ધ મોટરસાઇકલ થીફ : 'હાં, મેં અત્યારસુધી 1500 બાઇકની ચોરી કરી છે'

    • લેેખક, જય મિશ્રા અને દક્ષેશ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું 1996થી બાઇક્સની ચોરી કરું છું અત્યાર સુધીમાં 1500 જેટલી બાઇકની ચોરી કરી છે." વાહન ચોરીના ગુનામાં ગોધરાથી ઝડપાયેલા અરવિંદ વ્યાસે પોલીસ જાપ્તાની વચ્ચે આ વાત કહી.

ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બાઇક ચોરીના ગુનામાં આઈપીસીની કલમ 379 હેઠળ આરોપીની ધરપકડ કરાઈ હતી.

પોલીસને અરવિંદનો દાવો 'વધુ પડતો' જણાઈ રહ્યો છે, છતાં કબૂલાતના આધારે આરોપીએ જ્યાં-જ્યાં ચોરી કરી હશે, ત્યાં-ત્યાં લઈ જવામાં આવશે.

આરોપી અરવિંદે એક વખત જામીન પર છુટ્યા બાદ પોલીસ અધિકારીનું વાહન ચોરી કર્યું હોવાનું પણ કબૂલ્યું હતું.

અગાઉ અનેક વખત વાહન ચોરીના ગુનામાં પકડાયેલા અરવિંદ વ્યાસની કહાણી ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ રોચક નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

'1500 બાઇક ચોર્યા હોવાનો દાવો'

ગોધરા પોલીસે ઝડપેલા બાઇક ચોરીના આરોપી અરવિંદ વ્યાસનો દાવો છે કે તેમણે અત્યાર સુધીમાં 1500 જેટલી બાઇકની ચોરી કરી છે.

અરવિંદે આપેલી માહિતી પ્રમાણે, તેઓ મહેસાણાના ખેરાલુંના લુણવા ગામના વતની છે.

પત્રકારો સામે ચોરીની કબૂલાત કરતા અરવિંદ વ્યાસે જણાવ્યું હતું કે તેઓ 1996થી બાઇકની ચોરી કરે છે.

અરવિંદ કહે છે કે તેઓ આશ્રમમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, પણ 'ચોર' તરીકેની છાપને કારણે સ્થિર થઈ શક્યા નહીં અને ફરી બાઇક ચોરી શરૂ કરી દીધી.

આ અંગે ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક આર.આઈ. દેસાઈએ જણાવ્યું,

“અમે પ્રાથમિક તપાસમાં 19 મોટરસાઇકલ રિકવર કરી છે. અરવિંદ વ્યાસે ભૂતકાળમાં કરેલી ચોરીઓ અંગે તપાસ કરી અન્ય વાહનો રિકવર કરવામાં આવશે.”

બાઇક ચોરીની મૉડસ ઑપરૅન્ડી'

દેસાઈએ જણાવ્યું, "ગોધરાના ગાંધી ચોક ચર્ચ વિસ્તારમાં પોલીસની સર્વૅલન્સ સ્ક્વૉડ સર્ચ કરી રહી હતી, તે દરમિયાન આરોપી અરવિંદ વ્યાસ પાસે બાઇકના જરૂરી દસ્તાવેજ નહોતા."

'ચેસિસ નંબર'ના આધારે પોલીસે તપાસ કરતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.

"પોલીસે તેની ધરકપડ કરીને પૂછતાછ કરી, ત્યારે આરોપી અરવિંદ વ્યાસે દિવાળી બાદ ગોધરા, વડોદરા,અને આસપાસના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરી હતી, તેમની પાસેથી 19 બાઇક રિકવર થઈ છે."

પોલીસના કહેવા પ્રમાણે, આરોપી અરવિંદે પાર્કિંગમાં મૂકેલી બાઇક્સને ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરતા હોવાનું કબૂલ્યું છે.

'જે ઓફિસરે પકડ્યા તેનું વાહન ચોર્યુ'

અરવિંદ વ્યાસની ચોરીની કહાણી પણ રોચક છે.

તેમણે પોલીસ સામે એવું કબૂલ્યું હતું કે એક વખત વાહન ચોરીના ગુનામાં તેમની ધરપકડ કરનાર પોલીસ અધિકારીનું વાહન પણ અરવિંદે ચોર્યું હતું.

આર.આઈ. દેસાઈએ જણાવ્યું "પોલીસ સમક્ષ આરોપીએ કબૂલ્યું કે એક વખત મહેસાણાની આસપાસ તેની કોઈ અધિકારીએ ધરપકડ કરી હતી ત્યારે જામીન પર છુટ્યા બાદ તેમણે એ અધિકારીનું જ વાહન ચોરી લીધું હતું."

3 વર્ષની સજા થઈ શકે

પોલીસે અરવિંદ વ્યાસ પર ભારતીય દંડ સંહિતાની વાહન ચોરી કરવા બદલ કલમ 379 લગાવી છે.

ભારતીય દંડ સંહિતાની કલમ 379 મુજબ આ ગુનામાં 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને જો તેની સાથે અન્ય કલમ લગાડવામાં આવી હોય તો વધારે સજાની પણ જોગવાઈ છે.

જાણો વાહન ચોરાયેલું છે કે નહીં

જો આપ કોઈ જૂનું વાહન ખરીદતા હોવ તો તે વાહન જુનું છે કે નહીં તે જાણવું અગત્યનું છે.

ભારત સરકારની નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોની વેબસાઇટ પરથી 'વાહન સમન્વય' નામની વ્યવસ્થા પરથી જાણી શકાય છે કે વાહન ચોરીનું છે કે નહીં.

વાહન ચોરીનું છે કે નહીં તે જાણવા માટે વાહનને લગતી તમામ વિગતો એક ફૉર્મમાં ભરી અને ચકાસી શકાશે કે આ વાહન ચોરીનું છે કે નહીં. જો વાહન ચોરાયેલું હશે અને તેની ફરિયાદ થઈ હશે તો વાહનની તમામ માહિતી અહીંયાથી જાણી શકાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો