સીએટલ ઍરપોર્ટ પરથી ચોરાયેલું વિમાન દરિયામાં તૂટી પડ્યું

અમેરિકાના સીએટલ-ટાકોમા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી એક વિમાન ચોરી લેવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે આ ઍરપૉર્ટ પર આવન-જાવન કરનારી તમામ ફ્લાઇટ્સને સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ વિમાને મંજૂરી વિના જ ઉડાણ ભરી લીધી હતી. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર એક ઍરલાઇન કંપનીના કર્મચારીએ પેસેન્જર વિનાના એક 'વિમાનને મંજૂરી વિના જ ટેક-ઑફ' કરી લીધું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વિમાન આખરે નજીકના ટાપુ પર તૂટી પડ્યું હતું.

આ ઘટનાની જાણ થયા બાદ અમેરિકાના બે F15 યુદ્ધ વિમાનોએ પણ આ વિમાનને આંતર્યું હતું.

હજી સુધી એ વિમાનના પાઇલટની ઓળખ કે સ્થિતિ જાણી શકાઈ નથી. વિમાન સીએટલની નજીક આવેલી પજેટ સામુદ્રધુનીમાં ક્રૅશ થયું હતું પણ પાઇલટ બચ્યો છે કે નહીં, તે સ્પષ્ટ થયું નથી.

પીયર્સ કાઉન્ટીના શેરિફની ઓફિસે જણાવ્યા અનુસાર આ કોઈ “આતંકવાદી ઘટના નથી.” તેમણે એમ પણ જણાવ્યું કે વિમાનચાલક 29 વર્ષનો સ્થાનિક પુરુષ હતો.

ABC7 ન્યૂઝના જણાવ્યા અનુસાર પીયર્સ કાઉન્ટીના શેરિફ પૉલ પૅસ્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ ઘટના “મજા માટે કરવામાં આવેલું દુઃસાહસ હતું જેનો અંત ખૂબ જ ખરાબ રહ્યો.” તેમણે એમ પણ ઉમેર્યું હતું, “મોટાભાગના આતંકવાદીઓ વિમાનને લઈને પાણી પર ચક્કર નથી લગાવતા.”

‘સીએટલ ટાઇમ્સ’ના જણાવ્યા અનુસાર ઍરપૉર્ટના એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા એ પાઇલટનું કથિત પ્રથમ નામ લઈને તેને વિમાનને પાછું જમીન પર લઈ આવવા માટે સમજાવવામાં આવ્યા હતા.

આ અખબારે એ પાઇલટ ‘નચિંત અને અવિચારી’ રીતે વાતચીત કરી રહ્યા હતા તેમ જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર આ વિમાનના વિવિધ વીડિયો વાઇરલ થયા છે, જેમાં વિમાન બેફામ રીતે હવામાં ઊડી રહેલું જોવા મળે છે.

હોરાઇઝન કંપનીની ભાગીદાર વિમાની કંપની અલાસ્કા ઍરલાઇન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર આ વિમાન હોરાઇઝન એર ક્યૂ400 હતું. તે એક સૈનિક વિસ્તાર નજીકના કેટ્રોન આઇલૅન્ડની દક્ષિણે તૂટી પડ્યું હતું.

ઓડિયો રેકોર્ડિંગમાં આ પાઇલટને વિમાનમાં કેટલું ઇંધણ હતું તેની ચિંતા કરતો સાંભળી શકાય છે.

સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા અન્ય એક ઓડિયો રેકોર્ડિંગમાં સાંભળી શકાય છે કે, પાઇલટને એમ લાગી રહ્યું હતું કે, તે વિમાનને સહેલાઈથી લૅન્ડ કરાવી શકશે કારણ કે તેણે આવી “કેટલીક વીડિયો ગેમ્સ” રમી હતી.

આ વિમાનની પાછળ આવી રહેલા યુદ્ધ વિમાનોનું વીડિયો રેકોર્ડિંગ કરનારાં લી મોર્સે સમાચાર સંસ્થા રોયટર્સને જણાવ્યું કે તેમને વિમાનને જોયા બાદ ‘કંઈક અમંગળ થવાની લાગણી’ અનુભવાઈ હતી.

મોર્સનાં માતા જ્યાં વિમાન ક્રૅશ થયું તેની નજીકના વિસ્તારમાં જ રહે છે. તેમણે કહ્યું કે, આ વિમાનને કારણે તેમનું આખું ઘર હલી ગયું હતું.

શેરિફ પેસ્ટરે સીએટલના KIRO7 ન્યૂઝ સ્ટેશનને જણાવ્યું હતું કે, ક્રૅશમાં પાઇલટનું મૃત્યુ થયું હોય તેવી શક્યતા છે.

ક્યૂ400 વિમાન બે પ્રોપેલર ધરાવે છે અને તેમાં 78 બેઠકોની ક્ષમતા હોય છે.

ઍરપૉર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે એક ઍરલાઇન કંપનીના કર્મચારીએ અનઅધિકૃત રીતે પેસેન્જર વિનાનું એક વિમાન ટેક ઑફ કરી લીધું હતું.

આ વિમાન દક્ષિણમાં પજેટની સામુદ્રધુનીમાં તૂટી પડ્યું છે. હવે સી-ટૅક ઍરપૉર્ટ પર સામાન્ય કામકાજ શરૂ થઈ ગયું છે.

ઍરપૉર્ટે જણાવ્યું હતું કે સીએટલ-ટાકોમાથી વિમાનોનું ઊડ્ડયન ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો