BBC TOP NEWS : સુરત 2035માં વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર બનશે: રિપોર્ટ

'ધ પ્રિન્ટ' વેબસાઇટના અહેવાલ અનુસાર વર્ષ 2035 સુધીમાં વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતાં શહેર તરીકે સુરત ઊભરી આવશે.

ભારતમાં 'ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સ' દ્વારા કરાયેલા એક અભ્યાસમાં આ માહિતી જાણવા મળી છે.

અભ્યાસ મુજબ સુરત વર્ષ 2035માં 9 ટકાની વૃદ્ધિ સાથે ભારતમાં ટોચના સ્થાન પર રહેશે.

આ સાથે જ ઝડપથી વિકાસ પામતા ભારતનાં ટોચનાં દસ શહેરોમાં પ્રથમ સ્થાને સુરત, ત્યારબાદ આગરા, બેંગાલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચિરા, ચેન્નઈ અને વિજયવાડાનો સમાવેશ થાય છે.

અભ્યાસ પરથી એવું જણાય છે કે વિશ્વના સૌથી વિકાસ પામતા ટોપ દસ શહેરો ભારતના જ છે.

રાજનૈતિક જાહેરાત કરતાં પહેલાં ઉમેદવારની ઓળખ આપવી પડશે: ફેસબુક

ફેસબુકે કહ્યું છે કે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર રાજનૈતિક પ્રચાર કરનારા ભારતીય જાહેરાતકર્તાઓને પોતાની ઓળખ અને રહેઠાણની માહિતી આપવી પડશે.

આ નિર્ણય લેવા પાછળ ફેસબુકનો એવો તર્ક છે કે આવું કરવાથી તેમના પ્લેટફોર્મનો દુરુપયોગ ના થાય.

ફેસબુકનો આ નિર્ણય ભારતમાં 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં આવ્યો છે.

ફેસબુક દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે જાહેરાતોમાં પારદર્શકતા લાવવાથી ભારતમાં થનારી ચૂંટણીમાં કોઈ વિદેશી હસ્તક્ષેપને ટાળી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?

મસ્જીદમાં ભાજપના મુસ્લિમ નેતાને પ્રવેશ નહીં

'એનડીટીવી'ની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદની બહાર ભાજપના મુસ્લિમ નેતાએ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મૂકાયું હતું.

અહેવાલમાં જણાવાયા મુજબ, બોર્ડમાં ટ્રસ્ટીની સૂચનાથી મસ્જીદમાં ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ઝહિર કુરેશીએ પ્રવેશ કરવો નહીં તેવું લખાણ હતું.

જોકે, મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા એક નિવેદન જાહેર કરી જણાવાયું હતું કે મસ્જિદ તરફથી આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહેવાલમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતને ટાંકીને જણાવાયું હતું કે વડોદરા પોલીસ આ બોર્ડ કોણ મૂકી ગયું તેની તપાસ કરી રહી છે.

અહેવાલમાં ઝહિર કુરેશીએ પીટીઆઈ સાથે કરેલી વાતચીતને ટાંકીને જણાવાયું છે કે ગત મહિને દિલ્હીમાં બાબરી મસ્જિદના મુદ્દે યોજાયેલી મુસ્લિમ નેતાઓની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો.

આ બાબતથી કેટાલક લોકો નારાજ હતા.

સિદ્ધુનો અવાજ જતો રહેવાનું જોખમ

'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, પંજાબના કૅબિનેટ મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ઘુનો અવાજ જોખમમાં છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર સિદ્ધુના વોકલ કૉર્ડ્સમાં નુકસાન થયું હોવાના કારણે ડૉકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.

સિદ્ઘુએ વિવિધ રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીના ઉમેદવારો માટે 17 દિવસ પ્રચાર કર્યો હતો.

આ પ્રચાર દરમિયાન સિદ્ઘુએ 70 સભાઓ ગજવી હતી. અહેવાલમાં રાજ્ય સરકારને ટાંકીને જણાવાયું છે કે આના કારણે તેમના અવાજને નુકસાન થયું છે.

અહેવાલ અનુસાર સિદ્ઘુને સારવાર માટે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

રસ્તા ખરાબ હશે તો કૉન્ટ્રેક્ટર પર બુલડોઝર ફેરવી દઈશ: ગડકરી

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જો રસ્તા ખરાબ સ્થિતિમાં હશે તો કૉન્ટ્રેક્ટર પર બુલડોઝર ચલાવી દઈશ.

અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર લેખક અને રાજકારણી તુહીન એ સિંહાના પુસ્તક વિમોચન પ્રસંગે નીતિન ગડકરીએ આ નિવેદન આપ્યું હતું.

તેમણે એવું પણ ઉમેર્યું હતું કે અમે અત્યારસુધીમાં કરોડો રૂપિયાના કૉન્ટ્રેક્ટ આપ્યા છે પરંતુ તેના માટે કોઈ પણ કૉન્ટ્રેક્ટરને દિલ્હીમાં મારી ઓફિસ સુધી આવવાની ફરજ પડી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો