You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સારા અલી ખાનની પહેલી ફિલ્મ 'કેદારનાથ' પર આટલો વિવાદ શા માટે?
હિંદુ-મુસ્લિમ યુવતી-યુવક વચ્ચેની પ્રેમ કહાણી દર્શાવતી ફિલ્મ કેદારનાથ વિવાદોમાં સપડાઈ છે.
આ ફિલ્મ આગામી શુક્રવાર એટલે કે 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે તે પહેલાં તેના પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ફિલ્મનું ટ્રેલર બહાર પડ્યું ત્યારથી જ દિગ્દર્શક અભિષેક કપૂરની આ ફિલ્મ વિવાદોમાં છે અને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ફિલ્મ કેદારનાથ પર લવ-જેહાદનો આરોપ લાગ્યો છે અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આ અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા અરજી પણ દાખલ થઈ છે.
અહેવાલો પ્રમાણે 'ઇન્ટરનેશનલ હિંદુ સેના' તરીકે ઓળખાતા જમણેરી ગ્રૂપે બુધવારના રોજ પિટિશન દાખલ કરી છે. જેના પર આવતા અઠવાડિયા પહેલા સુનાવણી થઈ શકે છે.
શું કહી રહ્યા છે લોકો?
સારા અલી ખાનની પહેલી ફિલ્મ છે જેમાં તેઓ એક ધનવાન હિંદુ યુવતીના પાત્રમાં જોવા મળશે.
એમની સામે સુશાંત સિંઘ રાજપૂત જે એક મુસ્લિમ છોકરાનું પાત્ર નિભાવે છે. આમ બંને વચ્ચેના ફિલ્મી પ્રેમ પર વિવાદ ઊભો થયો છે.
આજેન્દ્ર અજય નામના ટ્વિટર હૅન્ડલે એક ટ્વિટ કર્યું છે અને તેમાં એક પત્રની કૉપી જોડતાં લખ્યું, ''હિંદુઓની આસ્થા પર પ્રહાર કરવાવાળી હિંદી ફિલ્મ કેદારનાથ પર પ્રતિબંધની માંગને લઈને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર લખવામાં આવ્યો છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એક ટ્વિટર યૂઝર સ્નેહલ ગુબ્યાડે કહ્યું, ''ફિલ્મની ટેગલાઇન માં 'પ્રેમ એક યાત્રાધામ છે' મૂકી દેવાથી યાત્રાધામના અસલી મતલબને તમે નિમ્ન દર્શાવો છો.''
2013ના વર્ષમાં કેદારનાથ યાત્રાધામ પર પૂરની આફત આવી હતી અને પાંચ હજારથી પણ વધુ લોકોના જીવ ગયા હતા.
આ મામલે અભિનવ પ્રકાશ નામના યૂઝર્સ ટ્વિટ કરીને લખે છે, ''હું ફિલ્મની રોક પરની અરજી કે હિંસાની તરફેણમાં નથી. પરંતુ કેદારનાથ અસંવેદનશીલ અને બકવાસ વાર્તા છે.''
''આફતમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ફિલ્મમાં દેખાડે છે કે માત્ર એક હિંદુ છોકરીનાં લગ્ન મુસ્લિમ છોકરા સાથે કરવાની મનાઈ કરાતાં પ્રલય આવ્યો.''
ફિલ્મ પર રોક લગાડવાના અન્ય કારણોમાં ધાર્મિક જગ્યા પર ફિલ્માવાયેલા કિસિંગ સીન પર પણ લોકોએ ટ્વિટ કરીને ગુસ્સો ઠાલવ્યો છે.
તનુશ્રી સહા નામનાં યૂઝર્સે કહ્યું કે કેદારનાથ જેવી ધાર્મિક જગ્યા પર કિસિંગ સીન દેખાડવો એ સ્વીકાર્ય નથી. હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ ઇન્ટરનેશનલ હિંદુ સેનાએ ફિલ્મને પુનઃતપાસ માટેની અને વાંધાજનક દ્રશ્યો દૂર કરવાની પણ માંગ કરી છે.''
'કાલ્પનિક અને અસ્સલ વાર્તાનો ફરક જાણું છું.'
કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે આ મામલે ફિલ્મની તરફેણ પણ કરી છે.
હિમાંશુ નારાયણ નામના યૂઝર્સ લખે છે, ''હું આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, મને સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ અને કાલ્પનિક ફિલ્મ વચ્ચેનો ભેદ ઓળખતા આવડે છે. મને આ વાર્તામાં કશું પણ અપમાનજનક લાગતું નથી.''
રોહિત જયસ્વાલ નામના યૂઝર્સે ટ્વિટ કરીને લખ્યું, ''કેદારનાથના ચુકાદા પર કંઈ પણ કહેવું ખૂબ જલ્દી થઈ જશે પરંતુ હું એટલું જરૂર કહી શકું કે ફિલ્મને સારી ઓપનિંગ મળશે. 100 કરોડ ક્લબમાં સામેલ તો ચોક્કસથી થશે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો