સહાય મામલે ખરેખર ગુજરાતના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે?

    • લેેખક, દીપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી

ભારતની કેન્દ્ર સરકારે દેશનાં અછતગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને સહાયના પૅકેજની જાહેરાત કરી છે.

આ વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે અછત કે દુષ્કાળનો સામનો કરી રહેલાં રાજ્યો માટે કેન્દ્ર સરકારે કુલ 7214.03 કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે.

જેમાં સૌથી વધારે 4,714.28 કરોડ રૂપિયાની સહાય મહારાષ્ટ્રને કરવામાં આવી છે.

જે બાદ કર્ણાટકને 949.49 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશની 900.40 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.

હિમાચલ 317.14 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશને 191.73 કરોડ રૂપિયાની સહાય કરાઈ છે.

જોકે, આ તમામની વચ્ચે ગુજરાત રાજ્યને માત્ર 127.60 કરોડ રૂપિયા જ સહાય તરીકે મળ્યા છે.

આ સહાય 2018-19માં ખરીફ પાકને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

ગુજરાતમાં કેવી છે અછતની સ્થિતિ?

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં ઓછા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અછતની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

ગુજરાત સરકારે આ વર્ષે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા.

આ એવા તાલુકા હતા, જેમાં 250થી 400 મીલીમીટરથી ઓછો વરસાદ થયો હતો.

સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 16 જિલ્લાઓમાં વરસાદની અછત છે.

જેમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ વધારે અછતગ્રસ્ત છે.

ગુજરાતમાં ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વધારે ઉત્પાદન થાય છે.

ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આવેલા આંકડા મુજબ કપાસના ઉત્પાદનમાં 16 ટકા તથા મગફળીના ઉત્પાદનમાં 22 ટકા જેટલો ઘટાડો થવાનું અનુમાન હતું.

કઈ રીતે નક્કી થાય છે કે આ જાહેરાત

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ખરીફ સિઝનમાં જે વરસાદ પડ્યો હોય તેમાં પાકની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની ખેતીવાડી અને રેવન્યૂ વિભાગ સંયુક્ત રીતે અહેવાલ તૈયાર કરે છે."

"આ સ્થિતિનો સરવે કરવામાં આવે છે અને ભારત સરકારને મોકલવામાં આવતો હોય છે."

"આ અહેવાલને ધ્યાનમાં રાખીને ભારત સરકાર રાહત પૅકેજ આપતી હોય છે."

ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે તે રાજ્ય સરકાર પાસેથી પહેલાં કેન્દ્ર સરકાર દરખાસ્ત મંગાવે છે.

"રાજ્ય સરકાર જિલ્લા અને તાલુકાના ખેતીવાડી અધિકારી પાસેથી અછતની માહિતી મંગાવે છે."

"જેના આધારે નક્કી થાય છે કે રાજ્યમાં ક્યાં કેટલી અછત છે અને તેના માટે કેટલી સહાયની જરૂરિયાત પડશે."

"જે વિસ્તારોમાં પાકનું ઉત્પાદન જ થયું ના હોય ત્યાં અથવા ખૂબ ઓછું ઉત્પાદન થયું હોય ત્યાં જ આ સહાય આપવાની હોય છે."

સંઘાણીએ કહ્યું કે આપણે ત્યાં આ પહેલાં ગુજરાત સરકારે ટેકાના ભાવે સાર્વત્રિક ખરીદી કરી છે અને પોતાના તરફથી પણ ખેડૂતોને સહાય ચૂકવી છે.

ગુજરાતમાં ખેડૂતોને રાહતમાં અન્યાય?

ગુજરાતના કૃષિમંત્રી ફળદુએ આ મામલે કહ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતને વિવિધ અછત રાહતરૂપે ગયા આ સિઝનમાં 1,076 કરોડ રૂપિયા આપ્યા છે.

તેમણે કહ્યું, "ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને કોઈ ચોક્કસ આંકડો આપ્યો ન હોય પરંતુ અછતવાળા વિસ્તારમાં જે ખેડૂતો આવતા હોય તેના હેક્ટર દીઠ સહાય નક્કી થાય છે."

"કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત ગુજરાત સરકાર પણ અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય કરી રહી છે."

"સરકાર પાક વીમા માટે વીમા કંપનીઓ સાથે બેઠક કરીને દાવાનો જલદી નિકાલ કરવા માટે તત્પર છે."

પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કહ્યું કે આ પહેલાં પણ ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરી ચૂકી છે. એટલે અન્યાયની વાત નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "દેશના અછતગ્રસ્ત રાજ્યોને જે રકમ ફાળવવામાં આવી છે તેની 2 ટકા રકમ પણ ગુજરાતને ફાળવી નથી."

"આ સહાય આખા દેશના તમામ રાજ્યોને ફાળવવાના ન હતા, જે રાજ્યોએ દુષ્કાળગ્રસ્ત હોવાની દરખાસ્ત કરી છે તેમને ફાળવવાના હતા. જેથી ગુજરાત માટે આ સહાય બિલકુલ નહીંવત છે."

"જ્યારે કેન્દ્રમાં વિરોધ પક્ષમાં હતા ત્યારે એવું કહેતા હતા કે ગુજરાત સૌથી વધારે ટૅક્સ ભરે છે અને તેને સહાયમાં અન્યાય થાય છે."

જયરાજસિહે એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાત સરકારે 1,700 કરોડની દરખાસ્ત કરી હતી. જેની સામે 127.60 કરોડ રૂપિયા મળ્યા.

તેમણે કહ્યું, "ગુજરતમાં 58 લાખ ખેડૂતો છે અને તેમાં પણ સરકારે જાહેર કરેલા અછતગ્રસ્ત 51 તાલુકાઓમાં 20 લાખ ખેડૂતો છે."

"હવે કેન્દ્ર સરકારની આ જાહેરાતની વાત કરીએ તો આ 20 લાખ ખેડૂતોના ભાગમાં શું આવશે."

"સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વાઇબ્રન્ટ ગુજરાત પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ખેડૂતોની સહાયના નામે કશું કરતી નથી."

ખેડૂતને ખરેખર સહાય મળે છે ખરી?

સામાજિક કાર્યકર્તા અને પાક વીમા સહાય માટે કોર્ટમાં ગયેલા કુલદીપ સાગરે કહ્યું, "સરકારની જાહેરાતો માત્ર કાગળ પર હોય છે, વાસ્તવમાં મળતી નથી."

"જો સરકારની સહાય ખરેખર મળતી હોય તો અમારે કોર્ટમાં જવાની નોબત આવે નહીં."

"ગુજરાત સરકારે આ પહેલાં ખેડૂતો માટે જે જાહેરાત કરી છે, તે હજી માત્રને માત્ર કાગળ પર જ છે. તેનો કોઈ સીધો લાભ મળ્યો નથી."

"સરકારે જાહેરાત કરી પરંતુ હજી મનરેગાનું કામ ચાલુ થયું નથી."

તેમણે એવો પણ આરોપ કર્યો કે સરકારે અછત જાહેર કરતી વખતે અછતગ્રસ્ત મૅન્યુઅલ પણ ધ્યાને લીધું નથી.

તેમણે કહ્યું, "ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે, માલધારીઓ સ્થળાંતર કરે છે તે દેખીતું છે."

"સરકારે જે જાહેરાત કરી તે તેના વિશે કોઈ અમલીકરણ કર્યું નથી, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવા મામલે તાત્કાલિક સહાય કરવી જોઈએ. જે કુદરતી આપત્તીઓ છે."

વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા હિરજીભાઈ કહે છે કે સરકાર જાહેરાતો તો કરે છે પરંતુ તેનો સીધો લાભ ખેડૂતોને મળતો નથી.

તેમણે કહ્યું, "ખેડૂતો અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરે છે પરંતુ તેનો તાત્કાલિક નિકાલ આવતો નથી."

"પાક વીમાની વાત કરો તો કંપનીઓ ખેડૂતો પાસે પ્રિમિયમ લઈ જાય છે પરંતુ વીમો મળતો નથી."

"પાક વિમા માટે જે પસંદ થતાં ખેતરો જો પિયતવાળાં હોય તો આખા તાલુકાને નુકસાન થાય છે."

"અછતવાળી સ્થિતિમાં ખેડૂતોને ભાગ્યે જ સિંચાઈની સગવડ હોય છે, જેથી સરકારની જાહેરાતોનો કોઈ ખાસ અર્થ થતો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો