નરેન્દ્ર મોદીની સરકારના મનમાં અયોધ્યા મુદ્દે આખરે ચાલી શું રહ્યું છે?

    • લેેખક, રામદત્ત ત્રિપાઠી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

મોદી સરકાર પર હાલમાં એમના સમર્થકો અને ખાસ કરીને 'વિશ્વ હિન્દુ પરિષદ' અને સંઘ પરિવારનું ભારે દબાણ છે કે તેઓ આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં અયોધ્યાની વિવાદિત ભૂમિ પર-બાબરી મસ્જિદના સ્થાન પર મંદિર નિર્માણનું કામ બને તેટલી વહેલી તકે શરૂ કરી દે.

સાધુ-સંતો ઉપરાંત 'રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ'ના પ્રમુખ મોહન ભાગવતે પણ હવે મોદી સરકારને રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો ઘડવા કે વટહુકમ લાવવા જણાવ્યું છે.

આ દબાણ અને માંગણીએ એટલા માટે જોર પકડ્યું છે કે ગઈ લોકસભાની ચૂંટણી વખતે મોદી અને ભાજપના નેતઓએ જો તેમની સરકાર બનશે તો મંદિર નિર્માણનું વચન આપ્યું હતું.

અને હવે તો દિલ્હી અને લખનૌ એમ બન્ને જગ્યાએ ભાજપની પૂર્ણ બહુમત સરકાર છે.

પરંતુ મોદી સરકારે આ સાડા ચાર વર્ષોમાં ના તો બન્ને પક્ષો વચ્ચે કોઈ સમજૂતી કરાવવાનો પ્રયત્ન કર્યો કે પછી ના તો સુપ્રીમ કોર્ટમાં પડી રહેલી અરજીને ઉકેલવાના કોઈ પ્રયાસ હાથ ધર્યા.

મંદિર સમર્થકોમાં ગભરામણ

હવે કાર્યકાળ પૂરો થવાને આરે છે અને ફરી વખત સત્તામાં આવવાના કોઈ એંધાણ વર્તાતા નથી તેવા સંજોગોમાં મંદિર સમર્થકોની ગભરામણ સમજી શકાય તેવી છે.

પણ કાયદા નિષ્ણાતો જાણે છે કે કોર્ટમાં અવલંબિત કેસો પર સરકાર કોઈ એક પક્ષની તરફેણમાં કાયદો ઘડી ના શકે.

માટે જ વડા પ્રધાન મોદીએ સંઘના પ્રમુખ અને અન્ય મંદિર સમર્થકોને જાહેરમાં જવાબ આપ્યો છે કે સરકાર કોર્ટની પ્રક્રિયામાં દખલ કરી ના શકે.

હા, કોર્ટનો અંતિમ ચુકાદો આવ્યા બાદ તે જરૂરી પગલાં ભરી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કહેવાની જરૂર નથી કે આ નિવેદનથી મંદિર સમર્થકો હતાશ થયા છે, જેની પ્રતિક્રિયા પ્રયાગરાજ કુંભમાં જોવા મળી રહી છે.

ચોતરફ સુત્રોચ્ચાર સાંભળવા મળી રહ્યાં છે કે 'મંદિર નહીં તો મત પણ નહીં.'

ગઈ ચૂંટણીમાં 31 ટકા મત સાથે મોદી સરકાર સત્તામાં આવી હતી. મતમાં જો થોડા ઘણો પણ ઘટાડો થાય તો તે મોદી સરકારને વિપક્ષમાં બેસાડી શકે તેમ છે.

એમ માનવામાં આવે છે કે પોતાના સમર્થકોને ખુશ રાખવા માટે જ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે કે અયોધ્યામાં અધિગ્રહણ કરાયેલી 67 એકર જમીનમાંથી મૂળ વિવાદિત જમીન સિવાયની વધારાની જમીન રામ જન્મ ભૂમિ ન્યાસને પાછી આપવાની મંજૂરી આપવામાં આવે.

ક્યાં છે આ જમીન?

મૂળ વિવાદિત જમીન એટલે એ જગ્યા કે જ્યાં 1992 સુધી વિવાદિત મસ્જિદ ઊભી હતી. એનો પરિઘ એક તૃતયાંશ એકરથી પણ ઓછો છે જેને કોર એરિયા પણ કહેવામાં આવે છે.

મસ્જિદ તૂટી પડ્યા બાદ તે વખતની નરસિન્હા સરકારે એક કાયદો ઘડીને હાઈકોર્ટમાં ચાલી રહેલા ચારેય કેસ સમાપ્ત કરી દીધા હતા અને બાજૂમાં રહેલી 67 એકર જમીનનું અધિગ્રહણ કરી લીધું હતું.

આ તમામ જમીન અધિગ્રહણ કરવાનું કારણ એ હતું કે જે પણ પક્ષ કોર્ટ પાસેથી કોર એરિયા જીતી જાય એને રસ્તાઓ, પાર્કિંગ અને અન્ય યાત્રી સગવડો ઊભી કરવા માટે પૂરતી જમીન મળી રહે.

બાકીની જમીન હારી ગયેલા પક્ષને આપવાની વ્યવસ્થા હતી જેનાથી હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષોને ખુશ રાખી શકાય.

આ 67 એકર જમીનમાં, એ 42 એકર જમીનનો પણ સમાવેશ થાય છે કે જે વર્ષ 1991માં કલ્યાણસિંહ સરકારે એક રૂપિયાની વાર્ષિક લીઝ પર રામજન્મ ભૂમિ ન્યાસને આપી હતી. બાકીની જમીન કેટલાંક મંદિરો અને વ્યક્તિઓની હતી.

તમને જણાવી દઈએ કે આ 42 એકર જમીન ઇંદિરા ગાંધીની ઇચ્છા અનુસાર કૉંગ્રેસની વીર બહાદુર સરકારે મસ્જિદની બાજુમાં રામકથા પાર્ક બનાવવા માટે અધિગ્રહણ કરી હતી.

તાત્કાલિન સરકારે બંધારણીય જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી હતી કે શું આ વિવાદિત જમીન પર પહેલાં કોઈ રામમંદિરનું અસ્તિત્વ હતું કે જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે?

સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નનો જવાબ આપવાની ના પાડી દીધી હતી અને સાથે જ હાઈકોર્ટમાં ચાલી રહેલા ચારેય કેસો ફરી જીવંત કરી દીધા કે જેથી અરજી કરવાનો મૌલિક અધિકાર સમાપ્ત ના થઈ જાય.

સુપ્રીમ કોર્ટે વર્ષ 1994માં અધિગ્રહણ કાયદાને ન્યાયસંગત ઠેરવ્યો હતો. એવું પણ કહ્યું હતું કે કાયદા પ્રમાણે જમીનનો ઉપયોગ એટલે કે મંદિર-મસ્જિદ માર્ગ, પાર્કિંગ અને યાત્રી સુવિધાઓ બાદ વધેલી જમીનને એના મૂળ માલિકોને સુપ્રત કરી દેવામાં આવે.

એટલે કે આ પ્રક્રિયા વિવાદના સંપૂર્ણ સમાધાન પછી થશે. કોર્ટે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારને કસ્ટૉડિયન બનાવી દીધી હતી. આ પ્રક્રિયામાં ફૈઝાબાદના કમિશનર આ જમીનના રિસીવર છે.

આ પહેલાં વર્ષ 2002માં જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી બાજપેયીની સરકાર હતી ત્યારે પણ રામ મંદિર શરૂ કરવા થોડી જમીન આપવા માટે 'વિશ્વ હિન્દુ પરિષદ' દ્વારા આંદોલન શરૂ કરાયું હતું.

ત્યારે વીએચપી અધિગ્રહણ કરાયેલા ક્ષેત્રમાં સાંકેતિક શિલાપૂજન કરવા માગતી હતી. પણ સુપ્રીમ કોર્ટે ફરીથી સ્પષ્ટતા કરી કે અધિગ્રહણ કરાયેલી જમીનનો કોઈ પણ હિસ્સો જ્યાં સુધી વિવાદનો નિવેડો ના આવે ત્યાં સુધી કોઈને આપી શકાય નહીં.

ત્યારે ભાજપ સરકારે જ અયોધ્યામાં મનાઈ હુકમ લગાડી સેના દ્વારા હજારો કાર સેવકોને અયોધ્યામાં પ્રવેશતા અટકાવ્યા હતા.

'રામજન્મ ભૂમિ ન્યાસ'ના અધ્યક્ષ રામચંદ્ર દાસ પરમહંસ દિગંબર અખાડાની બહાર નીકળી શક્યા નહોતા. એમની શાખ જાળવી રાખવા માટે કમિશનરે ત્યાં જ બે શિલાઓ પ્રપ્ત કરાવી આપી હતી, જે ક્યાં ગુમ થઈ ગઈ કોઈ જાણ નથી.

વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટનો જમીનને ત્રણ ભાગમાં વહેંચી દેવાનો નિર્ણય આવ્યા બાદ તમામ કેસ કોર્ટમાં અવલંબિત છે. જેની સુનાવણી હાલમાં જ નિર્માણ પામેલી બંધારણીય ખંડપીઠ આવતા મહિને કરશે.

ભાજપના સમર્થકોનું કહેવું છે કે એમની ધીરજ હવે ખૂટી રહી છે.

વીએચપીનો વિરોધ યથાવત્

વીએચપીનો વિરોધ કરનારા શંકરાચાર્ય પણ મંદિર માટે અયોધ્યા કૂચ કરવાની વાત કહી રહ્યા છે.

વીએચપીના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પણ અલગથી મોદી પર હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મોદી સરકારે ફરીથી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધી છે.

એવા કોઈ અણસાર જણાતા નથી કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની આ અરજી પર તાત્કાલિક ધોરણે સુનાવણી કરી, ખંડપીઠના યથાસ્થિતિ જાળવી રાખવાના નિર્ણયમાં ફેર બદલ કરશે.

હવે સવાલ એ ઊભો થાય કે જે લોકો મસ્જિદના વચ્ચેના ભાગમાં જ ગુંબજ નીચે જ કે જ્યાં અત્યારે રામ લલા બિરાજમાન છે ત્યાં રામમંદિરનું ગર્ભગૃહ બનાવવાની હઠ પકડી બેઠા હતા તે શું આટલા દૂર મંદિર નિર્માણથી સંતુષ્ટ થશે ખરાં?

એવું હતું તો વર્ષ 1989 માં જ મંદિર બની જાત, જ્યારે રાજીવ ગાંધીએ, વિવાદિત મસ્જિદથી 192 ફુટ દૂર શિલાન્યાસ કરાવડાવ્યો હતો.

ફૈઝાબાદના અગ્રણી પત્રકાર શીતલા સિંહાએ હાલમાં જ જાણકારી આપી છે કે વર્ષ 1987 માં કૉંગ્રેસ સરકાર વખતે વીએચપી નેતા અશોક સિંઘલે મસ્જિદને ઘેરી લઈ બાજુની જમીન પર મંદિર નિર્માણની સમજૂતી કરી લીધી હતી.

પરંતુ સંઘ પ્રમુખે એમ કહેતા વાત સંકોરી લીધી હતી કે આપણું લક્ષ્ય મંદિર નહીં કેન્દ્રમાં સરકાર બનાવવાનું છે.

એટલા માટે હંમેશાં એ વાત પર જ ભાર મૂકવામાં આવ્યો કે મંદિર નિર્માણ, મસ્જિદની નીચે જ કરવામાં આવે. એટલે કોઈ સમજૂતી પણ થઈ જ ના શકે.

આજે પણ મુસ્લિમ સમુદાયને મસ્જિદથી દૂર મંદિર બનાવવા અંગે કોઈ વાંધો નથી.

કોને ખબર છે કે મોદી આ રમત ફરી સરકારમાં આવવા માટે રમી રહ્યા હોય?

ભાજપે 1989માં 'પાલનપુર અધિવેશન'માં પ્રસ્તાવ પાસ કરી રામમંદિરનું મોકળા મને સમર્થન કર્યું હતું. ત્યારથી જ તે રામ મંદિરના નામે મત માગતો રહ્યો છે.

અને આ જ વાત હવે ભાજપ સરકાર માટે મુશ્કેલી સર્જી રહી છે.

આખા મુદ્દે કેટલાંક બીજાં પાસાં પર વિચાર કરવો ઘટે.

સનાતન હિન્દુ ધર્મની પરંપરા અનુસાર રામાનન્દાચાર્ય સંપ્રદાયે આ સ્થાનની સાર-સંભાળ અને પૂજાની જવાબદારી નિર્મોહી અખાડાને સોંપી છે કે જે વર્ષ 1885થી એટલે કે 185 વર્ષોથી રામ મંદિર અંગે કાયદાકીય લડત લડતા આવ્યા છે.

એટલે કે વિશ્વ હિન્દુ પરિષદનો રામ જન્મ ભૂમિ ન્યાસ , તમામ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો નથી. શંકરાચાર્ય પણ વીએચપીની સાથે નથી. વીએચપીનો ન્યાસ ભાજપ સરકારની મદદ વડે નિર્મોહી અખાડાને અળગો કરી દેવા માગે છે.

બીજી વાત કે કેન્દ્ર સરકાર મૂળ મુદ્દામાં પક્ષકાર નથી. પણ એમની ભૂમિકા એક નિષ્પક્ષ રખેવાળની અને કોર્ટના નિર્ણયનો અમલ કરાવવાની છે. એવા સંજોગોમાં શું સરકાર કોઈ એક પક્ષ કે સમુદાયની પડખે ઊભી રહી શકે ખરી? શું આ ભારતીય બંધારણની તરફેણમાં છે ખરું ?

વાસ્તવમાં આ પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ છે અને આ જ ભાવી ભારતની દિશા નિર્ધારિત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો