'એક લડકી કો દેખા તો ઐસા લગા' ફિલ્મ જેવી જ અસલ જિંદગીની કહાણી

ફિલ્મનું દૃશ્ય

ઇમેજ સ્રોત, YOUTUBE / FOXSTARHINDI

સ્વીટીની શોધમાં સાહિલ (રાજકુમાર રાવ) પંજાબના એક ગામમાં પહોંચે છે.. પંજાબ સુધી પહોંચતા તેઓ સ્વીટીના શબ્દો ઉચ્ચારે છે - "ટ્રુ લવ કે રાસ્તે મેં કોઈ ના કોઈ સ્યાપા હોતા હી હૈ.. નહીં તો લવ સ્ટોરી મેં ફીલ કૈસે આએગી."

સાહિલ ઘણાં ફિલ્મી કરતબ કરીને સ્વીટી સુધી પહોંચે છે. પરંતુ જ્યારે સ્વીટી તેને પોતાના મનની વાત કહે છે તો ફિલ્મની દિશા એક નવો વળાંક લઈ લે છે.

હાલ જ રિલીઝ થયેલી હિંદી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' સમલૈંગિક સંબંધોનાં વિષય પર આધારિત છે.

હાલના વર્ષોમાં ભારતીય સમલૈંગિક પુરુષ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ આગળ આવીને પોતાનો અવાજ બુલંદ કરીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

પરંતુ તુલનાત્મક રૂપે સમલૈંગિક મહિલાઓ સ્વતંત્રાથી પોતાને વ્યક્ત કરી રહી નથી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
ફિલ્મમાં સોનમ કપૂરનું દૃશ્ય

ઇમેજ સ્રોત, FOXSTARHINDI

આ ફિલ્મના રિલીઝ થવાની સાથે જ અમે એક એવાં યુવતી સાથે વાત કરી જેમને બીજી એક યુવતી સાથે પ્રેમ થયો હતો.

પ્રિયા અને રશ્મિની વાર્તા ફિલ્મોની સરખામણીએ ઓછી નાટકીય નથી. (યુવતીઓની ઓળખ ગુપ્ત રાખવા માટે આ લેખમાં તેમનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે.)

આ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં છે. સામાન્યપણે બે લોકો કોઈ લગ્નપ્રસંગ કે બીજી કોઈ જગ્યાએ ફરતાં ફરતાં મળી જાય છે અને બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે.

પરંતુ મને તેમની સાથે મારા ગામમાં જ પ્રેમ થયો. જ્યારે મારી દાદીનું મૃત્યુ થયું તો બધા જ લોકો ઘરમાં ભેગા થયા હતા. હું તેમને ખૂબ પહેલાંથી ઓળખતી હતી. તેમને પસંદ પણ કરતી હતી.

તેમનું નામ પ્રિયા છે. તેઓ મારાં પિતરાઈ બહેન એટલે કે મારા ફોઈનાં દીકરી છે.

જ્યારે કોઈ પૂછે છે કે તમે તેનાં માટે શું અનુભવો છો, તો મને હસવું આવે છે. મને તેનાં માટે બધી જ ભાવનાઓ છે જે ભાવના કોઈનાં પ્રેમમાં પડીને આવે છે.

મારી આસપાસ અને ફિલ્મોમાં મેં હંમેશાં એક છોકરા અને એક છોકરીને પ્રેમ કરતાં જોયાં છે. મને ખબર હતી કે હું કંઈક અલગ છું. જ્યારે મેં ઇન્ટરનેટ પર શોધ્યું તો મને ખબર પડી કે હું એકદમ નૉર્મલ છું.

15 વર્ષની ઉંમરે મારી મરજી વિરુદ્ધ મારાં લગ્ન કરી દેવાયાં હતાં. તે લગ્ન તૂટી ગયાં અને જ્યાં સુધી હું વયસ્ક બની, મારાં તલાક થઈ ગયાં હતાં.

લાઇન
લાઇન
લેસ્બિયન માટે અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images

પુરુષો તરફ હું ક્યારેય આકર્ષિત થઈ જ નથી. પરંતુ પ્રિયા માટે મારા મનમાં એવી ભાવનાઓ હતી. જ્યારે મેં તેમને પ્રપોઝ કર્યું, તો તેમણે કહ્યું કે તેઓ પણ મારાં માટે એવું જ અનુભવે છે.

તેમનો પહેલો સવાલ હતો : "જો પરિવારજનો અને સંબંધીઓને અમારા સંબંધ વિશે ખબર પડશે, તો તેઓ શું તેને સ્વીકારશે?"

મેં તેમને કહ્યું, "સંબંધીઓ વિશે મને ખબર નથી. પણ જો તમે ખરેખર મને પ્રેમ કરો છો, તો ચાલો લગ્ન કરી લઈએ અને એકસાથે રહેવાનું શરુ કરી દઈએ."

પ્રિયા તેલંગાણામાં રહેતાં હતાં અને હું મુંબઈમાં હતી. આગામી છ મહિના સુધી અમે એકબીજા સાથે વાત કરતાં રહ્યાં.

તેઓ કૉલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં અને મારું શિક્ષણ તો પહેલેથી જ રોકી દેવાયું હતું. છૂટાછેડા થયાં બાદ હું નાનીમોટી નોકરી કરી રહી હતી.

મને જ્યારે સમય મળતો, હું રજા લઈને તેમને મળવા જતી રહેતી હતી. મારા પરિવારજનો પૂછતાં હતાં, "તમે ફઈનાં ઘરે આટલી વખત કેમ જાઓ છો?"

હું પ્રેમમાં ગાંડી હતી. મેં પરિવારજનોની વાતને ક્યારેય ગંભીરતાથી ન લીધી અને કોઈ ન કોઈ બહાનુ બનાવી હું ફઈનાં ઘરે જતી રહેતી.

પરંતુ ફઈનાં પરિવારજનોને શંકા ગઈ અને તેઓ મને મુંબઈ પરત ફરવા માટે કહેતાં રહેતાં. પરંતુ પ્રિયા મને રોકાવા માટે કહી દેતાં. તેમનાં કહેવા પર હું ત્યાં રોકાઈ જતી.

એક વખત હું આમ જ તેમને મળવા ગઈ હતી અને અમે ગામનાં મહાલક્ષ્મી મંદિરમાં ચુપચાપ લગ્ન કરી લીધા. મેં મંગલસુત્ર પહેર્યું અને ભગવાનની હાજરીમાં સંબંધની શરુઆત કરી.

અમે લગ્ન બાદ સાથે રહેવાનો નિર્ણય કરી ચૂક્યાં હતાં. હું ધામધૂમથી લગ્ન કરવાં માગતાં હતાં, પરંતુ તે સહેલું ન હતું અથવા તો એમ કહીએ કે તે અશક્ય હતું.

લગ્ન બાદ હું તેમનાં જ ઘરમાં રહેવા લાગી. કોઈને અમારા લગ્ન અંગે જાણકારી ન હતી.

લાઇન
લાઇન
લેસ્બિયન માટે અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images

અમે એક પરિવારની જેમ સાથે રહેવા માગતાં હતાં, એ માટે અમારે ઘર છોડવું પડ્યું.

મેં મારાં ફઈને કહ્યું, "હું પ્રિયાને મુંબઈ લઈ જઈશ. તેમને ત્યાં સારી નોકરી મળી જશે."

પ્રિયાનાં પરિવારજનોએ તેની ના પાડી દીધી. પરંતુ મેં વિચારી લીધું હતું કે કંઈ પણ થાય, અમે સાથે જ રહીશું. પરંતુ સવાલ એ હતો કે આ સ્થાનને છોડીને જઈશું કેવી રીતે?

એક દિવસ અમે ઘરેથી ભાગી ગયાં. તેની અમે પહેલેથી યોજના બનાવીને રાખી હતી. અમે દિવસ, જગ્યા અને સમય નક્કી કરીને રાખ્યો હતો.

અમે ટ્રેનથી મુંબઈ આવી ગયાં, પરંતુ અમે મારા ઘરે પણ જઈ શકતાં ન હતાં. નહીં તો અમને અલગ કરીને પોત પોતાનાં ઘરે મોકલી દેવાતાં.

પ્રિયા સાંઈબાબાનાં ભક્ત છે. મને શિરડીનો રસ્તો ખબર હતો. અમે નિર્ણય કર્યો કે અમે બે દિવસ શિરડીમાં રહીશું અને પછી આગળ વિચારીશું.

આ રીતે 15 દિવસ વીતી ગયા. અમારી પાસે એક સોનાનો ચેઇન હતો, જેને અમે વેંચી નાખ્યો.

લાઇન
લાઇન

થોડાં દિવસ સુધી અમે લૉજમાં રહ્યાં અને થોડાં દિવસ કારવાં સરાયમાં. અમારી પાસે મોબાઇલ ફોન હતાં. અમે આખો દિવસ ફોન બંધ રાખતાં હતાં.

આ દરમિયાન અમારા પરિવારજનો અમને શોધવા લાગ્યાં. કદાચ પોલીસને પણ અમારી શોધ હતી.

એક મહિના બાદ તેલંગાણા પોલીસે શિરડીથી અમારી ધરપકડ કરી અને તેલંગાણા લઈ ગયા. અમે બન્ને પોલીસને કહી રહ્યાં હતાં કે અમે બન્ને વયસ્ક છીએ, અમારી ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે. પરંતુ તેમણે અમને અમારા પોત પોતાનાં ઘરે મોકલી દીધાં.

અમારા સંબંધીઓ અમને હેરાન કરવા લાગ્યા. પ્રિયાના પરિવારજનો તેમનાં પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યાં હતાં. તેમને ઘરમાંથી બહાર નીકળવા દેવામાં આવતાં ન હતાં. પછી પ્રિયાને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાના પરિવારજનોને કહી દીધું કે જો તેમણે અમને મળવા ન દીધાં તો તેઓ આત્મહત્યા કરી લેશે.

મને એવું લાગી રહ્યું હતું કે જાણે આખી દુનિયા અમારી વિરુદ્ધ થઈ ગઈ છે. અમારી પાસે જબરદસ્તીથી એક કાગળ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા, જેના પર લખ્યું હતું કે હવે અમારા બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી.

પ્રિયાના ભાઈ અને કેટલાક મિત્રોએ મારા ગળા પર ચાકુ રાખીને મને ધમકાવી.

લેસ્બિયન માટે અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images

મારી બહેને પણ મને આ સંબંધ તોડવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. આ તરફ હું પ્રિયાને મળવા બેચેન હતી. મારા મગજમાં એક જ વાત આવતી કે જો તેમણે કંઈક કરી નાખ્યું તો? મને લાગી રહ્યું હતું કે હું મરી જઈશ.

પછી મેં મારી બહેનની મદદથી સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો. મેં તેમને બધું જ જણાવ્યું. પ્રિયાને પોતાનાં જ પરિવારથી સુરક્ષાની જરુર હતી.

મેં મદદ મેળવવા દરેક પ્રયાસ કર્યા. મને લાગ્યું કે મીડિયા પાસેથી અમને કંઈક મદદ મળી શકે છે. હું મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતી રહી.

હું તેમને મારી વાત કહેવા માગતી હતી. એક પરિચિતે મને એક મહિલા પત્રકારનો નંબર આપ્યો. હું તેમને દિવસ રાત ફોન કરી તેમની પાસેથી મદદ માગવા લાગી.

હવે હું વિચારું છું કે જો હું તે પત્રકારને ન મળી હોત તો મારી સાથે શું થતું? અમારા સમાચાર મુંબઈ મિરર સમાચારમાં છપાયા. સમાચાર વાંચ્યા બાદ 'Labia' સમૂહ (લેસ્બિયન એન્ડ બાઇસેક્શ્યુઅલ ઇન એક્શન)એ અમારો સંપર્ક સાધ્યો.

અમારા વિશે દરેક જગ્યાએ સમાચાર ફેલાઈ ગયા હતા. અમારા ચરિત્રનું હનન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે હું 'Labia' સમૂહને મળવા જઈ રહી હતી ત્યારે પણ ખૂબ ડરેલી હતી.

મેં ત્યાં જઈને મારી અને પ્રિયાની કહાણી એક મહિલાને જણાવી. તેમણે મને પૂછ્યું કે શું આ સંબંધ અયોગ્ય છે? અને તેમણે મને જણાવ્યું કે આ ખૂબ જ સામાન્ય છે.

લાઇન
લાઇન
ફિલ્મનું દૃશ્ય

ઇમેજ સ્રોત, YOUTUBE / FOXSTAR HINDI

ત્યારબાદ મને ખબર પડી કે Labia' એક સમૂહ છે કે જે મારા જેવી છોકરીઓની મદદ કરે છે. તેમણે પ્રિયાના પરિવારજનો સાથે વાત કરી તેમને છોડાવ્યાં.

આ રીતે અમે બન્ને ફરી મળી શક્યાં. હવે અમે બન્ને અમારું જીવન અમારા હિસાબે જીવવા માટે સ્વતંત્ર છીએ.

અમે છેલ્લા દોઢ વર્ષથી એકસાથે રહીએ છીએ. હવે અમે મહારાષ્ટ્રના નાના એવા એક ગામમાં રહીએ છીએ અને નોકરી કરીએ છીએ।

અમે વધારે તો કમાવી શકતાં નથી, પણ જેટલું કમાઈએ છીએ, તેમાંથી અમારું ભરણપોષણ નીકળી જાય છે.

અમારા બધા જ સંબંધીઓને અમારા વિશે ખબર છે. પરંતુ તેઓ આશ્ચર્યમાં છે કે બે છોકરીઓ એકબીજા સાથે આટલી ખુશ કેવી રીતે રહી શકે છે.

જ્યારે કોઈ અમારા વિશે પૂછે છે તો અમે કહી દઈએ છીએ કે અમે પરિણીત છીએ અને એક સામાન્ય પતિ પત્નીની જેમ રહીએ છીએ।

કેટલાક લોકો આ સાંભળીને આશ્ચર્યમાં પડી જાય છે. તો કેટલાક લોકો કહે છે, "અમે આવું પહેલી વખત સાંભળી રહ્યાં છીએ, પરંતુ તમે કહો છો તો તે સાચું જ હશે."

કેટલાક લોકો અમારા સંબંધને વિચિત્ર નજરે જુએ છે. મને લાગે છે કે તેઓ થોડાં સમયમાં આવા સંબંધોને સ્વીકારવા લાગશે અને સામાન્ય રીતે વ્યવ્હાર કરશે.

અમારા પરિવારે કેટલીક હદે અમારો સ્વીકાર કરી લીધો છે. જોકે, હવે તેઓ પહેલાની જેમ અમારી સાથે વાત કરતા નથી.

પરંતુ હવે એ વ્યક્તિ મારી સાથે છે જેને હું પ્રેમ કરું છું અને તે મારી સૌથી મોટી સફળતા છે.

(બીબીસી સંવાદદાતા પ્રાજક્તા ધુલપ સાથેની વાતચીત આધારે)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો