BBC TOP NEWS : હુમલાના ભય વચ્ચે 50,000થી વધુ પરપ્રાંતીયોનું પલાયન

'અમદાવાદ મિરર' ના અહેવાલ મુજબ રાજ્યમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓના કારણે અત્યાર સુધીમાં 50,000થી વધુ પરપ્રાંતીયો પલાયન કરી ગયા છે.

અખબાર નોંધે છે કે હિંમતનગરના ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર બળાત્કાર બાદ રાજ્યમાં પરપ્રાંતીય મજૂરો પર શરૂ થયેલા હુમલા સતત આઠમા દિવસે પણ ચાલુ રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉત્તર ભારતીય કામદારો સાથે જોડાયેલી સંસ્થા ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ શ્યામસિંહ ઠાકુરે 'અમદાવાદ મિરર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે 'હેલ્પ લાઇન' શરૂ કરી છે.

પ્રથમ દિવસે જ મદદ માટેના 700 ફોન આવ્યા હોવાનું પણ ઠાકુરે જણાવ્યું છે.

તેમના મતે અત્યાર સુધીમાં યુપી-બિહારના 50,000થી વધુ લોકો હુમલાની બીકે ગુજરાત છોડી ચાલ્યા ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા પરપ્રાંતીયો પર હુમલો કરવાના ગુનામાં 56 ફરિયાદો નોંધીને 431 વ્યક્તિઓની ધકપકડ કરાઈ છે.

કાશ્મીરમાં માત્ર 8 ટકા મતદાન

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ 13 વર્ષ બાદ યોજાયેલી જમ્મુ-કાશ્મીરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં કાશ્મીરની ખીણમાં માત્ર 8 ટકા મતદાન થયું જ છે.

કાશ્મીરની ખીણમાં 149 વૉર્ડ પૈકીના 92 વૉર્ડમાં એક પણ મત પડ્યો નહોતો.

જ્યારે 23 વૉર્ડમાં એક પણ ઉમેદવારે ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી નહોતી.

જ્યારે જમ્મુમાં 70 ટકા મતદાન થયું હતું. મહત્ત્વપૂર્ણ છે કે ચાર તબક્કામાં યોજાનાર ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન સોમવારે 8મી ઑક્ટોબરે યોજાયું હતું.

ડીઆરડીઓના વૈજ્ઞાનિક પર જાસૂસીનો આરોપ

'બીબીસી હિંદી સેવા'ના અહેવાલ મુજબ નાગપુરમાં 'ડિફેન્સ રિસર્ચ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)'માં બ્રહ્મોસ મિસાઇલ યુનિટના પ્રોજેક્ટમાં કામ કરી રહેલા યુવા વૈજ્ઞાનિક નિશાંત અગ્રવાલને સોમવારે કથિતરીતે જાસૂસીના આરોપ સબબ ઝડપી લેવાયા છે.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસની દેખરેખમાં થયેલી કાર્યવાહીમાં તેમની ઘરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ એટીએસના વડા અસીમ અરુણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંગળવાર સુઘી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી નિશાંતને લખનૌ લાવવામાં આવશે.

આ કેસમાં વૈજ્ઞાનિક નિશાંત અગ્રવાલે વ્યક્તિગતરીતે સાચવી રાખેલી ગોપનીય માહિતી આઇએસઆઇને આપી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

ભારતને જૂડોમાં ઓલિમ્પિક્સનો પ્રથમ મેડલ

'ઇન્ડિયા ટૂડે' ના અહેવાલ મુજબ આર્જેન્ટિનામાં રમાઈ રહેલા યૂથ ઑલિમ્પિક્સમાં મણીપુરના તબાબી દેવીએ દેશને જૂડોમાં ઑલિમ્પિક્સનો પ્રથમ મેડલ અપાવ્યો છે.

તબાબી દેવીનો જૂડોની મહિલાઓની 44 કિલો કૅટેગરીની ફાઇનલમાં વેનેઝુએલાની મારિયા ગિમિનેઝ સામે પરાજય થયો હોવાં છતાં સિલ્વરના હકદાર બન્યાં હતાં.

અગાઉ ભારતના કોઈ પણ ખેલાડીએ ઑલિમ્પિક્સ સ્તરની સ્પર્ધામાં કોઈ પણ પ્રકારનો મેડલ જીત્યો નહોતો.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 16 વર્ષની ઉંમરના મણીપુરના આ ખેલાડીનાં માતા માછલી વેચે છે જ્યારે પિતા છૂટક કામદાર છે.

ગૂગલ પ્લસના પાંચ લાખ યૂઝર્સના ડેટા લીક થયો હોવાની ભીતિ

'લાઇવ મિન્ટ'ના અહેવાલ મુજબ પાંચ લાખ યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ભીતિના પગલે ગૂગલ દ્વારા પોતાની 'ગૂગલ પ્લસ' સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ કંપની દ્વારા સોમવારે એક બ્લૉગમાં જણાવ્યું હતું કે કંપનીને આ વર્ષે માર્ચમાં ડેટા લીક થવાની માહિતી મળી હતી.

ગૂગલે વધુમાં જણાવ્યું હતું કે આ ડેટાનો દુરઉપયોગ થયો છે કે નહીં તેના વિશે જાણી શકાયું નથી.

આ ઘટનાના પગલે ગૂગલ પ્લસની પૅરન્ટ કંપની આલ્ફાબૅટના શૅરમાં 1.5 ટકાનો કડાકો બોલ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો