શું કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટની ચેનલોમાં વધારો થઈ રહ્યો છે?

    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કથિત 'ઇસ્લામિક સ્ટેટ' (IS) કાશ્મીરમાં પગપેસારો કરી રહ્યું હોવાના સંકેત મળ્યા છે.

IS સાથે સંબંધિત કેટલાંક ઑનલાઇન અકાઉન્ટ્સ પરથી 'કાશ્મીરમાં મુજાહિદ્દીનો'ના સંગઠન પ્રત્યે વફાદારી પ્રગટ કરતાં કેટલાક વીડિયો શૅર કરવામાં આવ્યા છે.

13 મિનિટ 46 સેકન્ડનો એક વીડિયો 25 ડિસેમ્બરના રોજ ISના નાશિર ન્યૂઝ નેટવર્ક તરફથી મેસેજિંગ એપ્લીકેશન ટેલિગ્રામ પર 'વિલાયત કાશ્મીર' હેશટૅગ સાથે મોકલવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં અબુ-અલ-બારા અલ-કાશ્મીરી નામની એક વ્યક્તિ ઉર્દુ બોલતા નજરે પડી હતી.

વીડિયોમાં અંગ્રેજી સબ ટાઇટલ પણ છે, જેમાં આ વ્યક્તિ અબુ બકર અલ બગદાદી પ્રત્યે નિષ્ઠા દર્શાવતા સોગંદ લે છે અને બીજા ઉગ્રવાદી સંગઠનોને પણ આમ કરવા અપીલ કરે છે.

'અલ કાશ્મીરી'એ હાલ જ 'અલ કાયદા' સાથે જોડાયેલા એક જેહાદી સંગઠન બનાવવાની વાત કરી હતી.

બીજી તરફ 'અંસાર ગજાવત ઉલ હિંદ'નું નેતૃત્વ ઝાકીર મુસા કરી રહ્યો છે અને તે ખલીફામાં સામેલ થવા માટે લોકોને આમંત્રિત કરી રહ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

પાકિસ્તાનના ISIની નિંદા

વીડિયોમાં મુખોટો પહેરેલી વ્યક્તિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને જેહાદી હોવાનો દાવો કરતા સ્થાનિક ઉગ્રવાદી સંગઠનોની નિંદા કરે છે.

આ વ્યક્તિ એક સંગઠન નામે 'હિજ્બ-લશ્કર-જૈશ- તહરીક'ને નકલી સંગઠન ગણાવે છે.

વીડિયોના અંતે મુખોટો પહેરેલા લોકોનું સંગઠન ગલીઓમાં ઇસ્લામિક સ્ટેટના ઝંડા અને અબુ બકર અલ બગદાદી માટે સમર્પણના સુત્રોચ્ચાર કરતા જોવા મળે છે.

આ વીડિયોમાં નિદા હક અને અલ કરાર મીડિયાનો લોગો જોવા મળે છે.

અલ કરાર કાશ્મીર કેન્દ્રીત મીડિયા સંસ્થા છે, જે કાશ્મીરમાં ઇસ્લામિક ખલિફાના પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે.

હાલના દિવસોમાં આ સંગઠને ભારતમાં ટેલિગ્રામના માધ્યમથી હુમલો કરવાની ધમકીઓ આપી છે.

છેલ્લા કેટલાક મહિનામાં કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટના સમર્થનવાળા માધ્યમોની સંખ્યામાં વધારો થયો છે.

તેમાં કાશ્મીરમાં ISના સમર્થકોના વધવાની પણ આશંકા છે.

'કાશ્મીરમાં લડાકુઓની ભરતી'

જૂન મહિનામાં ઇસ્લામિક સ્ટેટમાં કાશ્મીરમાં લડાકુઓની ભરતી કરવા માટે એક લેખ પ્રકાશિત થયો હતો.

તેના એક મહિના બાદ એક IS સમર્થક અને પોતાને 'અંસારુલ ખિલાફહ જમ્મુ કાશ્મીર' તરીકે ઓળખ આપતું એક નાનું સંગઠન સામે આવ્યું હતું.

આ સંગઠને કાશ્મીરમાં IS સમર્થકોને એક સાથે આવવા અને જંગ માટે તૈયાર થવાની અપીલ કરી હતી.

આ જ મહિને અલ કાયદા સાથે સંબંધિત 'અંસાર ગઝાવત ઉલ હિંદ' નામનું નવું સંગઠન પણ સામે આવ્યું છે.

નવેમ્બર મહિનામાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં થયેલા હુમલાની ISએ જવાબદારી સ્વીકારી હતી.

IS તેને કમાન્ડો ઓપરેશન કહે છે, જેમાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું અને એક અધિકારી ઘાયલ થયા હતા.

ઇસ્લામિક સ્ટેટે વર્ષ 2015થી નવી શાખાનું એલાન નથી કર્યું. ભૂતકાળમાં ઇસ્લામિક સ્ટેટ ખાસ જાહેરાત માટે ખાસ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરતા જોવા મળ્યું છે.

આ પ્રક્રિયા કંઈક એવી જ છે, જેવી કાશ્મીરમાં ફેલાવવામાં આવતા વીડિયો વ્યક્ત કરે છે. કોઈ ખાસ ક્ષેત્રમાંથી IS અને નેતા પ્રત્યે સમર્પણ સંકલ્પ લેવામાં આવે છે.

આઈએસ સમર્થક લડાકુઓમાંથી તેમના પ્રતિનિધિની પસંદગીનું એલાન કરવામાં આવે છે. ત્યારબાદ જ આઈએસની નવી શાખાનું એલાન કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો