You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા : રાનિલ વિક્રમસિંઘે પાંચમી વાર પ્રધાન મંત્રી બન્યા
શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલની વચ્ચે રાનિલ વિક્રમસિંઘેની વડા પ્રધાન તરીકે ફરી ઍન્ટ્રી થઈ છે.રવિવારે તેમણે વડા પ્રધાન તરીકે ફરીથી શપથ લીધા.
ઑક્ટોબર મહિનામાં વડા પ્રધાનપદેથી વિક્રમસિંઘેને હટાવવામાં આવ્યા હતા.
વિક્રમસિંઘેના વડા પ્રધાન બનવાની સાથે જ દેશનું રાજકીય સંકટ સમાપ્ત થશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ રાનિલ વિક્રમસિંઘેને ફરીથી વડા પ્રધાન ન બનાવવાનો નિર્ધાર કર્યો હતો.
જોકે, અચાનક બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓના લીધે રવિવારે વિક્રમસિંઘેને ફરીથી વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
દેશમાં અસ્થાયી બજેટ લાગુ કરવા માટે એક જાન્યુઆરી પહેલાં સિરિસેના માટે સંસદની પરવાનગી મેળવવી જરૂરી હતી, જેના લીધે તેમને પોતાનું વલણ બદલવાની ફરજ પડી હતી.
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ સરકાર ઠપ થઈ જવાની આશંકાએ શનિવારે રાજીનામું સોંપી દીધું હતું.
રાજપક્ષે સંસદમાં બહુમત મેળવી શક્યા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિક્રમસિંઘેએ પાંચમી વાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. જોકે, અત્યાર સુધી એક પણ વાર તેઓ કાર્યકાળ પુરો કરી શક્યા નથી.
રવિવારે યોજાયેલા શપથ સમારોહમાં મીડિયાને આમંત્રણ નહોતું અપાયું.
શપથગ્રહણ બાદ વિક્રમસિંઘેના સમર્થકોએ આતશબાજી કરીને ઊજવણી કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઑક્ટોબરના અંતિમ અઠવાડિયામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ મતભેદના કારણે વડા પ્રધાન વિક્રમસિંઘેને પદ પરથી હટાવ્યા હતા.
ત્યારબાદ તેમના રાજકીય હરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેની વડા પ્રધાન પદે નિયુક્તિ કરાઈ હતી. જોકે, તેઓ સંસદમાં બહુમતી મેળવી શક્યા નહોતા.
રાષ્ટ્રપતિ કાર્યાલય અને સંસદની વચ્ચેની ખેંચતાણના કારણે શ્રીલંકામાં રાજકીય સંકટ ઊભું થયું હતું.
દેશની એક નીચલી અદાલતે રાજપક્ષે અને તેમના મંત્રીમંડળના કામકાજ પર પ્રતિબંધ મૂક્યો હતો.
શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
સંસદે રાષ્ટ્રપતિ અને તેમના મંત્રીઓના બજેટમાં પણ કાપ મૂક્યો હતો.
પોતાની સરકાર ચાલુ રાખવા માટે રાષ્ટ્રપતિ સિરિસેના માટે સંસદમાં બજેટ પસાર કરાવવું આવશ્યક હતું.
શ્રીલંકામાં એવી ચર્ચા છે કે સિરિસેના અને વિક્રમસિંઘે વચ્ચે અંગત મતભેદ થયો હોવાના કારણે આ રાજકીય સંકટ ઊભું થયું હતું.
એવી પણ ચર્ચા છે કે શ્રીલંકામાં ભારત અને ચીન પોતાનો પ્રભાવ વિસ્તારવા માંગે છે અને પોતાની પસંદના નેતાઓની વરણી કરવા માંગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો