કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પર એકમત કેમ નથી થતા વિપક્ષો

    • લેેખક, ઉર્મિલેશ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે

દેશમાં વિપક્ષની રાજનીતિ વિશે જે પણ સવાલો ઊભા થાય છે, તેમાં સૌથી વધારે રાહુલ ગાંધીને લઈને હોય છે.

જેમ કે, શું રાહુલ ગાંધીના નામ પર વિપક્ષ એકમત થઈ શકે છે? તેમના નામ પર ઘણા વિપક્ષી નેતા સહમત નથી, એવામાં વિપક્ષના ગઠબંધનનું શું ભવિષ્ય હશે? શું રાહુલ ગાંધી 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ટકી શકશે?

આવા મોટાભાગના સવાલો ભાજપ અને તેમના મુખ્ય નેતા એટલે કે વડા પ્રધાન મોદીની 'અપરાજય છબી'ના સંદર્ભમાં જોઈ શકાય છે.

આ સવાલ આઝાદી બાદના ભારતીય રાજકારણના સંક્ષિપ્ત ઇતિહાસને પણ અવગણી નાખે છે.

વિપક્ષે ક્યારે એક 'સર્વસ્વીકાર્ય નેતા'ની આગેવાની હેઠળ લોકસભાની ચૂંટણી લડી છે?

સંસદની ચૂંટણીમાં જ્યારે પણ વિપક્ષે, ખાસ કરીને ગેર-ભાજપ આગેવાનીવાળા ગઠબંધન કે જૂથને સફળતા મળી, ત્યારે તેમના નેતા એટલે કે ભાવી વડા પ્રધાનની પસંદગી હંમેશાં ચૂંટણી પછી કરવામાં આવી હતી.

વિપક્ષમાં નામ પર નિર્ણય કરવાની પરંપરા

જો પહેલાંની ચૂંટણીઓ પર નજર કરીએ તો કોઈ એક નામ પર ક્યારેય પહેલાંથી સહમતી નથી બની કે પછી આ જરૂરી માનવામાં પણ આવ્યું નથી.

આઝાદી બાદ લાંબા સમય સુધી કૉંગ્રેસ સત્તા પર રહી એટલે તેના સંસદીય દળ દ્વારા ચૂંટાયેલા નેતા જ વડા પ્રધાન બનતા હતા.

વ્યવહારિક રીતે તેમની આગેવાનીમાં પક્ષ પોતાનું ચૂંટણી અભિયાન ચલાવતો પણ વિપક્ષ તરફથી પહેલાંથી કોઈ નેતાની ઘોષણા કરવામાં આવતી ન હતી.

વિપક્ષમાં આની શરૂઆત ભાજપે કરી જ્યારે તેણે પોતાના તત્કાલીન નેતા અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન પદના દાવેદાર રૂપે પ્રસ્તુત કર્યા હતા.

2014માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપે વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા.

વાજપેયી સામે મનમોહન સિંહ

જોકે, 2004ની લોકસભા ચૂંટણી વખતે જ્યારે કૉંગ્રેસ વિપક્ષમાં હતી તો તેણે વડા પ્રધાન પદ માટે કોઈને પણ આગળ કર્યા વગર ચૂંટણી લડી હતી.

ત્યારે સત્તાધારી ગઠબંધનનું નેતૃત્વ અટલ બિહારી વાજપેયી જેવા મોટા નેતાના હાથમાં હતું.

આ ગઠબંધન પાસે 'શાઇનિંગ ઇન્ડિયા' જેવો આકર્ષક નારો પણ હતો.

જોકે, વિપક્ષે વડા પ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર ઘોષિત કર્યા વગર જ વાજપેયીના નેતૃત્વ વાળા એનડીએને સત્તામાંથી બહાર ફેંકી દીધું હતું.

ચૂંટણી પરિણામ આવ્યાં ત્યારે સ્પષ્ટ થયું કે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષ ગઠબંધનની સરકાર બનાવશે.

કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત નહોતો મળ્યો.

નવા ચૂંટાયેલા કૉંગ્રેસી સાંસદોએ સર્વસંમતિથી વડા પ્રધાન પદ માટે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ નક્કી કર્યું પણ તેમણે વડાં પ્રધાન બનવાની ના પાડી હતી.

તેમની ઇચ્છાનુસાર કૉંગ્રેસ સંસદીય દળે નાટકીય રીતે જ્યારે ડૉક્ટર મનમોહન સિંહને પોતાના નેતા તરીકે ચૂંટ્યા તો યૂપીએના અન્ય ઘટક દળોએ તેમને પોતાનું સમર્થન આપીને વડા પ્રધાન બનાવ્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

શું કહે છે ભારતીય સંસદીય પ્રણાલી?

આવામાં 2019ની સંસદીય ચૂંટણી માટે વિપક્ષી દળોના સંભાવિત મોર્ચા તરફથી કોઈ એક નેતા કે પછી વડા પ્રધાન પદ માટેના ઉમેદવારના નામ પર સર્વ સ્વીકૃતિની અપેક્ષા કરવી દેશની સંસદીય પરંપરા અને ઇતિહાસથી દૂર જવું જ નહીં પણ એક રીતનું અજ્ઞાન પણ હશે.

જે લોકો દેશની સંસદીય પ્રણાલીના બદલે 'રાષ્ટ્રપતિ પ્રણાલી' લાગુ કરવાના પક્ષમાં છે, એ લોકો આવું વિચારે તો સમજી શકાય પણ ભારતીય સંસદીય પ્રણાલીમાં આવી પરંપરા પણ નથી અને આની કોઈ જરૂરત પણ નથી.

જે ભારતના બંધારણના અનુચ્છે 74, 75, 77 તથા 78માં એકદમ સ્પષ્ટ થાય છે.

બંધારણ પ્રણાલી અને પરંપરાથી અલગ જો માત્ર રાજકારણના સંદર્ભમાં જોઈએ તો કૉંગ્રેસ આજના પરિદૃશ્યમાં સૌથી મોટો પક્ષ છે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષની ભાવી જૂથબંધીના મહત્ત્વપૂર્ણ સૂત્રધાર બની ગયા છે.

સંભવત: આ યથાર્થને સ્વીકાર કરીને રવિવારે ચેન્નઈમાં દ્રમુક નેતા એમ. કે. સ્ટાલિને રાહુલ ગાંધીને વડા પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

સ્ટાલિનના પ્રસ્તાવમાં ગંભીરતા અને તર્ક કરતાં વધારે બિન-જરૂરી ઉત્સાહ જોવા મળ્યો.

એમ પણ તે સમારોહમાં દ્રમુક આયોજકોએ રાહુલ સહિત તમામ નેતાઓના હાથમાં તલવાર પકડાવી હતી, અતિ ઉત્સાહ તો ટપકવાનો જ હતો.

મોદીની 'અપરાજેય છબી'નું મિથક તૂટ્યું

આરએસએસ-ભાજપ અને સોશિયલ મીડિયા પર તેમના સમર્થકોએ લાંબા સમય સુધી રાહુલ ગાંધીની કથિત ગેર-ગંભીર છબીનો ખૂબ પ્રચાર કર્યો.

તેમને 'પપ્પૂ' નામે બોલાવી અજ્ઞાની કહ્યા પણ ગુજરાતની 2017ની વિધાનસભા ચૂંટણીમાં 'પપ્પૂ'એ 'મહાબલી મોદી' ને હંફાવી દીધા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપને ખરી ટક્કર આપી હતી, જોકે સરકાર ભાજપની જ બની હતી.

કર્ણાટકમાં શરૂઆતની મુશ્કેલીઓ બાદ સરકાર કૉંગ્રેસ અને જેડીએસ સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા.

ડિસેમ્બર, 2018ની રાજકીય પરીક્ષામાં રાહુલ ગાંધીને મોટી સફળતા મળી.

મુખ્યધારાના મીડિયામાં પાંચ રાજ્યોની ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણી પહેલાંના સેમીફાઇનલનું વિશ્લેષણ આપ્યું હતું.

આ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યો- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ હિંદી પટ્ટીનાં રાજ્યો છે, જ્યાં કૉંગ્રેસે ભાજપને હરાવીને સત્તા મેળવી છે.

આનાથી વડા પ્રધાન મોદીની અપરાજેય છબીનું મિથક તૂટ્યું છે.

આ ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની સફળતાથી પક્ષના પ્રમુખનું રાજકારણમાં વજન વધ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો