શા માટે ડુંગળીનું વાવેતર કરનારા ગુજરાતના ખેડૂતો રાતે પાણીએ રડવા મજબૂર?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેમના વચગાળાના બજેટમાં નાના ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની 'કિસાન સન્માન નિધિ' આપવાની જાહેરાત કરી છે, ત્યારે તેમના વતન ગુજરાતમાં ખેડૂતો ડુંગળીના ભાવ ન મળતા રાતા પાણીએ રડવા મજબૂર છે.

જુનાગઢ જિલ્લાના જામકા ગામના ચંદુભાઈ રાદડિયાએ જ્યારે યાર્ડમાં 5,821 કિલોગ્રામ ડુંગળી વેચી અન તેના જે પૈસા હાથમાં આવ્યાં તે જોઈને તેમની આંખમાં પાણી આવી ગયા.

ત્રણ મહિનાની તનતોડ મહેનત બાદ નફો તો દૂરની વાત કિલોગ્રામ દીઠ માંડ 35 પૈસા મળ્યા, જ્યારે બીજી ખેપમાં તેમને રૂ. 70 હજારનું નુકસાન થયું.

બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની રકમ સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણ-ડુંગળીનું વાવેતર કરનારા હજારો ખેડૂતોની આવી જ સ્થિતિ છે.

સરકારનું કહેવું છે કે આ અંગે ઘટતું કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતની લોકબોલીમાં ડુંગળીને 'ગરીબોની કસ્તૂરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

કિલોગ્રામે 35 પૈસા

જુનાગઢ જિલ્લાના જામકા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાએ સારા ઉત્પાદનની આશાએ દસ વીઘા વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.

ઉત્પાદનમાં 5,800 કિલોની પહેલી ખેપ તેમણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચી, જેના વેચાણ પેટે તેમને રૂ. 10,478 મળ્યાં.

તેમાં વાહન ભાડું રૂ. 5000, માલ ભરવાની તથા ઉતારવાની મજૂરી રૂ. 580 થઈ. આમ તેમના ભાગે રૂ. 4,897 હાથમાં આવ્યા.

ડુંગળીના વાવેતાર પાછળ સિંચાઈ અને ખાતર ઉપરાંત જમીનની અંદર થતી હોવાથી તેને કાઢવાનો ખર્ચ ગણતા તેમની પડતર કિંમત રૂ. 8,400 જેટલી આવી હતી.

આમ ત્રણ મહિનાની મહેનત બાદ તેમને કિલોગ્રામે માંડ 35 પૈસાની આવક થઈ હતી.

રમેશભાઈએ નુકસાન ઘટાડવા માટે તેમણે બાકીનું ઉત્પાદન યાર્ડના બદલે સ્થાનિક વેપારીને વેચી દીધી, જેમાં તેમને કુલ્લે લગભગ રૂ. 70 હજારનું નુકસાન થયું છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા અને વ્યવસાયે ખેડૂત લલિત વસોયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું :

"ખેડૂતોની સમસ્યા લસણના ભાવો ગગડવાથી શરૂઆત થઈ હતી, જે ડુંગળી સુધી વિસ્તરી છે."

"છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી અમે ડુંગળી વહેંચણી, ડુંગળી ફેંકવી સહિતના કાર્યક્રમો આપ્યાં છે, છતાંય આ સરકારે તેની નોંધ નથી લીધી."

જાણકારોના કહેવા પ્રમાણે, ગુજરાત ઉપરાંત રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં લસણનું જંગી ઉત્પાદન થયું છે, જેના કારણે ભાવો ગગડી ગયા.

આપને આ પણ વાચવું ગમશે

ઢોર ચરાવી દીધા

સામાન્ય રીતે ખેડૂત ઢોરને તેના ખેતરથી દૂર રાખે અને બીજાના ઢોરને ખેતરમાં પ્રવેશવા પણ ન દે, જ્યારે જામકાના અન્ય એક ખેડૂત નાગભાઈ ધાધલે તેમના ખેતર માલધારીઓ માટે ખુલ્લા મૂકી દીધા છે.

અહીં માલધારીઓ ઘેટાં-બકરાંને ડુંગળીનો ઊભો પાક ચરાવી રહ્યા છે. નાગભાઈએ કુલ્લે 60 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.

તેમની પાસે જ ખેતર ધરાવતા મનસુખભાઈ પટેલની કહાણી પણ અલગ નથી. તેમણે ગામના જરૂરિયાતમંદોને ડુંગળી કાઢી જવા કહ્યું છે.

કેટલાક ખેડૂતો ખેતરમાં જ રોટાવેટર (જમીન ખેડાણ માટેનું એક પ્રકારનું યંત્ર) ફેરવી દેવા મજબૂર બની ગયા છે.

જેથી કરીને ડુંગળીને બહાર કાઢવાનો ખર્ચ ચૂકવવો ન પડે અને ડુંગળી કમ્પોસ્ટ થાય તો જમીન વધુ ફળદ્રૂપ બને.

ગુજરાત ખેડૂત એક્તા મંચના અધ્યક્ષ સાગર રબારીના કહેવા પ્રમાણે :

"ભાવનગર જિલ્લા મહુવા અને તળાજા તાલુકામાં ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું હતું, પરંતુ યોગ્ય ભાવ ન મળતા તેમણે ટ્રૅક્ટર ફેરવી દેવા મજબૂર થયા હતા."

"અન્ય કેટલાક ખેડૂતો ગરીબોને મફતમાં ડુંગળી વહેંચી દેવા મજબૂર બન્યા છે."

જુનાગઢની બેઠક પરથી ભાજપના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના કહેવા પ્રમાણે :

"ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોની સ્થિતિ અંગે ગુજરાત સરકારના કૃષિપ્રધાન આર. સી. ફળદુને રજૂઆત કરવામાં આવી છે."

"આ અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે."

ચુડાસમાના કહેવા પ્રમાણે, આ મુદ્દે ગુજરાત સરકાર 'સંવેદનશીલ' છે.

ડુંગળી જ શા માટે રડાવે છે?

'ટેકાના ભાવોની ખેડૂતો પર અસરકારકતા' નામનાં રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા 24 ખેત ઉત્પાદનો ઉપર ટેકાના ભાવો આપવામાં આવે છે, જેમાં ઘઉં, સોયાબીન, કપાસ, વગેરેનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ, જે ઉત્પાદનો માટે ટેકાના ભાવો નક્કી કરવામાં આવ્યા છે, તેના ટેકાના ભાવોમાં નિયમિત રીતે વધારો થતો રહે છે, જોકે ટેકાના ભાવોની યાદીમાં લસણ-ડુંગળી સમાવિષ્ટ નથી.

ઉપરાંત ચાલુ સિઝનમાં જૂનાગઢ ઉપરાંત ભાવનગર, રાજકોટ, જામનગર અને અમરેલીના ખેડૂતોએ મોટાપાયે ડુંગળીનું વાવેતર કર્યું હતું.

ઓછા વરસાદ છતાંય સારું ઉત્પાદન થયું છે, પરંતુ વ્યાપક ઉત્પાદને બીજી એક સમસ્યા ઊભી કરી છે અને ખેડૂતોને પૂરતા ભાવો નથી મળી રહ્યા.

ચુડાસમાના કહેવા પ્રમાણે, "આગામી સમયમાં કયો પાક લેવો જેની માગ હોય અને તેમને પણ આવક મળે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે."

બીજી બાજુ, ડુંગળીએ ગુજરાતી પરિવારોનાં દૈનિક વપરાશના ભાગરૂપ હોવાથી તેઓ ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો