6 વર્ષની વયે સ્કૂલમાંથી ભાગી ગયો, 9 વર્ષે 'ગૂગલની મદદ'થી કેવી રીતે મળ્યો?

    • લેેખક, નિકિતા મંધાણી
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

દેશમાં દર વર્ષે ઘણાં બાળકો લાપતા થતાં હોય છે. હસન પણ તેમાથી જ એક છે. માત્ર છ વર્ષની ઉંમરે તે પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો હતો.

હસન ઘર છોડીને ભાગી ગયો હતો. પરંતુ નવ વર્ષ બાદ તે આખરે પોતાના માતાપિતાને મળ્યો.

જોકે, પરિવાર સાથે થયેલા તેના મેળાપની વાત પણ ઘણી રસપ્રદ છે.

બન્યું એવું કે 15 વર્ષીય હસન અલી દિલ્હીમાં એક પાર્કમાં પ્રવાસે આવ્યો હતો. અને એકાએક એક ગલી પાસેથી બસ પસાર થતાં તેના મગજમાં જૂના દૃશ્યો તાજા થઈ ગયાં.

વિવિધ બાળગૃહનાં 50 બાળકોને પ્રવાસ માટે લઈને આવેલી આ બસમાં હસન પણ સામેલ હતો.

પરિવારને શોધવાની કોશિશ

હસન એક દાયકા પહેલાં ભાગી ગયો હતો અને છેલ્લા ઘણા સમયથી તે પરિવારને શોધવાની કોશિશમાં હતો.

પરંતુ તેને ખાસ કંઈ યાદ નહોતું આવતું કે તે ક્યાં રહેતો હતો.

પરંતુ પ્રવાસ દરમિયાન જ્યારે બસ એક ગલી પાસેથી પસાર થઈ ત્યારે તેને એકાએક કંઈક યાદ આવ્યું.

હિંદુ મંદિરો ધરાવતી એ ગલી તેને જાણીતી લાગી.

તે એકદમ ચૂપ થઈ ગયો અને જ્યારે તેની બસ એક ઇસ્લામિક પુસ્તકની દુકાન પાસેથી પસાર થઈ તે ઉત્સાહમાં આવી ગયો.

તેને ખૂબ જ મિશ્ર લાગણીઓ અનુભવાઈ અને તેને માનવામાં નહોતું આવતું કે તે જે વિચારી રહ્યો છે તે સાચું છે.

ત્યાર બાદ તેણે તેના મિત્ર માઇકલના કાનમાં એક વાત કહી.

તેણે ધીમેથી કહ્યું, "હું આ જ સ્થળેથી ઘર છોડીને ભાગી ગયો હતો. અહીં જ મારી મદરેસા હતી."

જ્યારે ઘર છોડી દીધું...

હસન છ વર્ષનો હતો ત્યારે સ્કૂલમાંથી ભાગી ગયો હતો.

તે કહે છે કે તેના માતાપિતા તેને મદરેસામાં જવા માટે તેનાં પર દબાણ કરતા હતા.

આથી તે ભાગી ગયો અને ભાગવાનું ચાલુ જ રાખ્યું. કેમ કે તેને ડર હતો કે સ્કૂલના લોકો તેને પકડી લેશે.

જ્યારે તેનાં માતાપિતાને ખબર પડી કે તેમનું બાળક લાપતા છે, ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

તેમના પિતા સલીમ અલી મજૂરી કરે છે. તેમણે આ વિશે કહ્યું,"અમે સાત દિવસ પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા હતા."

સલીમ અલીએ કહ્યું કે પોલીસે આસપાસમાં કેટલાક દિવસો સુધી તેમના દીકરાની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન મળ્યો.

જ્યારે હસનને બાળગૃહમાં મોકલી દેવાયો

હસન દિલ્હીની સરહદ પાર કરીને ગુરુગ્રામ પહોંચી ગયો હતો. ત્યાંથી તે પાડોશી રાજ્ય હરિયાણામાં પહોંચી ગયો હતો.

એ વખતે એક પોલીસકર્મીએ તેને એકલો ફરતો જોયો હતો અને તેને પૂછ્યું હતું કે તેના માતાપિતા ક્યાં છે?

હસને તેમને કહ્યું હતું કે તે મદરેસામાંથી ભાગીને આવ્યો છે.

વળી તેણે માતાપિતાના નામ સલીમ અલી અને હમિદા છે એવું પણ કહ્યું.

પરંતુ તેને મદરેસા ક્યાં છે અને માબાપ ક્યાં રહે છે તેના વિશે ખબર નહોતી.

વધુ માહિતી ન હોવાના કારણે પોલીસ તેના પરિવારને શોધી શકી નહીં.

આથી બીજા દિવસે હસનને બાળગૃહમાં મોકલી દેવાયો.

સ્મરણો

હસન ઘર છોડીને ભાગ્યા બાદ તેનાં બાળગૃહના દિવસો યાદ કરતા કહે છે, "હું બાળગૃહમાં જ્યારે પણ કોઈ વડીલને પૂછતો કે મારી માતા ક્યાં છે? ત્યારે તેઓ કોઈપણ મહિલા સામે આંગળી બતાવીને કહેતા કે તેઓ મારા માતા છે. મને આ વાતનું દુખ થતું હતું."

જોકે, 12 વર્ષની ઉંમરે હસનને એક અન્ય બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યો. આ ગૃહ ગોવામાં હતું.

પરંતુ માત્ર એક મહિનામાં હસન તેના બે મિત્રો સાથે ત્યાંથી ફરીથી ભાગી ગયો.

કેમ કે તેનું કહેવું છે કે કથિતરૂપે એક કર્મચારી દ્વારા ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવતી હતી.

દરમિયાન પોલીસે કેટલાક મહિનાઓ પછી તેમને શોધી કાઢ્યા અને હસનને ફરીથી ગુરુગ્રામ બાળગૃહમાં પરત મોકલી દેવાયો.

'પરિવારને શોધવાની આશા છોડી દીધી હતી'

છેલ્લાં નવ વર્ષમાં હસનને ત્રણ બાળગૃહમાં રાખવામાં આવ્યો હતો. તેને ત્યાંનું ભોજન ભાવતું નહોતું પણ એક બાળગૃહ એવું હતું જ્યાં તેને રહેવાનું ફાવી ગયું.

ત્યાં એક મહિલા કૅરટેકર તેને પોતાના દીકારની જેમ રાખતાં હતાં. તે કલાકો સુધી તેના જેવાં અન્ય બાળકો સાથે ત્યાં રમતો રહેતો.

આ જૂની યાદોને વાગોળતા હસન કહે છે, "આ બધું થઈ રહ્યું હતું ત્યારે મેં મારા પરિવારને શોધવાની આશા છોડી દીધી હતી. હું ખૂબ જ દૂર નીકળી આવ્યો હતો."

પરંતુ જુલાઈની ગરમીના દિવસોમાં 22મી તારીખે આ બધા દૃશ્યો એકાએક તેની આંખો સામે તરવરવા લાગ્યાં હતાં.

વર્ષ 2009માં એ જે ગલીમાંથી ભાગી ગયો હતો તેને તેણે ઓળખી લીધી.

હસને તેના ચાઇલ્ડ કૅર ઑફિસર આશિક અલીને એ ગલી બતાવતા કહ્યું કે એ જગ્યાએ તેની મદરેસા હતી.

હસન અને તેના બે મિત્રો પાર્કમાંથી પરત ફરતી વખતે એ પુસ્તકની દુકાન પાસે બસમાંથી ઉતર્યા હતા.

સાંજે આઠ વાગ્યે તેઓ એ ગલીમાં ગયા હતા. આશિક અલીએ આ વિશે વધુમાં જણાવ્યું,"એ વિસ્તારમાં મદરેસા અંગે મેં ગૂગલમાં સર્ચ કર્યું હતું."

ફ્લૅશબૅક

હસને કહ્યું કે જેવો તે ગલીમાં પ્રવેશ્યો ત્યારે જૂનાં સ્મરણો ફ્લૅશબૅક થવાં લાગ્યાં. તે તેના મિત્રોને ત્યાં મદરેસા પાસે લઈ ગયો અને બાજુના મેદાન તથા મસ્જિદ પણ બતાવી.

વર્ષો પહેલાં એ વિસ્તાર કેવો હતો એની વાત તેણે પોતાના મિત્રોને કરી.

દરમિયાન મદરેસાના એક શિક્ષકે હસનને ઓળખી લીધો અને તેના દાદાને જાણ કરી.

તેઓ હસનનો અવાજ સાંભળીને ખુશ થઈ ગયા હતા.

આ પ્રસંગ વિશે વધુ જણાવતા આશિક અલીએ કહ્યું કે હસનના દાદાએ હસનનાં કાકીનો સંપર્ક કરવા જણાવ્યું હતું, કેમ કે તેઓ હસનનાં માતાપિતા સાથે અણબનાવને કારણે વાતચીત નહોતા કરતા.

જોકે, અલી ઇચ્છતા હતા કે જ્યાં સુધી હસનનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ શોધખોળ સ્થગિત કરવામાં આવે. આથી તેમણે આ શોધખોળ પર ત્યારે પૂર્ણવિરામ મૂકી દીધો.

ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં 17મી તારીખે તેઓ ફરીથી એ સ્થળની મુલાકાતે આવ્યા અને આસપાસમાં હસનનાં કાકીનું ઘર શોધી કાઢ્યું.

જ્યારે તેઓ હસનના કાકીને મળ્યાં ત્યારે તેમની પ્રતિક્રિયા વર્ણવતા અલી કહે છે, "હસનનાં કાકીને વિશ્વાસ નહોતો થતો કે હસન તેમની સમક્ષ છે."

પરિવારની શોધ

હસનનાં કાકીએ તરત જ તેની માતાને ફોન કર્યો અને આશિક અલીએ તેમને કહ્યું કે તેમનો વર્ષો પહેલાં ગુમ થયેલો દીકરો મળી ગયો છે.

અલીએ આ પ્રસંગને ટાંકતા કહ્યું, "હસનનાં માતા એકદમ અવાક રહી ગયાં હતાં. મેં ફરીથી એ જ વાક્ય ઉચ્ચાર્યું અને ફોન હસનને આપી દીધો."

"હસનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હતો. પરિવાર સાથે વાત કરતા-કરતા તેની આંખોમાં આંસુ આવી ગયા હતા."

આખરે તેનો પરિવાર તેને ગુરુગ્રામનાં બાળગૃહમાં મળવા આવ્યો અને તે પરિવારને વર્ષો બાદ મળ્યો.

તેનો પરિવાર તેની ભેટીને ખૂબ રડ્યો. 15 મિનિટ માટે તમામ લોકો એકદમ ચૂપ થઈ ગયા હતા.

આ વાતને યાદ કરતા હસન કહે છે, "મને એ સમયે ખૂબ જ પ્રેમ અનુભવાયો અને સુરક્ષા પણ અનુભવાઈ."

બીજા દિવસે તે ઘરે ગયો ત્યારે તેનાં માતાએ તેને ભાવતું મરઘીનું શાક બનાવ્યું હતું.

તેના પિતાએ તેને મોટરબાઇક ખરીદી આપવાનું કહ્યું અને તની બહેને તેને એક મોબાઇલ ફોન ખરીદી આપવાની પણ વાત કરી.

તદુપરાંત નવ વર્ષો દરમિયાન હસનના પરિવારમાં પાંચ સભ્યોના મોત થયાં હતાં.

જેમાં તેના પિતરાઈ ભાઈ-બહેન અને એક સગી મોટી બહેન પણ સામેલ હતાં.

હસનના પિતા સલીમે કહ્યું, "અમારી દીકરીનો મૃત્યુદેહ અમે જોયો ત્યારે મને ખબર હતી કે તે હવે પાછી નહીં આવે. પણ હસન વિશે આશા હતી કે તે તે મળી જશે. કેમ કે માબાપ ક્યારેય આવી આશા ગુમાવતાં નથી."

સ્કૂલનું વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી હસન બાળગૃહમાં જ રહેશે.

પાંચ મહિના માટે તેને પોતાનાથી દૂર રાખવાની બાબત વિચારી તેમનાં માતા ચિંતાતુર થઈ ગયાં.

પરંતુ આશિક અલી સાથેની વાતચીત બાદ હસનના પિતા માની ગયા કે આ બાબત હસનના હિતમાં છે.

છેલ્લે હસન કહે છે, "બાળગૃહ છોડીને હંમેશાં માટે ઘરે પરત જઈશ ત્યારે મારા મિત્રોની મને યાદ આવશે. પણ હવે હું ઘરે જવા માગુ છું."

"ઘણાં વર્ષો પસાર થઈ ગયા હવે હું ઘરે જવા સિવાય અન્ય કોઈ વાત વિશે વિચારી શકતો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો