આર્જેન્ટિનાની ન્યૂઝ ચેનલે મોદીને ‘અપુ’ કહી સંબોધ્યા

આર્જેન્ટિનાની ન્યૂઝ ચેનલ ક્રોનિકા ટીવીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી કાર્ટૂન પાત્ર 'અપુ' સાથે કરી હતી. મોદી જ્યારે આર્જેન્ટિના પહોંચ્યા ત્યારે ચેનલે લખ્યું, "અપુ આવી પહોંચ્યા."

આ સમયે બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ફિલ્મ 'સ્લમડૉગ મિલિયૉનેર'નું ગીત 'રિંગ રિંગ રિંગા...' વાગી રહ્યું હતું.

ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ મુદ્દો વાયુવેગે પ્રસરી ગયો અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી.

હાલમાં આર્જેન્ટિનામાં જી-20 સમિટ ચાલી રહી છે, જેમાં યુરોપિયન યુનિયન સહિત 19 સભ્ય દેશો છે.

આ સંગઠનનો હેતુ વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિરતાનું વાતવરણ ઊભું કરવા માટે ચર્ચા કરવાનો અને યોગ્ય પગલાં લેવાનો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે 'અપુ'?

અપુ 90ના દાયકાની કાર્ટૂન સિરીઝ 'ધ સિમ્પસન્સ'નું એક કૅરેક્ટર છે, જેને હૅન્ક અઝારિયાએ અવાજ આપ્યો હતો. કાર્ટૂનમાં અપુ ભારતીય ઢબમાં અંગ્રેજી બોલતો જોવા મળે છે.

વર્ષ 2017માં ભારતીય મૂળના અમેરિકન હાસ્યકાર અને ફિલ્મ લેખક હરી કૉન્ડાબોલુએ એક ડૉક્યુમૅન્ટરી બનાવી હતી, જેમાં તેમણે દલીલ કરી હતી કે અપુનું પાત્ર વંશીય નિરૂપણનું ઉદાહરણ છે.

કૉન્ડાબોલુએ બીબીસીને જણાવ્યું કે તે સમયે એ પાત્ર અંગે વિવાદ થયો હતો, કારણ કે તે (અપુ) શું કરે છે અને તેને કેટલા સંતાન છે, તેના આધારે તેની ઓળખ થતી.

જ્યારે શોનો બચાવ કરનારાઓના કહેવા પ્રમાણે, એ સિરિયલના તમામ પાત્રો સ્ટીરિયોટાઇપ્ડ જ હતાં. 

મોદીની સરખામણી અપુ સાથે કરવાનો અમુક લોકોએ વિરોધ પણ કર્યો.

એક યુઝરે લખ્યું કે કોઈ વિદેશી નેતાની આવી રીતે સરખામણી કરવી અપમાનજનક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો