You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
21 વિપક્ષે કહ્યું : સરકાર શહીદોનાં મૃત્યુનું રાજનીતિકરણ ન કરે, બંધક પાઇલટ અંગે ચિંતા વ્યક્ત કરી
દિલ્હીમાં બુધવારે સાંજે 21 રાજકીય દળોની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા જવાનોની શહાદતનું રાજનીતિકરણ કરવા ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વિપક્ષે પકડી લેવાયા ભારતીય પાઇલટની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બધા નેતાઓએ 14 ફેબ્રુઆરીના પાકિસ્તાનના ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પ્રાયોજિત હુમલાની નિંદા કરી હતી.
ઉગ્રવાદ સામે નિર્ણાયક લડાઈમાં બધા રાજકીય દળો દેશના સશસ્ત્ર બળો અને સેના સાથે ઊભા છે અને વાયુસેનાની 26 ફેબ્રુઆરીની આતંકવાદી કૅમ્પો ઉપર કાર્યવાહીની સરાહના કરે છે.
તેમણે પુલવામા હુમલા બાદ સર્વદળીય બેઠક ન બોલાવવા બદલ વડા પ્રધાનની નિંદા કરી અને કહ્યું કે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને બચાવવા વિપક્ષને વિશ્વાસમાં લેવો જોઈએ.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇમરાન ખાને શાંતિની કામના કરી
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં કહ્યું હતું કે યુદ્ધમાં ગણતરીઓમાં ચૂક થઈ જતી હોય છે, એક વખત યુદ્ધ શરૂ થઈ જાય પછી તે ક્યાં પહોંચે તે કહી ન શકાય.
"પછી તેને હું પણ નહીં અટકાવી શકું અને મોદી પણ નહીં અટકાવી શકે. સદ્દબુદ્ધિ પ્રવર્તવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે ભારતને અગાઉ પણ કહ્યું હતું અને પુલવામા બાદ પણ કહ્યું હતું કે કોઈપણ પ્રકારની તપાસ ઇચ્છતા હોય તો અમે તેના માટે તૈયાર છીએ."
ઇમરાન ખાને ઉમેર્યું, "અમે શાંતિ ઇચ્છીએ છીએ. આતંકવાદ માટે પાકિસ્તાની ધરતીનો ઉપયોગ થાય તે પાકિસ્તાનના હિતમાં નથી."
"અમે ચેતવણી આપી હતી કે કોઈ કાર્યવાહી થશે તો અમે જવાબ આપવા મજબૂર બની જઈશું અને જવાબ આપ્યો."
"ભારતમાં ચૂંટણીનું વર્ષ છે એટલે ભારત આવું કંઈક કરશે એવું અમને લાગતું હતું."
ઇમરાને ઉમેર્યું હતું કે 'આજે પાકિસ્તાને જે કાંઈ કાર્યવાહી કરી તેનો હેતુ એટલો જ હતો કે જો તમે અમારી સીમામાં પ્રવેશીને કાર્યવાહી કરી શકો છો, તો અમે પણ કરી શકીએ છીએ.'
આ પહેલાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બુધવારે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું હોવાના અહેવાલને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે એ વિમાનનો ઉપયોગ જ નહોતો થયો.
મેજર જનરલ ગફૂરે કહ્યું, "પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે અને સ્થિતિને વધુ તણાવપૂર્ણ નથી બનાવવા માગતું. અમે યુદ્ધ નથી ઇચ્છતા, તેનાથી કોઈનું ભલું નહીં થાય."
"પરંતુ પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો. ઇરાદાપૂર્વક લક્ષ્ય ઉપર બૉમ્બ નહોતા નાખવામાં આવ્યા. તે માત્ર પાકિસ્તાનની ક્ષમતા દેખાડવાનો પ્રયાસ હતો."
મેજર જનરલ ગફૂરે દાવો કર્યો હતો કે ભારતીય વાયુદળના બે પાઇલટ્સને બંધક બનાવવામાં આવ્યા છે.
એકને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
તેમની સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવશે. આ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યું છે, "પાકિસ્તાની વાયુ સેનાએ પોતાના વાયુ ક્ષેત્રની અંદર રહીને નિયંત્રણ રેખાની બીજી તરફ બોમ્બમારો કર્યો છે.
"જોકે, આ ભારતની કરતૂતનો જવાબ નથી. પાકિસ્તાને એ માટે બિન-સૈનિક લક્ષ્યોને નિશાન બનાવ્યાં કે જેથી જાનમાલનું નુકસાન ટાળી શકાય."
સમાચાર સંસ્થા 'રૉયટર્સ' અને પીટીઆઈના જણાવ્યા અનુસાર પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે.
સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર બુધવારે પાકિસ્તાની યુદ્ધ વિમાનો જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરના વાયુ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.
જોકે, ભારતીય ઍરક્રાફ્ટે તેમને પરત ધકેલી દીધા હોવાનું ટોચના અધિકારીને ટાંકીને સમાચાર સંસ્થાઓ જણાવી રહી છે.
વિમાનો દુર્ઘટનાગ્રસ્ત
કશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનાં યુદ્ધ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયાં છે. આ ઘટનામાં વાયુસેનાના બે પાયલટનાં મૃત્યુ થયાં છે.
પોલીસના સૂત્રોએ બીબીસીને જણાવ્યા મુજબ કાશ્મીરના ગરેન્દ કલાન વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બે પાયલટનાં મૃત્યુ થયાં છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે સવારે 10:40 વાગ્યે બડગામથી આશરે સાત કિલોમીટરના અંતરે આવેલા ગરેન્દ કલાનમાં ભારતીય વાયુસેનાનું યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
તેમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલટ અને કો-પાયલટનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળેથી બંને પાયલટના મૃતદેહો પણ મળી આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે.
કારગીલથી આવી રહેલા અહેવાલોના આધારે અન્ય એક યુદ્ધ વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જોકે, હજુ સુધી કોઈ અધિકારી દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરી શકાઈ નથી.
મંગળવાર સવારે ભારતે કાર્યવાહી કરી હતી
મંગળવારે ભારતે પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાંની વાત કરી હતી
ભારતીય વિદેશસચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે ભારતીય વાયુસેનાએ ગુપ્ત જાણકારી બાદ નિયંત્રણ રેખા પાર કરીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કૅમ્પને ઉડાવી દીધો.
વિજય ગોખલે કહ્યું હતું કે, "વિશ્વસનીય સૂચના મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશના અન્ય ભાગમાં આત્મઘાતી હુમલો કરવાની તૈયારી રહ્યું છે અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું હતું."
"આવા સમયે કોઈ પણ સંભવિત હુમલાને રોકવા માટે જવાબી કાર્યવાહી કરવી જરૂરી હતી. મંગળવારે સવારે ભારતે બાલાકોટમાં જૈશના સૌથી મોટા કૅમ્પને નિશાન બનાવ્યો."
આપને આ પણ વાંચવું ગમશે
"આ અભિયાનમાં જૈશના ચરમપંથીઓ, પ્રશિક્ષકો, વરિષ્ઠ કમાન્ડરો અને ત્યાં પ્રશિક્ષણ લઈ રહેલા જેહાદીઓને ખતમ કરી દીધા."
"આ હુમલામાં વિશેષ રીતે માત્ર જૈશની શિબિરને નિશાન બનાવી અને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો હુમલાની ઝપેટમાં ન આવે."
ભારતના આ દાવાના જવાબમાં પાકિસ્તાને કહ્યું હતું કે ભારતીય વિમાન પાકિસ્તાની ઍરસ્પેસમાં દાખલ તો થયાં હતાં પણ પાકિસ્તાની વાયુસેનાએ જવાબી કાર્યવાહી કરતાં ભારતીય વિમાન ભાગી ગયાં હતાં અને જતાં જતાં ઉતાવળમાં બાલાકોટ પાસે કેટલાક પેલોડ એટલે કે બૉમ્બ ફેંકતાં ગયાં હતાં.
પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તેઓ ભારતની આ હરકતનો જડબાંતોડ જવાબ આપશે.
બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાની ખરાઈ નથી કરતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો