ઑસ્ટ્રેલિયા સિરીઝ બાદ આરામ મેળવી રહેલાં ક્રિકેટર ઋષભ પંતે ઈશા નેગી સાથેની તસવીર પોસ્ટ કરી

ભારતીય ક્રિકેટ ટીમના હાલના યુવા ખેલાડીઓમાં જે ખેલાડીની ચર્ચા સૌથી વધુ થાય છે એમાં ઋષભ પંતનું નામ ચોક્કસ સામેલ કરવામાં આવે છે.

21 વર્ષના ઋષભનો અંદાજ મેદાનની અંદર જેટલો આક્રમક અને નિરાળો છે, એટલા જ બિન્દાસ તેઓ મેદાનની બહાર પણ નજરે પડે છે.

ટીમ ઇન્ડિયાના આ યુવા વિકેટકીપર ઑસ્ટ્રેલિયા વિરદ્ધ ટેસ્ટ સિરીઝમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યા બાદ હાલ વન ડે હરીફાઈમાંથી બહાર છે.

ઋષભ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે ટીમમાં નથી પરંતુ ટીમની બહાર હોવાનો એ મતલબ નથી કે પંત સમાચારોમાંથી પણ બહાર રહી જાય.

આક્રમક બૅટ્સમૅન પંતે ઈંસ્ટાગ્રામ ઉપર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ એક છોકરી સાથે નજરે પડે છે.

પોસ્ટની સાથે પંતે લખ્યું છે, "હું બસ તને ખુશ રાખવા ઇચ્છુ છું કારણકે તું મારી ખુશીનું રહસ્ય છે."

પંતની આ પોસ્ટ પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તસવીરમાં દેખાતી છોકરી તેમની ગર્લફ્રૅન્ડ હોઈ શકે છે.

કોણ છે આ યુવતી?

જે યુવતીની સાથે પંતે તસવીર શેર કરી છે તેમનું નામ ઈશા નેગી છે.

ઈશાએ પણ એ જ તસવીર પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી છે.

જો કે, ઈશાએ પોતાની પોસ્ટની સાથે જે કેપ્શન લખ્યું છે એ આ બંન્નેના સંબંધને વધુ સ્પષ્ટ કરે છે.

ઈશાએ લખ્યું છે, "માય મૅન, માય સૉલમેટ, અને મારો સૌથી સારો મિત્ર, મારો પ્રેમ."

ઈશાના ફેસબુક એકાઉન્ટ અનુસાર તેણી દેહરાદૂનની છે. દહેરાદૂનના જીસસ ઍન્ડ મૅરી કોન્વેન્ટ સ્કૂલમાં તેઓએ શિક્ષણ મેળવ્યું છે.

હાલ તેણી નોઇડા સ્થિત એમિટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં છે.

આ સાથે જ ઈશાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લખ્યું છે કે તેઓ ઇન્ટીરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રે હાથ અજમાવી રહ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાની એક ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં ઈશાએ જણાવ્યું છે કે તેમને હાઇડ્રોફોબિયા છે. હાઇડ્રોફોબિયાનો મતલબ છે પાણીનો ડર લાગવો.

આ પોસ્ટમાં તેમણે સ્વિમિંગ પૂલની પાસે ઉભા રહીને કેટલીક તસવીરો પડાવી છે.

પોતાની મોટાભાગની તસવીરોમાં ઈશા એકલાં જ નજરે પડે છે.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ચર્ચામાં આવ્યા પંત

ઋષભ પંત હાલમાં જ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઘણાં ચર્ચામાં રહ્યા.

પંતે અહીં વિકેટકીપિંગ સિવાય બૅટિંગમાં પણ અગત્યનું યોગદાન આપ્યું.

સિડની ટેસ્ટમાં તેમણે શ્રેષ્ઠ 159 રન કર્યા. આ ટેસ્ટ સિરીઝમાં પંત ચેતેશ્વર પુજારા પછી બીજા સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅન બન્યા.

જ્યાં સુધી પંતના અંગત જીવનની વાત છે. તેઓ મૂળ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રહેવાસી છે.

પહાડી પરિવારમાં જન્મેલા પંતે પોતાનું શરૂઆતનું શિક્ષણ રુડકી શહેરમાં લીધું. એ પછી ક્રિકેટમાં કારકિર્દી બનાવવાના હેતુથી તેમણે દિલ્હીની વાટ પકડી.

ઋષભ પંતે ભારતની અન્ડર-19 ટીમમાં પોતાના પ્રદર્શનના દમ ઉપર આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી ડેરડેવિલ્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

આઈપીએલના રસ્તે જ પંતને ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું.

હાલ પંતને ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે.

તેમની આક્રમકતા અને વિકેટકીપિંગને જોતા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન રિકી પૉન્ટિંગે તેમને મહાન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ સમાન ગણાવ્યા હતા.

ક્રિકેટની પીચ ઉપર દોટ મુકતા પંતે હવે દુનિયાને પોતાના 'લેડી લક' વિષે જણાવી દીધું છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો