ છે. મીડિયા કવરેજની આચાર સંહિતા અને માન્યતાઓની કોઈ વાત જ નથી કરી રહ્યા.

મીડિયા સંસ્થાન તેને લઈને ગંભીર નથી એટલા માટે તેમાં કચરો ભરાઈ ગયો છે અને તેઓ કચરો જ ઓકી રહ્યા છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો