ફૅક્ટ ચૅક: મોદી વિરુદ્ધ ભાજપ અને કેન્દ્રિય મંત્રીના વાઇરલ ટ્વીટનું સત્ય

    • લેેખક, ફૅક્ટ ચૅક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ભાજપને એક સોશિયલ મીડિયામાં કૅમ્પેન સંદર્ભે નરેન્દ્ર મોદી વિરુદ્ધ અમુક ખોટાં ટ્વીટને કરવા બદલે આલોચનાનો સામનો કરવો પડ્યો છે.

આ ખોટાં ટ્વીટમાં સૌથી વધુ શૅર થયેલું ટ્વીટ "બેઈમાની અને પારદર્શિતાની કમી મોદી સરકાર અંતર્ગત બનેલા નવા ભારતની ઓળખ છે." જે #Modi4NewIndia સાથે વાઇરલ થયું હતું.

આ રીતે જ તામિલનાડુના વતની કેન્દ્રીય મંત્રી પોન રાધાકૃષ્ણનના ટ્વિટર એકાઉન્ટ પરથી અમુક ટ્વીટ થયાં.

તેમાં લખ્યું હતું, "મધ્યમ વર્ગના લોકો માટે કામ કરવું મોદી સરકારના ઍજેન્ડામાં સૌથી નીચે છે."

માત્ર આ બે જ નહીં પરંતુ ભાજપ સમર્થક ઘણા અન્ય પ્રભાવશાળી લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ મુજબ ટ્વીટ કર્યાં હતાં, જેને પછીથી હટાવી દેવામાં આવ્યાં હતાં.

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયા અને પાર્ટીનું સોશિયલ મીડિયા મૅનેજ કરનારા અન્ય લોકો અત્યાર સુધી આ મુદ્દે મૌન છે.

જ્યારે બીબીસીએ અમિત માલવિયાને આ અંગે પૂછ્યું કે આવી ભૂલ કેવી રીતે થઈ તો તેમની પાસે આ સવાલનો જવાબ નહોતો.

પરંતુ, ખોટાં સમાચારની તપાસ કરનારી વેબસાઇટ 'ઑલ્ટ ન્યૂઝ'ના સહ-સંસ્થાપક પ્રતીક સિન્હાએ બીબીસી સંવાદદાતા પ્રશાંત ચહલને જણાવ્યું કે આ કેવી રીતે બન્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્રૅન્ડ કરનારા દસ્તાવેજ

13 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે ભાજપના #Modi4NewIndia ને ટ્વિટર પર ટ્રૅન્ડ કરાવવા માટે પ્રથમ ટ્વીટ કરવામાં આવ્યું.

પાર્ટીના ટ્વિટર એકાઉન્ટથી લગભગ બે કલાકમાં #Modi4NewIndia સાથે લગભગ 25થી વધુ ટ્વીટ કરવામાં આવ્યાં. આ દરેક ટ્વીટમાં મોદી સરકારની ઉપલબ્ધિઓને ગણાવવામાં આવી હતી.

પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, પીએમ નરેન્દ્ર મોદી, અરુણ જેટલી સહિત અન્ય કોઈ મોટા નેતાઓએ આ ટ્વીટને રી-ટ્વીટ નહોતું કર્યું. પરંતુ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ ટ્વીટને શૅર કર્યું હતું.

પ્રતીક સિન્હા જણાવે છે કે જ્યારે #Modi4NewIndia શૅર થવાનું શરૂ થયું તો લગભગ સાડા નવ વાગે પાર્ટી સંબંધિત એક વૉટ્સઍપ ગ્રૂપમાં 'ટ્રૅન્ડ ઍલર્ટ' નામનો ઑનલાઇન દસ્તાવેજ મળ્યો.

સિન્હા અનુસાર ભાજપના ઘણા નેતાઓએ આ ડૉક્યુમૅન્ટ અનુસાર શબ્દશ: ટ્વીટ કર્યા.

દરેકે #Modi4NewIndia નો ઉપયોગ કર્યો, જેથી કરીને એ દિવસે તે ટ્રૅન્ડ થઈ શકે.

પ્રતીક સિન્હાએ ઉમેર્યું, "જ્યારે મેં તે ડૉક્યુમૅન્ટ્સ ચૅક કર્યા તો જાણવા મળ્યું કે પાર્ટીની બહારની અથવા વિદેશમાં બેસેલી કોઈ વ્યક્તિ તેમાં બદલાવ કરી શકતી હતી."

"મેં અમુક ડૉક્યુમૅન્ટ્સની ભાષા બદલી, અમુકના શબ્દો અને અમુકના આંકડાઓ બદલ્યા."

"પરંતુ મને અચરજ ત્યારે થયું કે આ ભૂલ ભરેલાં ટ્વીટ ઑનલાઇન જતાં રહ્યાં. મતલબ કે ડૉક્યુમૅન્ટ્સને આંખો બંધ કરીન ટ્વીટ કરવામાં આવ્યા હતા."

વૉટ્સઍપપર સંવેદનશીલ દસ્તાવેજ

પ્રતીક સિન્હા કહે છે કે ભાજપ પાર્ટી તથા તેનાં જ આંધ્ર પ્રદેશ કે આસમ પ્રદેશના એકાઉન્ટથી આવી ભૂલ થવી મોટી વાત નથી પણ કેન્દ્રીય મંત્રીના એકાઉન્ટથી પરથી આમ થવું એ મોટી વાત છે.

સિન્હા ઉમેરે છે, "એક ડૉક્યુમૅન્ટ જેને દિલ્હી ઑફિસથી બનાવવામાં આવ્યો હતો અને કોઈ ખાનગી કંપનીના લોકો તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું કાર્ય કરે છે, તેમની પાસે એટલી તાકત હોય છે કે તેઓ સરકારના કોઈ કેન્દ્રીય મંત્રીના ટ્વિટર એકાઉન્ટથી શું ટ્વીટ થશે તેની પર કંટ્રોલ કરી શકે."

પ્રતીક સિન્હાએ એવો પણ દાવો કર્યો છે કે તેમણે પ્રથમ વખત આવું નથી કર્યું.

તેઓ 31 જાન્યુઆરી 2019ના રોજ પાર્ટીના એક 'ડૉક્યુમૅન્ટ' સાથે આવું કરી ચૂક્યા છે જે બાદ ખોટાં ટ્વીટ થયાં હતાં.

પરંતુ શું આવું કરવું અનૈતિક છે? શું તેને હૅકિંગની શ્રેણીમાં મૂકી શકાય?

આ સવાલનો જવાબ આપતા સિન્હા કહે છે, "દેશની સૌથી મોટી પાર્ટીની સોશિયલ મીડિયામાં પકડ કટેલી મજબૂત છે તે બતાવવા માટે આ એક પ્રયોગ હતો."

"સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ બનાવવા માટે આવા સંવેદનશીલ દસ્તાવેજ વૉટ્સઍપ પર શૅર થઈ રહ્યા છે અને પાર્ટીના કાર્યકર્તા અને કેન્દ્રીય મંત્રીનું પણ ટ્વીટ લેવામાં આવી રહ્યું છે."

પરંતુ સિન્હાના દાવા અને ભાજપની સોશિયલ મીડિયા પર સુરક્ષા સંબંધિત મુદ્દે ભાજપને સવાલ કરવામાં આવ્યો તેમણે કોઈ જવાબ ના આપ્યો.

આ મુદ્દે ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાનો સંપર્ક કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી, જો તેમનો કોઈ જવાબ આવશે, તો આ સ્ટોરીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો