ભાજપ શા માટે વિજય રૂપાણી પર ભરોસો કરી રહ્યો છે?

વિજય રૂપાણી મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ શાસિત 18 રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લેશે.

આ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સરકાર બનાવવામાં તો સફળ રહ્યો, પરંતુ ગત ચૂંટણી કરતાં આ વખતે બેઠકોમાં નુકસાન થયું છે.

એવી અટકળો હતી કે, ભાજપ આ વખતે ગુજરાતમાં રૂપાણીને બદલે અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ એમ થયું નથી.

માત્ર 99 બેઠકો જ મળવા છતાં ભાજપના મોવડી મંડળે રૂપાણી પર વિશ્વાસ મૂક્યો છે. એનું શું કારણ છે?

તમને આ વાંચવુ પણ ગમશે:

એ જાણવા માટે બીબીસીના સંવાદદાતા આદર્શ રાઠૌરે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે વાતચીત કરી. જાણીએ તેમનો દૃષ્ટિકોણ

પાંચ બાબતો રહી રૂપાણીની તરફેણમાં

  • ભાજપનું મોવડી મંડળ એમ માને છે કે વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને 49.1 ટકા મતો મળ્યા છે, જે ગત ચૂંટણીની સરખામણીએ 1.25 ટકા વધુ છે.
  • બીજુ કારણ એ છે કે, ચૂંટણી પહેલાં જ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે, આ ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાય છે, એટલે તેમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
  • ત્રીજુ કારણ એ છે કે ચૂંટણીના પરિણામ બાદ ભાજપ માનતો હતો કે રૂપાણીને મુખ્યમંત્રી પદ નહી અપાય તો. મતદારોમાં એ સંદેશો જશે કે ભાજપને ગુજરાતમાં આંચકો લાગ્યો છે.
  • ચોથું કારણ એ હતું કે જો રૂપાણીને હટાવીને ભાજપ જ્ઞાતિના સમીકરણોને અનુસરીને પાટીદાર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવે તો બિન-પાટીદાર સમાજ નારાજ થી જાય. ઓબીસીના મુખ્યમંત્રી બનાવવાથી દલિત અને પાટીદાર નારાજ થઈ શકે તેમ હતું. આથી વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સુધી વિજય રૂપાણી જ મુખ્યમંત્રી રહે અને નેતૃત્વના ચહેરામાં કોઈ ફેરફાર ન થાય.
  • પાંચમુ કારણ એ છે કે વિજય રૂપાણી ધીર-ગંભીર વ્યક્તિત્વ ધરાવે છે અને તે સર્વસ્વીકૃત નેતા છે. આ જ કારણોસર તેમને મુખ્યમંત્રી પદે અને નીતિન પટેલને ઉપ મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.

‘રૂપાણી જરૂરી નીતિન પટેલ મજબૂરી’

જ્યારે આનંદીબેન પટેલને હટાવીને જૈન વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પટેલ સમાજ નારાજ ન થાય એટલા માટે નીતિન પટેલને ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ભાજપની આ માન્યતા હજી પણ પ્રસ્તુત છે, કારણ કે જો એમને હટાવી લેવામાં આવતા તો એવો સંદેશો ગયો હોત કે ભાજપે પાટીદારોથી મોઢું ફેરવી લીધું છે.

એટલે જો રૂપાણીને મુખ્યમંત્રી રાખવા ભાજપની જરૂરિયાત હતી, તો તેમની સાથે નીતિન પટેલને પણ ઉપ મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવા એ ભાજપની મજબૂરી હતી.

કોણ છે નવા મંત્રીમંડળમાં

મુખ્યમંત્રી: વિજય રૂપાણી

કેબિનેટ કક્ષાના મંત્રીઓ

  • નીતિન પટેલ
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા
  • આર.સી. ફળદુ
  • કૌશિક પટેલ
  • સૌરભ પટેલ
  • ગણપત વસાવા
  • જયેશ રાદડિયા
  • દિલીપ ઠાકોર
  • ઇશ્વર પરમાર

રાજ્યકક્ષાના મંત્રીઓ

  • પ્રદિપસિંહ જાડેજા
  • પરબત પટેલ
  • જયદ્રથસિંહ પરમાર
  • રમણ પાટકર
  • પરસોત્તમ સોલંકી
  • ઇશ્વર પટેલ
  • વાસણભાઈ આહિર
  • કિશોર કાનાણી (કુમાર)
  • બચુભાઈ ખાબડ
  • વિભાવરી દવે

શું આ રીતે પાટીદારો સચવાઈ જશે?

પાટીદારો ભાજપથી વિમુખ થઈ ગયા છે. એ જ કારણથી આ વખતે ભાજપને સાત જિલ્લામાં એક પણ બેઠક નથી મળી.

નવ જિલ્લામાં માત્ર એક જ બેઠક મળી છે. આથી વડાપ્રધાને ભાજપના કાર્યાલયમાં જઈને એમ કહ્યું હતું કે, સમાજનો જે વર્ગ આપણાથી નારાજ છે, તેને મનાવવાની કોશિશ કરવી જોઈએ.

આથી મંગળવારના શપથ ગ્રહણના સમારંભમાં 18 રાજ્યોના મુખ્યમંત્રી અહીં આવી રહ્યા છે તો પાટીદાર સમાજના છ નેતાઓને પણ આ સમારંભ સાથ જોડવામાં આવ્યા છે.

જેથી એ સંદેશ આપી શકાય કે ભાજપ પાટીદાર સમાજને પોતાની સાથે રાખવા માંગે છે.

શું આવતા વર્ષે બદલાશે મુખ્યમંત્રી?

ગુજરાતમાં આવતા માર્ચ અને મે મહિના દરમિયાન રાજ્યસભાની ચૂંટણી થશે. તેમાં અરુણ જેટલી, પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ગુજરાતથી ચૂંટાઈને ગયા છે અને એમની બેઠકો ખાલી થઈ શકે છે.

શક્યતા એ છે કે મનસુખ માંડવિયાને વડાપ્રધાનના વિશ્વાસુ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રનો શક્તિશાળી લેઉઆ પટેલ સમાજ ભાજપથી વિમુખ થઈ ગયો છે, તો એ સંજોગોમાં તેમને લાવવામાં આવી શકે છે.

પરશોત્તમ રૂપાલાની છબી સાફ છે અને તે સારા વક્તા પણ છે. આ બન્નેમાંથી કોઈ એકને ભાજપના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવી શકે છે. એ બાબત અનિશ્ચિત છે કે જો આ બન્નેમાંથી કોઈને રાજ્યમાં લાવવામાં આવશે કે ફરીથી માર્ચમાં કેંદ્રમાં મોકલવામાં આવશે.

પરંતુ આજે ભાજપે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, એ કોઈ પણ કિંમતે પાટીદારોનું તુષ્ટીકરણ કરીને અન્ય સમાજોને નારાજ કરવા નથી ઇચ્છતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો