You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ છે 'ટૉયલેટ : એક પોલીસ ફરિયાદ કથા' અને એની સ્ટાર છે આ બાળકી
તમને અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'ટૉયલેટ- એક પ્રેમ કથા' તો યાદ જ હશે. આ ફિલ્મમાં ભૂમિની સાસરીમાં ટૉયલેટ હોતું નથી એટલે તેઓ ઘર છોડીને જતાં રહે છે. અને જ્યાં સુધી ઘરમાં ટૉયલેટ નથી બનતું ત્યાં સુધી તેઓ પરત ફરતાં નથી. ટૉયલેટ બનાવવાની જીદની આવી જ સત્ય કહાણી જેવી ઘટના સામે આવી છે તમિલનાડુમાં.
તમિલનાડુના અંબુર ગામમાં રહેતાં સાત વર્ષીય બાળકી હનીફાએ તો ટૉયલેટ ન બનાવવા બદલ પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ નોંધાવી દીધી.
હનીફાએ પોલીસને લખેલા એક પત્રમાં કહ્યું કે તેમનાં પિતાએ તેમની સાથે છેતરપિંડી કરી છે અને તેની માટે તેમની ધરપકડ થવી જોઈએ. હનીફાએ કહ્યું કે તેમને ખુલ્લી જગ્યામાં શૌચ કરતાં શરમ આવે છે.
યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ઘણા લોકો એવા છે કે જેમના ઘરે ટૉયલેટ નથી અને આશરે 500 મિલિયન જેટલા લોકો ખુલ્લામાં શૌચ કરે છે.
ઘણા લોકોના ઘરમાં ટૉયલેટ હોવા છતાં તેઓ તેનો ઉપયોગ કરતા નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
હનીફા અંબુર ગામમાં પોતાનાં માતા પિતાની સાથે રહે છે, અને તેમનાં ઘરમાં ક્યારેય ટૉયલેટ બન્યું નથી.
બીબીસી સંવાદદાતા કૃતિકા કનન સાથે વાત કરતા હનીફાએ કહ્યું કે તેમનાં ઘણા પાડોશીઓના ઘરમાં ટૉયલેટ છે. એટલે તેમણે પણ તેમનાં પિતા સમક્ષ ટૉયલેટની માગ કરી. જ્યારે તેમણે પિતા સમક્ષ ટૉયલેટની માગ કરી ત્યારે તેઓ નર્સરીમાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હનીફા કહે છે, "હું જ્યારે શૌચ કરવા બહાર જતી અને લોકો મારી સામે જોતા તો મને ખૂબ શરમ આવતી હતી." હનીફાને ટૉયલેટ બનાવવા માટે વધારે પ્રેરણા ત્યારે મળી જ્યારે સ્કૂલમાં તેમને બહાર શૌચક્રિયા કરવાને કારણે થતી બીમારીઓ વિશે જાણકારી મળી.
હનીફાએ પોલીસને પત્રમાં લખ્યું હતું કે તેમનાં પિતાએ તેમને કહ્યું હતું કે જો તેમનો સ્કૂલમાં પ્રથમ નંબર આવશે તો તેઓ ટૉયલેટ બનાવી આપશે.
તેઓ લખે છે, "હું નર્સરીમાં હતી ત્યારથી હું સારી રીતે ભણું છું અને મારો પ્રથમ નંબર આવે છે. હાલ હું બીજા ધોરણમાં ભણું છું. છતાં મારા પિતા એમ જ કહે છે કે ટૉયલેટ બનાવી આપીશ. આ મને છેતરપિંડી લાગે છે, એટલે તમે તેમની ધરપકડ કરી."
બીબીસી સાથે વાત કરતા હનીફાના પિતા ઇશાનુલ્લાહે જણાવ્યું કે તેમણે ટૉયલેટ બનાવવાનું કામ શરૂ કરાવી દીધું હતું, પણ પુરતા પૈસા ન હોવાને કારણે તેનું કામ પુરું થઈ શક્યું નથી. હાલ ઇશાનુલ્લાહ બેરોજગાર છે.
તેઓ ઉમેરે છે, "મેં હનીફાને કહ્યું કે મને થોડો વધારે સમય આપો. પણ મેં મારું વચન ન પાળ્યું તો તેમણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું."
હનીફાને આ મામલે પોતાના પિતા માટે કોઈ સહાનુભૂતિ નથી.
તેઓ કહે છે, "હું ક્યાં સુધી તેમની પાસે એક જ વસ્તુ માગતી રહીશ? તેઓ હંમેશાં પૈસા ન હોવાનું બહાનું આપતા રહ્યા છે. એટલે હું પોલીસ સ્ટેશન ગઈ."
સોમવારના દિવસે તેઓ તેમનાં માતાને લઇને પોતાની સ્કૂલ નજીક આવેલા એક પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.
બીબીસી તમિલ સાથે વાત કરતાં પોલીસ અધિકારી એ. વલરમથીએ જણાવ્યું, "હનીફા તેમની ટ્રૉફીઓથી ભરેલું એક બેગ લઇને અહીં આવ્યાં હતાં. ટ્રૉફીઓને ટેબલ પર ગોઠવી તેમણે સવાલ કર્યો કે શું તમે મને ટૉયલેટ આપી શકો છો?"
પોલીસ અધિકારી એ. વલરમથી કહે છે કે તેમણે હનીફાનાં પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને તેઓ એ ચિંતામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા કે ક્યાંક તેમના પત્ની અને બાળકીને કંઈ થયું તો નથી ને. પણ જ્યારે તેમને કારણ વિશે ખબર પડી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
હનીફાનો પત્ર વાંચ્યા બાદ ઇશાનુલ્લાહ કહે છે કે કદાચ હનીફાએ ઔપચારિક પત્ર લખવાનું તેમની પાસેથી જ શીખ્યું છે.
હનીફાના પિતા ઇશાનુલ્લાહ ગ્રામજનોને ઘણી વખત સરકારી કામકાજ અને પત્ર લખવામાં મદદ કરે છે.
તેઓ કહે છે, "મને ખબર ન હતી કે આ દાવ મારા પર જ ઊલટો પડશે."
જોકે, હનીફાનાં પ્રયાસે લોકોની સહાનુભૂતિ મેળવી છે અને સાથે સાથે તેમને પોલીસનો સાથ પણ મળ્યો છે.
પોલીસ અધિકારી એ. વલરમથી કહે છે, "તેમની ફરિયાદ પ્રામાણિક હતી, એટલે અમે તે ફરિયાદનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો."
તેમણે જિલ્લા અધિકારીઓને પણ જાગરુક કર્યા છે.
આ અધિકારીઓ ફાળો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેથી હનીફાના ઘરની આસપાસ 500થી વધારે ટૉયલેટ બનાવી શકાય.
બીબીસી તમિલ સાથે વાત કરતા શહેરના કમિશનર એસ. પાર્થસારથી કહે છે, "અમે બાળકીની ફરિયાદ જોઈને ખૂબ ખુશ થયા હતા."
"અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલમાં વિશેષ વર્ગની વ્યવસ્થા પણ કરીએ છીએ કે જેમાં ભાગ લઇને તેઓ પોતાના માતા પિતા સમક્ષ ટૉયલેટ બનાવવા માગ કરી શકે."
તેમણે કહ્યું કે, "તેઓ હનીફાને સ્વચ્છ ભારત અભિયાનનો સ્થાનિક ચહેરો બનાવવા માગે છે."
સરકારે વર્ષ 2019 સુધી દરેક ઘરમાં ટૉયલેટ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, હજુ સુધી એમ થઈ શક્યું નથી.
હાલ થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા 89% ટકા લોકો ખુલ્લામાં શૌચ કરે છે કેમ કે, તેઓ ટૉયલેટ સાફ કરવા માગતા નથી અથવા તો ટૉયલેટની નજીક રહેવા માગતા નથી.
સદીઓથી ટૉયલેટ સાફ કરવાનું કામ સમાજની ચોક્કસ જાતિ દ્વારા કરાવવામાં આવે છે.
હનીફા કહે છે કે તેમનાં પત્ર બાદ સામે આવેલા પરિણામોથી તેઓ ખૂબ ખુશ છે.
હનીફા છેલ્લા 10 દિવસથી તેમનાં પિતા સાથે વાત કરતાં નહોતા. જોકે, પોલીસની મધ્યસ્થીથી બન્ને ફરી વાત કરવા લાગ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો