... તો 55 રૂપિયે લિટર પેટ્રોલ મળશે - નીતિન ગડકરી

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય ઇથેનૉલની ફેકટરી નાંખી રહ્યું છે.

જેની મદદથી ડીઝલ 50 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ માત્ર 55 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી શકશે.

'ડેક્કન હેરાલ્ડ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે છત્તીસગઢના દુર્ગ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા નિતિન ગડકરીએ ક્રૂડ ઑઇલની વધી રહેલી કિંમતો વિશે વાત કરતા આ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે દેશમાં ઇથેનૉલ બનાવવાના પાંચ પ્લાન્ટ બનાવવાનું કામ ચાલે છે. લાકડાંની ચીજો અને કચરામાંથી ઇથેનૉલ બનાવાશે.

તમે આ વાંચ્યું કે નહીં?

હું છેલ્લાં 15 વર્ષથી કહું છું કે ખેડૂત અને આદિવાસી લોકો ઇથેનૉલ, મિથેનૉલ અને જૈવિક ઇંધણનું ઉત્પાદન કરીને પ્લેનમાં ઊડી શકે છે.

ભારતીય સેનામાં 1.5 લાખ નોકરીઓ ખતમ કરવાની વિચારણા

'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભારતીય સેના મહત્ત્વના ફેરફાર કરવા જઈ રહી છે.

સેનામાં હથિયારોની ખરીદી માટે દોઢ લાખ જેટલી નોકરીઓ ખતમ કરવા અંગે વિચારણા કરાઈ રહી છે.

આ નોકરીઓ ખતમ કરવાથી 5 થી 7 હજાર કરોડ રૂપિયાની બચત થવાનો અંદાજ છે, જેનાથી હથિયારોની ખરીદી કરાશે.

આર્મીના વર્તમાન બજેટ 1.2 લાખ કરોડમાંથી 83 ટકા સેનાના રાજસ્વ ખર્ચ અને વેતનમાં વપરાય છે.

આવનારા દિવસોમાં નોકરીમાં કાપ મૂકાયા બાદ વધતી રકમ એટલે કે 5 થી 7 હજાર કરોડ રૂપિયામંથી હથિયાર ખરીદવામાં આવશે.

એટલે કે સેનાનું હથિયાર ખરીદવા માટેનું બજેટ 31,826 થી 33,826 કરોડ રૂપિયા જેટલું થઈ જશે.

બોમ્બે હાઈકોર્ટે ડી જી વણઝારાને સોહરાબુદ્દીન કેસમાંથી મુક્ત કર્યા

'ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સોમવારે બોમ્બે હાઈકોર્ટે ડી જી વણઝારા સહિતના પાંચ પોલીસ અધિકારીઓના સોહરાબુદ્દીન કેસમાંથી મુક્ત કરવા અંગેના નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.

ડી. જી. વણઝારા સિવાય અન્ય ચાર અધિકારીઓ દિનેશ એમ. એન., રાજકુમાર પાંડિયન, વિપુલ અગ્રવાલ તથા નરેન્દ્ર અમીનને મુક્ત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ તમામ આઈપીએસ અધિકારીઓ સામે સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને અરજી કરી હતી.

નીચલી અદાલતે પોલીસકર્મીઓને મુક્ત કર્યા ત્યારબાદ છ એટલી અરજીઓ કરાઈ હતી.

જૅક માએ અલીબાબાના હેડ તરીકે ડેનિયલ ઝાંગનું નામ આપ્યું

અલીબાબાના સ્થાપક જૅક માએ સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ ચીનની ઈ-કોમર્સ કંપનીનું ચૅરમૅન પદ આગામી વર્ષથી છોડી દેશે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે 54 વર્ષીય જૅક મા પોતાની કંપનીની ચાવી તેમની જ કંપનીના ડેનિયલ ઝાંગને સોંપી દેશે.

ડેનિયલ તેમની કંપનીમાં સીઈઓ તરીકે કામ કરતા હતા અને હવે તેમને પ્રમોશન આપીને ચૅરમૅન તરીકેનું પદ આપવામાં આવ્યું છે.

આગામી એક વર્ષ સુધી જૅક મા કંપનીનું સુકાન સંભાળશે અને ત્યારબાદ ડેનિયલને પદભાર સોંપશે.

ગુજરાતમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો, રાંધણગેસના વધી રહેલા ભાવ સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં અન્ય 20 જેટલા રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો હતો.

'ગુજરાત સમાચાર'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

રાજ્યના વિવિધ શેહોરમાં ચક્કાજામ, પૂતળાદહન જેવા કાર્યક્રમો હાથ ધરાયા હતા.

આ દરમિયાન કેટલાક સ્થળોએ આગની ઘટનાઓ પણ બની હતી, અમદાવાદમાં 16 એએમટીએસ બસના કાચ તૂટ્યા હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો