નરેન્દ્ર મોદીના દાવા મુજબ શું 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, રિયાલ્ટી ચેક ટીમ

દાવો : વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો કર્યો હતો.

હકીકત : સરકારી આંકડાઓ અનુસાર, 2016 સુધી ખેડૂતોની આવકમાં ઘણો વધારો નોંધાયો છે, પરંતુ ત્યારબાદ ખેડૂતોની આવક કેટલી વધી તેના સરકારી આંકડાઓ ઉપલબ્ધ નથી.

જોકે, કેન્દ્ર સરકારે ખેડૂતોના હીતમાં ઘણાં પગલાં ભર્યાં છે, પરંતુ કૃષિ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે આ પગલાંને લીધે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ શકશે નહીં.

મોદી સરકારના કાર્યકાળમાં પોતાની માગોને લઈને ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ઘણીવાર પોતાની માગોને લઈને સંસદ સુધી રેલી કાઢી હતી. તેમની માગોમાં આવક સૌથી મહત્ત્વનો મુદ્દો હતો.

ડિસેમ્બર 2018માં ત્રણ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ભાજપની હારને ઘણા મીડિયા રિપોર્ટ્સે ખેડૂતો સાથે જોડીને આકલન કર્યું. આ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપ આ કારણે જ સારું પ્રદર્શન ના કરી શક્યું.

28 ફેબ્રુઆરી 2016ના રોજ ખેડૂતોની તકલીફોને દૂર કરવા માટે ઉત્તર પ્રદેશના બરેલીમાં 'કિસાન સ્વાભિમાન રેલી'ને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું :

"2022માં જ્યારે ભારત આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યું હશે, ત્યારે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું. આ જ મારું સપનું છે."

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં પણ 40 ટકા રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મળે છે.

શું ખેડૂતોની આવક વધી રહી છે?

વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાના સરકારના દાવા વચ્ચે એ જાણવું જરૂરી છે કે વર્ષ 2016માં ખેડૂતોની આવક કેટલી હતી?

ખેડૂતોની આવક પર વર્ષ 2016 પહેલાં માત્ર એક જ રિપોર્ટ હતો જે NSSO (નેશનલ સૅમ્પલસરવે ઓફિસ)નો છે. તેમાં જણાવ્યા મુજબ, વર્ષ 2012-13માં દરેક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક 6,426 રૂપિયા છે.

વર્ષ 2016માં નાબાર્ડનો એક રિપોર્ટ જાહેર થયો હતો, જેના મુજબ ત્રણ વર્ષમાં ખેડૂતોની આવક 40 ટકા વધી છે. આ રિપોર્ટમાં ખેડૂતોની આવક પ્રતિ માસ 8,931 રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જોકે, 2016માં ખેડૂતોની આવકમાં કેટલો વધારો થયો તેના સરકારી આંકડા નથી.

માર્ચ 2017ના નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ, જો સરકારે ખેડૂતોની આવક બમણી કરવી હોય, તો કૃષિ ક્ષેત્રનો વિકાસ 10.4 ટકાના દરે કરવો પડશે.

જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી કહે છે, "બે વર્ષ પહેલાં 10.4 ટકા કૃષિ વિકાસ દરની જરૂર હતી. સરકારના વાયદા બાદ બે વર્ષનો સમય વીતી ચૂક્યો છે."

"આજની તારીખે 13 ટકા વિકાસ દર હોવો જોઈએ, જે 2030 પહેલાં થઈ શકે એમ નથી લાગતું."

જાણકારોના મતે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ગત ત્રણ વર્ષમાં યૂપીએ-1 (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની પહેલી સરકાર)થી ઓછો રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ખેડૂતોની સમસ્યા

ખેડૂત દાયકાઓથી દુષ્કાળ, કમોસમી વરસાદ, આધુનિક તકનીકનો અભાવ, પાક સાચવણીનો અભાવ અને સિંચાઈ જેવી મુખ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે.

હાલની કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઊઠાવેલાં પગલાં આ મુજબ છે.

- પાક વીમા યોજના

- સોશિયલ હેલ્થ કાર્ડ

- પાક માટે ઑનલાઇન વેચાણ

પરંતુ સરકારના અમુક નિર્ણયોથી ખેડૂતોને નુકસાન પણ થયું. ખેડૂતો પર નોટબંધીની ખરાબ અસર થઈ અને સરકારની આલોચના પણ થઈ.

ખેડૂતો માટે કરવામાં આવેલા સારા અને ખરાબ નિર્ણયો વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છે કે મધ્ય પ્રદેશમાં ઘણા પાકનું ઉત્પાદન ભાજપની સરકાર આવ્યા બાદ વધ્યો છે.

ઉત્તર પ્રદેશમાં બરેલી ખાતે રેલીમાં વડા પ્રધાન મોદીએ કૃષિ ક્ષેત્રે મધ્ય પ્રદેશના વખાણ કરતા કહ્યું, "અમુક વર્ષો સુધી કૃષિ ક્ષેત્રે મધ્ય પ્રદેશનું કોઈ નામ નહોતું લેતું."

"પરંતુ જ્યારથી ત્યાં ભાજપની સરકાર આવી છે, ગત ત્રણ વર્ષથી દરેક રાજ્યમાંથી મધ્ય પ્રદેશ નંબર એક પર આવે છે. ત્રણ વર્ષથી તે કૃષિ કર્મણ ઍવોર્ડ પણ જીતે છે."

મધ્ય પ્રદેશમાં કૃષિ વિકાસ દર (2005થી 2015)માં 3.6 ટકા વધીને 13.9 ટકા થયો હતો. આનો સીધો મતલબ એ છે કે ઉત્પાદન વધ્યું છે.

પરંતુ એ પણ સાચું છે કે 2013થી 2016માં મધ્ય પ્રદેશમાં ખેડૂતોની આત્મહત્યાના મામલાઓ વધ્યા હતા.

ખેડૂતો વધુ કમાતા કેમ નથી?

દર વર્ષ હજારોની સંખ્યામાં ખેડૂતો આત્મહત્યા કરે છે, જેની પાછળ ઘણાં કારણો છે.

માર્ચ 2018માં સંસદમાં જવાબ આપતી વખતે સરકાર કબૂલ્યું હતું કે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓમાં વૃદ્ધિનું કારણ દેવું પણ છે.

આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે મધ્ય પ્રદેશમાં ઉત્પાદન વધવાનો મતલબ એ નથી કે ખેડૂતોની આવક પણ વધી છે.

સામાન્ય રીતે પાકની ઓછી કિંમત મળવાને કારણે ખેડૂતો દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય છે. ક્યારેક સારી મોસમ થવાને કારણે પાકના ભાવ ઘટી જાય છે.

ખેડૂતોને ઉત્પાદનની સારી કિંમત મળે એટલા માટે સરકારે 24 પાકને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) નક્કી કરી છે, જેમાં ઘઉં અને સોયાબીન સામેલ છે.

સરકારી આંકડાઓ અનુસાર, જે પાકની કિંમત નક્કી કરેલી છે, તેની કિંમતમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.

જોકે, વર્ષ 2016માં એક સત્તાવાર રિપોર્ટમાં એમએસપી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને ના તો આ અંગે જાણ છે, ના તો તેને સાચી રીતે લાગુ કરવામાં આવી છે. બીજું કે ડુંગળી જેવા પાક પર એ લાગુ પણ નથી થતી.

આ મુદ્દો વધુ ચર્ચામાં ત્યારે આવ્યો, જ્યારે મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા ખેડૂત સંજય સાંઠેએ વિરોધ પ્રદર્શન દરમિયાન મોદીને પોતાની ડુંગળીના પાકમાંથી કરેલી કમાણીનો ચૅક પરત મોકલી દીધો હતો.

જાણકારોનું માનવું છે કે મોદીએ એમએસપીના બદલે એવી યોજના બનાવવી જોઈએ, જેનાથી ખેડૂતોની આવક સીધી બેગણી થઈ જાય. અમુક હદે રાહુલ ગાંધીએ કર્યું તેમ.

2019ને નજરમાં રાખીને રાહુલ ગાંધીએ ગરીબો માટે એમએસપીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, "કોઈ ભૂખ્યું નહીં રહે, કોઈ ગરીબ નહીં રહે."

આ ક્રમમાં કેન્દ્ર સરકારે બે એકર જમીન ધરાવતા ખેડૂતોના ખાતમાં વાર્ષિક છ હજાર રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો છે.

આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતના ખાતામાં જમા થશે.

સરકારે તેને 'કિસાન સમ્માન નિધિ' નામ આપ્યું છે. હવે એ જોવું રહ્યું કે આ યોજનાથી ખેડૂતોની આવક બમણી થશે કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો