વિપક્ષના ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિરોધ સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે.

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પણ આ ભારત બંધમાં સામેલ થયા છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. રવિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 12 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 10 પૈસાનો વધારો થયો હતો. કેટલાંક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પણ પાર કરી ગયા છે.

જુઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેવી હતી બંધની અસર

18:10 ભારત બંધની સફળતા બતાવે છે કે કેન્દ્ર સરકારે વચનો પૂર્ણ નથી કર્યાઃ ગહેલોત

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અશોક ગહેલોતે ભારત બંધને સફળ ગણાવ્યું હતું. સોમવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ગહેલોતે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં બંધને મળેલી સફળતા દર્શાવે છે કે ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલતી સરકારે દેશના લોકોને આપેલાં વચનો પૂર્ણ નથી કર્યાં. તેમણે કહ્યું, “ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં માત્ર રાજકારણની ચર્ચા થઈ. પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટશે તેવાં જુઠ્ઠાણાં ફેલાવીને દેશને ગુમરાહ કર્યો છે.”

17:50 કોંગ્રેસે ભારત બંધ સફળ રહ્યું હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ અને વિપક્ષે આપેલા દેશવ્યાપી બંધને સફળ ગણાવ્યું હતું. કોંગ્રેસે ભારતીય જનતા પક્ષ દ્વારા ભારત બંધ નિષ્ફળ રહ્યું હોવાના દાવાના જવાબમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આવા દાવા માત્ર બીજેપીની 'મન કી બાત' હોઈ શકે. જોકે, પક્ષે કોઈ પણ પ્રકારની હિંસાની નિંદા કરી છે.

17:35 તામિલનાડુમાં બંધની અસર

તામિલનાડુમાં વિપક્ષોએ આપેલા બંધની મિશ્ર અસરો જોવા મળી હતી. 'ફર્સ્ટપોસ્ટ' વેબસાઇટના અહેવાલો અનુસાર તામિલનાડુમાં એક તરફ જ્યાં કન્યાકુમારીના લગભગ 75 હજાર માછીમારોએ બંધને સમર્થન આપ્યું હતું, ત્યાં થૂથુકોડીના વેપારીઓએ કોંગ્રેસના કાર્યકરોને પોતાની દુકાનો બંધ કરવાનો ઇન્કાર કર્યો હતો.

16:40અમદાવાદમાં કોમ્યુનિસ્ટ પક્ષના કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં દેખાવો કરી રહેલા સામ્યવાદી પક્ષના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

16:30ગોધરામાં સજ્જડ બંધ

સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરામાં કોંગ્રેસે આપેલા ભારતબંધની અસર જોવા મળી. ગોધરાના બજારોમાં દુકાનો બંધ રહી હતી. કાલોલમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા 11 લોકોની અટકાયત કરી છે.

15:35 અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદમાં ભારતીય જનતા પક્ષની ઓફિસને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

15:07 વડોદરામાં NSUIMS Uni. અને નવરચના યુનિવર્સિટીના ક્લાસરૂમ ખાલી કરાવ્યા

કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના વડોદરાના કાર્યકર્તાઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને નવરચના યુનિવર્સિટીમાં ચાલી રહેલું શિક્ષણ કાર્ય ભારત બંધના ટેકામાં બંધ કરાવ્યું હતું. તેણે ક્લાસરૂમ્સમાં જઈને વિદ્યાર્થીઓને બહાર મોકલી દીધા હતા.

14:05 ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે તો લોકોએ ખર્ચ ઘટાડવા જોઈએ

રાજસ્થાનની ભાજપ સરકારના મંત્રી રાજકુમાર રિનવાએ ભારત બંધ સંદર્ભે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જો ક્રૂડના ભાવ વધ્યા છે તો લોકોએ થોડો ખર્ચ ઘટાડી દેવો જોઈએ.

13:30 'બંધના કારણે બાળકનું મોત નથી થયું'

બિહારમાં એક બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. એવું ચર્ચાઈ રહ્યું હતું કે ભારતના બંધના એલાનના પગલે હૉસ્પિટલ પહોંચવામાં મોડું થયું હતું, જેના કારણે બાળકનું મૃત્યુ થયું છે.

જોકે આ અંગે સ્પષ્ટતા કરતાં જેહનાબાદના એસડીઓ પારિતોષ કુમારે એએનઆઈને કહ્યું હતું કે બાળકનું મૃત્યુ બંધના એલાન કે ટ્રાફિક જામના કારણે નથી થયું.

13:00 જે 70 વર્ષમાં ના થયું તે મોદીના 4 વર્ષમાં થયું-રાહુલ

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની વિરુદ્ધ વિપક્ષના ભારત બંધ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક ધર્મના લોકોને બીજી ધર્મના લોકો, એક જ્ઞાતિના લોકોને બીજી જ્ઞાતિના લોકો સાથે લડાવવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી કોંગ્રેસના 70 વર્ષમાં વિકાસ થયો ન હોવાની વાત કરે છે.

જોકે, સચ્ચાઈ એ છે કે છેલ્લાં 70 વર્ષમાં રૂપિયો આટલો કમજોર થયો નથી જેટલો મોદીના શાસનમાં થયો હોય.

રાહુલ ગાંધીએ કહ્યું કે પેટ્રોલ 80 રૂપિયાની ઉપર જતું રહ્યું છે અને ડીઝલ 80થી થોડું ઓછું છે. પરંતુ નરેન્દ્ર મોદી વિદેશમાં ફર્યા કરે છે. આ મામલે એકપણ શબ્દ બોલતા નથી.

12:40 મહાગઠબંધનનો ફૂગ્ગો ફૂટી જશે : ભાજપ

કોંગ્રેસના ભારત બંધ અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ભારત બંધ નહીં થાય. કોઈ કોંગ્રેસે આપેલા બંધને સમર્થન નથી આપી રહ્યું. તેમના આ મહાગઠબંધનનો ફૂગ્ગો જલ્દી જ ફૂટી જશે.

12:17 એસટી બસ સેવાના કેટલાક રૂટ બંધ કરાયા

બંધના એલાનના પગલે એસટી બસ સેવાના કેટલાક રૂટ બંધ કરી દેવાયા હતા. તકેદારીનાં પગલાંના ભાગરૂપે રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ બસ સેવા બંધ કરી દેવાઈ હતી.

12:12 વડોદરાના સંગમ ચાર રસ્તા ખાતે સંઘર્ષ

વડોદરાના સંગમ ચાર રસ્તા ખાતે દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે સંગમ ચાર રસ્તા પાસેથી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

12:06 રાજકોટમાં ટાયર બાળીને વિરોધ

રાજકોટ ચુનારવાડ ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો.

12:00 વિપક્ષ એકજૂટ છે - રાહુલ

રાહુલ ગાંધી એ ભાષણમાં કહ્યું, "આજે તમામ વિરોધ પક્ષો એકસાથે છે. અમે બધા મળીને ભાજપને જાકારો આપીશું"

11:40 નરેન્દ્ર મોદી ચૂપ છે - રાહુલ

બંધના સમર્થનમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સામે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, "નરેન્દ્ર મોદી ચૂપ છે, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ અંગે તેઓ એક પણ શબ્દ બોલ્યા નથી."

11:27 વડોદરામાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ

વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા અને કોઈની પણ દુકાનમાં પ્રવેશ ન કરવા માટે ચેતવણી આપી હતી. જેના પગલે કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

11:20 સરકારને જગાડવા માટે બંધ - હાર્દિક

પાટીદાર નેતા હાર્દિક પટેલે ભારત બંધ અંગે ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં હાર્દિકે લખ્યું હતું કે જનતાની તકલીફોથી અજાણ આત્મમુગ્ધ મોદી સરકારને જગાડવા માટે બંધનું એલાન આપ્યું છે.

11:15 મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર તોડફોડ

મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે એક પેટ્રોલ પંપ પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

11:05 મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ દુકાનો બંધ કરાવી

મુંબઈના પરેલ સહિતના વિસ્તારોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી.

10:55 અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

અમદાવાદમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોની લાલ દરવાજા તથા અન્ય વિસ્તારોમાંથી અટકાયત કરાઈ હતી.

10:50 પટનામાં વાહનોની તોડફોડ

બંધના એલાન વચ્ચે બિહારના પાટનગર પટનામાં વાહનોની તોડફોડ થઈ હતી અને હિંસાની અન્ય ઘટનાઓ પણ જોવા મળી છે.

10:30 વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

વડોદરામાં ચાલુ દુકાનો અને પેટ્રોલ પંપ બંધ કરાવવા માટે કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા હતા. જોકે પોલીસે ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી નરેન્દ્ર રાવત સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

10:25 સાબરકાંઠા અને રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

સાબરકાંઠામાં બંધ કરાવી રહેલા કોંગ્રેસના 40 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. બીજી તરફ રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી, જોકે રાજકોટમાં બંધના એલાન વચ્ચે બજારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

10:20 મુંબઈમાં રેલવે રોકો આંદોલન

મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેન અટકાવીને વિરોધ કર્યો હતો.

10:10 અમદાવાદમાં દાણી લીમડા પાસે ચક્કાજામ

અમદાવાદના દાણી લીમડા પાસે કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલની ટૅન્કરને રોકીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

10:00 વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલો બંધ કરાવી

વડોદરાના સમા-સાવલી રોડ તથા પ્રતાપગંજ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ ચાલુ સ્કૂલો બંધ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કેટલીક ખાનગી સ્કૂલોમાં સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરી દેવાઈ હતી.

9:40 સાબરકાંઠામાં એસટીના કેટલાક રૂટો બંધ

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્કૂલો બંધ કરાવવા નીકળ્યા હોવાના અહેવાલો. ઉપરાંત સાવચેતીના ભાગરૂપે એસટીના કેટલાક રૂટો પણ બંધ કરવામાં આવ્યા છે.

9:30 બિહારમાં ટ્રેન રોકવાનો પ્રયત્ન

બિહારના પટણામાં જનઅધિકાર પાર્ટી લોકતાંત્રિકના કાર્યકર્તાઓએ પણ ભારત બંધને સર્મથન કરતાં રેલ વ્યવહાર રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

9:15 અમદાવાદમાં સ્કૂલો બંધ કરાવી

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમદાવાદમાં કેટલીક સ્કૂલોને બંધ કરાવી હતી. ગુજરાતના અનેક જિલ્લામાં ભારત બંધની અસર થઈ હોવાના પણ અહેવાલ છે. તો સાણંદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્કૂલો બંધ કરાવી હતી.

9:00 ગુજરાતના ભરૂચમાં ટાયરો સળગાવાયાં

ભારત બંધને કારણે દેશના અનેક શહેરોમાં હાલ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં ટાયરો સળગાવતાં રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

8:45 રાહુલ ગાંધી ભારત બંધમાં જોડાયા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત બંધમાં જોડાવા માટે રાજઘાટ આવી પહોંચ્યા હતા. પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવ મામલે કોંગ્રેસ ભારત બંધનું એલાન આપ્યું છે. રાહુલ ગાંધીએ રાજઘાટથી રામલીલા મેદાન તરફ નીકળેલી માર્ચમાં પણ જોડાયા હતા.

ભારત બંધની દેશના અનેક રાજ્યોમાં અસર જોવા મળી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ આ બંધની અસર જોવા મળી છે. ગુજરાતના ભરૂચમાં ટાયરો સળગાવતાં ટ્રાફિક જામ થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારત બંધની વ્યાપતા વિશે જણાવતા કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે કહ્યું, "કોંગ્રેસને ભારત બંધની અપિલ કરી છે અને અન્ય વિપક્ષી દળોએ પણ આ બંધનું સમર્થન કર્યું છે."

"પેટ્રોલ-ડીઝલની કિંમતો અને રસોઈ ગૅસની કિંમતો સતત વધી રહી છે. જ્યારે તેની કિંમતો વધે છે તો સામાન્ય લોકો પણ પરેશાન થાય છે. એટલે લોકો અમને ભરપૂર સમર્થન આપશે.

તેમણે કહ્યું કે આ યૂપીએ સરકારની સરખામણીએ વર્તમાનમાં કાચા તેલની કિંમતો ઓછી છે પરંતુ સરકારે તેના પર 11 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ નાખ્યો છે. એ બેગણાથી પણ વધારે છે.

અનેક વિપક્ષી દળો સામેલ

કોંગ્રેસનું કહેવું છે કે અનેક વિપક્ષી દળોને આ બંધનું સમર્થન હાંસલ થયું છે.

તેમાં બિહારમાં આરજેડી, ઉત્તર પ્રદેશના વિપક્ષો અને ડાબેરીઓ સામેલ છે.

બંધથી અર્થવ્યવસ્થાને થનારા નુકસાનને લઈને શકીલ અહમદે કહ્યું, "અર્થવ્યવસ્થાને મોદીજીએ ખૂબ નુકસાન પહોંચાડ્યું છે."

"વિપક્ષોનું કામ છે કે લોકો અને મીડિયાને સાથે લઈને સરકાર પર દબાવ બનાવવો જેથી કરીને સરકાર પોતાનાં ખોટાં પગલાંને પરત લે."

તેમણે કહ્યું કે આ બંધમાં કોઈ પણ પ્રકારની હિંસા નહીં થાય. બંધનું સમર્થન કરવા અને શાંતિથી તેમાં સામેલ થવા માટે લોકોને અપીલ કરવામાં આવશે.

'રાજકીય દબાવમાં કોઈ નિર્ણય નહીં'

ભાજપની સરકાર સામેના આ બંધને લઈને ભાજપના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલનું કહેવું છે, "પેટ્રોલ-ડીઝલના ભાવ વૈશ્વિક કારણોને લઈને વધી રહ્યા છે, સરકાર જનતાની પરેશાની જોઈ રહી છે. તેના માટે ઉપાય પણ કરશે."

"જોકે, સરકારમાં આર્થિક નિર્ણયો જરૂરિયાતને ધ્યાને રાખીને લેવામાં આવે છે નહીં કે રાજકીય દબાણમાં."

તેમણે કોંગ્રેસને પૂછ્યું, "કોંગ્રેસ 2013માં પેટ્રોલિયમની પેદાશો પર સબસિડી આપી તો તેના માટે બજેટમાં જોગવાઈ કેમ ના કરી."

"તેમણે 1 લાખ 40 હજાર કરોડના ઑઇલ બૉન્ડ જારી કરી દીધાં. હવે 2024 સુધી 8 ટકા વ્યાજની સાથે સરકારે તેને પરત કરવાનાં છે."

મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને રૂપિયાની ઘટતી કિંમતના કારણે વિપક્ષના નિશાને છે.

વિપક્ષ આ માટે સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યો છે.

ભારત બંધ પહેલાં રવિવારે સાંજે મશાલ જુલૂસ પણ કાઢવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો