માયા-અખિલેશની મુલાકાત, યૂપીનું રાજકારણ અને સીબીઆઈની રેડ્સ : દૃષ્ટિકોણ

શાહ તથા મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહ-મોદીએ નવેસરથી વ્યૂહરચના વિચારવી પડશે
    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના રાજકારણમાં એક વાત ચોક્કસથી કહી શકાય - વડા પ્રધાન બનવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.

ભારતના મોટાભાગના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી, ચૌધરી ચરણસિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાંથી જ ચૂંટાઈ આવ્યાં છે.

વર્ષ 2014માં લગભગ ત્રણ દાયકા બાદ દેશમાં પ્રથમવખત પૂર્ણ બહુમતવાળી સરકાર બની. એ સમયે યૂપીમાંથી એનડીએના 73 સાંસદ ચૂંટાયા હતા.

ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષ 2019માં તેનું પુનરાવર્તન થશે? યૂપીમાં તાજેતરમાં યોજાયેલી ફૂલપુર, ગોરખપુર અને કૈરાનાની પેટા ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો હતો.

ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે જો વિપક્ષ મહાગઠબંધનની રચના કરે તો ભાજપના ઉમેદવારોને હરાવી શકાય છે.

line

પાસનો સામનો કરવા અખિલેશની તૈયારી

અખિલેશ

ઇમેજ સ્રોત, Getty Images

શુક્રવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બહુજન સમાજ પક્ષનાં અધ્યક્ષ માયાવતી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી, જેનાં કારણે દિલ્હીની કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો.

ખાણકામ કૌભાંડ મુદ્દે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને તપાસ હાથ ધરી છે, જેનો રેલો કથિત રીતે અખિલેશ યાદવ સુધી પહોંચે છે. અખિલેશે તમામ પ્રકારની તપાસનો સામનો કરવાની તૈયારી દાખવી છે.

એવું માનવામાં આવે છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે સપા અને બસપાના ટોચના નેતૃત્વ વચ્ચે સહમતિ સધાઈ ગઈ હતી, પરંતુ આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત નથી થઈ.

બંને પક્ષના નેતાઓના કહેવા પ્રમાણે, આગામી દિવસોમાં આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન

ગઠબંધન પર સહમતી

અખિલેશ તથા ડિમ્પલ યાદવ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ડિમ્પલ યાદવ તથા માયાવતીનો જન્મદિવસ એક જ દિવસે

અખિલેશ યાદવના ભાઈ તથા બદાયુંની બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે :

"યૂપીમાં ગઠબંધન માટે સર્વોચ્ચ સ્તરે સતત વાટાઘાટો થઈ રહી છે. સમય આવ્યે આ અંગે જાહેરાત કરવામાં આવશે."

બીજી બાજુ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા હફિઝ ગાંધીના કહેવા પ્રમાણે, "ગઠબંધન અંગે ઔપચારિક સહમતી સધાઈ ગઈ છે."

અબ્દુલ હફિઝના કહેવા પ્રમાણે, "ગઠબંધનમાં અન્ય દળો સામેલ હશે કે નહીં? તથા કયો પક્ષ કેટલી બેઠક ઉપરથી ચૂંટણી લડશે? એ અંગે બંને પાર્ટીના અધ્યક્ષ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે."

સૌથી મોટું સસ્પેન્સ એ વાત અંગે છે કે આ ગઠબંધનમાં કૉંગ્રેસને સામેલ કરવામાં આવશે કે નહીં.

વર્તમાન સમયમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા તેમનાં માતા સોનિયા ગાંધી એમ પાર્ટીના કુલ બે સાંસદ યૂપીમાંથી છે.

સપા તથા બસપા આ બંને બેઠક કૉંગ્રેસ માટે છોડી દેવા તૈયાર છે. આથી, કૉંગ્રેસ પણ આ ગઠબંધનમાં જોડાઈ શકે છે.

રાજસ્થાન,મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં ભાજપને સત્તામાંથી દૂર કર્યા બાદ કૉંગ્રેસનું મનોબળ વધ્યું છે.

લાઇન
લાઇન

કૉંગ્રેસનું શું?

અખિલેશ યાદવ તથા માયાવતીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માયાવતી-અખિલેશનું ગઠબંધન ભાજપ પર ભારે પડી શકે

કૉંગ્રેસ વિધાનદળના નેતા અજય કુમાર લલ્લુના કહેવા પ્રમાણે:

"મહાગઠબંધન અંગે ટોચના નેતાઓ વચ્ચે સતત વાટાઘાટો ચાલુ છે. આ અંગે હાલમાં કંઈ કહી ન શકાય."

જોકે, કૉંગ્રેસે તમામ 80 બેઠકો પર ચૂંટણી લડવાના 'પ્લાન-બી' ઉપર પણ કામકાજ શરૂ કરી દીધું છે.

સપા-બસપાનો એક વર્ગ માને છે કે જો કૉંગ્રેસ એકલી ચૂંટણી જંગમાં ઉતરે, તો તેનાથી ભાજપને વધુ નુકશાન થશે.

સપા-બસપા તેમના ગઠબંધનમાં અજીતસિંહની રાષ્ટ્રીય લોકદળ ઉપરાંત અન્ય નાના દળોને પણ સામેલ કરવા ચાહે છે.

જેમાં હાલ એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)માં સામેલ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સહિતના નાના દળોનો પણ સમાવેશ થાય છે.

એવી અટકળો ચાલી રહી છે કે તા. 15મી જાન્યુઆરીના માયાવતીના જન્મદિવસે આ ગઠબંધન અંગે જાહેરાત કરવામાં આવશે.

જોગાનજોગ સપાના સુપ્રીમો અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવનો જન્મ દિવસ પણ પંદરમી જાન્યુઆરીના છે.

અખિલેશ-માયાવતીની બેઠકના ગણતરીના કલાકોમાં ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ મુદ્દે સીબીઆઈએ તપાસ હાથ ધરતા 12 સ્થળોએ રેડ કરી હતી.

અખિલેશ યાદવના કાર્યકાળ દરમિયાન વર્ષ 2012-13 દરમિયાન ખાણ વિભાગ તેમના પાસે હતો. આ કૌભાંડ એ અરસાનું છે.

એવી અટકળો વહેતી થઈ છે કે આ તપાસનો રેલો અખિલેશ યાદવ સુધી પહોંચે છે. બીજી બાજુ, યૂપીના પૂર્વ મુખ્ય પ્રધાને આ મુદ્દે તમામ પ્રકારની તપાસનો સામનો કરવાની તૈયારી દાખવી છે.

line

સીબીઆઈ તપાસ

માયાવતી અને સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

અલ્લાહબાદ હાઈકોર્ટે શામલી, હમીરપુર, ફતેહપુર, દેવરિયા તથા સિદ્ધાર્થ નગરમાં ચાલી રહેલાં ગેરકાયદેસર ખાણકામની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.

પરંતુ ગઠબંધન અંગેના અહેવાલ બહાર આવતાંની સાથે જ સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને કારણે ટાઇમિંગ અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યાં છે.

સપા પ્રવક્તા અબ્દુલ હાફિઝના કહેવા પ્રમાણે, "અમે સીબીઆઈ તપાસને આવકારીએ છીએ."

"પરંતુ ગઠબંધનના અહેવાલની વચ્ચે સીબીઆઈ દ્વારા રેડ એ કેન્દ્ર સરકારની દાનત ઉપર પ્રશ્નાર્થ ઊભા કરે છે."

અગાઉ સીબીઆઈના રાજકીય પક્ષપાત અંગે ટિપ્પણી કરતા દેશની સર્વોચ્ચ અદાલતે તેના ઉપર 'પાંજરામાં બંધ પોપટ' એવી ટિપ્પણી કરી હતી. આથી, તપાસના ટાઇમિંગ અંગે ચોક્કસથી શંકા ઉપજે છે.

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસને પગલે સપા-બસપાના ગઠબંધનને પ્રભાવિત કરી શકાશે.

વરિષ્ઠ પત્રકાર અંબિકાનંદ સહાયના કહેવા પ્રમાણે, "આ તપાસથી ટાઇમિંગ ઉપર ચોક્કસપણે સવાલ ઊભા થાય છે."

"આ તપાસથી અખિલેશ યાદવને રાજકીય નુકશાન નહીં થાય, ઉલ્ટું એવી ધારણા બંધાશે કે ગઠબંધનને કારણે તપાસમાં ગતિ આવી."

"આ સ્થિતિમાં ગઠબંધનને રાજકીય લાભ થવાની શક્યતા વધી જશે."

લાઇન
લાઇન

કોની કેટલી વોટબૅન્ક?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સપા અને બસપા મળીને ચૂંટણી જંગમાં ઝંપલાવે તો ભાજપને મોટું નુકશાન થશે, કારણ કે બંને પક્ષોની પરંપરાગત વોટબૅન્ક એક વિનિંગ કૉમ્બિનેશન બની રહેશે.

ગત ચૂંટણી દરમિયાન 42.6 ટકા મતના જોરે ભાજપને યૂપીમાં 73 બેઠકો મળી હતી. ગત ચૂંટણી દરમિયાન સપાને 22.3, જ્યારે બસપાને 20 ટકા મત મળ્યા હતા.

2017માં યોજાયેલી યૂપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને 39.7 ટકા મત મળ્યા હતા, જ્યારે બસપાને 22 ટકા અને સપાને પણ 22 ટકા મત મળ્યા હતા.

આમ બસપા-સપાનું ગઠબંધન દેખીતી રીતે જ ભાજપને ભારે પડી શકે તેમ છે. ઉપરાંત બંને પક્ષોનો દાવો છે કે તેમની કૅડર એકબીજાને ટ્રાન્સફર તશે.

અખિલેશના નાના ભાઈ ધર્મેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે :

"જો ચૂંટણીના એક મહિના અગાઉ પણ અમારા કાર્યકરોને ગઠબંધન અંગે જાણ થાય તો પણ અમારા કાર્યકર્તાઓથી કોઈ ગફલત નહીં થાય."

"પરંતુ જો અગાઉથી જ ગઠબંધન અંગે જાણ થઈ જાય તો ચૂંટણી તૈયારીઓમાં સરળતા રહે."

જોકે, અખિલેશ યાદવના કાકા શિવપાલ અલગ મોરચેથી ચૂંટણી લડે તો તેનું નુકશાન ચોક્કસથી સપાને થશે.

ઉપરાંત, સીટોનું વિભાજન યોગ્ય રીતે ન થાય તો બળવાખોર ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી શક્યતા રહે.

આમ છતાંય જે સ્થિતિ ઊભી થશે, તે ચોક્કસપણે ભાજપ માટે ચિંતાજનક હશે.

ભાજપનો ભય મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવેદનમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગોરખપુરની લોકસભાની પેટા ચૂંટણી સમયે આદિત્યનાથે કહ્યું હતું :

"જ્યારે વંટોળ આવે, ત્યારે સાપ અને છછૂંદર પણ એક થઈ જાય છે."

line

મોદી-યોગી ઉપર વિશ્વાસ

મોદીના માસ્ક પહેરેલા કાર્યકર્તા

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાને યૂપીના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌતમ તથા નરોત્તમ મિશ્રા સહ-પ્રભારી છે.

ભાજપને આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ચૂંટણીરૂપી વૈતરણિ પાર પાડવામાં ભાજપને મદદ કરશે.

દુષ્યંત ગૌતમે બીબીસી સાથે વાતચીત કરતા કહ્યું: "સપા-બસપાના જે ગઠબંધન અંગે વાતચીત થઈ રહી છે, તે સ્વાર્થ આધારિત જોડાણ હશે. આ લોકો પાસે રાજ્યની જનતા માટે કોઈ યોજના નથી."

"બીજી બાજુ, ભાજપ પાસે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની યોગી સરકારના કામોની મૂડી છે. જેનો પાર્ટીને લાભ થશે."

દુષ્યંત માને છે કે આગામી ચૂંટણી વડા પ્રધાન નક્કી કરશે. મોદી સામે સ્પર્ધામાં કોઈ નથી. એટલે સપા-બસપાના ગઠબંધનની ખાસ અસર નહીં થાય.

હાલમાં એનડીએના સાથી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી તથા અપના દળ ભાજપથી નારાજ છે. બંને પક્ષ પૂર્વ યૂપીમાં ખાસ્સું પ્રભુત્વ ધરાવે છે.

ભાજપની ઉપર એનડીએને એક રાખવાનું દબાણ રહેશે. ઉપરાંત સવર્ણ વોટબૅન્ક સિવાય અન્ય પછાત વર્ગ તથા દલિતોના મત પણ મેળવવા પડશે.

25 વર્ષ અગાઉ 1993માં મુલાયમસિંહ યાદવ તથા બસપાના કાંશીરામે મળીને રામ મંદિરની લહેર ઉપર સવાર ભાજપને પરાજિત કરીને સરકાર બનાવવાનો ચમત્કાર કરી દેખાડ્યો હતો.

લાઇન
લાઇન

25 વર્ષ અગાઉ

અખિલેશ-મુલાયમ

ઇમેજ સ્રોત, Getty Images

અંબિકાનંદ સહાયના કહેવા પ્રમાણે, "જાતિ આધારિત સમીકરણની સામે વિકાસનો મુદ્દો બહાર આવશે, ત્યારે ખરું ચિત્ર જોવા મળશે. 1993માં 'મુલાયમ કાંશીરામ, હવા મેં ઉડ ગયે જય શ્રી રામ'નો નારો ગૂંજતો થયો હતો."

માર્ચ, 2018માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન બસપાના ઉમેદવાર ભીમરાવ આંબેડકરનો પરાજય થયો હતો. ત્યારે ગઠબંધન ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા માયાવતીએ કહ્યું હતું :

"જીત પછી આખી રાત લાડવા ખાધા હશે, પરંતુ મારી પ્રેસ કૉન્ફરન્સ બાદ ભાજપવાળાઓને ઊંઘ નહીં આવે."

સપા-બસપાના ગઠબંધન બાદ અમિત શાહે યૂપીમાં આંતરિક વ્યૂહરચનાને વધુ નક્કર બનાવવી પડશે, કારણ કે જો યૂપીમાં ગણિત બગડ્યું તો કેન્દ્રમાં પુનરાગમન અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ જશે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો