દુનિયાની સૌથી મોંઘી ચા ચાંદની રાતે જ કેમ ચૂંટવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
- લેેખક, કલ્પના પ્રોધન
- પદ, બીબીસી ટ્રાવેલ
હિમાલયનું કંચનજંગા દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ઊંચુ શિખર છે. એના ઢોળાવો પર સમુદ્રની સપાટીથી 2200 મીટરની ઊંચાઈ પર આવેલા છે કેટલાક પહાડો.
દાર્જિલિંગના આ પહાડોની સુંદરતા થોડીક ક્ષણો માટે તમારા શ્વાસ થંભાવી દેશે.
આ પહાડો પર વાઘ અને જંગલી હાથી એમની મસ્તીમાં ફરતા હોય છે. પહાડોના ઢોળાવો પર બૌદ્ધ મઠ છે.
દાર્જિલિંગ જે માટે વધારે પ્રચલિત છે તે છે ત્યાંના લીલાછમ ચાના બગીચા.
દાર્જિલિંગને ચાને કારણે દુનિયા તેને 'શૈમ્પેન ઑફ ટી' તરીકે ઓળખે છે.
દાર્જિલિંગમાં ચાના 87 બગીચા છે. દરેક બગીચામાં પોતાની એક અલગ પ્રકારની અજોડ ,આહ્લાદક સુગંધવાળી ચા તૈયાર કરવામાં આવે છે. દુનિયાભરમાં . દાર્જિલિંગ ટી જાણીતી છે.
જો તમે દાર્જિલિંગથી 33 કિલોમીટર દક્ષિણ તરફ આગળ જાવ તો તમને ત્યાં દુનિયાની સૌથી જૂની ચાની ફેક્ટરીમાંની એક જોવા મળી જશે.
અહીંયા તમને દુર્લભ પ્રકારનાં ચાનાં પાંદડાં અને કળીઓ જોવા મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાત્રે મશાલના અજવાળે ચૂંટાય છે ચાની કળીઓ

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
આને સિલ્વર ઇમ્પીરિયલના નામથી ઓળખવામાં આવે છે.
આ ચાની કળીઓને કેટલાક ખાસ લોકો જ તોડે છે જેમનો સંબંધ મકાઈબાડી ચાના બગીચા સાથે છે.
સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચાને પૂનમની રાતમાં જ તોડવામાં આવે છે.
રહસ્યની ચાદરમાં ઢંકાયેલી આ ચા કોઈ બીજી દુનિયાની જ ચીજ જણાય છે. જેટલું એનું રહસ્ય ગાઢ છે એટલી જ જબરદસ્ત છે એની કિંમત.
2014માં સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ 1,36,000 રુપિયા કિલો કરતાં પણ વધારે કિંમતે વેચાઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતમાં પેદા થનારી કોઈ પણ ચાનો અત્યાર સુધી સૌથી વધુ કિંમતે વેચાણનો આ રેકોર્ડ છે.
દુનિયાની સૌથી મોંઘી ચા એચલે કે સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલની કળીઓને વર્ષમાં કેટલાક ખાસ દિવસોએ પાંચથી છ વખત તોડવામાં આવે છે.
પૂનમની રાતમાં હાથમાં મશાલ લઈને મકાઈવાડી બગીચાના લોકો આ કળીઓને ચૂંટે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ચામાં ધરતીનો દરેક જાદૂ બ્રહ્માંડનું તમામ રહસ્ય અને માટીની સંપૂર્ણ તાકાતનો સમાવેશ થાય છે.
ચાંદની રાતોમાં બગીચાઓમાં હસતી ગાતી મજૂરોની ટોળી આ ચાની કળીઓ ચૂંટે છે. જાણે કે તે ચા નહીં પણ બ્રહ્માંડનું રહસ્ય ભેગું કરી રહી હોય.
સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલની આ ખાસ ચા પત્તીને પરોઢ પડતાં પહેલાં જ પેક કરી દેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે સૂર્યનાં કિરણો એના પર પડવાથી એની ચમક અને સુગંધ પર પ્રભાવ પડે છે.

ચા પાછળ ગાંડો છે બ્રિટનનો શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
મકાઈવાડી ચાના બગીચાના સંજયદાસ જણાવે છે કે દર વર્ષે સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચા માત્ર 50થી 100 કિલો વચ્ચે જ પેદા થતી હતી.
એને મોટેભાગે જાપાન , બ્રિટન અને અમેરિકાના ખરીદદારો ખરીદી લે છે.
સંજય દાસ જણાવે છે કે બ્રિટનનો શાહી પરિવાર આ ચા પાછળ ગાંડો છે.
દાર્જિલિંગના 87 બગીચાઓમાંથી દર વર્ષે લગભગ 85 લાખ કિલો ચા પેદા થાય છે. આને ઘણા પ્રકારમાં વેંચવામાં આવે છે.
સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચાની તોડવાની પ્રક્રિયા જોવા માટે દૂર દૂરથી લોકો દાર્જિલિંગમાં આવતા હોય છે.

પૂનમના દિવસે જ કેમ ચૂંટાય છે આ ચા

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
સંજય દાસ આ ચાને પૂનમના દિવસે જ તોડવાનું કારણ જણાવતા કહે છે કે સમુદ્રમાં જે વખતે ભરતી આવે છે તે ખૂબ શક્તિશાળી હોય છે.
આખા બ્રહ્માંડની શક્તિ ધરતી પર પ્રભાવ પાડે છે. આવા વખતે જે પણ ચીજ તૈયાર કરવામાં આવે છે તે ખૂબ શક્તિશાળી હોય છે.
સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલની સુગંધ તો અદ્ભૂત છે જ પણ એની બીજી પણ કેટલીક ખાસિયત છે. આ એન્ટી-એજિંગ છે.
આ ડિટૉક્સ કરે છે અને પીનારાઓને આરામની અનુભૂતિ પણ કરાવે છે.


મકાઈવાડી ચાના બગીચા દાર્જિલિંગના સૌથી જૂની ટી એસ્ટેટ છે. જેની સ્થાપના 1859માં થઈ હતી.
આ દુનિયાનું સૌથી પહેલું બાયોડાયનેમિક ટી ફાર્મ છે.
જ્યાં બાકીના ચાના બગીચા માટી અને છોડની મદદથી ઉમદા ચા પેદા કરે છે ત્યાં મકાઈવાડી એની સ્વર્ગ સમાન માવજત કરે છે.
મકાઈવાડીમાં ધરતી અને બ્રહ્માંડના બીજા ગ્રહોની ગતિ અનુસાર ચાને ઉછેરવામાં આવે છે.
આ કામ માર્ચ અને ઑક્ટોબર વચ્ચે કરવામાં આવે છે.

વૈદિક મંત્રનો જપ

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
માર્ચમાં આવતી પૂનમના રોજ આની શરૂઆત કરવામાં આવે છે.
એમ માનવામાં આવે છે કે જ્યારે ભરતી આવે છે ત્યારે છોડમાં પાણીની માત્રા ઘટી જાય છે.
મકાઈવાડીના લોકો માને છે કે હવામાં એ વખતે ઑક્સીજનની માત્રા વધારે હોય છે.
આ સમયે વાતાવરણમાં ઊર્જા વધુ હોય છે. આ જ કારણે નરમ અને ચીકણી ચાની પત્તીઓ તૈયાર થાય છે.
જ્યારે સૂરજ ડૂબવાનો હોય ત્યારે ચાના બગીચામાં મજૂરો એક ખાસ આયોજનની તૈયારી કરે છે.
આ આયોજન ધાર્મિક પણ છે અને મનોરંજનનું સાધન પણ.
આખી ઋતુમાં સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચાની પત્તી માત્ર ચારથી પાંચ વખત જ તોડવામાં આવે છે.
દરેક પાક પહેલાં મકાઈવાડીમાં સેંકડો કાર્યકર્તા સજીધજીને બગીચામાં પહોંચે છે ,નાચે છે, ગીતો ગાય છે.
સારી ખેતી અને તેના રક્ષણ માટે વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવે છે.
આ આયોજનને જોવા માટે ભેગા થયેલાં લોકોના હાથોમાં મશાલ હોય છે.
મશાલોનો હેતુ ખરાબ આત્માઓ માટેનો જ નહીં આસપાસના જંગલી જાનવરોને ભગાડવા માટેનો પણ હોય છે.
રાત્રે આઠ વાગ્યા બાદ પૂનમનો ચંદ્ર પૂર્ણ રીતે ચમકતો હોય છે, ત્યારે કુશળ કારીગરો આ ચાની પત્તી તોડી લે છે.

સૂરજની રોશનીનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
એમ માનવામાં આવે છે કે જો આ ચાની પત્તી પર સૂર્યનો પ્રકાશ પડે તો તેનાં સ્વાદ, રંગ અને રૂપ બગડી જાય છે.
એટલે મજૂરોનો એ જ પ્રયાસ રહેતો હોય છે કે પરોઢ પહેલાં બની શકે તેટલાં વધારે ચાનાં પાંદડાં અને કળીઓ તોડી લેવામાં આવે.
ત્યારબાદ એના પર પ્રોસેસ કરવામાં આવે છે. આ કામ સવાર પડતાં પહેલાં પૂરૂં કરી લેવામાં આવે છે.
50 કિલો સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચા તૈયાર કરવા માટે 200 કિલો તાજાં પાંદડાં ભેગાં કરવામાં આવે છે. મજૂરો એના કરતાં વધારે પાંદડાં તોડતા નથી.
ખરીદનારા મોટેભાગે માર્ચ અને મે દરમિયાન તોડવામાં આવેલાં પાંદડાંની જ સૌથી વધારે કિંમત આપે છે.
કહેવામાં આવે છે કે આ વખતે તોડેલી ચામાં સૌથી વધુ ચમક અને સુગંધ હોય છે.


આટલી ઓછી માત્રામાં હોવાને કારણે એની કિંમત વધારે હોય છે.
જોકે, એના જાદૂઈ સ્વાદ અને બ્રહ્માંડ સાથેનું જોડાણ ખોળવું અઘરું કામ છે.
મકાઈવાડીના મેનેજર સંજયદાસ જણાવે છે, ''પાંદડાંને સંપૂર્ણ રીતે કિણ્વિક કરવામાં નથી આવતાં, અડધાં તૈયાર પાંદડાં અને કેરીની સુગંધ તેમજ ફૂલનો રસ ભેળવી આ ચા તૈયાર કરવામાં આવે છે."
"આછા સોનેરી રંગની ચા જ્યારે કોઈ પીવે છે ત્યારે એકદમ નવી તાજગીનો અનુભવ થાય છે.''

મહારાણી એલિઝાબેથને ભેટ

ઇમેજ સ્રોત, Kalpana Prodhan
હાલમાં જ પીએમ મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથને આ ચાનું પેકેટ ભેટમાં આપ્યું હતું.
સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચાને 2014 ના ફૂટબૉલ વર્લ્ડ કપ વખતે પણ વેચવામાં આવી હતી.
આ ચા તૈયાર થતાં જ બ્રિટન, અમેરિકા અને જાપાનના ખરીદદારો લઈ જતા હોય છે.
આમ તો દાર્જિલિંગના ઘણા ચાના બગીચામાં સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ચા તૈયાર કરવામાં આવે છે પણ મકાઈવાડીમાં જ આને પૂનમની રાતમાં તોડવામાં આવે છે.
મકાઈવાડીનો ચાનો બગીચો એ ગણ્યા ગાંઠ્યા ચા એસ્ટેટોમાંથી એક છે. જે ક્યારેય પણ અંગ્રેજોના તાબામાં રહ્યું નથી.
આને 159 વર્ષ પહેલાં જી. સી. બેનર્જી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે આ બગીચાનું સંચાલન રાજા બેનર્જી કરે છે.
રાજા બેનર્જી જણાવે છે, ''આપણી પાસે વિકાસનાં એવાં તમામ સાધનો હાજર છે કે જે ધરતીની આબોહવાને નુકસાન પહોંચાડતાં નથી.''
જ્યારે ઓગણીસમા સદીની શરૂઆતમાં અંગ્રેજોએ દાર્જિલિંગને પહાડી રિઝોર્ટ તરીકે વિકસાવ્યું અને ચાના બગીચા બનાવ્યા ત્યારે તેમણે આ પહાડોને રાણીનું નામ આપ્યું હતું.

લોકોની હાલત ખરાબ
દુનિયાની સૌથી ઉત્તમ ચા પેદા કરનારા આ વિસ્તારના લોકોની હાલત ઘણી ખરાબ છે.
ખાસ કરીને મકાઈવાડી બગીચાની આસપાસ ગુરબતનું રહેઠાણ છે.
મકાઈવાડી બગીચાના ઢોળાવો કપરા છે, વરસાદની ઋતુમાં માટી ધોવાઈ જાય છે.
આજે આ બાગના માત્ર 33 ટકા ભાગ પર જ ખેતી થાય છે. બાકીના ભાગોમાં વૃક્ષો રોપી દેવામાં આવે છે.
159 વર્ષ સુધી એક જ પરિવાર પાસે રહેવાને કારણે મકાઈવાડી બગીચા અને તેની ચા, એક નવા સફરની તૈયારી કરી રહ્યા છે.
આ જ વર્ષે રાજા બેનર્જીએ જાહેરાત કરી છે કે 47 વર્ષના કાર્યકાળ બાદ તે કંપનીના ચેરમેનનું પદ છોડી દેશે.
ત્યારબાદ તેઓ એના શેર કામ કરનારા 600 લોકોમાં વહેંચી દેશે.
મકાઈવાડીને સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલના રહસ્યો છતાં કરવામાં ઘણાં વર્ષો ગુજરી ગયાં હતાં.
હવે આની સુગંધને દુનિયા સુધી પહોંચાડનારા જ એના માલિક હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












