You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાઇબ્રન્ટ ગુજરાત 2019 : મોદીનું 'રીફૉર્મ, પરફૉર્મ ઍન્ડ ટ્રાન્સફૉર્મ' શું સૂચવે છે?
- લેેખક, અજય ઉમટ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ગાંધીનગર ખાતે દ્વિવાર્ષિક નવમી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમૅન્ટ સમિટ-2019નું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના CEOની છટાથી ઉપસ્થિત વ્યવસાયી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે મૂડીરોકાણ અને વેપાર વિકસાવવા માટે આજની ઘડી રળિયામણી છે.
ભારત એક એવો દેશ છે કે જ્યાં ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ આ ત્રણેય બાબતોનો સુભગ સમન્વય સુલભ છે.
ત્યારે ઇન્વેસ્ટમૅન્ટ માટેનો માહોલ સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતા મોદીએ કહ્યું હતું કે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં ભારતે 65 ક્રમાંકની છલાંગ લગાવી છે.
2014માં 142માં ક્રમે રહેલું ભારત હવે 77માં ક્રમે આવી ગયું છે અને હજુ તેઓ આ પ્રગતિથી સંતુષ્ટ નથી.
મોદીએ કહ્યું, "આગામી 50 વર્ષમાં ભારત પ્રથમ ક્રમાંકે પહોંચે એવી અમારી નેમ છે."
મોદીએ ઉમેર્યું હતું કે જીએસટીના ઐતિહાસિક નિર્ણય અને તેના અમલીકરણ ઉપરાંત કર માળખું સરળ અને કાર્યક્ષમ બનવાને કારણે હવે વેપારીઓ ડિજિટલ પ્રોસેસ, ઑનલાઈન વ્યવહાર અને સિંગલ પૉઇન્ટ ઇન્ટરફેઇથ કરી શકે છે.
વિદેશી મૂડીરોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ભારત અગ્રેસર છે, એવો દાવો કરતા મોદીએ કહ્યું હતું કે ભારતીય અર્થતંત્રનાં મોટાભાગનાં ક્ષેત્રો એફડીઆઈ માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે.
90 ટકા અપ્રુવલ્સ ઑનલાઈન મળી જાય છે. છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં 263 બિલિયન ડૉલરની એફડીઆઈ આવી હતી, જે છેલ્લાં 18 વર્ષની સરખામણીમાં 45 ટકા જેટલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ
કર માળખામાં પાંચ ટકા જેટલો ઘટાડો કરીને 25 ટકા સુધીના દરો એકંદરે એનડીએની સરકાર લાવી છે, એમ કહી વડા પ્રધાન મોદીએ 'ક્લિનર એનર્જી અને ગ્રીનર ડેવલમૅન્ટ'નો ઉલ્લેખ કરી પર્યાવરણ બચાવવા તથા નૈસર્ગિક સંતુલન જાળવવા પર ભાર મૂક્યો હતો.
ઉપરોક્ત મુદ્દાઓ પરિપ્રેક્ષ્યમાં મૂક્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિકાસનો લાભ સમાજના તમામ વર્ગને ખાસ કરીને સમાજના છેવાડાના માનવીને મળવો જોઈએ.
ભારતે છેલ્લા સાડા ચાર વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓને વર્ણવતા મોદીએ કહ્યું હતું કે દેશમાં રોડ-રસ્તાનું નિર્માણ ઝડપભેર વધ્યું છે, કૃષિવિકાસ દર વધ્યો છે.
90 ટકા ગામડાઓને રસ્તાઓનું જોડાણ મળ્યું છે. 1991 પછી કોઈ પણ સરકાર કરતાં વધુ 7.3 ટકા જીડીપી રહ્યો છે અને ફુગાવાનો દર પણ 1991ની સરખામણીમાં સૌથી નિમ્નસ્તરે રહ્યો છે.
ત્યારે ભારત એક મૉડર્ન અને કૉમ્પિટિવ દેશ બન્યો છે.
દેશમાં મેડિકલ સર્વિસ, ઇન્સ્યૉરન્સ સ્કિમ અને જનધન ખાતાના માધ્યમથી પ્રત્યેક પરિવાર પાસે બૅન્ક અકાઉન્ટ છે ત્યારે આયુષ્યમાન યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના 50 કરોડ લોકોને મળી રહ્યો છે, જે અમેરિકા, કૅનેડા અને મેક્સિકોની વસતી કરતાં પણ વધુ લાભાર્થીઓ સૂચવે છે.
50 શહેરોમાં આજે મેટ્રો રેલ નિર્માણ થઈ રહ્યું છે. પાંચ કરોડ અફોર્ડેબલ હાઉસ બનવાનાં છે, એમ કહી મોદીએ વૈશ્વિક સમુદાયને કહ્યું હતું કે તમે રોકાણનો હાથ લંબાવો ભારત સાથ માટે તૈયાર છે.
ભારતના વિકાસની બ્લૂ પ્રિન્ટ
ઉપરોક્ત ભૂમિકા બાંધ્યા બાદ મોદીએ ભારતના વિકાસની બ્લૂ પ્રિન્ટ આપતા કહ્યું હતું કે ભારત હોરિઝોન્ટલ અને વર્ટિકલ ગ્રોથ ઇચ્છે છે.
હોરિઝોન્ટલ ગ્રોથ અર્થાત્ ઔદ્યોગિક વિકાસનો લાભ સમાજના તમામ વર્ગ અને સમુદાય સુધી પહોંચે.
જ્યારે વર્ટિકલ ગ્રોથનો અર્થ એ છે કે દેશના નાગરિકનાં જીવનની ગુણવત્તા સુધરે, દેશની સેવાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ સુધરે.
ભારતના લોકોનું કલ્યાણ એટલે વિશ્વની છઠ્ઠા ભાગની વસતીનું કલ્યાણ, એમ કહી મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ યાને સુશાસનનો મંત્ર મોદીએ દોહરાવ્યો હતો.
મોદીએ કહ્યું હતું, "મારી સરકાર રીફૉર્મ, પરફૉર્મ અને ટ્રાન્સફૉર્મ - એ પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને એનાં ફળો આવનારા દિવસોમાં જોવા મળશે."
મોદીએ પોતાના વક્તવ્યમાં સૌથી વધુ ભાર રોજગારી નિર્માણ શી રીતે થઈ શકે એ બાબત પર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું, "માત્ર ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસથી દળદળ ફીટવાનું નથી, ભારત એક યુવાન રાષ્ટ્ર છે અને દેશના મહત્તમ યુવાનોને રોજગારી મળે એવી તકોનું નિર્માણ આપણે કરવાનું છે અને માટે જ ભારત મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકી રહ્યું છે."
મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા સહિત અનેકવિધ યોજનાઓ દ્વારા યુવાનોને વધુ ને વધુ રોજગારી મળે એ દિશામાં ભારત પ્રયત્નશીલ છે એ બાબતનો પુનરોચ્ચાર કરતા મોદીએ કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ હવે સાચા અર્થમાં ગ્લોબલ સમિટ બની છે.
એક જમાનામાં આ સમિટનું ફૉકસ ઇન્વેસ્ટમેન્ટનું રહેતું હતું.
હવે સમગ્ર દેશમાં આ ઇવેન્ટ ઔદ્યોગિક ઇન્વૅસ્ટમેન્ટનો માહોલ બનાવવા માટે કેટેલિસ્ટ-ઉદ્દીપકની ભૂમિકા ભજવી રહ્યું છે અને વેપાર-વાણિજ્યના વિકાસ માટે અગાઉ ક્યારેય ન હતું એવી સજ્જતા ભારતે કેળવી લીધી છે.
સાથે જ જે દેશોના કૉર્પોરેટ ગૃહોએ અને મલ્ટિનેશનલ કંપનીઓએ ભારતમાં મૂડીરોકાણ ન કર્યું હોય તેમણે આ અવસર ચૂકવા જેવો નથી.
એ મતલબનું માર્કેટિંગ કરતા મોદીએ રાજકારણી તરીકે નહીં, પરંતુ CEOની સ્ટાઇલથી પોતાનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
અલબત્ત, આ વાઇબ્રન્ટ મહોત્સવમાં અમેરિકા અને યૂકે જેવા સુવિકસિત દેશોની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી ત્યારે સામા પક્ષે 54માંથી 52 આફ્રિકન દેશો મોજૂદ હતા.
આ એ બાબત સૂચવે છે કે 'લુક ઇસ્ટ' પૉલિસીમાં માનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે આફ્રિકન દેશો સાથે પાર્ટનર ઇન પ્રોગ્રેસ બનવાની દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો