ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, છતાં ફ્રાંસમાં જ શા માટે રોકકળ થઈ?

    • લેેખક, આદર્શ રાઠૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

દુનિયાભરમાં પોતાની ખાણી-પીણી, ફૅશન, સંસ્કૃતિ અને ભાષા માટે જાણીતા ફ્રાંસમાં પૂરજોશમાં આંદોલન ચાલી રહ્યું છે.

શનિવારે સમગ્ર દેશમાં અંદાજે સવા લાખ લોકો એકઠા થયા હતા જેમાં પેરિસમાં દસ હજાર લોકો એકઠા થયા હતા. અહીં પોલીસે આંદલોનકારીઓ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.

શનિવારે સાંજે ટીવી પર ફ્રાંસના વડા પ્રધાન એડુઅર્ડ ફિલિપે કહ્યું કે આ મુદ્દે સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંવાદ થવો જોઈએ.

ફાંસના ગૃહ વિભાગ મુજબ આ પ્રદર્શનોમાં 118 લોકો ઘાયલ થયા છે જેમાં 17 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી 500થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.

પેરિસ સિવાય લિયો, બોર્ડો, ટુલુઝ, માર્સે અને ગ્રેનોબલ શહેરોમાં પણ પ્રદર્શન થયાં હતાં.

પેરિસમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે આવી ગઈ હતી. અમુક પ્રદર્શનકારીઓએ દુકાનોના કાચ તોડ્યા તો અમુકે ગાડીઓમાં આગ ચાંપી દીધી હતી.

હિંસા અને પ્રદર્શનને જોતા દેશભરમાં 90 હજારથી વધુ પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ અન્ય દેશોમાં પણ વધી રહ્યા છે ત્યારે ફ્રાંસમાં જ આટલા મોટાપાયે વિરોધ શા માટે થઈ રહ્યો છે?

આ વિશે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરનો લેખ વાંચો.

રાજધાની પેરિસથી માંડીને નાના કસ્બાઓ સુધીના લોકોના આંદોલનનો એવો પડઘો પડ્યો, જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

ફ્રાંસમાં ઘણાં વર્ષો પછી આટલું મોટું આંદોલન જોવા મળ્યું. આ આંદોલનનું નામ હતું - 'યેલો વેસ્ટ' અથવા 'યેલો જૅકેટ મૂવમૅન્ટ.'

આમાં ભાગ લેનારાઓએ પીળા રંગના જૅકેટ પહેર્યાં હતાં, જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેરવામાં આવે છે, કારણ કે એનો ચમકીલો રંગ ધ્યાન ખેંચે છે.

ફ્રાંસમાં 2008માં બનેલા કાયદા મુજબ વાહનોમાં આ રીતનાં જૅકેટ રાખવા અનિવાર્ય છે, જેથી ગાડી ક્યાંક બગડી જાય તો એને પહેરીને ઊતરી શકાય.

પ્રદર્શનકર્તાઓએ આ જૅકેટ સાંકેતિક રૂપે પહેરેલાં હતાં, જેથી પોતાની માગો અને સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચી શકે.

શા માટે આ આંદોલન શરૂ થયું

17 નવેમ્બર 2018ના રોજ ફ્રાંસમાં 'યેલો વેસ્ટ' અથવા 'યેલો જૅકેટ' ચળવળની શરૂઆત થઈ હતી.

આ આંદોલન ફ્રાંસના પડોશી દેશો ઇટાલી, બેલ્જિયમ અને નેધરલૅન્ડ સુધી ફેલાઈ ગયું, પરંતુ ત્યાં આટલું સફળ થઈ શક્યું નહીં.

પરંતુ ફ્રાંસમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી આ આંદોલનના પડઘા સંભળાય છે.

રાજધાની પૅરિસથી માંડીને ફ્રાંસનાં અન્ય પ્રમુખ શહેરો અને નાનકડા કસ્બાઓ સુધી લાખોની સંખ્યામાં લોકોએ આ આંદોલનમાં ભાગ લીધો.

પૅરિસમાં રહેતાં વરિષ્ઠ પત્રકાર વૈજૂ નરાવને જણાવે છે કે આ આંદોલન સોશિયલ મીડિયાથી શરૂ થયું અને મધ્યમ વર્ગના આર્થિક રીતે નબળા લોકોનો અવાજ બની ગયું.

વૈજૂ નરાવ જણાવે છે, "એક મહિલાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કહ્યું કે નવા ટૅક્સિસને કારણે અમને જે તકલીફો પડી રહી છે, તેની વિરુદ્ધ પ્રદર્શન કરવું જોઈએ.''

"પહેલાં 200 લોકો જોડાયા, પછી 400 થયા અને ધીરે-ધીરે 10 લાખથી વધુ લોકોનો પ્રતિભાવ મળ્યો."

નરાવને જણાવે છે કે ફ્રાંસની સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે ટૅક્સ લગાવ્યો છે, લોકોને મુખ્યત્વે એનાથી જ તકલીફ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સરકાર ઇચ્છે છે કે વીજળીથી ચાલતી ગાડીઓને પ્રમોટ કરવામાં આવે, એટલે તેમણે ડીઝલ ઉપર ટૅક્સ વધારી દીધો.

પરંતુ આનાથી ફ્રાંસનો એક મોટો વર્ગ તકલીફમાં મુકાઈ ગયો. તેઓ જણાવે છે કે આ મુખ્યત્વે મધ્યમવર્ગનું આંદોલન છે.

"આ લોકોનું કહેવું છે કે અમારી પાસે ડીઝલની ગાડીઓ છે અને અમારી હેસિયત એટલી નથી કે નવી ઇલેક્ટ્રૉનિક કાર ખરીદી શકીએ."

"ભલે તમે અમને બોનસ આપી દો, પરંતુ અમે ખરીદી જ નહીં શકીએ. અમે તો પીસાઈ જ રહ્યાં છીએ, પરંતુ અમીરોને એની અસર નથી થતી, કારણ કે તેઓ શહેરની વચ્ચોવચ રહે છે અને તેમની હેસિયત અમારાથી વધુ છે."

કઈ વાતની નારાજગી

આંદોલન અંગે એક ખાસ વાત એ છે કે આ નેતૃત્વવિહીન આંદોલન છે એટલે કે આનો કોઈ નેતા નથી.

લેફ્ટ અને રાઇટ વિંગના નેતાઓએ આ આંદોલનને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.

પરંતુ અમુક મંત્રીઓનું માનવું છે કે આ અભિયાનને 'અતિ-હિંસક' તત્વોએ હાઇજૅક કરી લીધું છે.

આ દરમિયાન સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા ઘણા વખતથી લગભગ આખી દુનિયામાં ક્રૂડઑઈલના ભાવ વધ્યા છે.

ભારતમાં પણ તેલની કિમતો વધવાના મુદ્દે નારાજગી છે. તો પછી ફ્રાંસમાં એવું શું બન્યું જેના લીધે કોઈ પણ રાજકીય પ્રેરણા કે પ્રોત્સાહન વગર એક મોટો હિસ્સો આંદોલન કરવા માટે મજબૂર થઈ ગયો?

વૈજુ નરાવને જણાવે છે કે સૌથી વધુ સમસ્યા એ લોકોને થઈ, જે કામ તો શહેરોમાં કરતા હતા, પરંતુ શહેરોમાં રહેવાનું મોંઘુ હોવાને લીધે તેમને દૂરના વિસ્તારોમાં રહીને રોજ શહેરમાં આવવું-જવું પડે છે.

તેઓ જણાવે છે, "અહીંનો થોડો દબાયેલો મધ્યમવર્ગ, એટલે કે ભારતના હિસાબે 15 થી 30 હજાર રૂપિયા કમાનારો વર્ગ તકલીફમાં છે."

"તેમનું કહેવું છે કે ગુજરાન ચલાવવું એટલું મોંઘુ થઈ ગયું છે કે મહિનાના અંતિમ દિવસો સુધીમાં સંપૂર્ણ વેતન સમાપ્ત થઈ જાય છે."

"આ એવી રીતે સમજો કે જો કોઈ સેન્ટ્રલ મુંબઈમાં કામ કરતા હોય તો ભાડું વધુ હોવાના કારણે ત્યાં નથી રહી શકતા."

"એટલે તેમણે ઉપનગરો, જેવા કે કોલાબા, અથવા ડોંબીવલીમાં રહેવું પડે છે. પછી ત્યાંથી તેમણે કામ માટે સેન્ટ્રલ મુંબઈ આવવું પડે છે."

"એવી જ હાલત અહીંના લોકોની છે. તેમણે મુખ્ય શહેરોની બહાર રહેવું પડે છે, પરંતુ ત્યાં સુધી સાર્વજનિક વાહનવ્યવહારની સુવિધા નહીં હોવાને કારણે તેમણે ગાડી રાખવી પડે છે."

"ઘણીવાર પતિ-પત્ની પણ કામ કરતાં હોય છે અને તેમનાં બાળકો સ્કૂલે પણ જતાં હોય છે. તો કોઈ એકને કામથી આવ્યાં પછી બાળકોને સ્કૂલેથી લેવા માટે જવું પડતું હોય છે, એટલે બે ગાડીઓ રાખવી પડે છે."

"આ કારણે તેમનાં ઉપર પેટ્રોલ અને ડીઝલના ટૅક્સ બહુ ભારે પડી રહ્યા છે."

હકીકતમાં ફ્રાંસમાં ડીઝલના ભાવ છેલ્લા 12 મહિનામાં 23 ટકા જેટલા વધ્યા છે.

વૈશ્વિક સ્તરે તેલની કિંમત વધતી-ઘટતી રહે છે, પરંતુ ફ્રાંસમાં લોકોને રાહત નથી મળી, કારણ કે મૈક્રૉંની સરકારે તેલ ઉપર હાઇડ્રોકાર્બન ટૅક્સ વધારી દીધો.

આપને આ પણ વાંચવું ગમશે

અન્ય કારણો પણ છે

એવું નથી કે ફક્ત પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોને કારણે આ આંદોલન થયું.

ભલે ઈંધણના ભાવ આ આંદોલનનું પ્રાથમિક કારણ હોય, પરંતુ વરિષ્ઠ પત્રકાર વૈજૂ નરાવને કહે છે કે આની પાછળ એ સરકારી નીતિઓ પણ છે, જે અમીર અને ગરીબની વચ્ચેની ખાઈને વધુ ઊંડી કરી રહી છે.

તેઓ કહે છે, "જેવી રીતે આપણે અમેરિકામાં જોઈએ છીએ અથવા ભારતમાં જોઈ રહ્યા છીએ, સમાજમાં ધ્રુવીકરણ બહુ જ વધુ થઈ રહ્યું છે."

"આવું એટલા માટે કારણકે અમીરની સંપત્તિ વધતી જાય છે અને જેઓ સામાજિક સ્તરે નબળાં છે, તેમની તકલીફો વધતી જઈ રહી છે."

"અહીંયા જે લોકો શહેરથી દૂરના વિસ્તારોમાં રહે છે, તેમને ઘણા બધા લાભ નથી મળતાં."

તમે આ વાંચ્યું કે નહીં?

હકીકતમાં ફ્રાંસમાં એવો નિયમ છે કે કોઈ વ્યવસાય અથવા કંપનીના કામ કરનારાઓને ઑફીસ આવવા-જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાડાનો આધાર પોતાના એમ્પ્લૉયર પાસથી મળી જાય છે.

પરંતુ જે લોકો શહેરોની બહાર રહે છે, પબ્લિક ટ્રાન્સપૉર્ટ નહીં હોવાને લીધે તેમણે પોતાની ગાડીથી અવરજવર કરવી પડે છે. આ સ્થિતિમાં તે લોકોને એવો કોઈ લાભ નથી મળતો.

વૈજૂ નરાવને કહે છે, "તો આ લોકો કહી રહ્યા છે કે જો તમે ટૅક્સ લગાવવા ઇચ્છો છો તો સરખી રીતે લગાવો."

''જો તમે ડીઝલના ઉપયોગને ઓછો કરીને પર્યાવરણ માટે સારું કરવા ઇચ્છો છો તો એવા પગલાં ઉઠાવો કે નબળા વર્ગ ઉપર તેની ખરાબ અસર ના પડે."

"તેમનું કહેવું છે કે અમીર લોકોનાં વિમાન ફ્યૂઅલ ઉપર ટૅક્સ કેમ નથી લગાવવામાં આવતો? તેમનું કહેવું છે કે માલ મોકલવા માટેના જહાજોમાં એટલું ગંદુ ઈંધણ વપરાય છે, તેની વાત કોઈ નથી કરતું."

"પરંતુ અમારી ઉપર ટૅક્સ લગાવી દેવામાં આવે છે. એટલે અહીંયા લોકોમાં એવી ભાવના છે કે તેમની સાથે અસમાન વ્યવહાર થઈ રહ્યો છે."

નેતૃત્વ વગર કેવી રીતે આંદોલ આકાર પામ્યું?

દુનિયાનો એવો કોઈ દેશ નહીં હોય જ્યાં સરકારની નીતિઓ અને નિર્ણયોનો વિરોધ ના થતો હોય અને એવા મુદ્દે આંદોલન ના થતાં હોય.

પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આવા આંદોલનોને રાજકીય દળોનું સમર્થન મળતું હોય છે.

પરંતુ આ આંદોલનના કોઈ નેતા નથી અને ના કોઈ રાજકીય પાર્ટીઓ આની લગામ પોતાના હાથમાં લઈ શકી છે.

તો પછી આ આંદોલન આટલું મોટું કેવી રીતે થઈ ગયું? દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર યુરોપિયન સ્ટડીઝનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર શીતલ શર્મા જણાવે છે કે ફ્રાંસમાં અધિકારો મુદ્દે લોકો ખૂબ જાગરૂક છે.

તેઓ કહે છે, "ફ્રાંસમાં ટ્રૅડ-યુનિયનિઝ્મ મજબૂત રહ્યું છે. ફ્રાંસના લોકો, ખાસ કરીને મજૂર વર્ગ સંગઠિત રહે છે."

"યુનિયન મજૂરોના અધિકારોને મુદ્દે સજાગ રહે છે અને પૅરિસથી માંડીને ફ્રાંસનાં ગામો સુધી તમને આમના આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનાં ઉદાહરણો મળી રહેશે."

જો કે આ આંદોલનને અલગ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે દશકો પછી અહીંયા આવું આંદોલન થયું છે, જેનો વિસ્તાર આટલો મોટો હતો."

મૈક્રૉંની ભૂમિકા

ગત વર્ષે રાષ્ટ્રપતિ બનેલા ઇમેન્યુઅલ મૈક્રૉં ફ્રાંસના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. તેમની પાસે આ પહેલાં કોઈ રાજકીય પદનો અનુભવ પણ નહોતો.

તો શું આ મૈક્રૉંની અનુભવહીનતા હતી કે તેમની નીતિઓથી લોકો એટલા હેરાન થઈ ગયા કે તેમણે આંદોલન કરવું પડ્યું?

દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના સેન્ટર ફૉર યુરોપિયન સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શીતલ શર્મા જણાવે છે કે આની પાછળ અન્ય કારણો પણ છે.

તેઓ કહે છે, "ફ્રાંસ પશ્ચિમ યુરોપનો એવો દેશ છે, જ્યાં ફ્રી માર્કેટ ઇકૉનૉમી અને ઉદાર માહોલ હતો, પરંતુ અહીંયા સોશિયાલિસ્ટ પૅટર્ન પણ ચલણમાં રહી છે."

"જ્યાં સુધી મૈક્રૉંની વાત છે, તેઓ ફ્રાંસની અર્થવ્યવસ્થાને યુરોપીય સંઘ સાથે વધુ જોડવા ઇચ્છે છે. એટલે તેમણે ઘણા ઉદારવાદી પગલાં ઉઠાવીને સુધારાઓ કર્યા છે અને બજારને યુરોપિયન સંઘ માટે ખોલ્યું છે."

ડૉ. શર્મા કહે છે કે આ કારણે ફ્રાંસના માર્કેટ બજારની શક્તિઓને આધીન થઈ ગયા છે અને પરિણામે ગૅસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા રહ્યા છે.

ડૉ. શર્મા જણાવે છે કે શિયાળામાં યુરોપમાં હિટીંગની જરૂરના કારણે પણ ગૅસના ભાવ વધી જાય છે અને ઉપરથી ટૅક્સ આપવો પડે છે.

આ કારણથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ હેરાનગતિ અનુભવે છે.

"આમાં મૈક્રૉંના માર્યાદિત વિઝનને એટલો દોષ ના આપી શકાય જેટલો માર્કેટ ફોર્સીઝ અને ગ્લોબલ ઑઇલ પ્રાઇઝનો છે. ઘણી વસ્તુઓની મિશ્ર અસર યેલો વેસ્ટ મૂવમૅન્ટમાં નજરે પડે છે."

ભૂલ ક્યાં થઈ?

જો કે પૅરિસમાં રહેતાં વરિષ્ઠ પત્રકાર વૈજૂ નરાવને માને છે કે ક્યાંકને ક્યાંક મૈંક્રૉંની પૃષ્ઠભૂમિ પણ એવી છે કે કદાચ તેઓ નિમ્ન-મધ્યમવર્ગની સમસ્યાઓને સમજી ન શક્યા.

તેઓ કહે છે, "મૈંક્રૉંની પાસે નિશંકપણે વધુ અનુભવ નથી પરંતુ એક અન્ય વાત છે. તેઓ અમીર પરિવારમાંથી આવે છે, બૅન્કર હતા અને પોતે પણ સંપન્ન છે."

"તેમની આખી જિંદગી એલીટ સંસ્થાનોમાં વીતી છે. સમજો કે તેઓ સૌથી ઉપરના ગ્રૂપમાં રહ્યા છે અને તેમના સંપર્કનો દાયરો પણ સામાન્ય લોકો સાથે બહુ જ ઓછો રહ્યો છે."

"એટલે એમનામાં એવી ક્ષમતા નથી કે તેઓ પ્રદર્શનકારીઓને સમજીને સહાનુભૂતિ દર્શાવી શકે."

નરાવને જણાવે છે કે આ જ કારણથી લોકો કહે છે કે આ સરકાર ઘમંડી છે અને અમારી વાત નથી સાંભળતી.

આથી યેલો વેસ્ટ પહેરીને પ્રદર્શન કરનારા લોકોમાંથી કેટલાક એવી માગણી પણ કરી રહ્યા હતા કે મૈંક્રૉંએ રાજકીય ફલકથી ખસી જવું જોઈએ.

અસંતોષ કેવી રીતે દૂર થશે

જાણકારોનું કહેવું છે કે જો જનતામાં વધી રહેલા અસંતોષને દૂર કરવો હોય તો મૈંક્રૉં સરકારને અમીર અને ગરીબના ભેદને દૂર કરવા માટે કામ કરવું પડશે.

ડૉક્ટર શીતલ શર્મા કહે છે, "જો જનતામાં અસંતોષ છે તો આપ તેને દૂર નથી કરી શકતા.''

''જેમ-જેમ નવી આર્થિક નીતિઓ લાગુ થઈ રહી છે, સમાજમાં અમીરો અને ગરીબોનો ભેદ વધ્યો છે."

''મૈંક્રૉં સરકારને આનુ સમાધાન શોધવું પડશે, નહીંતર આ પ્રકારના આંદોલનો ફરી આકાર લે એવી શક્યતા છે. કારણકે લોકોને લાગશે કે પહેલાં પણ આપણે આવું કર્યું છે, તો આગળ પણ આવું કરી શકાશે."

ડૉક્ટર શીતલ શર્મા માને છે કે આ આંદોલન એક સબક છે કારણકે જનતામાં વધતા અસંતોષને સમજદારીની સાથે શાંત કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પરિસ્થિતિ અત્યંત જોખમી બની શકે છે.

"જો કે પશ્ચિમી યુરોપની ઇકૉનૉમીને ઘણી સ્થિર ઇકૉનૉમી સમજવામાં આવે છે અને એમ પણ મનાય છે કે તેમણે અમીરી-ગરીબીના અંતરને ઘણી હદે ઓછું કર્યું છે."

''પરંતુ ફ્રાંસમાં જો આર્થિક વિષમતા મુદ્દે અસંતોષ આકાર લઈ રહ્યો છે તો સરકારને તરત જ હરકતમાં આવી જવું જોઈએ."

"આ આંદોલનમાં બેરોજગારો અને અસામાજિક તત્વોને જે રીતે તોડફોડ માટે પ્રેરિત કરવામાં આવ્યા, તેનાથી જાણકારી મળે છે કે જો આ રીતના મુદ્દાઓ સાથે શરણાર્થીઓ અને અન્ય મુદ્દાઓને જોડી દેવામાં આવ્યા તો આ ઘાતક મિશ્રણ બની જશે."

"આનાથી સમુદાયમાં પરસ્પર તિરાડ પડશે. આ સ્થિતિમાં સરકારે એવાં પગલાં ભરવા જોઈએ, જે ફ્રાંસના સામાજિક તાણા-વાણાને અસર કર્યા વગર લોકોની નારાજગી દૂર કરી શકે."

યેલો વેસ્ટ મૂવમૅન્ટ દરમિયાન કેટલાંક અસામાજિક તત્વોએ તોડફોડ અને હિંસા આચરી જેને કારણે આ આંદોલન થોડું નબળું પડી ગયું.

પરંતુ આમ છતાં, ફ્રાંસની સરકારને ઝૂકવું પડ્યું અને તેમણે પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગનારા ટૅક્સને છ મહિના માટે ટાળી દીધાં છે.

પરંતુ હજુ સવાલ તો ઊભો જ છે કે જયારે આ આંદોલનના નેતા જ નહોતા, તો કેવી રીતે માની લેવામાં આવે કે સરકારના આ પગલાંથી આંદોલનકારીઓ શાંત થઈ જશે અને ફરી રસ્તાઓ ઉપર નહીં ઊતરે?

આ સવાલથી ફક્ત ફ્રાંસ સરકાર જ નહીં પરંતુ અન્ય દેશો પણ ચિંતિત છે કે ક્યાંક તેમને ત્યાં પણ આવું જ નેતૃત્વવિહીન આંદોલન આકાર ના લઈ લે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો