બુમરાહ-શમી-ઈશાંત : આ ત્રિપુટીની ટેસ્ટ ક્રિકેટમાં ધાક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
71 વષ બાદ પહેલી વખત ભારત ઑસ્ટ્રેલિયાની સામે તેની જ ધરતી પર શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. ભારતે પહેલી વખત ઑસ્ટ્રેલિયાની ધરતી પર એક જ સિરીઝમાં બે મૅચમાં જીત મેળવી અને જો મોસમ વિલન ન બની હોત તો ત્રીજી મેચ પર પણ ભારતની પકડ મજબૂત હતી.
ચેતેશ્વર પૂજારા સિડની ટેસ્ટમાં મેન ઑફ ધ મેચ અન સિરીઝ બન્યા છે પણ આ શ્રેણી, જીત તેમજ વ્યક્તિગત રેકૉર્ડ બાબતે પણ તે જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને વિરાટ કોહલી માટે ખાસ રહી છે.
આ સિરીઝ આ રેકૉર્ડ માટે જ યાદ રહેશે એટલું જ નહીં, પરંતુ ગત સમગ્ર વર્ષ અને 2019ની શરુઆત પણ ભારતીય ફાસ્ટ બૉલર્સ માટેની સાબિત થઈ છે. બુમરાહ-શમી-ઇશાંતની ધાક વિશ્વ ક્રિકેટમાં સતત વધી રહી છે.

ત્રિપુટીએ તોડ્યો 34 વર્ષ જુનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, AFP/Getty Images
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા આ સિરીઝના હીરો તો છે જ, પણ જો સમગ્ર વર્ષ દરમિયાન તેમનું પ્રદર્શન જોઈએ તો, જસપ્રીત બુમરાહે ગત વર્ષે 9 ટેસ્ટ મેચમાં 48 વિકેટ લીધી છે, ઇકૉનોમી સરેરાશ 2.65 રહી છે. જ્યારે મોહમ્મદ શમીએ 12 ટેસ્ટ મૅચમાં 47 વિકેટ્સ લીધી છે. આ બંનેથી ઘણા વધારે અનુભવી ઈશાંત શર્માએ 11 ટેસ્ટ મૅચમાં 41 વિકેટ લીધી છે.
આમ માત્ર આ ત્રણ બૉલરે જ આ વર્ષે ટેસ્ટ મૅચમાં કુલ 136 વિકેટ લીધી છે. ટેસ્ટ મૅચમાં આ પહેલાં ફાસ્ટ બૉલર્સની ત્રિપુટીનો આવો તરખાટ ક્યારેય જોવા મળ્યો નથી, ભારતીય બૉલર્સ માટે તો જાણે આ એક સપનું જ હતું.
આ ઘટનાનું મહત્વ સમજવા માટે 1983માં જવું પડશે, જ્યારે વેસ્ટઇન્ડિઝના બૉલર જોએલ ગૉરનર, માઇકલ હોલ્ડિંગ અને મૅલ્કમ માર્શલે દુનિયામાં તરખાટ મચાવી દીધો હતો. આ ત્રણે બૉલરે વર્ષ 1983માં 130 વિકેટ લીધી હતી. ત્યારબાદ 2008માં દક્ષિણ આફ્રીકાના મૉર્ની મોર્કલ, મખાયા એનટિની અને ડેલ સ્ટેન આ રેકૉર્ડથી થોડા નજીક પહોંચી શકેલા, તેમણે એક વર્ષની 123 વિકેટ લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માના ગત વર્ષના પ્રદર્શને આ દિગ્ગજ બોલર્સને પાછળ છોડી દીધા છે. મેલબર્ન ટેસ્ટ બાદ આ ભારતીય બૉલર્સ વિશે વિરાટ કોહલીએ જે કહ્યું હતું તે પણ અગત્યનું છે. કોહલીએ કહ્યું, "બૉલર્સની મીટિંગમાં હું ચૂપચાપ બેસીને માત્ર સાંભળુ છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોહલીએ કહ્યું કે, "આ મીટિંગમાં આપણા બૉલર્સ જ ડિક્ટેટ કરે છે અને તેઓ જણાવે છે કે આપણે કઈ રીતે ટેસ્ટ મૅચ જીતી શકીએ અને આ વર્ષના(2018) પરિણામોમાં તમે તેની અસર જોઈ શકો છો."

ઇન્ડિયાના સુપર સિક્સ

ઇમેજ સ્રોત, EPA
ભારતીય બૉલર્સની આટલી ક્ષમતા હશે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. જોકે હાલ ટીમનો બધો જ મદાર બુમરાહ, શમી અને ઈશાંત શર્મા પર જ છે એવું નથી.
આ ત્રણેયને બરાબરની ટક્કર આપી શકે તેવા ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં સામેલ છે. તે ઉપરાંત જ્યારે પણ તક મળે ત્યારે ગતિના મામલે હાર્દિક પંડ્યા પણ તેમની બરાબરી કરતો જોવા મળે છે.
એટલે કે હાલ ટીમમાં છ બૉલર્સ છે, જે એકબીજાને રીપ્લેસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી દુનિયાભરના ક્રિકેટ વિશ્લેષકો ભારતીય ફાસ્ટ બૉલર્સના આક્રમણને શ્રેષ્ઠ ગણાવે છે.


2018માં સરેરાશ ગતિ બાબતે પણ ભારતીય બૉલર્સ નંબર વન સાબિત થયા છે. ભારતીય બૉલર્સે આખું વર્ષ 136 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ફાસ્ટ બૉલિંગ કરી છે.
આને તમે ભારતીય ક્રિકેટનો સુવર્ણકાળ કહી શકો છો. બાકી તો 1932માં ટેસ્ટ મૅચની શરૂઆત કરી હોવા છતાં ભારત હમેશા ટેસ્ટ મૅચ જીતાડી શકે તેવા ફાસ્ટ બૉલર્સના નામે રડ્યા કરતું.
1932માં ભારત પાસે મોહમ્મદ નિસાર નામના એક ફાસ્ટ બૉલર હતા, પણ તેઓ માત્ર છ જ ટેસ્ટ મૅચ રમી શક્યા.

કપિલને એકલું લડવું પડતું

ત્યારબાદ ભારતીય ક્રિકેટમાં કપિલ દેવ નામની ફાસ્ટ બૉલર રૂપી લહેરખી આવતા આવતા 1978નું વર્ષ આવી ગયું. જોકે વચ્ચે ભારતીય ક્રિકેટને મદન લાલ મળ્યા પણ એ ફાસ્ટ બૉલર નહોતા.
1983ના વર્લ્ડ કપમાં કપિલ દેવની આગેવાનીમાં મદન લાલ, રોજર બિન્ની, મોહિંદર અમરનાથ અને બલવિંદર સંધૂ જેવા બૉલર્સનો જાદુ છવાયો પરંતુ તેમાં કપિલ દેવ એક માત્ર ફાસ્ટ બૉલર હતા, જે ભારતીય પિચ પર પરસેવો પાડતાં પાડતાં થોડાં જલ્દી પોતાના અસ્ત તરફ આગળ વધી રહ્યા હતા.
આ જ સમયગાળામાં 1982-83માં ત્યારના મદ્રાસથી આવેલા ટીએ શેખરમાં લોકોને થોડી આશા હતી પરંતુ તેઓ બે ટેસ્ટ અને ચાર વન ડેથી આગળ વધી શક્યા નહીં.
1984માં ચેતન શર્મા અને મનોજ પ્રભાકર નામના બે ફાસ્ટ બૉલર્સ આવ્યા પણ આ બંનેમાંથી એક પણ કપિલની જગ્યા ભરવા સક્ષમ નહોતા.

આપને આ પણ વાંચવું ગમશે

પછી 90ના દાયકામાં તો ફાસ્ટ બૉલર્સ આવતાં જતાં રહ્યા. તેમાંથી એક તો હાલના બૉલિંગ કૉચ ભરત અરૂણ હતા, પછી ફાસ્ટ બૉલર રાશીદ પટેલ પણ આવ્યા. પરંતુ તેઓ પોતાની એક ટેસ્ટ માટે ઓછા અને પોતાની સ્થાનિક ક્રિકેટ ટીમમાં રમણ લાંબા સાથે મારપીટ મામલે વધુ ચર્ચામાં રહ્યા.
સંજીવ શર્મા, વિવેક રાજદાન, સલીલ અંકોલા અતુલ વાસન, સુબ્રતો બેનર્જી આ બધા આવ્યા અને આ બધાં વચ્ચે કપિલ દેવ પોતાની જાતને ખેંચતા રહ્યા. પણ 1991માં ભારતીય ક્રિકેટને જવાગલ શ્રીનાથ મળ્યા જે કપિલ દેવની જગ્યા ભરવામાં સફળ રહ્યા.
ચેન્નઈમાં એમઆરએફ પેસ ફાઉન્ડેશન બની ચુક્યુ હતું, જે ફાસ્ટ બૉલર્સની વધતી સંખ્યાનું કારણ બન્યું. તે સાથે જ ભારતીય યુવાનોને ફાસ્ટ બૉલિંગનું કૌશલ્ય શીખવતા ડેનિસ લિલી પણ ભારત આવી ચુક્યા હતા.
ભારતને ફાસ્ટ બૉલર્સ આપવામાં આ ફાઉન્ડેશનનું એટલું મોટું પ્રદાન છે કે, ત્યાંથી નીકળેલા 18 બૉલર ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મેળવી શક્યા છે. તેમાં શ્રીનાથ, વેંકટેશ પ્રસાદ, ઝહીર ખાન, ઇરફાન પઠાણ, મુનાફ પટેલ અને શ્રીસંત સામેલ છે.

કુંબલેથી પણ ધીમા બૉલર્સ

ઇમેજ સ્રોત, AFP
એમઆરએફ ફાઉન્ડેશન સિવાય પણ ભારતમાં ફાસ્ટ બૉલિંગને પ્રોત્સાહન આપવાના તમામ પ્રયત્નો થતા રહ્યા. જોકે આ બધા પ્રયત્યો પર ભારતની બેજાન પીચ પાણી ફેરવતી રહી.
કપિલે 1994માં 434 વિકેટના શિખર પર પહોંચીને જ્યારે સન્યાસ લીધો ત્યારે જવાગલ શ્રીનાથ તૈયાર થઈ ચુક્યા હતા. શ્રીનાથે ઝડપથી જગ્યા તો બનાવી લીધી પણ સમય સાથે પોતાની બૉલિંગને વધુ આક્રમક અને ધારદાર બનાવવામાં નિષ્ફળ રહ્યા.
તેમનો સાથ આપવા માટે વેંકટેશ પ્રસાદ, પારસ મહામ્બ્રે, ડેવિડ જૉનસન, ડોડા ગણેશ, અભે કુરુવિલા, પ્રશાંત વૈદ્યા, આશિષ વિંસ્ટન જૅદી, દેબાશિષ મોહંતી અને હરવિંદર સિંહ જેવા બૉલર્સ આવ્યા. તેમાંથી માત્ર વેંકટેશ પ્રસાદ જ લાંબુ ટકી શક્યા પણ તેનાથી ફાસ્ટ બૉલિંગ તો અનિલ કુંબલે કરતા હતા.
ફરી એક દોર અજીત અગરકર અને આશીષ નેહરાનો પણ આવ્યો. આ બંને બૉલર ઉપયોગી તો હતા પણ બૅટ્સમૅન પર તેમનો ખૌફ નહોતો. 2000માં ભારતીય ટીમમાં ઝહીર ખાનનો પ્રવેશ થયો અને તેઓ એક નવી આશા લઈને આવ્યા. આગામી 14 વર્ષ સુધી તે ટીમના ભરોસાપાત્ર બૉલર બની રહ્યા.


ઇમેજ સ્રોત, AFP
ઝહીર બાદ ટી યોહાનન અને ઇરફાન પઠાણનો ટીમમાં પ્રવેશ થયો. પઠાણે તો ફાસ્ટ બૉલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં હૅટ્રિક પણ લીધી પરંતુ ઑલરાઉન્ડર તરીકે રમતાં રમતાં તેણે ફાસ્ટ બૉલર તરીકેની ચમક ગુમાવી દીધી.
2006માં આરપી સિંહ, શ્રીસંત, મુનાફ પટેલ અને વીઆરવી સિંહ જેવા ફાસ્ટ બૉલર્સ આવ્યા. સારી એક્શન અને સારી પેસ સાથે બૉલિંગ કરતા શ્રીસંત આમાં સૌથી સારા બૉલર હતા. પરંતુ તેઓ રમતના મેદાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યા.
2007માં ઈશાંત શર્મા આવ્યા. છેલ્લા અગિયાર વર્ષમાં તેણે અનેક વખત પોતાની જાતને સાબિત કરી છે, ઘણી વખત આઉટ ઑફ ફૉર્મ થયા પછી પણ ઈશાંત ટકી રહ્યા છે.


ઇમેજ સ્રોત, AFP/Getty images
આ જ સમયે જયદેવ ઉનડકટ, પ્રવીણ કુમાર, આર વિનય કુમાર, વરુણ એરૉન અને પંકજ સિંહ જેવા બૉલર્સ પણ ચમક્યા. વરુણ એરૉનને તો ઉમેશ યાદવથી સારા બૉલર માનવામાં આવતા.
2011માં ભારતીય ટીમ સાથે મહોમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર જોડાયા. તેમણે પરસેવો પાડીને બૉલિંગના મજબૂત પાયા નાંખ્યા, જે આજે 2018ની બૉલિંગનો આધાર બન્યા. તેમાં 2018માં બૂમરાહનો સાથ મળતા ભારતીય બૉલિંગ એ મુકામ પર પહોંચી શકી કે આજે તેને દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

આપને આ પણ વાંચવું ગમશે

ભારતીય ક્રિકેટમાં પહેલી વખત ફાસ્ટ બૉલિંગ આ મુકામ પર પહોંચી છે. હાલ દમદાર બૉલર્સ તૈયાર છે, તેથી નજીકના ભવિષ્યમાં તો કોઈ ચિંતા જણાતી નથી.
તેથી એવું માની શકાય કે, આવનારા સમયમાં પણ વર્લ્ડ ક્રિકેટમાં ભારતીય બૉલિંગનો ડંકો વાગતો રહેશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














