ભારતમાં ખેડૂતોના મુદ્દે સરકારથી ક્યાં ચૂક થઈ રહી છે?

    • લેેખક, પી. સાંઈનાથ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

29 અને 30મી નવેમ્બરે ભારતના ઘણાં કિસાન સંગઠનો દિલ્હીમાં સંસદ કૂચ કરી રહ્યાં છે.

સંગઠનો ખેડૂતોને ખેતીના દેવામાંથી મુક્તિ અપાવવા સંબંધી કાયદો પસાર કરવાની માંગ સાથે દિલ્હી આવી રહ્યાં છે.

છેલ્લા કેટલાંક સમયમાં અલગ-અલગ રાજ્યોના ખેડૂતો ઘણાં પ્રદર્શનો કરી ચૂક્યા છે.

એવું મનાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો 'સંસદ માર્ચ' માટે દિલ્હી આવી રહ્યા છે.

આ સ્થિતિમાં સવાલ એ છે કે આખરે આ ખેડૂતોની માગ શું છે અને શા માટે વારંવાર જમીન ઉપર હળ ચલાવનારા ખેડૂતોને દિલ્હી આવવું પડે છે?

સવાલોના જવાબ અને ખેડૂતોની હાલની સ્થિતિ પર બીબીસી સાથે વરિષ્ઠ પત્રકાર પી. સાંઈનાથ સાથે ખાસ વાતચીત કરી હતી.

તેમણે વાતચીતમાં ગુજરાતની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે ગુજરાત મૉડલ ફક્ત કૉર્પોરેટ્સ માટે છે.

પી. સાંઈનાથે દેશમાં ખેડૂતોની સ્થિતિ પર સરકારના વલણ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો. આગળ વાંચો, પી સાંઈનાથનો દૃષ્ટિકોણ.

તમે આ વાંચ્યું કે નહીં?

દૃષ્ટિકોણ: ગુજરાત મૉડલ ફક્ત કૉર્પોરેટ્સ માટે

ખેડૂતોની જમીન કૉર્પોરેટ્સ આપી દેવી એટલે ગુજરાત મૉડલ.

અહીં ટાટા નેનો માટે અને અન્ય કૉર્પોરેટ્સ માટે જમીન સસ્તા ભાવે આપવામાં આવી હતી, જેમાંથી કેટલીક કંપનીઓ તો બંધ થવાના આરે છે.

અમદાવાદ મુંબઈ વચ્ચે સરકારે એક લાખ દશ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બુલેટ ટ્રેન દોડવાની યોજના બનાવી છે.

આ રૂટમાં 60થી વધુ ટ્રેન, 26 ફ્લાઇટ્સ અને 125 બસ ચાલે છે ત્યાં એક બુલેટ ટ્રેન દોડશે. આ ગુજરાત મૉડલ છે.

આ રાજ્યમાં ખેડૂતના ઉત્થાનના બદલે 3000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રતિમાં બને છે.

ખેડૂતોની તકલીફો અને આત્મહત્યાઓ

ખેડૂતોના વિરોધ પ્રદર્શનો ખુબ જ સકારાત્મક છે.

તમે આને કંઈક આવી રીતે સમજી શકો છો કે 20 વર્ષના નૈતિક પતનથી શું મળે છે? આત્મહત્યાઓ. વિરોધ પ્રદર્શન કરવાથી શું મળે છે? લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ થઈ શકે છે.

તમે શું ઈચ્છો છો? ખેડૂતોની આત્મહત્યાઓ કે લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ?

ખેડૂતોના પ્રદર્શનો પર સરકાર શું કરશે, એ ખબર નથી.

હાલની સરકારે 2014માં વાયદો કર્યો હતો કે સ્વામીનાથન આયોગની ભલામણોને 12 મહિનામાં માનશે.

આમાં ઓછામાં ઓછા ટેકાના ભાવનું રોકાણ ઉપરાંત 50 ટકા આપવાનો વાયદો પણ સામેલ હતો.

12 મહિનાની અંદર 2015માં આ જ સરકાર કોર્ટ અને આરટીઆઈમાં જવાબ આપે છે કે અમે આ કરી શકીએ એમ નથી, આની અસર બજાર પર પડશે.

ખેડૂતોની આખી દુનિયા તારાજ થઈ રહી છે, એની પરવા કોઈને નથી. 2016માં કૃષિ મંત્રી રાધામોહન એમ કહે છે કે આવો કોઈ વાયદો જ કરવામાં આવ્યો નથી.

પાંચ વર્ષની મોદી સરકારના છ વર્ઝન

થોડા દિવસ પહેલા નિતિન ગડકરીએ કહ્યું હતું કે અમને કોઈ આશા નહોતી કે અમે ચૂંટણી જીતીશું, એટલે ઘણા બધા વાયદા કરી દીધા.

હવે તમે મધ્યપ્રદેશના કૃષિ મોડલને જ જોઈ લો. શિવરાજસિંહ ચૌહાણ સ્વામીનાથન આયોગથી આગળ જતા રહ્યા.

2018માં બજેટના ભાષણના પેરેગ્રાફ નંબર 13 અને 14 વાંચો.

આ ભાષણમાં જેટલીએ કહ્યું, "હા અમે વાયદો કર્યો અને પૂરો કરી દીધો." હવે પાંચ વર્ષમાં આ સરકાર છ અલગ-અલગ વર્ઝન લઈ રહી છે.

આગળ આ સરકાર શું કરશે? કંઈ કહી શકાય એમ નથી.

ખેડૂત જે માગે છે, એ કેટલી લોકતાંત્રિક માગો છે.

આપણી સંસદ ખેડૂતો માટે પણ કાર્યરત હોવી જોઈએ. ફક્ત કૉર્પોરેટ્સ માટે જ કામ ના કરવી જોઈએ.

કૃષિ ઋણ વધ્યાં પરંતુ...

એ વાત સાચી છે કે કૃષિ ઋણ વધારવામાં આવ્યાં છે.

પણ તમે છેલ્લા 20-25 વર્ષ તરફ જુઓ.

કૃષિ ક્ષેત્રે દર વર્ષે રોકાણો ઘટી રહ્યાં છે જ્યારે હકીકતમાં એ વધવાં જોઈએ. મને લાગે છે કે કૃષિ માટે બજેટમાં વધુ પૈસા ફાળવવા જોઈએ.

હું સમજુ છું કે વી.પી.સિંહના છેલ્લા બજેટમાં કૃષિ માટે જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, તે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

મારું માનવું છે કે આપ આ માટે એક ઓછામાં ઓછું બજેટ નક્કી કરી દો. કારણ કે તકલીફો વધી છે.

આ સ્થિતિમાં કૃષિ ક્ષેત્રે સરકારી રોકાણો વધારવાની જરૂર છે.

બીજું, કૃષિ દેવું પી. ચિદંબરમ, પ્રણવ મુખર્જી અને અરુણ જેટલી તમામે વધાર્યું. પરંતુ ખેડૂતોના હાથમાં કંઈ જ નથી આવ્યું.

આ રૂપિયા ખેતીનો વ્યવસાય કરનારા હાથમાં જઈ રહ્યા છે.

તમે મહારાષ્ટ્રને જોઈ લો. તમામ કૌભાંડોમાં મહારાષ્ટ્ર આગળ નજરે પડે છે.

'નાબાર્ડ'નું કૃષિ ઋણ 57 ટકા મુંબઈ શહેર અને ઉપનગર વિસ્તારોમાં ગયું છે. મુંબઈ શહેરમાં ખેડૂતો નથી પરંતુ એનો વેપાર કરનારા ઘણા લોકો છે.

ખબર નથી કેટલા લાખો-કરોડ રૂપિયા ખેડૂતોના હાથમાંથી છીનવીને કંપનીઓના હાથમાં આપવામાં આવ્યા છે.

આ લોકો દેવામાં ડૂબીને મરી રહ્યાં છે.

એ સાચું છે કે કૃષિ ઋણ વધારવામાં આવ્યું પરંતુ તે એ લોકોના હાથમાં નથી પહોંચ્યું જે ખેતી કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો