You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રૉબર્ટ વાડ્રાની ઈડીની ઑફિસમાં ચાર કલાક સુધી પૂછપરછ, પરંતુ કેસ શું છે?
રૉબર્ટ વાડ્રા હાલ ઈડી (ઇન્ફૉર્સમન્ટ ડિરેક્ટરેટ)ની ઑફિસે પહોચ્યા હતા. મની લૉન્ડરિંગના મામલામાં વાડ્રાને ઈડી સાથે પૂછપરછના સમન મળ્યાં હતાં.
રૉબર્ટ વાડ્રા ઈડીની ઑફિસે તેમનાં પત્ની અને કૉંગ્રેસના મહાસચિવ બનેલાં પ્રિયંકા ગાંધી સાથે પહોંચ્યા હતા.
તેમને પ્રિયંકા ગાંધી ઈડીની ઑફિસ સુધી છોડવા આવ્યાં હતાં. પ્રિયંકા ઈડીની ઑફિસ બાદ કૉંગ્રેસ કાર્યાલયે પહોંચ્યાં હતાં.
રૉબર્ટ વાડ્રાની ઈડીની ઑફિસ ખાતે મની લૉન્ડરિંગના મામલામાં ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું નિવેદન પણ રેકૉર્ડ કરાયું હતું.
લંડનમાં સંપત્તિ હોવાની વાતને વાડ્રાએ પૂછપરછ દરમિયાન નકારી કાઢી હતી અને ડીલ સાથે સંકડાયેલાં જે નામો બહાર આવ્યાં છે, તેમને પણ તેઓ ન ઓળખતાં હોવાનું જણાવ્યું હતું.
2019ની લોકસભા ચૂંટણીને જોતાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પોતાનાં બહેન પ્રિયંકાને પાર્ટીનાં મહાસચિવ બનાવ્યાં છે. તેમને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલનાં પ્રભારી નિયુક્ત કર્યાં છે.
પત્રકારોએ પ્રિયંકાને આ મામલે જોડાયેલો સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું, "હું ખૂબ જ ખુશ છું કે રાહુલે મને જવાબદારી આપી છે."
પોતાના પતિને ઈડી દ્વારા મળેલા સમન્સ મામલે પ્રિયંકા બોલ્યાં કે પૂરી દુનિયાને જાણ છે કે શું થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉબર્ટ વાડ્રા મધ્ય દિલ્હી સ્થિત જામનગર હાઉસમાં ઈડીની ઑફિસે પોણા ચાર વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા.
વાડ્રાએ મની લૉન્ડરિંગના મામલામાં આગોતરા જામીન લઈ રાખ્યા છે અને તેમણે કોર્ટને કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ મદદ કરશે.
શું છે વાડ્રાનો કેસ જેમાં તેમને હાજર થવું પડ્યું
રૉબર્ટ વાડ્રા જે કેસમાં ઈડી સમક્ષ હાજર થયા છે તે કેસ તેમણે વિદેશમાં ખરીદેલી મિલકતનો છે.
તેમણે યૂકેમાં કેટલીક મિલકતો ખરીદી છે, જે મામલે તેમના પર મની લૉન્ડરિંગના આરોપો છે.
લંડન સ્થિતિ નવ મિલકતો મામલે આરોપ છે કે વાડ્રા કથિત રીતે તેમના માલિક છે.
જેમાં ત્રણ વિલા છે અને બાકીના લકઝરી ફ્લેટ્સ છે.
આ તમામ મિલકતો વર્ષ 2005 અને 2010ની વચ્ચે ખરીદવામાં આવી હોવાના આરોપો છે.
ઈડીએ આ મામલે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કહ્યું હતું કે આમાંના બે મકાનોની કિંમત લગભગ 9 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતના રૂપિયામાં અંદાજે 83 કરોડ જેટલી થવા જાય છે.
એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે વાડ્રાની કંપની સ્કાઇલાઇટ હૉસ્પિટાલિટીના કર્મચારી મનોજ અરોરા આ મામલામાં મહત્ત્વની વ્યક્તિ છે.
રિપોર્ટ મુજબ તેમને જાણ છે કે એજન્સી કહ્યું છે કે કથિત રીતે મનોજ અરોરાને જાણ છે કે વિદેશમાં વાડ્રાની જાહેર ન કરાયેલી મિલકતો છે.
એજન્સીનું એવું પણ માનવું છે કે મનોજ અરોરા આ મામલામાં ફંડની સગવડ કરનારી વ્યક્તિ હતી.
ભાજપના આક્ષેપો
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે કહ્યું કે વાડ્રાએ આઠથી નવ મિલકતો લંડનમાં ખરીદી છે.
તેમણે આરોપ કર્યો કે આ માટેના રૂપિયા 2008-09માં થયેલી પેટ્રોલિયમ અને ડિફેન્સ ડીલમાંથી ગેરકાયદે આવ્યા હતા. જે સમયે યૂપીની સરકાર હતી.
પાત્રાએ કહ્યું કે મારે વાડ્રાને સવાલ કરવો છે કે રોડપતિમાંથી કેવી રીતે કરોડપતિ બનવાની ફૉર્મ્યૂલા શું છે?
તેમણે કહ્યું કે 2019ની ચૂંટણીઓ નરેન્દ્ર મોદીની સ્વચ્છ છબી ધરાવતી સરકાર અને ભ્રષ્ટાચારીઓની ગૅંગ વચ્ચે થશે.
બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વાડ્રાની પૂછપરછ માટે કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ચૂંટણીઓ પહેલાં આ ઇરાદાપૂર્વક કરી રહી છે.
જ્યારે વાડ્રાનાં પત્ની અને કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું, "તેઓ મારા પતિ છે અને મારો પરિવાર છે, હું મારા પરિવારને સપોર્ટ કરીશ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો