You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકરક્ષક દળ પરીક્ષા : "અમે સવારે ચાર વાગ્યે કડકડતી ઠંડીમાં ઘરેથી પરીક્ષા આપવામાં માટે નીકળ્યાં હતાં"
- લેેખક, કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં તારીખ 6 જાન્યુઆરી, 2019ના રોજ પોલીસ લોકરક્ષક દળની કુલ 9,713 જગ્યાઓ માટે અંદાજે લાખો ઉમેદવારો ફરી એકવાર પરીક્ષા આપવા પહોંચ્યા છે.
સઘન સુરક્ષા, પોલીસ બંદોબસ્ત અને આધુનિક તકનીકની મદદથી આ પરીક્ષાને ફરીથી લેવામાં આવી હતી.
લોકરક્ષક દળ બોર્ડના વડા વિકાસ સહાયના કહેવા પ્રમાણે, લગભગ 7.15 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
અલગ-અલગ વિભાગની ટીમોની મદદથી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું સહાયે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર માસમાં પોલીસ લોકરક્ષક દળનું પેપર લીક કૌભાંડ સામે આવવાને કારણે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.
'સવારે ચાર વાગ્યે ઘરેથી નીકળ્યાં'
"અમે સવારે ચાર વાગ્યે કકડતી ઠંડીમાં ઘરેથી પરીક્ષા આપવામાં માટે નીકળ્યા હતાં."
આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા ગામેથી આવેલાં વંદના પરમારના.
વંદનાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ બેચલર ઑફ સાયન્સ (બી.એસસી.)ના વિદ્યાર્થિની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી આ પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યાં છે.
પરંતુ કોઈ સાયન્સના વિદ્યાર્થી વર્ગ-3ની પરીક્ષા શા માટે આપી રહ્યાં છે આ સવાલનો જવાબ આપતા વંદના બહેને જણાવ્યું હતું કે તેમને નોકરીની જરૂરિયાત છે.
એટલું જ નહીં વંદનાએ બેચલર ઑફ ઍજ્યુકેશન (બી.એડ.) પર કરેલું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
'ગત પરીક્ષા રદ થઈ તેનો અફસોસ છે'
આવી જ રીતે સુરેન્દ્રનગર શહેરથી કેતન મરાકિયા પોતાના ઘરેથી પરીક્ષા આપવા માટે વહેલી સવારે ત્રણ વાગે નીકળ્યા હતા.
મરાકિયાનું પરીક્ષા કેન્દ્ર મણિનગર ખાતે હતું. તેઓ સવારના આંઠ કલાકે જ પરીક્ષા સ્થળ પર પહોંચી ગયા હતા.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષા આપવા માટે તેમને ખૂબ જ હેરાન થવું પડ્યું છે.
મરાકિયાએ અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે આ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ ગત જે પરીક્ષા રદ થઈ તેમનું તેમને ખૂબ જ દુખ છે.
કેવી હતી સુરક્ષા?
પોલીસ લોકરક્ષક દળની પરીક્ષા માટેના દરેક પરીક્ષા કેન્દ્રો પર ખૂબ જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં અંદર જનાર દરેક પરીક્ષાર્થીની ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવી હતી.
આ વખતે સરકાર દ્વારા ઉમેદવારોને એક રાહત આપવામાં આવી હતી કે કોઈ પણ પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે સરકારી બસોમાં ભાડું લેવામાં નહોતું આવ્યું.
ગત પરીક્ષાનું પેપર લીક થવાને કારણે ઉમેદવારો સહિત તેમનાં વાલીઓમાં ખૂબ જ ગુસ્સો હતો, જેને પગલે સરકારે આ વખતે વિશેષ સાવચેતી રાખી હતી.
લોકરક્ષકદળની ભરતી
લોકરક્ષક બિન-હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલની 3,151 (2,111 પુરુષ તથા 1,040 મહિલા), હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ માટે 6,008 (4,026 અને 19,82) તથા જેલ સિપાહી 554 (499 પુરુષ તથા મહિલા 55) એમ કુલ કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા પ્રસ્તાવિત હતી.
સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન બિન અનામત વર્ગની 5,132 (3,554 પુરુષો તથા 1578 મહિલાઓ), અનુસૂચિત જાતિની 643 (429 પુરુષ તથા 214 મહિલા), અનુસૂચિત જનજાતિની 1,458 (996 પુરુષ તથા 462 મહિલા) તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 7 (તમામ મહિલાઓ) બેઠકો માટે ભરતી થવાની હતી.
આ પદ માટે પાંચ વર્ષના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવે છે અને નિમણૂક મેળવનાર ઉમેદવારને માસિક 19,950નું ફિક્સ વેતન આપવામાં આવે છે.
15મી ઑગસ્ટ 2018ના દિવસે 6,189 બેઠકો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ વધુ 3,524 બેઠકો ઉમેરવામાં આવતાં કુલ બેઠક સંખ્યા 9,713 પર પહોંચી હતી.
ધો. 12 (કે સમકક્ષ) પરીક્ષામાં ઉત્તીર્ણ અને 18થી 33 વર્ષની ઉંમરના ઉમેદવારોને ભરતી માટે લાયક માનવામાં આવ્યા હતા.
જોકે, એસસી, એસટી તથા એસઈબીસીને માટે ઉંમરમાં છૂટ આપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો