You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#BeyondFakeNews ફેક ન્યૂઝ સામે બીબીસીની પહેલ
- લેેખક, રૂપા ઝા
- પદ, સંપાદક, ભારતીય ભાષાઓ
જાહેર માધ્યમો (મીડિયા)નાં વાચકોમાંથી જે લોકો માધ્યમનું મૂલ્યાંકન કરવા જેટલા શિક્ષિત હોય અને પોતાના વાંચવામાં આવેલા અહેવાલોની વિશ્વસનીયતા ચકાસી શકે તેમ હોય તેઓ ફેક ન્યૂઝ ઓછા ફેલાવે છે.
તેથી જ બીબીસીના પત્રકારોની ટીમ યુકે અને ભારતની શાળાઓની મુલાકાત લઈને મીડિયાની સાક્ષરતા અંગે જાગૃતિ ફેલાવવા માટે વર્કશોપ્સ કરી રહી છે.
આ 'ધ રીયલ ન્યૂઝ' નામની વર્કશોપ્સ બીબીસીનાં બિયોન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના ભાગરૂપે યોજાઈ રહ્યાં છે, જેનો આરંભ ભારતમાં 12મી નવેમ્બરથી થઈ રહ્યો છે.
આની પાછળનો ઉદ્દેશ જગતભરમાં ફેલાઈ રહેલી ખોટી માહિતીનો સામનો કરવા માટેના ઉકેલો શોધવાનો છે.
મીડિયા વિશેની જાગૃત્તિ વધે તે માટે બીબીસી વર્લ્ડ સર્વિસે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
મીડિયા અંગે જાગૃતિ ફેલાવવા માટેના આ 'રિયલ ન્યૂઝ' વર્કશોપ્સ, યુકેમાં હાલના વર્ષોમાં સફળતાપૂર્વક યોજાયેલા આવા જ પ્રોજેક્ટ્સના આધારે તૈયાર કરાયા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ફેક ન્યૂઝ ખરેખર શું છે તે બાળકો બરાબર સમજે અને તેનો સામનો કરવા માટેના ઉકેલો શોધી કાઢે તે માટે તેમને સહાયરૂપ થવાના ઉદ્દેશથી આ વર્કશોપ્સ યોજાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
(ભારત, કેનિયા તથા નાઈજીરિયામાં બીબીસી દ્વારા હાથ ધરવામાં આવેલાં રિસર્ચનાં તારણ વાંચવા માટે અહીં ક્લિક કરો.)
કેવી રીતે રોકાશે ફેક ન્યૂઝ
ભારતની ટેલિકોમ ક્ષેત્રની નિયંત્રક સંસ્થાના જણાવ્યા અનુસાર દેશમાં 100 કરોડથી પણ વધુ મોબાઇલ ફોનના કનેક્શન્સ સક્રિય છે.
બહુ ટૂંકા ગાળામાં કરોડો ભારતીયો ઑનલાઇન દુનિયાનો પરિચય કરવા લાગ્યા છે.
મોટા ભાગના લોકો માટે ઇન્ટરનેટ પર પહોંચવાનું પ્રથમ સાધન તેમનો મોબાઇલ ફોન બન્યું છે.
મોટી સંખ્યામાં લોકો ચેટ ઍપ્સ પર ન્યૂઝ આપતા અને મેળવતા થયા છે. તેનાથી દુનિયા સાથે જોડવાનું ઘણું સુગમ બન્યું છે, પણ આ એવી બંધ દુનિયા છે, જેમાં ગેરમાહિતી બહુ ઝડપથી કોઈ ચકાસણી વિના ફેલાઈ જાય છે.
લોકો પર માહિતીનો મારો થાય છે અને તેમના માટે કયા સમાચાર સાચા અને કયા ખોટા તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.
તેથી જ બીબીસીનો વિચાર છે કે સમાચારોને સમજવા માટેની અને તેની ખરાઈ કરવા માટેની તાલીમ અને જાણકારી યુવાનોને આપવી જરૂરી બની છે.
કિશોરો અને યુવાનો જ માત્ર ચેટ ઍપ્સ મારફતે અને ઇન્ટરનેટ પર જઈને સમાચારો મેળવે છે એવું નથી.
પરંતુ અમે આ વયજૂથ પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્કશોપ્સ કરવા માગીએ છીએ, તેના બે કારણો છે.
એક તો, જૂથ તરીકે તેઓ પોતાની આસપાસના દરેક ઉંમરના વર્તુળોમાં, પોતાના કુટુંબના સભ્યો મારફત તથા મિત્રોના પરિવારો મારફત પ્રભાવ ફેલાવી શકે તેવી શક્યતા છે.
બીજી, અને વધારે અગત્યની વાત એ છે કે યુવા પેઢી માહિતીની આપ-લે માટે ઇન્ટરનેટ અને ચેટ ઍપ્સ પર જ વધારે આધાર રાખીને મોટી થઈ છે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને શાળા માટેના અમારા વર્કશોપ્સ એવી રીતે તૈયાર કરાયા છે કે તેનાથી વિદ્યાર્થીઓને માધ્યમો (મીડિયા) વિશે પાયાની માહિતી મળે.
સાથે જ તેમનામાં ડિજિટલ સાક્ષરતા ફેલાય. પોતાના ફોન દ્વારા મળતી માહિતી વિશે તેઓ વિચારતા થાય અને કમ સે કમ પોતાના વર્તુળો પૂરતી ખોટી માહિતી (ફેક ન્યૂઝ) ફેલાવતા અટકે તે પણ ઉદ્દેશ રહેલો છે.
કેવી રીતે આયોજિત થઈ વર્કશોપ
બીબીસીનો ભારત બ્યૂરોનું મુખ્ય કાર્યાલય જ્યાં આવેલું છે તે રાજધાની દિલ્હી તથા આસપાસના (એનસીઆર) વિસ્તારોની શાળાઓમાં આવા વર્કશોપ્સ યોજાઈ ચૂક્યા છે.
આ ઉપરાંત અમારી ટીમે અમદાવાદ, અમૃતસર, ચેન્નઈ, પુણે અને વિજયવાડાની શાળાઓમાં પણ વર્કશોપ્સ કર્યા છે.
ચાર કલાકના આ દરેક વર્કશોપ ઇન્ટરેક્ટિવ (પરસ્પર સંવાદ) પ્રકારના છે. તેમાં ગેમ્સ, વીડિયો અને ટીમ એક્સરસાઇઝનો સમાવેશ થાય છે.
અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષાઓમાં - હિન્દી, તામિલ, તેલુગુ, ગુજરાતી, મરાઠી અને પંજાબીમાં પણ તે કરવામાં આવે છે.
દરેક વર્કશોપના અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ ઉકેલ શોધી કાઢે અને તેના પર અમલ કરતા થાય.
આવા વર્કશોપ્સના પરિણામે ઘણા વિદ્યાર્થીઓએ પોસ્ટરો તૈયાર કર્યા છે, મ્યુરલ બનાવ્યા છે, નાટકો તથા સંગીતના કાર્યક્રમો તૈયાર કર્યા છે, જેમાં ફેક ન્યૂઝનો ફેલાવો રોકવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
આ રીતે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ફોલોઅપ પ્રોજેક્ટ્સના ઘણા નમૂના 12 નવેમ્બરે ભારતભરમાં બીબીસીના બિયોન્ડ ફેક ન્યૂઝ અંતગર્ત યોજાનારા કાર્યક્રમોમાં રજૂ થશે.
કાર્યક્રમના અઠવાડિયા દરમિયાન ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના વિદ્યાર્થીઓ ગૂગલના ભારત ખાતેના હેડક્વાર્ટ્સમાં યોજાનારા હેકેથોન - ટેકનૉલૉજિકલ બ્રેઇનસ્ટ્રોમના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
ફેક ન્યૂઝના ઑનલાઇન ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટેના તકનીકી ઉપાયો શોધી કાઢવા માટેના પ્રયાસો તેઓ કરશે.
ફેક ન્યૂઝનો ખતરો
નિયંત્રણ બહાર ગેરમાહિતીનો ફેલાવો થાય તો તેના કારણે સમાજોને ગંભીર નુકસાન થઈ શકે છે.
તેના કારણે માહિતીની ખરાઈ કરનારા તથા દરેક અહેવાલના તથ્યોની ચકાસણી માટે સંશોધન કરીને કામ કરનારા અન્ય અખબારી માધ્યમોની વિશ્વસનીયતા પણ ખરડાઈ શકે છે.
બીબીસી જનતા, ટેક કંપનીઓ તથા અન્ય સમાચાર માધ્યમો સાથે મળીને આ દિશામાં કામ કરવા માગે છે, કેમ કે ફેક ન્યૂઝની સમસ્યાનો ઉકેલ કોઈ એક કંપની, અથવા એક ઉદ્યોગથી આવી શકે તેમ નથી - તેના માટે સૌ કોઈના સહયોગની જરૂર છે.
હાલમાં અમે આ દિશામાં સંગઠનો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહકાર સાધવા પ્રયત્નશીલ બન્યા છીએ, જેથી આ પ્રયાસોને વધારે આગળ લઈ જઈ શકાય.
યુવાન પેઢીમાં મીડિયા અંગે જાગૃતિ આવે તે પ્રથમ અને અગત્યનું પગલું છે, અને અમને ગૌરવ છે કે અમે તેનો હિસ્સો બન્યા છીએ.
'સાચી ખબર' ની ચર્ચા હકીકત બને એવો સમય હવે આવી ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો