'બોગસ યુનિવર્સિટીના ચક્કરમાં હું દસ લાખના દેવામાં ડૂબી ગયો'

ઇમેજ સ્રોત, UOF
- લેેખક, દીપ્તિ બથિનિ
- પદ, સંવાદદાતા, બીબીસી તેલુગુ
"મારાં માબાપ ખેડૂત છે. તેમને ખબર નથી કે હું અમેરિકાથી પાછો કેમ આવી ગયો છું. જો તેમને સાચી વાતની જાણ થશે તો કદાચ તેઓ આત્મહત્યા જ કરી લેશે."
બીબીસી તેલુગુ સાથે વાત કરતાં વીરેશ(બદલાવેલું નામ) ઉપરોક્ત શબ્દો કહે છે.
વીરેશ એ વિદ્યાર્થીઓમાંના એક છે જેમણે અમેરિકાની એ નકલી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો, જેને અમેરિકન ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર રીતે ઘૂસતા લોકોને પકડવા માટે બનાવવામાં આવી હતી.
યુનિવર્સિટી ઑફ ફાર્મિંગ્ટન નામની આ યુનિવર્સિટી મિશીગન રાજ્યમાં સ્થિત છે, જેને અમેરિકન ગૃહ મંત્રાલયના સુરક્ષા અધિકારી અંડરકવર એજન્ટ તરીકે ચલાવી રહ્યા હતા.
જેથી નાણા ચૂકવીને ગેરકાયદેસર પ્રવાસની શોધ કરનારા લોકોને પકડી શકાય.
અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે જે લોકોએ અહીં પ્રવેશ મેળવ્યો હતો, તેમને એ ખબર હતી કે આ કરવું ગેરકાયદેસર હોઈ શકે છે.
અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ ઍન્ફોર્સમૅન્ટ વિભાગના ગત સપ્તાહના આંકડાઓ મુજબ, નકલી યુનિવર્સિટી ઑફ ફાર્મિંગ્ટનના 600 વિદ્યાર્થીઓમાંથી 130 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 129 ભારતીય વિદ્યાર્થીઓ હતા.
જોકે, ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે બની શકે કે ભારતીય વિદ્યાર્થીઓ ઠગાઈના શિકાર બન્યા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ સાથે આ સમગ્ર કિસ્સા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વિભાગે ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તે લોકોને કાયદાકીય મદદ ઉપલબ્ધ કરાવવાની માંગણી પણ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

શિક્ષણ માટે 10 લાખનું દેવું

વીરેશ એ વિદ્યાર્થીઓમાં સામેલ છે, જેમની ધરપકડ નથી થઈ. તેઓ ચાર ફેબ્રુઆરીએ ભારત પરત ફર્યા હતા.
બીબીસી તેલુગુ સાથે તેમણે હૈદરાબાદથી ફોન ઉપર વાત ચોક્કસ કરી પરંતુ તેઓ પોતાની ઓળખ જાહેર કરવા નથી માંગતા.
તેલંગણાના દક્ષિણ વિસ્તાર સ્થિત એક જિલ્લાના રહેવાસી વીરેશ 30 વર્ષના છે. પોતાના પરિવારમાંથી અમેરિકા જનારા તેઓ પ્રથમ સભ્ય છે.
વીરેશ જણાવે છે કે તેમણે પોતાનાં માતાપિતાને ખોટું કહ્યું છે કારણ કે તેઓ જે પરિસ્થિતિમાં ઘરે પાછા આવ્યા છે, એ વિશે જણાવવાની હિંમત નથી ચાલતી.
વીરેશે કહ્યું, "મેં તેમને જણાવ્યું છે કે મને એચ-1 વીઝા મળી ગયા છે, એટલે હું ઘરે આવ્યો છું. પરંતુ સાચી વાત તો એ છે કે હું દસ લાખ રૂપિયાના દેવામાં ડૂબી ગયો છું."
વીરેશ જણાવે છે, "આ દેવું મેં માસ્ટર ડીગ્રી મેળવવા માટે કર્યું હતું- હવે માસ્ટર ડીગ્રી નથી અને ના કોઈ ભવિષ્ય. મારે છ મહિનાની અંદર આ દેવું પરત કરવાનું છે, કંઈ સૂઝતું નથી."


કેવી રીતે પહોંચ્યા બોગસ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદની એક કૉલેજમાંથી 2013માં વીરેશે એન્જિનિયરીંગમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી.
કેલિફોર્નિયાની નોર્થવેસ્ટર્ન પોલિટેકનિક યુનિવર્સિટીથી માસ્ટર્સ કરવા માટે ડિસેમ્બર, 2014માં તેઓ અમેરિકા પહોંચ્યા હતા.
વિરેશે કહ્યું, "હું અમેરિકાથી માસ્ટર્સ કરવા ઇચ્છતો હતો. હું ઘરનો એકમાત્ર દીકરો છું. અમે લોકો ખેડૂત છીએ. હું મારા માતા-પિતાની સંભાળ રાખવા ઇચ્છતો હતો. પરંતુ અમારી પાસે ના તો ખેતી માટે જમીન હતી અને ના તો રહેવા માટે ઘર."
"હું અમેરિકા જઈને કેટલાંક વર્ષોમાં થોડા પૈસા કમાવા ઇચ્છતો હતો જેથી હું મારા પરિવારજનો માટે એક ઘર ખરીદી શકું."
મે, 2016માં નોર્થવેસ્ટર્ન પોલિટેક્નિક યુનિવર્સિટીના વિજ્ઞાન, ટેકનીક, એન્જિનિયરીંગ અને ગણિતના પાઠ્યક્રમોની માન્યતા રદ થઈ ગઈ.
આ સ્થિતિમાં માસ્ટર ડીગ્રી લેવા માટે વીરેશ કોઈ બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફરનો પ્રયત્ન કરી રહ્યા હતા.


વીરેશ જણાવે છે, "હું એક કોન્ટ્રાક્ટર તરીકે કામ પણ કરતો હતો. મને દર મહિને 4000 ડૉલર મળતા હતા"
"જ્યારે મહિનાનો ખર્ચ લગભગ 1500 ડૉલર હતો. જે મિત્રના કારણે મને નોકરી મળી હતી, તેણે જ મને ફાર્મિંગ્ટન યુનિવર્સિટી વિશે જણાવ્યું હતું."
"મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નહોતો એટલે મેં પ્રવેશ મેળવી લીધો. કામ ચાલુ રાખવા અને માસ્ટર ડીગ્રી મેળવવા માટે કોઈ પણ કૉલેજમાં પ્રવેશ લેવાનો હતો."
વીરેશ એ પણ જણાવે છે કે તેમણે કૉલેજને ક્લાસીસ વિશે પૂછપરછ પણ કરી હતી પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.
આ દરમિયાન તેમણે 2017માં એચ-1 વિઝા માટે અરજી કરી દીધી હતી.
લૉટરી સિસ્ટમ દ્વારા તેમની પસંદગી પણ થઈ ગઈ પરંતુ દસ્તાવેજોની તપાસને લીધે તેમની અરજીને લાંબાગાળા સુધી અટકાવી રખાઈ.
29 જાન્યુઆરી, 2019ના રોજ જ્યારે તેમણે ઑનલાઇન તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની અરજી રદ કરી દેવાઈ હતી.
વીરેશ કેલિફોર્નિયામાં રહેતા હતા. તેઓ પોતાના ઘરમાં હતા જ્યારે તેમણે 30 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓની ધરપકડના સમાચાર સાંભળ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
વીરેશ કહે છે, "મને સમજાતું ન હતું કે કોની ઉપર વિશ્વાસ મૂકું. અફરાતફરીનો માહોલ હતો."
"મને લાગ્યું કે અફવા હશે પરંતુ એક દિવસ પછી વધુ જાણકારી મળવા લાગી."
"હું હતાશ થઈ ગયો હતો. મારા ભવિષ્યનું શું થશે, એની કોઈ ખબર નહોતી."
વીરેશ એમ પણ જણાવે છે કે તેમણે ભારતની ટીકીટ ખરીદવા માટે તેમના એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લીધા છે.
તેઓ કહે છે, "હું પહેલી ફેબ્રુઆરીની ટિકિટ જોતો હતો પરંતુ ભારત આવનારી ફ્લાઇટ્સની ટિકિટ વેચાઈ ગઈ હતી."
"હું છેલ્લી ઘડીએ ટિકિટ શોધતો હતો એટલે કિંમતો પણ વધુ હતી. કોઈક રીતે એક ટિકિટ મળી ગઈ, ખૂબ જ અનિશ્ચિત ભવિષ્ય સાથે ઘરે પરત ફર્યો છું."
તેમણે પોતાના ઉચ્ચ શિક્ષણ માટે 15 લાખ રૂપિયાનું દેવું લીધું હતું.
નોર્થવેસ્ટર્ન પોલિટેક્નિક યુનિવર્સિટીમાં ટ્યૂશન ફી તરીકે તેમણે ત્રીસ હજાર અમેરિકન ડૉલર ચૂકવવા પડ્યા હતા જ્યારે ફાર્મિંગ્ટન યુનિવર્સિટીમાં તેમને વીસ હજાર ડૉલરની ચૂકવણી કરવી પડી.
તેઓ જણાવે છે, "મેં અત્યાર સુધી મૂળ રકમના નવ લાખ રૂપિયા પરત કરી દીધા છે."
"પરંતુ છ લાખ રૂપિયાનું દેવું હજુ પણ બાકી છે. એની સાથે વ્યાજ તરીકે ચાર લાખ રૂપિયા પણ છે. મારે આગામી છ મહિનામાં આ બધું જ પરત કરવાનું હતું."
"હવે હું શું કરીશ, એ બાબતે નિશ્ચિત નથી. એક નોકરી શોધી રહ્યો છું અને આશા રાખું છું કે જલદી એક નોકરી મળી જાય."


અમેરિકા જવાની હોડ

ઘણી તેલુગુ ફિલ્મોમાં આજકાલ એવું જોવા મળે છે કે મિડલ ક્લાસનો દરેક તેલુગુ પરિવાર ઓછામાં ઓછા પોતાના એક બાળકને અમેરિકા મોકલવા ઇચ્છે છે.
હૈદરાબાદનાં સુધા રાણીનાં બંને બાળકો પુત્ર અને પુત્રી, અમેરિકામાં રહે છે.
તેમનાં અનુસાર બાળકોને વિદેશ મોકલવા એ હવે સામાજિક પ્રતિષ્ઠાની વાત બની ગઈ છે.
જોકે, તેઓ કહે છે, "અમે તેમના ઉચ્ચશિક્ષણ માટે લોન લીધી હતી. અમે એવું તેમના સારા ભવિષ્ય માટે કર્યું હતું, નહીં કે સામાજિક પ્રતિષ્ઠા માટે જે આજકાલ અમેરિકા જવાનાં સપનાં સાથે જોડાયેલી છે."
સુધા રાણી એમ પણ જણાવે છે કે અમેરિકામાં રહેનારા યુવકોને લગ્ન માટે સારા સંબંધ આવે છે.
આનાથી અંદાજ બાંધવો મુશ્કેલ નથી કે વીરેશ શા માટે ઝડપથી અમેરિકા જવા ઇચ્છે છે.
તેઓ જણાવે છે, "પોતાના ઘરના સપનાને પૂરું કરવા અને માતાપિતાની સંભાળ રાખવા માટે મારે કેટલાંક વર્ષ અમેરિકામાં રહેવું પડશે."
"હું ત્યાં વસી જવા નથી માંગતો. હું પ્રયત્ન કરીશ કે કોઈક રીતે આવતા વર્ષે ત્યાં જઈ શકું."
આગળ, અમેરિકામાં ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીઓની મદદ તેલંગણા ઍસોસિએશન(એટીએ) કરી રહ્યું છે.


600માંથી 180 વિદ્યાર્થીઓની ધરપકડ

ડેટ્રાયટથી એટીએના નિયામક વેંકટ મૈંથેનાએ બીબીસી તેલુગૂને જણાવ્યું કે અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને કાયદાકીય મદદ ઉપલબ્ધ કરાવવા માટે તેમની સંસ્થા રેડી સમોના અને એડવર્ડ બાજોકાને વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં મોટાભાગના તેલંગણા અને આંધ્ર પ્રદેશના તેલુગુભાષી છે.
વેંકટ એ પણ જણાવે છે કે આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાએ તેને એક વિકલ્પ તરીકે પસંદ કરી હતી જેથી પહેલા દિવસથી કરીક્યુલમ પ્રેક્ટીકલ ટ્રેનિંગ(સીપીટી) મેળવી શકે.
ડે વન સીપીટી, વાળી કૉલેજોમાં પ્રવેશના દિવસે જ વિદ્યાર્થીઓને કામ કરવાની પરવાનગી મળી જાય છે.
આ એવા અભ્યાસક્રમ હોય છે જેમાં કૅમ્પસની બહાર કામ કરવાની પરવાનગી હોય છે.
વેંકટ મૈંથેના હાલની સ્થિતિ વિશે જણાવે છે, "9 ઑગષ્ટ, 2018ના દિવસે પાઠવેલો મેમો સ્પષ્ટ જણાવે છે કે એક સમાન ડિગ્રીમાં પ્રવેશનો મતલબ પહેલા દિવસથી સીપીટી મળી જાય એ નથી, જ્યારે ત્યાં પ્રવેશ મેળવનારા 99 ટકા વિદ્યાર્થી એવું જ ઇચ્છતા હતા."
"હવે અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાએ આવા વિદ્યાર્થીઓને 180 દિવસની અંદર દેશ છોડવા કહ્યું છે, એવું નહી કરવાની હાલતમાં તેમને આગામી ત્રણ વર્ષ સુધી અમેરિકામાં ફરી પ્રવેશની પરવાનગી નહીં મળી શકે."


મૈંથેના જણાવે છે કે કુલ 600 વિદ્યાર્થીઓમાંથી 180ની ધરપકડ કરવામાં આવી છે.
તેમાંથી 8ને બાદ કરતા બાકીના તમામ પર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવાનો આરોપ છે.
જ્યારે 8 લોકોની ઓળખ ઍમ્પ્લોયર તરીકે થઈ છે, આ લોકો પર ગુનાખોરીના કેસ નોંધવામાં આવ્યા છે.
આ 8 લોકોએ મિશિગનની ફેડરલ કોર્ટમાં પોતાને નિર્દોષ જણાવ્યા છે.
આ 8 લોકોમાં એક છે 35 વર્ષનાં ફણીદીપ કર્ણાતી. ફણીદીપ એચ-1બી વિઝા ઉપર અમેરિકાના કણ્ટકી પ્રાંતના લોઇસ વિલલેમાં રહે છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર તેમને સોમવારે દસ હજાર ડૉલરના ચૂકવણી ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે સાત અન્ય-ભરત કાકીરેડ્ડી, સુરેશન કંડાલા, પ્રેમ રામપીસા, સંતોષ સામા, અવિનાશ થાકલપલ્લી, અશ્વાંતે નુને અને નવીન પ્રાથીપતિને મિશિગનના પૂર્વ વિસ્તારના જિલ્લાના જજે તેમનો જેલવાસ લંબાવી દીધો છે.
આ લોકોને કર્ણાતીની સાથે જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

હવે શું વિકલ્પ છે?

જે લોકો પર ગેરકાયદેસર રહેવાનો આરોપ છે, તેમના કેસ વિશે વેંકટ જણાવે છે, "તેઓ બોન્ડ સાથે અરજી કરી શકે છે અને કાયદાકીય મદદ અથવા વકીલ દ્વારા દેશની બહાર જવાનો પ્રસ્તાવ કરી શકે છે."
"એમ કરવાથી પાંચ, દસ, પંદર, વીસ દિવસમાં અથવા પછી ઉપલબ્ધતા મુજબ તેમના કેસોની સુનાવણી શરૂ થઈ જશે."
"આ સ્થિતિમાં એ વાતની સંભાવના પણ છે કે બોન્ડ સાથે અરજી અને પોતાના દેશમાંથી જવાનો પ્રસ્તાવ, બંનેની સુનાવણી એક જ દિવસ થાય."
"એ પછી બંને કાર્યો શક્ય છે અથવા તો બંને અરજીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવે અથવા તો પછી તેમને પરવાનગી મળી જાય."
અહીં સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર, કેલિફોર્નિયા સ્થિત ઇમિગ્રેશન કેસોનાં વકીલ અનુ પેશાવરિયાનું માનવું છે કે આ અંડરકવર ઑપરેશને સેંકડો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી છે.
તેઓ કહે છે, "અમે એમ નથી કહેતાં કે અમારા વિદ્યાર્થીઓની ભૂલ નથી. તેમણે પ્રવેશ લેતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી જોઈતી હતી."
"જો તેઓ અપરાધમાં બધું જ જાણવા છતાં સામેલ થયા હોય તો તેમને સજા મળવી જોઈએ પરંતુ જો તેઓ સાથે છેતરપિંડી થઈ હોય અથવા આ અપરાધ માટે તેમને ભડકાવવામાં આવ્યા હોય તો આપણે તેમની મદદ કરવી જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












