BBC TOP NEWS: વિજય રૂપાણીએ કહ્યું ચૂંટણી પહેલાં જ અમદાવાદનું નામ બદલાઈ જશે

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુરુવારના રોજ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે.

રૂપાણીએ કહ્યું, "અમે ઘણા સમયથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું વિચારી રહ્યા છે. આ તરફ અમે યોગ્ય પગલાં લઈશું."

ઉલ્લેખનીય છે કે રૂપાણીના આ નિવેદનના બે દિવસ પહેલાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.

અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું છે.

'મોદી રિઝર્વ બૅન્કને પોતાની મુઠ્ઠીમાં લેવા માગે છે'

'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ગુરુવારના રોજ કહ્યું કે મોદી સરકાર રાજ્યની રાજકોષિય(મહેસૂલી આવક)ના સંકટથી બચવા માટે ભારતીય રિઝર્વ બૅન્કને 'પોતાની મુઠ્ઠીમાં કરવા'ના પ્રયાસો કરી રહી છે.

ચિદમ્બરમે એવું પણ કહ્યું કે જો આવું થશે તો આવનારા સમયમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે આરોપ લગાવ્યો કે સરકારે કેન્દ્રીય બૅન્કના નિદેશક મંડળમાં પોતાની મનપસંદ વ્યક્તિઓને ભરી દીધી છે.

પત્રકારોને સંબોધતા ચિદમ્બરમે કહ્યું, "સરકાર સામે રાજકોષિય સંકટ ઊભું થઈ ગયું છે."

"તેઓ આ વર્ષે ચૂંટણી પ્રચારમાં વધુ ખર્ચ કરવા માગે છે અને બધા રસ્તાઓ બંધ છે."

"એટલા માટે સરકારે રિઝર્વ બૅન્કના આરક્ષિત કોષમાંથી એક લાખ કરોડ રૂપિયાના માગ કરી છે."

ભારત પ્રથમ વખત તાલિબાન સાથે વાતચીત કરશે

'ધ હિન્દુ'ના અહેવાલ અનુસાર રશિયામાં આયોજિત એક બેઠકમાં તાલિબાન સાથે ભારત રૂબરૂ થશે.

9 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન મુદ્દે રશિયામાં દ્વારા આયોજિત આ બેઠકમાં ભારત 'બિન સત્તાવાર' સ્તરે હાજર રહેશે અને તાલિબાન સાથે વાતચીત કરશે.

આ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, "અફઘાનિસ્તાનમાં શાંતિ જળવાઈ રહે તેના તમામ પ્રયત્નોનું અમે સમર્થન કરીએ છીએ. આ બેઠકમાં અમારી ભાગીદારી બિન સત્તાવાત રીતે હશે."

કુમારે એ વસ્તુ પર સતત ભાર આપ્યો કે ભારતની નીતિ હંમેશાં એ તરફ રહી છે કે અફઘાનિસ્તાનમાં શાંતિ જળવાઈ રહે.

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર રશિયન સમાચાર એજન્સી 'તાસ' મુજબ આ બીજી વખત હશે જ્યારે રશિયા શાંતિ માટે અફઘાનિસ્તાનમાં ક્ષેત્રીય શક્તિઓને સાથે લાવી રહ્યું હોય.

ગુજરાતમાં ડેન્ગ્યુના ચાર વાઇરસ મળી આવ્યા

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર મેડિકલ ઍક્સપર્ટ અને રાજ્યના સ્વાસ્થ્ય સંબંધિત અધિકારીઓનું માનવું છે કે ડેન્ગ્યુ વાઇરસના તમામ ચારેય પ્રકારો ગુજરાતમાં હોઈ શકે છે.

અખબાર નોંધે છે કે 30 જુલાઈથી 2 ઑક્ટોબર વચ્ચે કરાયેલા એક અવલોકનમાં સામે આવ્યું કે આ સમયગાળામાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે.

રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓમાં એ મુદ્દો ચર્ચામાં છે કે સ્વસ્થ લોકોમાં પણ ડેન્ગ્યુના લક્ષણો કેવી રીતે પ્રવેશી ગયાં.

અશ્વરા હૉસ્પિટલના વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું, "છેલ્લા ત્રણ વર્ષમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. જેમાં 12 કલાકની સારવાર દરમિયાન દર્દી મૃત્યુ પામ્યા હતા."

આ સાથે જ ગામડાંમાં ડેન્ગ્યુનો પસારો થતા તેની ચિંતા પણ સ્વાસ્થ્ય અધિકારીઓમાં છે.

સિંહોને કારણે 400 ભેંસોનાં મોત

'બીબીસી વર્લ્ડ ન્યૂઝ'ના અહેવાલ અનુસાર સિંહોના કારણે બોટ્સવાના અને નામ્બિયાની સરહદ વચ્ચે આવેલી નદીમાં ડૂબવાથી મોટી સંખ્યામાં ભેંસોનાં મોત થયાં છે.

બોટ્સવાનાના અધિકારીઓ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે સિંહો દ્વારા ભેંસોના ટોળાનો પીછો કરાયો હતો.

ભયને કારણે ભેંસોમાં નાસભાગ મચી હતી જેમાંથી અમુક ભેંસો નદીમાં પડી અને તેમનાં મોત થયાં.

અધિકારીઓના અંદાજ પ્રમાણે લગભગ 400 ભેંસો આ ઘટનામાં મૃત્યુ પામી છે.

બીબીસી સાથેની વાતચીતમાં એક સ્થાનિકે જણાવ્યું કે તેમણે રાતના સમયે સિંહોની ગર્જના સાંભળી હતી. જ્યારે બીજા દિવસે સવારે તેઓ નદી તરફ ગયા તો ત્યાં મોટી સંખ્યામાં ભેંસોની લાશો તરતી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો